You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રામમંદિર ભૂમિપૂજન : 'મિટાવવાના પ્રયાસો થયા પણ રામ આપણાં મનમાં વસે છે', નરેન્દ્ર મોદીનું સંબોધન
અયોધ્યામાં આજે માહોલ ઉત્સવનો છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રામમંદિરનું ભૂમિપૂજન થયું અને તેમણે મંદિરની આધારશિલા મૂકી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે સંબોધન કર્યું હતું.
તેમણે કહ્યું, "આજે આ જયઘોષ શ્રીરામની નગરીમાં જ નહીં, આની ગૂંજ વિશ્વભરમાં સંભળાય છે."
"દેશ અને વિશ્વના કરોડો-કરોડો રામભક્તોને કોટી-કોટી અભિનંદન પાઠવું છું."
"મારું સદ્ભાગ્ય છે કે મને આ ઐતિહાસિક કામ કરવાનો મોકો મળ્યો અને હું આભાર માનું છું. ભારત સરયૂના કિનારે આજે એક સ્વર્ણિમ અધ્યાય રચી રહ્યો છે."
"આજે સંપૂર્ણ ભારત રામમય છે, લોકોનું વર્ષો જૂનું સ્વપ્ન પૂર્ણ થઈ રહ્યું છે."
"વર્ષો સુધી ટૅન્ટમાં રહેલા રામલલા માટે હવે ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "આઝાદી આંદોલન વખતે અનેક પેઢીઓએ પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું હતું, ગુલામી વખતે એવો સમય, એવો ભૂ-ભાગ નહોતો જ્યાં આંદોલન ન થયાં હોય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"15 ઑગસ્ટ એ બલિદાનની ભાવનાનું પ્રતીક છે. એ જ રીતે રામમંદિર માટે અનેક સદીઓ સુધી, અનેક પેઢીઓએ અખંડ પ્રયાસ કર્યા છે. આજનો આ દિવસ એ જ પ્રેમ, તપ અને સંકલ્પનું પ્રતીક છે. રામમંદિર માટેના આંદોલનમાં અર્પણ પણ હતું અને તર્પણ પણ હતું."
"જેમની તપસ્યા આ રામમંદિરના પાયામાં જોડાયેલી છે એ 130 કરોડ દેશવાસીઓને હું નમન કરું છું."
"આજની આ ઐતિહાસિક ઘડી યુગો સુધી ભારતની કીર્તિપતાકા લહેરાવતી રહેશે."
નરેન્દ્ર મોદીએ કહ્યું, "રામનું જીવન અને ચરિત્ર જ ગાંધીજીના રામરાજ્યનો હાર્દ છે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, સંઘના વડા મોહન ભાગવત અને રાજ્યપાલ આનંદીબહેન પટેલ સહિતના મહેમાન પૂજામાં બેઠાં હતાં.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામજન્મભૂમિ પહોંચ્યા બાદ રામલલાની મૂર્તિના દર્શન કરવા ગયા હતા.
વડા પ્રધાને દર્શન બાદ મંદિરના પરિસરમાં છોડ રોપ્યો હતો.
ગુજરાતમાં ગાંધીનગરમાં સ્થિત ભાજપ કાર્યાલય ખાતે રામમંદિરની રંગોળી તૈયાર કરવામાં આવી હતી.
'કારસેવકોને ભૂલનારા રામદ્રોહી'
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર શિવસેનાએ કહ્યું છે કે રામમંદિરના ભૂમિપૂજનમાં કારસેવકોના બલિદાનને ભૂલી જનારા 'રામદ્રોહી' હશે.
આ અગાઉ ભૂમિપૂજન દરમિયાન શિવસેનાએ બાલ ઠાકરેનો જૂનો વીડિયો ટ્વીટ કર્યો હતો.
આ વીડિયો ક્લિપ શિવસેનાના સ્થાપક બાલ ઠાકરેના એક જૂના વીડિયોની છે.
આ વીડિયો ક્લિપમાં બાલ ઠાકરે કહી રહ્યા છે કે "બાબરી મસ્જિદનો ઢાંચો તોડી પાડીને શિવસેનાનો ઝંડો લગાવવો એ ગૌરવની વાત હતી. એમાં કોઈ શરમની વાત નથી."
"બાબરી મસ્જિદની નીચે રામનું જે મંદિર હતું, એ અમે ઉપર લાવ્યા."
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ શું કહ્યું?
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રામમંદિરના ભૂમિપૂજન અંગે કહ્યું, "21મી સદીના ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. 500 વર્ષની તપસ્યા, શ્રદ્ધા અને સંઘર્ષ, આજે રામલલાના મંદિરના ભૂમિપૂજન સાથે સાકાર થવા જઈ રહ્યાં છે."
"કરોડો હિંદુઓના હૃદયમાં બિરાજતાં ભગવાન શ્રીરામના જન્મસ્થળે અનેક વિવાદો બાદ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપીને મંદિર બનાવવાનો રસ્તો સરળ કરી આપ્યો અને આજથી ત્યાં મંદિર બનવાની શરૂઆત થશે."
તેમણે કહ્યું "સોગંધ રામ કી ખાતે હૈ, મંદિર વહી બનાયેંગેનો નારો આજે ચરિતાર્થ થઈ રહ્યો છે."
મસ્જિદ હંમેશાં રહેશે: મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ
અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરીને લખ્યું, "બાબરી મસ્જિદ છે, હતી અને રહેશે."
આ મામલે ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરતાં લખ્યું, "બાબરી મસ્જિદ હતી અને અને હંમેશાં રહેશે."
"હાગિયા સોફિયા આપણી માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે. અન્યાયી, જુલ્મી, શરમજનક રીતે બહુમતને સંતોષતા ચુકાદાથી લીધેલી જમીનથી દરજ્જો નહીં બદલાય."
"દિલગીર થવાની જરૂર નથી. કોઈ પણ સ્થિતિ હંમેશાં માટે રહેતી નથી."
અયોધ્યામાં કેવો છે માહોલ?
હિંદુઓ માટે શુભ ગણાતાં પીળા રંગથી રસ્તા પરની દુકાનોને રંગવામાં આવી છે અને આખા અયોધ્યામાં લાઉડસ્પીકર પરથી જયશ્રી રામનો અવાજ સંભાળાય છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ બનેલું શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે.
જોકે, ટ્રસ્ટ ઉપરાંત રાજ્ય સરકાર અને અયોધ્યા પ્રશાસન પણ અનેક દિવસોથી કામગીરીમાં લાગેલા છે.
મંગળવારે સવારે હનુમાનગઢીમાં પૂજા સાથે કાર્યક્રમની શરૂઆત થઈ છે. અનેક મંદિરોમાં અખંડ રામાયણ પાઠ ચાલી રહ્યા છે તો સરયૂને કિનારે દીપોત્સવનો પણ બે દિવસનો કાર્યક્રમ છે. અયોધ્યામાં સુરક્ષાવ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.
આજે બપોરે 12.30 વાગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિરનું ભૂમિપૂજન કરવાના છે. વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીની આ પહેલી અયોધ્યા મુલાકાત છે.
જ્યારે અયોધ્યા પહોંચ્યા નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિરના નિર્માણના ભૂમિપૂજનમાં સામેલ થવા માટે વાયુસેનાના વિમાનથી અયોધ્યા પહોંચી ગયા હતા.
તેઓ ભારતીય વાયુસેનાના વિમાનમાંથી ઊતર્યા એ વખતે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું.
આ અગાઉ વડા પ્રધાને તેમના ટ્વિટર હૅન્ડલથી ટ્વીટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર શૅર કરી હતી, જેમાં તેઓ ભારતીય વાયુસેનાના વિમાનમાં સવાર થતાં દેખાતા હતા.
તસવીરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરંપરાગત પોશાકમાં દેખાય છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો