કોરોના વાઇરસ : આત્મનિર્ભર ભારત બનાવવાની કોશિશ પણ ફરી દાણચોરી વધવાનો ભય કેમ? દૃષ્ટિકોણ

    • લેેખક, આલોક જોશી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

ઉદારીકરણ બાદ એટલે 1991ના આર્થિક સુધારા બાદ દેશમાં દાણચોરીની ગતિ તેજ થઈ તેના પર તો કોઈ વિવાદ નથી. પણ આ વિકાસનો ફાયદો કોનેકોને મળ્યો તેના પર સતત વિવાદ રહ્યો છે. સૌથી મોટો સવાલ એ જ છે કે ગરીબી દૂર કરવામાં કે આર્થિક વિષમતાને ઓછી કરવામાં સુધારાઓએ શું યોગદાન આપ્યું? ગરીબી ખતમ થઈ ગઈ?

આ સવાલનો જવાબ આપવા માટે સુધારાના મોટામોટા વકીલો પણ નજર મિલાવી શકતા નથી.

ગરીબી હઠાવોની અપાર સફળતાનાં પચાસ વર્ષ પછી પણ ગરીબી દૂર થઈ નથી, હાં, 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના નામે એ ફિલ્મની એક બ્લૉકબસ્ટર રીમેક ચોક્કસ જોવા મળી છે.

આર્થિક સુધારા કે બજાર ખૂલતાંની સાથે એક વસ્તુ સંપૂર્ણ ગાયબ થઈ ગઈ, એ હતી સ્મગલિંગ કે દાણચોરી.

નશીલી દવાઓ કે ચરમપંથીઓનાં હથિયારોની ચોરી તો બંધ ન થઈ, પરંતુ રોજિંદા વપરાશની ચીજો, ઇલેક્ટ્રોનિક્સ અને ખાસ કરીને સોનું, ઝવેરાત અને પરફ્યુમ જેવી ચીજોની ચોરીનું શટર ડાઉન થઈ ગયું હતું.

કારણ સ્પષ્ટ હતું કે જ્યારે બધું સીધી રીતે મેળવી શકાય છે, એ જ કિંમતે વેચી શકાય છે, તો સામાન્ય ટૅક્સ કે કર ચૂકવવાની જગ્યાએ ચોરરસ્તેથી જવાનું જોખમ કોઈ શું કામ ઉઠાવે?

પરંતુ આ દિવસોમાં એ આશંકા વધી રહી છે કે ક્યાંક ફરીથી ચોરીનો ધંધો ગતિ તો નહીં પકડી લે ને.

અને સાથે જ એ સવાલ છે કે શું ફરીથી એવી સ્થિતિ સર્જાશે, જેમાં ઇમાનદારીથી ટૅક્સ ભરીને સામાન ખરીદતા લોકોને નુકસાન થશે અને તસ્કરો પાસેથી એ જ સામાન સસ્તામાં ખરીદનારા પડોશી ઇમાનદાર સામે મોઢું ચડાવશે.

તમે પૂછી શકો કે અચાનક આ તસ્કરીનો સવાલ ક્યાંથી આવ્યો.

તો જરા ધ્યાન આપો. ભારતના સૌથી ચતુર ઉદ્યોગપતિઓના સંગઠન સીઆઈઆઈના વાર્ષિક કાર્યક્રમમાં ખુદ વડા પ્રધાન મોદીએ એ વાત પર ભાર મૂક્યો કે ચામડું, જૂતાં-ચંપલ અને ફર્નિચર સહિત એસી એટલે કે ઍરકંડિશનરના ઉત્પાદનમાં ભારતે આત્મનિર્ભર થવાની જરૂર છે.

તેઓએ જણાવ્યું કે હજુ પણ દેશમાં એસીની કુલ જરૂરિયાતનો ત્રીસ ટકા ભાગ આયાત થાય છે, તેને રોકવો જરૂરી છે.

જાણવા મળ્યું છે કે ઉદ્યોગ મંત્રાલયના દસ અધિકારી એવાં સૅક્ટરો પર કામે લાગ્યા છે, જેમાં આયાત ઓછી કરીને 'મેક ઇન ઇન્ડિયા' કે આત્મનિર્ભર ભારત પર ભાર મુકાશે.

તેમાં કૅપિટલ ગુડ્સ, મશીનરી, ફાર્મા, સેલફોન, ઇલેક્ટ્રોનિક્સ, જ્વેલરી અને ટૅક્સટાઇલ્સ સાથે એસી પણ સામેલ છે.

ભારતમાં ઉત્પાદન પર ભાર

સેલફોન બનાવાની વાત તો બહુ થઈ, પણ છેલ્લા બજેટમાં સેલફોનમાં લાગતા પ્રિન્ટેટ સક્રિટ બોર્ડ કે પીસીબી પર કર 10થી વધારીને 20 ટકા અને ચાર્જર પરનો કર 15થી વધારીને 20 ટકા કરી દેવાયો છે.

તર્ક એ છે કે આ ચીજોને ભારતમાં બનવા પર ભાર આપવાની વાત કરવામાં આવી રહી છે અને કરવૃદ્ધિ પણ થઈ છે.

આ પહેલાં ગત વર્ષે સરકારે સોના પર આવકકર 10 ટકા વધારીને 12.50 ટકા કર્યો હતો. સરચાર્જ જોડતાં આ કર 15 ટકાથી વધુ થઈ જાય છે.

એટલે ચોરરસ્તેથી સોનું લાવવું ફરી આકર્ષક થવા લાગ્યું છે. તમામ જાણકારોએ એ આશંકા વ્યક્ત કરી છે કે તેનાથી સોનાની દાણચોરીમાં ફરીથી વધારો થઈ શકે છે.

ઝવેરાત અને ઘરેણાંનો વેપાર કરતી સંસ્થા જીજેઈપીસીએ તો ગણિત માંડીને જણાવ્યું કે હીરા-ઝવેરાત પર કર પાંચથી સાડા સાત ટકા વધ્યા બાદ ગત વર્ષે ડાયમંડ જ્વેલરીની નિકાસ દસ ટકા ઘટી છે અને હીરાની પૉલિશના ઑર્ડરોમાં ખાસ્સો ઘટાડો થયો છે.

સોના અંગે તો ઘણા વિશેષજ્ઞો આ કહી ચૂક્યા છે કે તેના પર કર વધવો એ સીધેસીધી દાણચોરીનો રસ્તો ખોલવા બરાબર છે.

2011માં સોના પર 4 ટકા કર લાગતો હતો. 2013માં આ વધીને 10 ટકા થઈ ગયો અને ત્યારથી દાણચોરીમાં તેજી આવી રહી છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, 2018માં જ દેશમાં અંદાજે 100 ટન સોનું દાણચોરીને રસ્તેથી આવ્યું હતું.

વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદમાં સામેલ આર્થિક વિશેષજ્ઞ નીલેશ શાહ લાંબા સમયથી સોનાનો યોગ્ય ઉપયોગ અને તેની રીત અપનાવવાની સલાહ આપે છે, જેમાં સોનાની બિનજરૂરી આયાત ઓછી થઈ શકે અને દેશને તેના સુવર્ણભંડારનો ફાયદો પણ મળે.

મોબાઇલ ફોન પર કર

બજેટ પહેલાં એ માગ હતી કે સોના પર આવકકર ઘટાડીને 4 ટકા કરી નાખવામાં આવે. એવી રીતે ઍપલ જેવા મોંઘા સેલફોન બનાવનારા માગ કરતાં હતા કે મોંઘા ફોન પર જે 20 ટકા કર લાગે છે, તેને મહત્તમ 4 હજાર રૂપિયા પર સીમિત કરી દેવાય.

ઇન્ડિયન સેલ્યુલર ઍન્ડ ઇલેક્ટ્રોનિક ઍસોસોયેશનનું કહેવું છે કે જો સરકાર કર ઘટાડી દે તો તેને વાર્ષિક 1100 કરોડ રૂપિયાની કમાણી થાત, કેમ કે લોકો ત્યારે ગ્રે માર્કેટમાંથી ફોન ન લેતા.

આ જ તર્ક સોના અને ઝવેરાત મામલે પણ છે. ભારતીય વેપારીઓનું કહેવું છે કે હવે ઘણાં ઘરેણાં અને ઝવેરાત થાઇલૅન્ડ જેવા એ દેશોના રસ્તેથી આવે છે જેની સાથે આસિયાન હેઠળ ભારતનો મુક્તવેપાર કરાર છે. તેના પર સરકારને પણ કંઈ મળતું નથી અને ઘરેલું વેપારીઓ માટે તેમનો મુકાબલો પણ મુશ્કેલ થઈ રહ્યો છે, કેમ કે કર ભર્યા બાદ તેઓ તેમની સાથે ભાવની સરખામણી નથી કરી શકતા.

આ જ વાત ઍરકંડિશનરવાળા પણ કહે છે. તેમનું કહેવું છે કે જાપાનની કંપનીઓ, જેની બ્રાન્ડ જાણીતી છે તે પોતાના ક્રમ્પેશર અને મોટા ભાગે નાની વસ્તુઓ થાઇલૅન્ડ અને વિયેતનામના રસ્તેથી લાવે છે, જેથી વેપારકરારનો ફાયદો લઈ શકે.

જોકે ભારતમાં એસી માર્કેટમાં અંદાજે પિસ્તાળીસ ટકા આયાત ચીનથી થાય છે, તેમજ અન્ય દેશોમાંથી પણ સામાન આવી રહ્યો છે. તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.

એક ઉદાહરણથી સમજો.

વિદેશથી આવનાર કોઈ પણ માણસ તેની સાથે એક મોબાઇલ ફોન અને એક લેપટૉપ તો લાવી જ શકે છે. ક્યારેક-ક્યારેક બે પણ.

ઍપલનું એક લૅટેસ્ટ મૈકબુક લેપટૉપ ભારતમાં પોણા બે લાખ રૂપિયામાં મળે છે અને અમેરિકામાં સવા લાખ રૂપિયાથી ઓછી કિંમતે. હવે વિચારો કે આટલો ફરક હોય તો શું કોઈ ફાયદો ન ઉઠાવે?

આટલું જ અંતર આઇફોન પર પણ છે. હાલમાં અવરજવર બંધ છે, પરંતુ હંમેશાં તો નહીં રહે.

થાઇલૅન્ડથી આવનાર કોઈ પણ ફ્લાઇટમાંથી ઊતરનાર મુસાફરને જુઓ. મોટા ભાગની ટ્રૉલીમાં એક એલસીડી કે એલઈડી ટીવી ચોક્કસ દેખાતું હતું, હવે એસી પણ જોવા મળી શકે છે. કાયદાકીય રીતે લાવવા પર કોઈ રોક પણ નથી, માત્ર થોડી કસરત જ કરવાની છે.

અને સૌથી વધુ સમજણ એ જરૂરી છે કે આજની દુનિયામાં જો આગળ વધવું હોય તો પોતાની ઇન્ડસ્ટ્રીને હરીફાઈમાં ટકી રહેવા સક્ષમ બનાવવી પડશે, નહીં કે કરનો ટેકો લઈને કોઈ રીતે ઊભા રહેવું. જો તમે એક રસ્તો બંધ કરશો તો લોકો જુગાડથી બીજો રસ્તો શોધી લેશે.

આ ભય પાયાવિહોણો નથી કે આવી નીતિઓ આપણને પાછા 1970ના સમયમાં લઈ જઈ શકે છે, જ્યાં માત્ર લાઇસન્સ, પરમિટ અને પ્રતિબંધનું રાજ હતું. તેમના ભરોસે આત્મનિર્ભર થવાનું સપનું કલ્પના સાબિત થયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો