કોરોના વાઇરસનું પરીક્ષણ કરાવવાથી મગજમાં અસર થાય?

    • લેેખક, જેક ગુડમૅન અને ફ્લોરા કાર્માઇકલ
    • પદ, બીબીસી રિયાલિટી ચેક

પાછલા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર કોરોના વાઇરસની ટેસ્ટિંગને લઈને એક તસવીર વાઇરલ થઈ રહી છે.

એ તસવીરમાં દાવો કરાઈ રહ્યો છે કે કોરોના વાઇરસની ટેસ્ટિંગ માટે જે સ્વેબ-સ્ટિક નાકમાં નાખવામાં આવે છે, તે બ્લડ બ્રેઇન બૅરિયર પર જઈને સૅમ્પલ લે છે.

બીબીસી દ્વારા આ અને આના જેવા અન્ય કેટલાક દાવાની હકીકત ચકાસણી કરાઈ.

આ તપાસમાં સ્વેબ-સ્ટિક બ્લડ બ્રેઇન બૅરિયર સુધી જઈને સૅમ્પલ લે છે, એ દાવો તદ્દન ખોટો સાબિત થયો.

આ માન્યતા એકદમ ખોટી છે કે આપના નાક થકી સ્વેબ-સ્ટિક વડે બ્લડ બ્રેઇન બૅરિયર સુધી પહોંચી શકાય છે. આવો દાવો કરવો એ પણ બ્લડ બ્રેઇન બૅરિયર અંગેની ઓછી સમજણનો પુરાવો આપે છે.

મગજ સુરક્ષિત રહે છે?

અસલમાં તો મગજની આસપાસ તેના રક્ષણ માટે બહુસ્તરીય વ્યવસ્થા હોય છે.

સૌપ્રથમ તો મગજ ખોપરીમાં સુરક્ષિત હોય છે, ખોપરી બાદ મગજ અન્ય પ્રવાહી અને રેસાદાર રચનામાં કેદ હોય છે.

મગજની આસપાસ રહેલી ધમનીઓમાં બ્લડ બ્રેઇન બૅરિયર હોય છે. તે બહુસ્તરીય કોશિકાઓનું બનેલું હોય છે. તેનું કામ લોહીમાં હાજર કણોને મગજમાં પહોંચવાથી રોકવાનું અને ઑક્સિજન સહિત અન્ય પોષકતત્ત્વોને મગજ સુધી પહોંચાડવાનું હોય છે.

આવી પરિસ્થિતિમાં જો સ્વેબ-સ્ટિક વડે કોઈ વ્યક્તિના બ્લડ બ્રેઇન બૅરિયર સુધી પહોંચવું હોય તો આ તમામ સ્તરોમાં છિદ્ર કરીને એક હાડકામાં છિદ્ર કરવું પડશે, ત્યાર બાદ લોહીની નસો સુધી પહોંચવું પડશે, છેક ત્યારે તમે કોઈ વ્યક્તિના બ્રેઇન બ્લડ બૅરિયર સુધી પહોંચી શકશો.

બ્રિટિશ ન્યુરોસાયન્સ ઍસોસિયેશન સાથે જોડાયેલાં ડૉકટર લિઝ કૉલ્ટહાર્ડ જણાવે છે કે, "જ્યાં સુધી નાકમાં સ્વેબ-સ્ટિક નાખતી વખતે તેના પર એટલું દબાણ ન નાખવામાં જેથી તે આ બહુસ્તરીય રચનામાં છિદ્ર કરી શકે, ત્યાં સુધી સ્વેબ-સ્ટિક બ્લડ બ્રેઇન બૅરિયર સુધી નથી પહોંચી શકતી. અમે અમારી ન્યુરોલૉજી પ્રૅક્ટિસ દરમિયાન કોવિડ સ્વેબના કારણે કોઈ પણ પ્રકારની સમસ્યા ઊદ્ભવતી હોય તેવું નથી જોયું."

અસલમાં નેઝોફેરેંજિયલ સ્વેબ કોરોનાની ટેસ્ટિંગ માટે નાકની પાછલની દીવાલ પરથી નમૂના લે છે. તે અનેક સ્વેબ-સૅમ્પલ તકનીકો પૈકી એક છે.

બ્રિટન સહિત ઘણા દેશોમાં કોવિડ-19ની તપાસ માટે નાક અને ગળાના સ્વેબ-સૅમ્પલ નિયમિતપણે લેવાઈ રહ્યા છે.

લિવરપૂલ સ્કૂલ ઑફ ટ્રૉપિકલ મેડિસન સાથે જોડાયેલા ટૉમ વિંગફીલ્ડ જણાવે છે કે, 'મેં હૉસ્પિટલમાં કામ કરતી વખતે અસંખ્ય દર્દીઓના સ્વેબ-સૅમ્પલ લીધા છે અને દર અઠવાડિયે એક ટ્રાયલ માટે મારી જાતનો સ્વેબ-સૅમ્પલ પણ લઉં છું. નાકમાં આટલા ઊંડે સુધી કોઈ પણ વસ્તુ જાય એ થોડું અજીબ તો છે જે. સ્વેબ-સૅમ્પલ લેવાતો હોય તે સમયે થોડી ખંજવાળ કે ગલીપચી જેવું તો લાગી શકે છે, પરંતુ તે દરમિયાન દુખાવો ન થવો જોઈએ.'

આ જૂઠ્ઠા દાવા છ જુલાઈથી કેટલાંક અમેરિકન ફેસબુક ઍકાઉન્ટથી શરૂ થયા હતા.

આ પૈકી કેટલાક દાવા ફૅક્ટ ચેક કરનારી કેટલીક સંસ્થાઓ દ્વારા ખોટા પણ ઠરાવવામાં આવ્યા છે.

આ જ ગ્રાફિક રોમન, ફેંચ, ડચ અને પોર્ટુગીઝ ફેસબુક યુઝરોનાં ઍકાઉન્ટ પર પણ શૅર થઈ રહ્યા છે.

ટેસ્ટિંગ કિટ દ્વારા નથી ફેલાતો કોરોના વાઇરસ

આ સિવાય ખરાબ ટેસ્ટિંગ કિટ સાથે જોડાયેલા કેટલાક રિપોર્ટોને પણ ખોટા સંદર્ભમાં રજૂ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે.

જેમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે ટેસ્ટિંગ કિટ વડે પણ કોરોના વાઇરસનો ચેપ લાગવાની સંભાવના રહેલી છે.

એક સમાચારની હેડલાઇનમાં એવું જણાવવામાં આવ્યું હતું કે આ મહામારીના શરૂઆતના તબક્કા દરમિયાન યુ. એસ. સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શનની લૅબમાં ટેસ્ટ દરમિયાન અપનાવાયેલ અયોગ્ય રીતોને કારણે ટેસ્ટિંગ યોગ્ય રીતે નહોતી થઈ શકી.

પરંતુ તેનો અર્થ એ નથી કે ટેસ્ટ કરાવનાર લોકો તેનાથી ચેપગ્રસ્ત થઈ શકે છે.

ફેસબુક પર ફૉક્સ ન્યૂઝના હોસ્ટ ટકર કાર્લસના ફૅનપેજ પર એક સમચાર શૅર કરાયા હતા જેમાં લખાયું હતું કે, 'જો તમને કોવિડ-19નો ચેપ જોઈએ તો તે આવી રીતે મળશે!'

આ પોસ્ટ ત્રણ હજાર કરતાં વધુ વખત શૅર કરાઈ હતી.

અમેરિકન અખબાર વૉશિંગટન પોસ્ટના આ સમાચાર જૂનમાં છપાયા હતા.

તેમાં લખાયું હતું કે એક તપાસમાં માલૂમ પડ્યું છે કે કિટની ગરબડો અને લૅબના નિયમોને કાણે સીડીસી ટેસ્ટિંગ પ્રોગ્રામમાં મોડું થયું હતું.

રિપોર્ટમાં એ વાતનો કોઈ ઉલ્લેખ નહોતો કે વાઇરસ ખરાબ કિટને કારણે ફેલાયો છે.

આ સમાચાર 'પે વૉલ' આધારિત હતા એટલે કે તે વાંચવા માટે વાચકે પૈસા ચૂકવવાના હોય છે.

સ્પષ્ટ છે કે જે લોકોએ આ સમાચાર વાંચ્યા તે પૈકી મોટા ભાગના લોકોએ તે બરાબર નહીં વાંચ્યા હોય અને હેડલાઇન વાંચીને ખોટો અર્થ કાઢ્યો હશે.

અમેરિકા અને ભારતના ફૅક્ટ ચેકરોએ એ દાવાને પણ માનવાથી ઇનકાર કર્યો છે જેમાં કહેવાયું હતું કે કોરોના વાઇરસ ટેસ્ટ ગેટ્સ ફાઉન્ડેશનના એક કાવતરા હેઠળ કરાઈ રહ્યા છે અને ટેસ્ટને બહાને દર્દીઓના શરીરમાં માઇક્રોચિપ લગાવાઈ રહ્યાં છે.

જોકે, હજુ સુધી આ દાવાને સત્ય સાબિત કરે એવો એક પણ પુરાવો નથી મળ્યો.

સ્વેબ પર માત્ર શ્વાસ કેમ નથી લઈ શકતા?

સોશિયલ મીડિયા પર એક મીમ શૅર કરાઈ રહ્યો છે, જેમા લખાયું છે કે જો ખરેખર કોવિડ શ્વાસ થકી ફેલાઈ રહ્યો હોય તો સ્વેબમાં માત્ર શ્વાસ છોડવો કેમ પૂરતું નથી?

સ્વેબને તમારા નાકની આટલા અંદર સુધી નાખવાની શી જરૂર છે? આ પોસ્ટે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર સાત હજાર કરતાં વધારે લોકોને ઍન્ગેજ કર્યા.

કોરોના વાઇરસ ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ખાંસતી કે છીંકતી વખતે ફેલાય છે. મોઢામાંથી નીકળતા સૂક્ષ્મ કણો સાથે વાઇરસ હવામાં ફેલાય છે. પરંતુ એનો અર્થ એ નથી કે સ્વેબ પર શ્વાસ છોડવા માત્રથી લૅબ ટેસ્ટ માટે પૂરતા પ્રમાણમાં મટિરિયલ મળી જશે.

આ અંગે બીબીસીએ ઇંગલૅન્ડના જાહેર સ્વાસ્થ્ય વિભાગ સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે નાક કે ગળાની અંદરથી લેવાયેલા સૅમ્પલથી સારાં પરિણામો આવે છે.

જો આપ સ્વેબમાં હળવો શ્વાસ લો છો તો શક્ય છે કે વાઇરલ કણો કે વાઇરસ પકડમાં ન પણ આવે. જો સ્વૉબને નાક કે ગળાની અંદર નાખવામાં આવે તો પરિણામ સારાં આવે છે.

બાંગ્લાદેશનું વાઇરસ ફ્રી સર્ટિફિકેટ

અમે બાંગ્લાદેશના એ સર્ટિફિકેટની પણ તપાસ કરી જે અમુક વ્યક્તિ ચેપગ્રસ્ત ન હોવાની સાબિતી તરીકે ઉપયોગમાં લેવાતું હતું.

ઘણા લોકોની નકલી દસ્તાવેજ જારી કરવાના આરોપમાં ધરપકડ કરાઈ હતી. આ દસ્તાવેજ એવા લોકોને નૅગેટિવ ગણાવી રહ્યા હતા જેમની ક્યારેય ટેસ્ટિંગ જ નથી કરાઈ.

આ દસ્તાવેજો મહત્ત્વપૂર્ણ પણ છે કારણે કે પ્રવાસી મજૂરોને પોતે વાઇરસ-ફ્રી છે તેવાં સર્ટિફિકેટ બતાવવાનું કહેવામાં આવે છે. બાંગ્લાદેશમાં અનેક પરિવારોનાં ઘર દેશની બહાર કામ કરી રહેલા લોકોની આવકથી ચાલે છે.

હાલમાં જ ભારતીય સીમા પાસે કરાયેલી નવ દિવસીય તપાસ બાદ એક હૉસ્પિટલના માલિકની ધરપકડ કરાઈ. તેના પર નકલી રિપોર્ટ બનાવવાનો આરોપ હતો.

આટલું જ નહીં ક્રિમિનલ ગૅંગ પોતાના ભાવી ગ્રાહકોની તલાશમાં ઇન્ટરનેટ પર વિજ્ઞાપન પણ મૂકી રહ્યા છે.

આશ્ચર્યજનક વાત તો એ છે કે બાંગ્લાદેશમાં ઘણાં ફેક પૉઝિટિવ સર્ટિફિકેટ પણ વેચાઈ રહ્યાં છે, ખાસ કરીને સરકારી અધિકારીઓ માટે જેથી તેઓ ઑફિસમાં રજા મૂકી શકે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો