અયોધ્યામાં રામમંદિરના આંદોલનના ભુલાયેલા દસ ચહેરાઓ

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ ઑગસ્ટે અયોધ્યામાં રામમંદિરની આધારશિલા રાખી. કોરોના મહામારીના સમયમાં થઈ રહેલા આ કાર્યક્રમ માટે જોરશોરથી તૈયારીઓ કરાઈ હતી.

આખું અયોધ્યાતંત્ર અને ઉત્તર પ્રદેશ સરકાર આ કાર્યક્રમની તૈયારીમાં લાગેલું હતું. મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યા પહોંચીને તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું.

ગત વર્ષે નવ નવેમ્બરે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ અયોધ્યામાં રામમંદિરનિર્માણનો રસ્તો સાફ થઈ ગયો હતો.

મંદિરનિર્માણ માટે સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર એક ટ્રસ્ટની રચના કરાઈ છે, જેણે પાંચ ઑગસ્ટે આધારશિલા રાખવાનો નિર્ણય લીધો હતો.

પણ રામમંદિર આંદોલનના ઘણા એવા ચહેરાઓ પણ છે, જે આ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા.

સુપ્રીમ કોર્ટે શનિવાર 9 નવેમ્બર, 2019માં અયોધ્યા પર નિર્ણય સંભળાવતાં જમીનનો એ ભાગ હિંદુ પક્ષને આપવાનો નિર્ણય લીધો, જ્યાં બાબરી મસ્જિદ હતી.

આ નિર્ણય બાદ તુરંત ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વીટ કરીને વિશ્વ હિન્દુ પરિષદના દિવંગત નેતા અશોક સિંઘલને ભારતરત્ન આપવાની માગ કરી નાખી.

અશોક સિંઘલ રામમંદિર આંદોલનના અગ્રણી નેતા હતા અને ચાર વર્ષ પહેલાં જ તેમનું નિધન થયું હતું.

સિંઘલ 20 વર્ષ સુધી વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના કાર્યકારી અધ્યક્ષ હતા.

માનવામાં આવે છે કે સિંઘલ એ શખ્સ હતા, જેમણે અયોધ્યાવિવાદને સ્થાનિક જમીનવિવાદથી અલગ જોયો અને તેને રાષ્ટ્રીય આંદોલન બનાવાવામાં મોટી ભૂમિકા ભજવી.

સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને કહ્યું હતું, "જીતની આ ઘડીમાં અશોક સિંઘલને યાદ કરવા જોઈએ. નમો સરકારે તેમના માટે તાત્કાલિક ભારતરત્નની ઘોષણા કરવી જોઈએ."

જોકે રામમંદિર આંદોલનમાં 1990ના દશકમાં ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણી સૌથી મુખ્ય ચહેરો એટલા માટે બન્યા કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો ત્યારે કેન્દ્રમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેઓ લાલકૃષ્ણ અડવાણીને મળવા જશે અને તેમને અભિનંદન આપશે.

"તેઓએ આના માટે રથયાત્રા કાઢી હતી. હું ચોક્કસથી તેમને મળીશ અને તેમના આશીર્વાદ લઈશ."

અડવાણીને અભિનંદન આપનારાઓમાં ઉદ્ધવ એકલા નહોતા. ભાજપનાં વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ પણ ટ્વીટ કરીને અશોક સિંઘલ અને અડવાણીને અભિનંદન આપ્યાં.

ઉમા ભારતી કોર્ટનો નિર્ણય આવ્યા બાદ તરત અડવાણીને મળવા તેમના ઘરે ગયાં હતાં. ત્યાં તેઓએ મીડિયાને કહ્યું હતું, "આજે અડવાણીજી સામે માથું નમાવવું જરૂરી છે."

તેઓએ ટ્વીટ કરીને કહ્યું હતું, "લાલકૃષ્ણ અડવાણીજીને અભિનંદન, જેમના નેતૃત્વમાં અમે બધાં લોકોએ આ મહાન કાર્ય માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધું હતું."

ખુદ ઉમા ભારતી પણ રામમંદિર આંદોલન સાથે જોડાયેલાં હતાં અને રાજકારણમાં પ્રવેશ બાદ મધ્યપ્રદેશનાં મુખ્ય મંત્રી પણ રહ્યાં હતાં. અને ભાજપ સામે બળવો કર્યા બાદ ફરી ભાજપમાં આવ્યાં અને નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળમાં મંત્રી પણ રહ્યાં.

તો સવાલ ઊઠે કે રામમંદિર મામલે કોઈ એકને શ્રેય કેવી રીતે અપાય, કેમ કે તેના ઘણા ચહેરા રહ્યા છે.

નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલાં અયોધ્યા મામલાએ ઘણા પડાવો પાર કર્યા અને હવે રામમંદિરનું નિર્માણ શરૂ થવા જઈ રહ્યું છે.

રામમંદિર આંદોલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ સાથે જોડાયેલા ઘણા નેતાઓની મહત્ત્વની ભૂમિકા રહી છે.

આવા નેતાઓમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણ સિંહ, વિનય કટિયાર, સાધ્વી ઋતંભરા, પ્રવીણ તોગડિયા અને વિષ્ણુ હરિ દાલમિયા જેવાં પ્રમુખ નામો સામેલ છે.

તો આવો એક નજર એવા લોકો પર નાખીએ, જેમણે રામમંદિરની માગ માટે ચાલેલા આંદોલનમાં મુખ્ય ભૂમિકા નિભાવી.

અશોક સિંઘલ

મંદિરનિર્માણ આંદોલન ચલાવવા માટે જનસમર્થન ઊભું કરવામાં અશોક સિંઘલની મુખ્ય ભૂમિકા રહી છે.

ઘણા લોકોની નજરમાં તેઓ આંદોલનના ચીફ આર્કિટેક્ટ હતા.

તેઓ 2011 સુધી વીએચપીના અધ્યક્ષ રહ્યા છે અને ત્યારબાદ સ્વાસ્થ્યના કારણસર તેમણે રાજીનામું આપી દીધું હતું. 17 નવેમ્બર. 2015ના રોજ તેમનું નિધન થયું હતું.

લાલકૃષ્ણ અડવાણી

ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના નાયબ વડા પ્રધાન રહી ચૂકેલા લાલકૃષ્ણ અડવાણીએ આ આંદોલને લોકો સુધી લઈ જવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી.

લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા શરૂ કરી હતી.

જોકે બિહારના તત્કાલીન મુખ્ય મંત્રી લાલુ પ્રસાદ યાદવે સમસ્તીપુર જિલ્લામાં તેમની ધરપકડ કરી હતી.

ચાર્જશીટ પ્રમાણે, અડવાણીએ 6 ડિસેમ્બર, 1992એ કહ્યું હતું કે "આજે કારસેવાનો છેલ્લો દિવસ છે." અડવાણી વિરુદ્ધ મસ્જિદ તોડી પાડવાનું ષડયંત્ર રચવાનો ગુનો દાખલ થયો હતો, જેની કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે.

મુરલી મનોહર જોષી

1992માં બાબરી મસ્જિદ ધ્વંસ સમયે મુરલી મનોહર જોષી અડવાણી બાદ ભાજપના બીજા સૌથી મોટા નેતા હતા.

6 ડિસેમ્બર, 1992ના ઘટના સમયે તેઓ વિવાદિત જગ્યા પર હાજર હતા.

ગુંબજના તૂટી જવા પર ઉમા ભારતી તેમને ગળે મળ્યાં હતાં. તેઓ વારાણસી, અલાહાબાદ અને કાનપુરથી સાંસદ રહી ચૂક્યા છે. હાલ તેઓ ભાજપના માર્ગદર્શક મંડળમાં છે.

કલ્યાણ સિંહ

6 ડિસેમ્બર, 1992માં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી કલ્યાણ સિંહ હતા.

તેમના પર આરોપ છે કે તેમની પોલીસ અને પ્રશાસને જાણીજોઈને કારસેવકોને રોક્યા નહોતા.

ત્યારબાદ કલ્યાણ સિંહે ભાજપથી અલગ થઈને રાષ્ટ્રીય ક્રાંતિ પાર્ટી બનાવી, પરંતુ તેઓ ભાજપમાં પાછા આવી ગયા.

કલ્યાણ સિંહનું નામ એ 13 લોકોમાં સામેલ હતું, જેમના પર મસ્જિદ તોડી પાડવાના ષડયંત્રનો આરોપ લાગ્યો હતો.

વિનય કટિયાર

રામમંદિર આંદોલન માટે 1984માં 'બજરંગ દળ'ની રચના થઈ હતી અને પહેલા અધ્યક્ષ તરીકેની જવાબદારી વિનય કટિયારને સોંપવામાં આવી હતી.

બજરંગ દળ કાર્યકર્તાઓએ જન્મભૂમિ આંદોલનને આક્રમક બનાવ્યું.

6 ડિસેમ્બર બાદ કટિયારનું રાજકીય કદ ઝડપથી મોટું થયું. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પણ બન્યા.

કટિયાર ફૈઝાબાદ (અયોધ્યા) લોકસભા સીટથી ત્રણ વખત સાંસદ પણ ચૂંટાયા.

સાધ્વી ઋતંભરા

સાધ્વી ઋતંભરા એક સમયે હિંદુત્વનાં ફાયર-બ્રાન્ડ નેતા હતાં.

બાબરી મસ્જિદધ્વંસ મામલામાં તેમના વિરુદ્ધ ગુનાહિત આરોપો નક્કી કરવામાં આવ્યા હતા.

અયોધ્યા આંદોલન દરમિયાન કથિત રીતે તેમનાં ઉગ્ર ભાષણોની ઑડિયો કૅસેટ આખા દેશમાં ફરી રહી હતી.

જેમાં તેઓ કથિત રીતે વિરોધીઓને 'બાબરની ઔલાદ' કહી લલકારતાં હતાં.

ઉમા ભારતી

મંદિર આંદોલન દરમિયાન મહિલાઓના ચહેરા સ્વરૂપે તેમની ઓળખાણ ઊભરી.

લિબ્રહાન આયોગ દ્વારા બાબરીધ્વંસમાં તેમની ભૂમિકા દોષિત રહી છે તેવું કહેવામાં આવ્યું છે.

તેમના પર ભીડને ભડકાવવાનો આરોપ લાગ્યો, જેનો તેમણે ઇનકાર કર્યો હતો.

ઉમા ભારતી કેન્દ્રની અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્રર મોદી સરકારમાં મંત્રી રહ્યાં.

મધ્યપ્રદેશનાં તેઓ મુખ્ય મંત્રી પણ રહી ચૂક્યાં છે. ઉમા ભારતીને ભાજપમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં.

વર્ષો બાદ તેઓ ફરી ભાજપમાં જોડાયાં હતાં. 2019ની સંસદીય ચૂંટણીથી તેઓ અલગ રહ્યાં અને ભાજપની જીત બાદ તેઓ મંત્રી ન રહ્યાં.

પ્રવીણ તોગડિયા

વિશ્વ હિંદુ પરિષદના બીજા નેતા પ્રવીણ તોગડિયા રામમંદિર આંદોલન વખતે ખૂબ સક્રિય હતા.

અશોક સિંઘલ બાદ વિશ્વ હિંદુ પરિષદની કમાન તેમને જ સોંપવામા આવી હતી.

જોકે હાલમાં જ વીએચપીથી અલગ થઈને તેમણે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ નામનું સંગઠન બનાવ્યું છે. પ્રવીણ તોગડિયા હાલમાં અલગ પડી ગયા છે.

વિષ્ણુ હરિ દાલમિયા

વિષ્ણુ હરિ દાલમિયા વિશ્વ હિંદુ પરિષદના જ વરિષ્ઠ સભ્ય હતા અને તેઓ સંગઠનમાં ઘણાં પદો પર રહ્યા.

તેઓ બાબરી મસ્જિદ પાડવાના મામલામાં સહઆરોપી હતા. 16 જાન્યુઆરી, 2019ના દિલ્હીમાં ગોલ્ફ લિંકસ્થિત તેમના નિવાસસ્થાને તેમનું નિધન થયું હતું.

આ લિસ્ટ તો ઘણું લાંબું છે, પણ શ્રેય કોને આપવું. એક વાત સ્પષ્ટ છે કે તેનાથી રાજકીય રીતે હાંસિયા પર રહેલા ભાજપને એ રાજકીય સમર્થન મળ્યું, જેના પર સવાર થઈને ભાજપ કેન્દ્રમાં પહેલા ગઠબંધન અને પછી પોતાના બળે સરકાર બનાવવામાં સફળ રહ્યો.

હવે નરેન્દ્ર મોદી ભાજપનો ચહેરો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો