કોરોના વાઇરસ : અમદાવાદની જગન્નાથજી રથયાત્રા પર ગુજરાત હાઈકોર્ટની રોક

કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં રથયાત્રા કાઢવાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજન્ટ સુનાવણી થઈ જેમાં ગુજરાત હાઈકોર્ટે રથયાત્રા યોજવાની પરવાનગી આપી નથી.

કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે રથયાત્રા પર રોક લગાવવા માટે હિતેશ ચાવડા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.

બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખે આપેલી માહિતી મુજબ જસ્ટિસ પારડીવાલાની કોર્ટમાં આ અંગે તત્કાળ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતે પુરીના જગન્નાથમંદિરને રથયાત્રા કાઢવાની પરવાનગી આપી નથી.

ગુજરાત હાઈકોર્ટે પણ સુપ્રીમ કોર્ટને પગલે રથયાત્રા યોજવાની પરવાનગી આપી નથી.

આ વર્ષની રથયાત્રા 143મી રથયાત્રા છે અને તેને લઈને અદાલતમાં સુનાવણી થઈ હતી.

જમાલપુર સ્થિત જગન્નાથમંદિર તરફથી અગાઉ કહેવામાં આવ્યું હતું કે જો સરકાર તરફથી મંજૂરી મળશે તો રથયાત્રા નીકળશે.

આ સુનાવણીમાં જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ દલીલ કરી હતી કે, રથયાત્રામાં વધારે માણસો નહીં હોય. માત્ર મંદિરના સીમિત લોકો હશે. અને સોશિયલ ડિસ્ટન્સના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે.

જોકે, ગુજરાત હાઈકોર્ટે દલીલ માન્ય ન રાખી રથયાત્રા રદ કરવાનો નિર્ણય લીધો છે.

ગત વર્ષની રથયાત્રા કેવી હતી?

આ વખતે રથયાત્રા નથી યોજાઈ રહી પરંતુ કેવી હતી ગત વર્ષની રથયાત્રા જુઓ ટાઇમ ટ્રાવેલમાં નીચેની લિંક પર.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો