વિનોદ દુઆની ધરપકડ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, ફરિયાદ હાલ રદ નહીં થાય

વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆની ધરપકડ કરવા પર સુપ્રીમ કોર્ટે એક મહિનાનો સ્ટે આપ્યો છે.

રવિવારે ધરપકડ રોકવા અને ફરિયાદ રદ કરાવવા વિનોદ દુઆએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટે ફરિયાદ રદ કરવા હાલ ઇન્કાર કર્યો છે અને કેન્દ્ર સરકાર અને હિમાચલ પ્રદેશ સરકારને નોટિસ આપી બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવા કહ્યું છે.

વિનોદ દુઆ પર ભાજપના સ્થાનિક નેતાએ યૂટ્યુબ વીડિયો દ્વારા સાંપ્રદાયિક સદ્ભાવ બગાડવાનો આરોપ મૂકી કેસ કર્યો છે અને તેની ફરિયાદ દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં નોંધવામાં આવી છે.

વિનોદ દુઆની અરજી પર રવિવારે ખાસ સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે તપાસ અટકાવી દેવાનો ઇન્કાર કર્યો અને વિનોદ દુઆને તપાસમાં સહકાર આપવા કહ્યું.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે હિમાચલ પ્રદેશની પોલીસ 24 કલાકની નોટિસ આપીને એમના ઘરે તપાસ કરી શકે છે.

જસ્ટિસ યૂયૂ લલિતના વડપણ હેઠળ ત્રણ જજોની બૅન્ચ આ કેસના આગામી સુનાવણી 6 જુલાઈ કરશે.

કોરોનાની સારવાર માટે હવે રેમડિસિવિર દવા વાપરવાની મંજૂરી

કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે કોવિડ-19ના એવા દરદીઓ જેમની હાલત મધ્યમ હોય તેમની સારવાર માટે રેમડિસિવિર દવાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.

હિંદુસ્તાન ટાઇમ્સ અખબાર મુજબ આરોગ્ય મંત્રાલય પોતાનો મત બદલીને કહ્યું છે કે કોવિડ-19 દરદીને શરૂઆતના તબક્કામાં જ હાઇડ્રૉક્સીક્લોરોક્વિન આપી શકાય, ગંભીર રૂપે બીમાર દરદીને નહીં.

એ સિવાય પ્લાઝ્મા થૅરેપીને પણ લેબલ યૂઝ માટે મંજૂરી મળી ગઈ છે. આમાં કોવિડ-19 સંક્રમણમાંથી સાજા થયેલા લોકોનું પ્લાઝ્મા એવા દરદીને આપવામાં આવે છે જેમને સતત ઑક્સિજન આપવાની જરૂર પડે છે અને સ્ટેરૉઇડ્સ આપ્યા છતાં તેમની પરિસ્થિતિમાં સુધાર નથી આવતો.

શનિવારે આરોગ્ય મંત્રાલયે કોરોના સંક્રમણની સારવાર માટે નવેસરથી ક્લિનિકલ મૅનેજમૅન્ટ પ્રોટોકૉલની જાહેરાત કરી છે.

નવી ગાઇડલાઇન્સ મુજબ હાઇડ્રૉક્સિક્લોરોક્વિન દરદીને શરૂઆતના તબક્કામાં આપવી, ગંભીર દરદીઓને નહીં. આ પહેલા આઈસીયુમાં રહેતા ગંભીર દરદીઓને આ દવા આપવામાં આવી રહી હતી.

એ સિવાય ઍઝિથ્રોમાઇસિન જે હાઇડ્રૉક્સિક્લોરોક્વિન સાથે આપવામાં આવતી હતી તેને બંધ કરવામાં આવી છે.

આ દવા આપતા પહેલા ઈસીજી કરવાની ભલામણ કરવામાં આવી છે.

હિંદુસ્તાન ટાઇમ્સ અખબાર પ્રમાણે એક અધિકારીએ કહ્યું કે હાઇડ્રૉક્સિક્લોરોક્વિન સામે એવા પુરાવા નથી કે તેને બંધ કરી દેવામાં આવે.

આ પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન હાઇડ્રૉક્સિક્લોરોક્વિન સુરક્ષિત ન હોવાનું કહીને આ દવા પર પરીક્ષણ રોકી ચૂક્યું છે અને તેને દરદીને ન આપવાનું સૂચન પણ કરી ચૂક્યું છે.

સુરતમાં 23 રત્નકલાકારો કોરોના પૉઝિટિવ

સુરતમાં હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોમાં કોરોના સંક્રમણના 23 પૉઝિટિવ કેસ મળતા સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશને કાતરગામમાં આઠ વર્ક સ્ટેશન્સને બંધ કરીને સૅનિટાઇઝેશનનું કામ શરૂ કર્યું હતું.

ઇન્ડિયન એક્સપ્રેસ અખબાર મુજબ બુધવારથી અત્યાર સુધી અહીં 23 લોકો કોરોના પૉઝિટિવ મળ્યા છે.

આઠ કંપનીઓમાં શિવમ જેમ્સ, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ, ઍમ્પાયર ડાયમન્ડ્સ, ધર્માનંદન ડાયમન્ડ્સ, રિંકલ ઇમ્પેક્સ, સી દિનેશ ઍન્ડ કમ્પની, જેબી ઍન્ડ બ્રધર્સ અને રૉયલ ડાયમન્ડ્સ સામેલ છે. અહીં સૅનિટાઇઝેશનની કામગીરી થયા પછી તેમને કામ શરૂ નહીં કરવાનું કહેવામાં આવ્યું છે.

સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓએ આ કંપનીઓ પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરવા બદલ દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

સુરતના ડેપ્યુટી હૅલ્થ કમિશ્નર, ડૉ આશિષ નાયકે કહ્યું, "અમે 23 રત્ન કલાકારોના પરિવારજનોને ક્વોરૅન્ટીન કર્યા છે. તેમના ટેસ્ટ સૅમ્પલ લેવામાં આવ્યા છે. તેમના ઘરને પણ ડિસઇન્ફેક્ટેડ કરવામાં આવ્યા છે."

ભારત અને ચીન વચ્ચે તણાવ ઘટ્યો પણ નેપાળ સાથે તણાવ બરકરાર

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પ્રમાણે ભારતીય સેના પ્રમુખ જનરલ એમ એમ નરાવણેએ કહ્યું કે ગલવાન નદી પાસે ઉત્તરમાં ભારત અને ચીનના સૈનિકોને પાછા લેવાની તબક્કાવાર કામગીરી શરૂ થઈ છે અને તેમને આશા છે કે બંને દેશો વચ્ચે સેના સ્તરે ચાલી રહેલી વાતચીતને કારણે લદ્દાખ વિસ્તારમાં તણાવની પરિસ્થિતિ શાંત થશે.

દેહરાદૂનમાં મિલિટ્રી ઍકેડમીમાં પાસિંગ આઉટ પરેડ લેવા આવ્યા જનરલ નરાવણેએ કહ્યું કે બંને દેશો વચ્ચે કૉર્પ્સ કમાન્ડર સ્તરે વાતચીત થઈ હતી ત્યાર બાદ સ્થાનિક સ્તરે કમાન્ડર સ્તરની વાતચીત ચાલી રહી છે અને ચીન સાથેની સરહદ પર કોઈ પણ પ્રકારના તણાવની પરિસ્થિતિ નથી.

બીજી તરફ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા લખે છે કે નેપાળના રાષ્ટ્રીય ચિહ્ન પર બદલાયેલો નકશો બતાવવાની ભારતે ટીકા કરી છે.

નેપાળની સંસદમાં બંધારણમાં સુધારને મંજૂરી મળ્યા પછી ભારતે કહ્યું છે કે જે દાવા વધારીને કરવામાં આવ્યા છે તેમનો કોઈ ઐતિહાસિક આધાર કે પુરાવા નથી અને તે ટકી શકે તેમ નથી. તે સિવાય આ પગલું સરહદના વિષય પર વાતચીત કરવાની સમજણ વિરુદ્ધ પણ છે.

પાંચ વર્ષમાં બીજી વખત છે જ્યારે ભારત અને નેપાળ વચ્ચે તણાવની પરિસ્થિતિ ઊભી થઈ છે. નેપાળની કેપી ઓલી સરકારે લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાની વિસ્તારને નેપાળના નકશામાં જોડીને રાષ્ટ્રીય ચિહ્નમાં દર્શાવવા માટે બંધારણ સુધાર કર્યો છે.

નેપાળના આ પગલા પછી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતે પહેલાં જ સ્પષ્ટ કરી દીધું હતું છે કે આ બંધારણીય સુધાર પછી તે સરહદ વિશે નેપાળ સાથે વાતચીતમાં સામેલ નહીં થાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો