કોરોના વાઇરસ : એ ડૉક્ટરો જે સંક્રમિત થયા છતાં સાજા થઈને કોરોના સામેની લડાઈમાં જોડાયાં

ઇમેજ સ્રોત, Dr. Phalguni Vora
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
કોરોનાના દરદીની સારવાર કરી રહેલા રાજ્યમાં ડૉક્ટર્સ પણ પોતે કોરોનાના દરદી બની રહ્યા છે. આપણે વાત કરીશું એવા ડૉક્ટર્સની કે જેઓ કોરોનાના દરદીની સારવાર દરમિયાન પોતે કોરોનાના દરદી થયા અને સાજા થઈને ફરી પાછા દરદીની સારવારમાં લાગી ગયા.
અમદાવાદના મણિનગરમાં હૉસ્પિટલ ચલાવતાં ડૉ. ફાલ્ગુની અને ડૉ. પ્રજ્ઞેશ વોરાને દરદી દ્વારા જ કોરોનાનો ચેપ લાગ્યો હતો.
તેઓ એ દિવસોમાં કોરોનાગ્રસ્ત થયાં હતાં જ્યારે અમદાવાદમાં બજારો અને જનજીવન ઠપ હતાં, એટલે કે લોકડાઉન લાગુ હતું.
ઘરે બાળકો અને વડીલોને મૂકીને ડૉક્ટર દંપતી પોતે દરદી તરીકે હૉસ્પિટલમાં દાખલ થયું હતું.
આ દિવસો તેમના જીવનમાં ઉતારચઢાવભર્યા હતા. અંતે તેઓ કોરોના સામે જંગ જીતીને આવ્યાં હતાં.
કોરોનાની મહામારી હવે પહેલાં કરતાં ખૂબ વધી ગઈ છે. એ સ્થિતિમાં કોરોનામાંથી સાજા થયા બાદ તેમણે ફરી દરદીને જોવાનું પણ શરૂ કરી દીધું હતું.

'બાળકોને મૂકીને હૉસ્પિટલ જવાનું હતું'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ડૉ. પ્રજ્ઞેશ વોરા બીબીસીને કહે છે કે "16 એપ્રિલે મને હળવો તાવ આવ્યો અને 17 એપ્રિલે મારાં પત્ની ડૉ. ફાલ્ગુનીને પણ હળવો તાવ આવ્યો હતો. 18 એપ્રિલે ટેસ્ટ કરાવ્યો તો અમે બંને કોરોના પૉઝિટિવ હતાં."
"સરદાર વલ્લભભાઈ પટેલ (એસવીપી) હૉસ્પિટલમાં અમે દાખલ થયાં હતાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"એ વખતે લૉકડાઉનનો તબક્કો હતો. બધું બંધ હતું. એવા સમયે મારે અને પત્નીએ બાળકો અને વડીલને ઘરે મૂકીને હૉસ્પિટલમાં દાખલ થવાનું હતું. તેથી એ સમયગાળો દોડધામભર્યો અને ચિંતાજનક હતો."
"બધું બંધ હોવાથી ખોરાકથી લઈને અન્ય સગવડો બાળકો અને વડીલો કઈ રીતે પૂરી કરશે એ સવાલ સતાવતો હતો.”
આ વાતમાં સૂર પૂરાવતાં ડૉ. ફાલ્ગુની કહે છે કે "ભલું થજો અમારા મિત્રો અને સંબંધીઓનું. અમે હૉસ્પિટલમાં હતાં ત્યારે ઘરની તમામ જવાબદારી અને સગવડો તેમણે સાચવી હતી."
"સંબંધીઓ ટીમ બનાવીને રોજેરોજ ભોજનથી માંડીને તમામ જરૂરી વસ્તુઓ ઘરે પહોંચતી કરતા હતા."
ડૉ. ફાલ્ગુની વોરા કહે છે કે "હું ભલે ડૉક્ટર હોઉં પણ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો એટલે પહેલાં તો ડર જ લાગ્યો હતો."
"અમે હૉસ્પિટલમાં દાખલ થયાં એ પછી જે પ્રકારનો ધમધમાટ હતો, તેમજ વૉર્ડમાં આસપાસ કોરોનાના દરદીઓને જોઈને ગભરામણ તો થઈ જ હતી."
તેઓ કહે છે કે "બે-ત્રણ દિવસ મનમાં બેચેની રહી હતી. અમને કોઈ તીવ્ર લક્ષણો નહોતાં એટલે ધરપત હતી કે વાંધો નહીં આવે. એક્સ-રે અને લોહીનો રિપોર્ટ કઢાવ્યો એ પછી અમે રિલેક્સ થયા કે બધું નૉર્મલ છે."
"બીજા દિવસથી અમે એચસીજી હૉસ્પિટલમાં દાખલ થયાં હતાં."
ડૉ. પ્રજ્ઞેશ વોરા કહે છે કે "મને અને ફાલ્ગુનીને કોરોના થયો એને લીધે સૌથી વધુ અમારાં માતાપિતા ગભરાઈ ગયાં હતાં. અમને હળવાં લક્ષણ હતાં, પણ તેમને બીક હતી કે ઘરે પાછા ક્યારે આવશે? કોરોનાના હાઉને લીધે તેઓ ગભરાઈ ગયાં હતાં."
"અમને બીક એ હતી કે ઘરનાં બાળકો તેમજ વડીલોને પણ કદાચ કોરોના થયો હશે તો? અમે હૉસ્પિટલમાંથી પણ તેમને સતત ફોન કરીને પૂછ્યા કરતા હતા કે ઉધરસ કે ગળામાં બળતરા કે એવું કાંઈ નથી ને?"
"અમે પરિવારજનોના ટેસ્ટ પણ કરાવ્યા હતા. સદનસીબે પરિવારમાં તો અન્ય કોઈ પૉઝિટિવ ન આવ્યા."

'અમે ફરજ પર જોડાઈ ગયાં'

ઇમેજ સ્રોત, Dr. Vora
ડૉક્ટર દંપતી 18 એપ્રિલે કોરોના પૉઝિટિવ થયા બાદ હૉસ્પિટલમાં દાખલ થયું હતું.
બંનેનો રિપોર્ટ નૅગેટિવ આવ્યા પછી આઇસોલેશન તબક્કો પૂરો કરીને 29 એપ્રિલે ઘરે આવ્યાં હતાં. ઘરે આવીને પણ 15 દિવસ એકાંતવાસ એટલે ક્વૉરેન્ટીન રહ્યાં હતાં.
એ પછી ફરી હૉસ્પિટલ શરૂ કરવા અંગે મનમાં કોઈ અવઢવ હતી?
આ સવાલના જવાબમાં ડૉ. પ્રજ્ઞેશ કહે છે કે "હા, એ વખતે શરૂઆતમાં થોડી હિંમત નહોતી થતી. જોકે 10 મે પછી અમે હૉસ્પિટલ શરૂ કરી અને 15 મેથી મેં વિધિવત્ નિદાન-સારવાર વગેરે શરૂ કરી દીધાં હતાં."
"એક જૂનથી ડૉ. ફાલ્ગુનીએ હૉસ્પિટલમાં કામકાજ શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં સવારે જ હૉસ્પિટલ શરૂ રાખતા હતા. પછી ધીમેધીમે સવાર-સાંજ બંને સમય હૉસ્પિટલ શરૂ કરી હતી."
આ વાતનો તંતુ જોડતાં ડૉ. ફાલ્ગુની કહે છે કે "અમે ઘરે આવી ગયાં પછી અમારા ઘણા દરદીના નિદાન અને સારવારને લગતાં ફોનકૉલ્સ અને મૅસેજ આવતા હતા."
"અમારા કોઈ દરદી ફોન કરે તો અમે જવાબ આપતાં જ હતાં. ફોનકૉલ્સ વગેરે ખૂબ વધી ગયા પછી એક તબક્કે લાગ્યું કે હવે તો હૉસ્પિટલ શરૂ કરવી જ પડશે."
"એ પછી અમે ફરી ડૉક્ટર તરીકે ફરજમાં જોડાઈ ગયા હતા."

'એ તેર દિવસ ક્યારેય નહીં ભુલાય'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
કોરોનાનો ચેપ કઈ રીતે લાગ્યો એ વાત કરતાં ડૉ. પ્રજ્ઞેશ વોરા કહે છે કે અમારી હૉસ્પિટલમાં તાવથી માંડીને અન્ય ડાયાબિટીસ, હાઇપર ટેન્શનના દરદી સારવાર માટે આવે છે. અમે પૂરતી તકેદારી રાખીને જ કામ કરતાં હતાં.
"છાતીમાં દુખાવો થતો હોય એવા એક ડાયાબિટીસના દરદી અમારે ત્યાં આવ્યા હતા. તેમનો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કર્યો."
"એની પ્રક્રિયા થોડા નજીક રહીને કરવી પડે. એ રિપોર્ટ નૉર્મલ આવ્યો એટલે ઍક્સ-રે કરાવ્યો, જેમાં ન્યુમોનિયા આવ્યો. ન્યુમોનિયા આવ્યો એટલે એસવીપી હૉસ્પિટલમાં ટેસ્ટ કરવા મોકલ્યા."
"જ્યાં તેમને કોરોના હોવાનું બહાર આવ્યું અને દાખલ કરવામાં આવ્યા."
તેઓ કહે છે કે એ દરદી કોરોનાગ્રસ્ત હોવાથી અમદાવાદ કૉર્પોરેશને અમારી હૉસ્પિટલ બંધ કરી હતી અને અમે પણ ક્વૉરેન્ટીન થઈ ગયાં હતાં. એના અઠવાડિયા પછી અમને હળવો તાવ આવ્યો અને કોરોના પૉઝિટિવ થયાં હતાં.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
ડૉ. ફાલ્ગુની વોરા કહે છે કે "ડૉક્ટર તરીકે અમને પણ ક્યારેય કલ્પના નહોતી કે કોરોનાને લીધે રાજ્યમાં અને દેશમાં આ પ્રકારની સ્થિતિ સર્જાશે."
"એવું પણ ક્યારેય નહોતું વિચાર્યું કે હૉસ્પિટલમાં અમે દરદીઓની સારવાર કરતાં હોઈએ પણ કોઈ તબક્કે અમારે દરદી થઈને હૉસ્પિટલમાં જવું પડશે. હું ક્યારેય હૉસ્પિટલમાં દાખલ થઈ નથી."
"અચાનક એક દિવસ કોરોનાને લીધે તાબડતોબ હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું. તેર દિવસ સુધી હૉસ્પિટલમાં રહેવું પડ્યું. આ તેર દિવસ જે દોડધામ અને ઉચાટભર્યા રહ્યા તે જીવનમાં ક્યારેય નહીં ભુલાય."
"એક ડૉક્ટર તરીકે અને વ્યક્તિ તરીકે પણ એ તેર દિવસો અમને ઘણું શીખવી ગયા. હું અને પ્રજ્ઞેશ બંને કોરોનાનાં દરદી હતાં. હૉસ્પિટલમાં ભલે અલગ રૂમમાં હતાં પણ સાથે હતાં, એની પણ હૂંફ હતી."

'મને થયું કે હું ફરી બાળકોને જોઈ શકીશ કે નહીં?'

ઇમેજ સ્રોત, Dr.Meghavi
"હું અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં બારસો ખાટલાની જે વિશેષ કોવિડ હૉસ્પિટલમાં ફરજ પર હતી. ત્યાં અમે આઠ કલાક ખડેપગે ફરજ બજાવતાં હતાં."
આ શબ્દો રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં એમડી મેડિસિન ડૉક્ટર તરીકે ફરજ બજાવતાં મેઘાવી ભાપલના છે.
"ત્યાં ઇમર્જન્સી વૉર્ડમાં ડ્યુટી પર હોવાથી સતત કોરોના દરદી વચ્ચે રહેવાનું હતું. ત્યાં પેશન્ટ લોડ અને વાઇરલ લોડ ખૂબ હતો. એ દરમિયાન ક્યારે અને કેવી રીતે ચેપ લાગ્યો તે કળવું મુશ્કેલ હતું."
"હું અમદાવાદથી આવી પછી મને હળવાં લક્ષણ હતાં. ટેસ્ટ કરાવ્યો તો પૉઝિટિવ આવ્યો."
તેઓ દસ દિવસ માટે અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં બારસો ખાટલાની જે કોવિડ હૉસ્પિટલ છે, ત્યાં ફરજ પર ગયાં હતાં.
અગિયાર જૂને તેઓ અમદાવાદથી રાજકોટ આવ્યાં અને ટેસ્ટ કરાવ્યો તો તેઓ કોરોના પૉઝિટિવ હતાં. બારમી જૂને તેઓ હૉસ્પિટલમાં દાખલ થયાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. મેઘાવીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે "એક ડૉક્ટર તરીકે ફરજ તો બજાવવાની જ હોય. તેથી ફરજ પર ચઢ્યાં ત્યારે જ નક્કી કરી લીધું હતું કે કોરોના થાય તો ભલે થાય પણ ફરજ તો બજાવવાની જ છે."
"હું કોરોના પૉઝિટિવ થઈ એ પહેલાં અને પછી પણ ફરજ તો ચાલુ જ છે. છેલ્લા ચાર મહિનાથી હું કોરોના દરદીઓની વચ્ચે ડૉક્ટર તરીકે કામ કરું છું."
ડૉ. મેઘાવીને કોરોનામાં એક જુદું જ લક્ષણ સામે આવ્યું હતું, જે સામાન્ય રીતે કોરોનાના દરદીમાં નથી હોતું. તેમનો હાર્ટ રેટ ધીમો પડી ગયો હતો.
વાઇરસ લોડ વધુ હોવાને કારણે ડૉ. મેઘાવીને હૃદય સુધી અસર થઈ ગઈ હતી.
ડૉ. મેઘાવી કહે છે કે "એ વખતે મનમાં ફડકો પેસી ગયો હતો કે હું મારાં બંને બાળકોને ફરી જોઈ શકીશ કે નહીં? મારા પરિવારજનો પણ ગભરાઈ ગયા હતા."
"એ વખતે મને સાથી ડૉક્ટર્સનો ખૂબ સહયોગ મળ્યો હતો. અંતે હું કોરોનાને હરાવીને હેમખેમ બહાર આવી ગઈ હતી."
ડૉ. મેઘાવી જણાવે છે કે "પરિવારનું મહત્ત્વ તો દરેક વ્યક્તિ સમજતી જ હોય છે પણ એ મહત્ત્વની અનુભૂતિ આવા સંજોગોમાં જ થાય છે.અમારું સંયુક્ત કુટુંબ છે. હું હૉસ્પિટલમાં હતી ત્યારે મારી નણંદે ખૂબ મદદ કરી. પરિવારે મને ભરપૂર સહયોગ આપ્યો છે."
ડૉ. મેઘાવી કહે છે કે "મેં પણ પૂરતી તકેદારી રાખી હતી, છતાં હું પૉઝિટિવ થઈ હતી. તેથી ડૉક્ટર બિરાદરીને મારે એટલું જ કહેવું છે કે ડર્યા વગર કામ કરે."
"અમારા જેવા ઘણા ડૉક્ટર્સ છે જે કોરોનાના દરદી થયા બાદ સાજાનરવા થઈને ફરી ડૉક્ટર તરીકે ફરજમાં જોડાઈ ગયા છે."

'હું પણ કોરોના પૉઝિટિવ થાઉં તો નવાઈ નહીં'

ઇમેજ સ્રોત, Dr. Pranay Shah
અમદાવાદની સિવિલ હૉસ્પિટલ સાથે જોડાયેલી બી. જે. મેડિકલ કૉલેજના ડીન ડૉ. પ્રણય શાહને પણ કોરોના થયો હતો.
તેઓ એમડી પેથોલૉજિસ્ટ છે અને સિવિલ હૉસ્પિટલની લૅબોરેટરી સાથે સંકળાયેલા છે.
ડૉ. પ્રણય બીબીસીને જણાવે છે કે "મને કેવી રીતે કોરોના થયો એ મને પણ ખબર નથી. અમે લોકો લૅબોરેટરીમાં ટેસ્ટિંગ વગેરે કામમાં વ્યસ્ત હોઈએ છીએ. મને અંદાજ હતો જ કે હું પણ કોરોના પૉઝિટિવ થાઉં તો નવાઈ નહીં."
"મને કોરોનાનાં તાવ, શરદી કે ઉધરસનાં લક્ષણ નહતાં. સ્વાદ અને સુગંધ મારાથી પરખાતાં નહોતાં. સ્વાદ અને સુગંધ જો ન પરખાય તો કોરોના હોઈ શકે, તેથી મેં ટેસ્ટ કરાવ્યો જે પૉઝિટિવ આવ્યો હતો."
તેઓ કહે છે, "એક સપ્તાહ સુધી તો ઘરે એકાંતવાસ એટલે કે હોમ ક્વૉરેન્ટીન રહીને જ મેં સારવાર મેળવી હતી. એ પછી હળવો તાવ જણાતાં મારે હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. ત્યાં પાંચ દિવસ રહ્યો હતો. રિપોર્ટ નૅગેટિવ આવતાં રજા મળી હતી."
ફરી ફરજ પર હાજર થતી વખતે મનમાં કોઈ મૂંઝવણ હતી?
ડૉ. પ્રણય શાહ કહે છે કે "ના, પછી તો શરીરમાં ઍન્ટીબોડી તૈયાર થઈ ગયા હોય એટલે હાશકારો હતો કે હવે તો કોરોનાનો ભય નથી."
ડૉ. પ્રણય જણાવે છે કે "અમે હૉસ્પિટલમાં કામ કરતાં હોવાથી રોજ દરદીને તપાસતાં હોઈએ છીએ. ખરેખર દરદીની માનસિકતા શું હોય છે એ મને ત્યારે સમજાઈ જ્યારે મારે દરદી તરીકે દાખલ થવાનું આવ્યું."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













