મ્યાંમારમાં ભૂસ્ખલનને લીધે 100થી વધુ લોકોનાં મૃત્યુ

મ્યાંમાનમાં નીલમની ખાણમાં ભૂસ્ખલન થતાં 126 લોકોનાં મૃત્યુ થયાં છે.

હપાકાંત વિસ્તારમાં ઘટેલી આ ઘટનામાં ગુમ લોકોની શોધખોળ ચાલી રહી છે.

ફાયર-બ્રિગેડ વિભાગના જણાવ્યા અનુસાર ભારે વરસાદને પગલે સર્જાયેલી કાદવની લહેર પથ્થર શોધી રહેલા લોકો પર ફરી વળી હતી.

નોંધનીય છે કે મ્યાંમાર વિશ્વમાં નીલમના પથ્થરોનું વિશ્વમાં સૌથી મોટો સ્ત્રોત છે. જોકે, અહીંની ખાણોમાં છાશવારે અકસ્માતો સર્જાતા રહે છે.

આત્મનિર્ભર ભારત :ગુજરાતે ફાળવાયેલા અનાજમાંથી 1 ટકા પણ વિતરણ ન કર્યું

'ઇન્ડિયન એક્સપ્રેસ'માં છપાયેલાં અહેવાલ અનુસાર આત્મનિર્ભર ભારત પૅકેજ હેઠળ કેન્દ્ર સરકારે વતન પરત ફરી રહેલા પ્રવાસી કામદારો માટે મફત અનાજના વિતરણની જાહેરાત કરી હતી. પરંતુ રાજ્ય સરકારો દ્વારા માત્ર 13 ટકા અનાજનું જ મે અને જૂનમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

આત્મનિર્ભર ભારત પૅકેજ અંતર્ગત પરત ફરી રહેલા પ્રવાસી કામદારો માટે રાજ્યની સરકારોને 8 લાખ મેટ્રિક ટન મફત અનાજ અપાયું હતું.

આમાંથી અગિયાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એવાં છે જેણે જૂનમાં ફાળવાયેલા અનાજમાંથી એક ટકો અનાજનું પણ વિતરણ કર્યું નથી. આંધ્ર પ્રદેશ, ગોવા, ગુજરાત, ઝારખંડ, લદ્દાખ, મહારાષ્ટ્ર, મેઘાલય, ઓડિશા, સિક્કીમ, તામિલનાડુ, તેલંગણe અને ત્રિપુરા આ યાદીમાં સામેલ છે.

કેન્દ્ર સરકારે રૅશનકાર્ડ ન ધરાવતાં લગભગ 8 કરોડ પ્રવાસી કામદારોને બે મહિના મટે પાંચ-પાંચ કિલો અનાજ મફત આપવાની વાત કરી હતી.

જેમાંથી માત્ર 2.13 કરોડ પ્રવાસી કામદારો જ આ જાહેરાતનો લાભ ઉઠાવી શક્યા હતા. મે મહિનામાં 1.21 કરોડ અને જૂન મહિનામાં 93.44 લાખ લોકોને લાભ મળ્યો.

ગ્રાહકની બાબતો, અનાજ અને જાહેર વિતરણમંત્રાલય દ્વારા અપાયેલી માહિતી મુજબ દેશનાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ મે અને જૂન મહિનામાં આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત અપાયેલા 8 લાખ મેટ્રિક ટન અનાજમાંથી 6.38 લાખ મેટ્રિક ટન અનાજને પોતાના રાજ્યમાં મંગાવી લીધું. જ્યારે માત્ર 1.07 લાખ મેટ્રિક ટન અનાજનું વિતરણ કર્યું.

26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એવાં છે જેમણે કેન્દ્ર સરકાર પાસેથી 100 ટકા અનાજ લઈ લીધું અને અનાજનો પૂર્ણ જથ્થો વિતરણ કરી શક્યા નથી.

સુરતમાં 10 લાખ પીપીઈ કિટ હાલ ધૂળ ખાઈ રહી છે

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર કોરોના વાઇરસ સામે ફ્રન્ટલાઇન વર્કર્સ જેનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે તેવી પીપીઈ કિટ હાલ સુરતમાં હાલ ધૂળ ખાઈ રહી છે.

પીપીઈ કિટ પડી રહેવા પાછળનું કારણ સરકારના વિવિધ વિભાગો, સંસ્થાઓ અને પબ્લિક સેન્ટર યુનિટ દ્વારા બહાર પડાતાં ઑનલાઇન ટેન્ડરમાં કિટ સપ્લાયરનો એકથી ત્રણ વર્ષનો માગવામાં આવેલો અનુભવ હોવાનું અખબાર નોંધે છે.

કેન્દ્ર સરકારના ટેક્સસ્ટાઇલ-મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિર્દેશોને ધ્યાનમાં રાખીને સુરતની 15 કંપનીઓ દ્વારા પીપીઈ કિટ બનાવવામાં આવી હતી.

બે મહિના સુધી લાખોની સંખ્યામાં પીપીઈ કિટ બનાવ્યા પછી આ તમામ કંપનીઓ સૌથી મોટા ખરીદાર ગણાતી સરકારને પીપીઈ કિટ વેચવા માટે અસમર્થ બની ગઈ છે. આમ તેમની પાસે સામાન્ય રીતે 'એક થી ત્રણ વર્ષનો અનુભવ ન હતો.'

સુરતમાં જ 50 હજાર પીપીઈ કિટ રોજ બનતી હતી.

કપડાં બનાવતી રુદ્રા ડિજીટલ સોલ્યુશનના ડિરેક્ટર સાલિન વૈદ્ય કહે છે, "અમે દરરોજ 10 હજાર પીપીઈ કિટ બનાવવામાં ઘણું રોકાણ કર્યું હતું. છતાં સરકારના અનુભવના માપદંડને કારણે કેટલાક ખાનગી ઑર્ડર સિવાય અમને સરકારી એજન્સીઓ તરફથી મોટા ઑર્ડર મળી રહ્યા નથી."

પ્રતિભા જૂથના પ્રમોદ ચૌધરી કહે છે, "અમે બનાવેલી પીપીઈ કિટને દક્ષિણ ભારત ટેક્સસ્ટાઇલ રીસર્ચ ઍસૉસિએશન દ્વારા પરવાનગી આપવામાં આવી છે અને તે લેમિનેટેડ નૉન-વૉવન ફેબ્રિકમાંથી બનેલી છે. સરકારના ટેન્ડર્સમાં અનુભવના માપદંડ સિવાય લેમિનેટેડ પીપીઈ કિટનો ઉલ્લેખ જ નથી. આ મુંઝવણને કારણે અમે હવે પીપીઈ બનાવવા અસમર્થ છીએ"

ચીનનું રોકાણ નહીં : નીતિન ગડકરી

'ઇન્ડિયન એક્સપ્રેસ'માં છપાયેલાં અહેવાલ અનુસાર ભારતમાં ચાઈનીઝ વસ્તુઓના વેપાર અને રોકાણન અંગે વાત કરતાં કેન્દ્ર સરકારે સોમવારે કહ્યું કે તે ચાઈનીઝ કંપનીઓને હાઇ-વેના પ્રૉજેક્ટના ટેન્ડર ભરવાની પરવાનગી નહીં આપે. આ ઉપરાંત સંયુક્ત સાહસ થકી પણ પરવાનગી નહીં અપાય.

ચીનના રોકાણકારો લઘુ, નાના અને મધ્યમ સાહસોમાં પણ રોકાણ નહીં કરી શકે.

કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહનમંત્રી નીતિન ગડકરીએ કહ્યું, "માર્ગનિર્માણ માટે અમે ચીનનાં ભાગીદાર હોય તેવાં સંયુક્ત સાહસોને પરવાનગી આપીશું નહીં. અમે કડક નિર્ણય કર્યો છે કે જો તેઓ (ચાઈનીઝ કંપનીઓ) સંયુક્ત સાહસ દ્વારા આવશે તો પણ અમે તેને પરવાનગી નહીં આપીએ."

તેમણે કહ્યું કે આ સાહસોમાં ટેકનૉલૉજીના અપગ્રેડેશન માટે વિદેશી રોકાણકારોનું સ્વાગત પણ ચીનનું નહીં.

નીતિન ગડકરીએ એવું પણ કહ્યું કે આવનારા દિવસોમાં ચાઈનીઝ કંપનીઓ પર પ્રતિબંધની પૉલીસી લાવવામાં આવશે અને ભારતીય કંપનીઓ હાઇવે પ્રૉજેક્ટસમાં ભાગ લઈ શકે અને તેમનો ફેલાવો થાય તે માટે અમુક નિયમોમાં છૂટછાટ અપાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો