કોરોના વાઇરસ : કેરળમાં ફરી સંક્રમણ કેમ થઈ રહ્યું છે?

    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કેરળ ભારતનું પહેલું એવું રાજ્ય બની ગયું છે જે કોરોના વાઇરસના 'કૉમ્યુનિટી ટ્રાન્સમિશનથી માત્ર એક કે બે ડગલાં દૂર છે.'

રાજ્યમાં મહામારી કાયદો (એપિડેમિક ડિસીઝ ઍક્ટ) પણ જુલાઈ, 2021 સુધી લાગુ કરી દીધો છે, કેમ કે પ્રશાસનને આશંકા છે કે કોરોના વાઇરસની સમસ્યા એટલી ઝડપથી જવાની નથી.

વાઇરસના સંક્રમણને ફેલાતા રોકતા માટેના હાલના પગલા હેઠળ કેરળ સરકારે રાજધાની તિરુવનંતપુરમમાં એક અઠવાડિયા માટે ફરી એક વાર લૉકડાઉનનું એલાન કર્યું છે.

આ લૉકડાઉન સોમવાર સવારે છ વાગ્યાથી લાગુ થઈ ગયું છે.

રાજ્યનાં સ્વાસ્થ્યમંત્રી કે.કે. શૈલજાએ બીબીસી હિન્દીને જણાવ્યું, "અમે અત્યારે એ કહી ન શકીએ કે કૉમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ થઈ ગયું છે. પણ અમે તેની ઘણા નજીક છીએ. અમને કેટલાક એવા કેસની ખબર પડી છે જ્યાં સંક્રમિત લોકોએ ન તો કોઈ યાત્રા કરી હતી કે ન તો કોઈના સંપર્કમાં આવ્યા હતા. આવા બે-ત્રણ કેસ રોજ અમારી સામે આવે છે."

લોકો ઝડપથી કોરોના પૉઝિટિવ થઈ રહ્યા છે

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (કેરળ ચેપ્ટર)ના વાઇરસ પ્રૅસિડન્ટ ડૉક્ટર એન. સુલ્ફીએ બીબીસીને કહ્યું, "ગત કેટલાક દિવસોમાં એવા ઘણા ડૉક્ટરો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે, જેઓ નૉન-કોવિડ દર્દીઓની સારવાર કરી રહ્યા છે."

"કોરોનાના 80-85 ટકા દર્દીઓમાંથી 30-35 ટકામાં કોઈ પ્રકારનાં લક્ષણો જોવાં નથી મળતાં. આ એક જટિલ સ્થિતિ છે. કૉમ્યુનિટી સ્પ્રેડની ઘણી આશંકા છે, કેમ કે આ દિવસોમાં ઘણા લોકો કોરોના પૉઝિટિવ થઈ રહ્યા છે."

આ અગાઉ રાજ્ય સરકારે 27 માર્ચે કેરળ એપિડેમિક ડિસીઝ ઑર્ડિનન્સ (કેરળ મહામારી અધ્યાદેશ)ને છ મહિના માટે વધારવાનું એક નિવેદન કર્યું હતું.

આ નિવેદનમાં કહેવાયું હતું, "આ દિવસોમાં કોવિડ-19ના કેસ ઝડપથી નોંધાઈ રહ્યા છે અને કેટલાક કેસમાં સંક્રમણના સ્રોતની ખબર પડતી નથી."

હવે આ કાયદાને જુલાઈ 2021 સુધી લાગુ કરી દીધો છે. સ્વાસ્થ્યમંત્રી શૈલજાએ કહ્યું કે એપિડેમિક કાયદો એટલા માટે વધારવાની જરૂર પડી કે "અમને આશંકા છે કે કોરોના વાઇરસ ઑગસ્ટ કે સપ્ટેમ્બરમાં ખતમ નહીં થાય."

રાષ્ટ્રીય લૉકડાઉન દૂર થયા બાદ કેરળમાં ચાર લાખ 10 હજારથી વધુ લોકો વિદેશોથી પરત ફર્યા છે. આ સિવાય લગભગ બે લાખ લોકો અન્ય રાજ્યોમાં પણ કેરળમાં આવ્યા છે.

સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું, "આમાંથી કમસે કમ 5,000 લોકો કોરોના પૉઝિટિવ નીકળ્યા છે. મોટા ભાગના કોરોના પૉઝિટિવ લોકો એ છે જે વિદેશો કે અન્ય રાજ્યોમાંથી આવ્યા છે. હવે માત્ર 10-12 કેસ એવા છે જેમના સંક્રમણના સ્રોતની ખબર પડવાની બાકી છે."

રાજ્યમાં હૉટસ્પૉટની સંખ્યા પણ વધી

રવિવારે સતત બીજા દિવસે કેરળમાં 200થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. તેમાંથી 117 લોકો એવા હતા જે સાઉદી અરેબિયા જેવા ખાડી દેશો કે રશિયાથી પરત ફર્યા હતા.

તો 57 લોકો એવા હતા જે કર્ણાટક, દિલ્હી, તામિલનાડુ, મહારાષ્ટ્ર, તેલંગણા અને હરિયાણાથી પરત ફર્યા હતા. કેસ વધતાંની સાથે રાજ્યમાં 23 નવાં હૉટસ્પૉટ પણ બની ગયાં છે. હવે કેરળમાં કુલ 153 હૉટસ્પૉટ છે.

સ્વાસ્થ્યમંત્રી શૈલજાએ કહ્યું, "એક સારી બાબત એ છે કે હવે સંપર્કમાં આવીને સંક્રમિત થવાનો દર ઓછો થઈ રહ્યો છે. પહેલા તબક્કામાં આ દર 33 ટકા હતો. પછી મે મહિનામાં મોટી સંખ્યામાં લોકો બહાર આવ્યા અને કોરોના પૉઝિટિવ લોકો વધ્યા. હવે પૉઝિટિવ લોકોના સંપર્કમાં આવવાથી સંક્રમિત થનારા લોકો 11 ટકા છે, જે એક સારો સંકેત છે."

જોકે આ દરમિયાન તિરુવનંતપુરમમાં બે ક્લસ્ટર પણ બન્યા છે. અહીં એક ગોડાઉન અને એક બજારને વાઇરસ ફેલાવવાના ડરથી બંધ કરવાં પડ્યાં છે. કેરળની રાજધાની તિરુવનંતપુરમની સીમાઓ તામિલનાડુના કન્યાકુમારી જિલ્લા સાથે જોડાયેલી છે.

શૈલજાએ કહે છે, "કેરળે સ્થાનિક સંક્રમણ અને મૃત્યુદર પર લગામ લગાવી છે, પરંતુ અમને આશા છે કે તામિલનાડુ અને કર્ણાટકમાં પણ સારાં પરિણામ આવે, નહીં તો લોકો ત્યાંથી અહીં આવનજાવન કરતા રહેશે."

તેઓએ કહ્યું કે કેરળમાં હોમ ક્વૉરેન્ટીનના કડક નિયમોનું પાલન કરાઈ રહ્યું છે અને વૉર્ડ સ્તરની સમિતિઓ લોકો પર કડક વૉચ રાખી રહી છે. રાજ્યમાં પોલીસ પણ કડક રીતે પોતાનું કામ કરી રહી છે.

શૈલજા કહે છે, "મુખ્ય મંત્રી પિનરાઈ વિજયનની પહેલ બાદ વૉલિન્ટિયર હવે એ બધાં ઘરોની તપાસ કરી રહ્યા છે, જે ક્વૉરેન્ટીનમાં છે. આ બધી રીતોનો અમલ કરીને અમે કૉમ્યુનિટી સ્પ્રેડને કાબૂમાં કરવાની કોશિશ કરી રહ્યા છીએ."

શું કેરળ 'ઓવરરિએક્ટ'કરી રહ્યું છે?

દેશમાં જ્યારે લૉકડાઉન ખતમ થયું ત્યાં સુધી કેરળમાં કોવિડ-19થી માત્ર ત્રણ મૃત્યુ થયાં હતાં, પરંતુ હવે આ આંકડો 25 સુધી પહોંચી ગયો છે.

સ્વાસ્થ્યમંત્રી અનુસાર તેમાંથી એક-બે લોકો સિવાય બાકીનાં મૃત્યુ એ લોકોનાં થયાં હતાં, જેઓ અગાઉથી અન્ય કોઈ ગંભીર બીમારીથી પીડિત હતા.

તેઓએ કહ્યું, "ઘણા લોકો એવા પણ હતા જેમનાં વિદેશથી આવ્યાના એક-બે દિવસ બાદ મૃત્યુ થયાં હતાં.

તેઓએ જણાવ્યું કે રાજ્યમાં લગભગ એક ટકા કોવિડ પૉઝિટિવ એવા લોકો છે જેમના સંક્રમણના સ્રોતની ખબર પડતી નથી, જ્યારે દેશભરમાં આવા 14 ટકા પૉઝિટિવ લોકો છે.

શું કેરળ કોરોના સંક્રમણને લઈને વધતી પડતી સતર્કતા વર્તી રહ્યું છે? શું રાજ્ય 'ઓવરરિએક્ટ' કરી રહ્યું છે?

આ સવાલના જવાબમાં સ્વાસ્થ્યમંત્રી કહે છે, "કેરળ હંમેશાં ઓવરરિએક્ટ કરે છે. અમે ઓવરરિએક્ટ કરવા માગીએ છીએ, નહીં તો અમે વાઇરસ પર કાબૂ નહીં મેળવી શકીએ. સંક્રમણના પહેલા તબક્કાથી લઈને અત્યાર સુધી અમે શરૂઆતથી જ વધુ સાવધાની રાખી છે. કોરોના વાઇરસથી લડવાનો એકમાત્ર આ જ ઉપાય છે."

તેઓએ કહ્યું, "આપણે સૌથી ખરાબ સ્થિતિનો સામનો કરવા માટે, સૌથી ખરાબ સ્થિતિની કલ્પના કરવી પડશે અને સૌથી ખરાબ સ્થિતિ અનુસાર તૈયારીઓ કરવી પડશે. આપણે સૌથી સારાં પરિણામો માટે કામ કરવું પડશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો