You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રામજન્મભૂમિ : અયોધ્યામાં નરેન્દ્ર મોદીના અંગરક્ષકો બન્યા કોરોનાથી સાજા થયેલા પોલીસકર્મીઓ
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, બીબીસી ગુજરાતી માટે
અયોધ્યામાં રામમંદિર ભૂમિપૂજન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ પોલીસજવાનોની સુરક્ષામાં હતા, જેઓ કોરોનાથી સંક્રમિત થયા બાદ સાજા થઈ ગયા છે.
મુખ્ય સુરક્ષાઘેરામાં એવા જ 'કોરોના વૉરિયર'ની સુરક્ષા રહી, જ્યારે બહારના પોલીસકર્મીઓ એ હતા જે છેલ્લાં બે અઠવાડિયાંથી ક્વૉરેન્ટીનમાં રહેતા અને કોવિડ પરીક્ષણમાં નૅગેટિવ આવ્યા છે.
અયોધ્યા પરિક્ષેત્રના પોલીસ મહાનિરીક્ષક ડૉક્ટર સંજીવ ગુપ્તાએ બીબીસીને જણાવ્યું, "વડા પ્રધાનની મુખ્ય સુરક્ષામાં ત્રણસો પોલીસકર્મી તહેનાત હતા અને બધા કોરોનાથી રિકવર થઈ ગયા છે. આમ તો સુરક્ષામાં અંદાજે ત્રણ હજાર પોલીસક્રમી લાગેલા હતા, પરંતુ મુખ્ય સુરક્ષાઘેરમાં તેમને રાખવામાં આવ્યા હતા, જેઓ કોરોનાનો જંગ જીતી ચૂક્યા છે. અન્ય પોલીસકર્મીઓનો પણ કોવિડ-ટેસ્ટ થયો છે અને કોવિડ સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં રાખીને બધાની તહેનાતી કરાઈ હતી."
પીએમ નરેન્દ્ર મોદી રામમંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન અયોધ્યા શહેરમાં અંદાજે ત્રણ કલાક રહ્યા હતા.
જોકે જાણકારોનું કહેવું છે કે સંક્રમણથી રિકવર થયેલા દર્દીઓ પોતાના શરીરમાં ઍન્ટિબૉડી વિકસિત કરી લે છે, જેના કારણે તેમને બીજી વાર કોરોના થવાની શક્યતા રહેતી નથી.
જાણકારો અનુસાર, કમસે કમ કેટલાક મહિના માટે આ ઍન્ટિબૉડી તેમને બીમારીના ખતરાથી બચાવે છે. આથી સંક્રમણથી મુક્ત થયેલા લોકોના પ્લાઝ્માનો ઉપયોગ સંક્રમિત લોકોની સારવાર માટે પણ કરવામાં આવે છે.
કોરોના વૉરિયરથી વધારે સ્વસ્થ કોણ?
પોલીસ મહાનિરીક્ષક સંજીવ ગુપ્તાએ કહ્યું કે વડા પ્રધાન મોદીનો પ્રોટોકૉલ હોય છે કે તેમને સ્વસ્થ સુરક્ષાકર્મી દ્વારા સુરક્ષા આપવામાં આવે અને આ સમયે કોવિડ-19 વૉરિયરથી વધુ કોણ સ્વસ્થ હોઈ શકે છે.
આ અગાઉ અયોધ્યા પરિક્ષેત્રના ડીઆઈજી દીપક કુમારે મીડિયાને જણાવ્યું હતું કે આ અંગે રાજ્યના પોલીસ મહાનિદેશકે 29 જુલાઈએ એક પત્ર લખ્યો હતો, જેમાં એવા પોલીસકર્મીઓની સૂચિ અપાઈ હતી, જેઓ કોરોનાથી સાજા થઈ ગયા હતા અને અયોધ્યા જવા માટે તૈયાર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડીઆઈજીએ જણાવ્યું કે તેમની વિનંતીને તરત સ્વીકારી લેવાઈ અને બાદમાં એ પોલીસકર્મીઓની તહેનાતીની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. જેમાં મોટા ભાગના પોલીસકર્મી લખનૌના છે, જ્યારે કેટલાક અન્ય જિલ્લાઓના પણ છે.
સંક્રમણથી મુક્ત થયેલા પોલીસકર્મીઓ સિવાય સુરક્ષાઘેરામાં મોટા ભાગના પોલીસકર્મી એ રહ્યા જે છેલ્લા 48 કલાકમાં પરીક્ષણની પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂક્યા હતા અને નૅગેટિવ આવ્યા હતા.
ડીઆઈજી દીપક કુમાર અનુસાર, "અમારો ઉદ્દેશ છે કે દરેક પોલીસકર્મી, જેના પર પીએમની નજર પડે, એ કાં તો કોરોના વૉરિયર હોય અથવા તો છેલ્લા 48 કલાકમાં પરીક્ષણ કરાવ્યું હોય અને નૅગેટિવ આવ્યા હોય."
અયોધ્યાના જિલ્લાધિકારી અનુજકુમાર ઝાનું કહેવું છે કે આખા શહેરને સેનેટાઇઝ કરાયું છે અને લોકોને અપીલ કરાઈ છે કે તેઓ ઘરોમાં જ રહે અને ટીવી પર કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળે.
રાજ્યનાં અન્ય શહેરની જેમ અયોધ્યામાં પણ કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સંક્રમણને કારણે અહીં અત્યાર સુધીમાં 16 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 600થી વધુ લોકોની સારવાર ચાલી રહી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો