You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 327 મતોએ જીતેલી ધોળકાની ચૂંટણી હાઈકોર્ટમાં કેવી રીતે હારી ગયા?
ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના કાયદા અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જ્યાંથી વિજેતા બન્યા હતા તે ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદ કરવાનો ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે.
2017માં ધોળકા વિધાનસભા બેઠક પરથી ચુડાસમા 327 મતની નજીવી સરસાઈથી જીત્યા હતા.
એ જીતને કૉંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે પડકારી હતી અને મતગણતરીમાં ગેરરીતિનો આરોપ મૂક્યો હતો.
આ કેસમાં કૉંગ્રેસના ઉમેદવારે કહ્યું હતું કે મતગણતરીમાં છેતરપિંડી કરવામાં આવી અને 429 બૅલેટ પેપરના મતને ધ્યાનમાં ન લેવામાં આવ્યા. આ દલીલ હાઈકોર્ટે માન્ય રાખી છે.
ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની જાહેરાત કરી છે.
આ મામલે ગુજરાત હાઈકોર્ટે સુનાવણી પછી ચુકાદો અનામત રાખ્યો હતો જેને આજે વીડિયો કૉન્ફરન્સિંગથી આપવામાં આવ્યો.
આ કેસમાં અશ્વિન રાઠોડની માગ મુજબ મતગણતરીનું સીસીટીવી ફૂટેજ, મોબાઇલ વગેરે પણ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હાત. સુનાવણીમાં ચુડાસમાના સેક્રેટરીની શંકાસ્પદ કામગીરીની પણ નોંધ લેવામાં આવી હતી.
આ ઉપરાંત ગેરરીતિઓ ધવલ જાનીના ક્રોસ એક્ઝામિનેશનમાં પણ પૂરવાર થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાઈકોર્ટમાં બેઉ પક્ષોએ મૌખિક દલીલો ઉપરાંત લેખિત દલીલો પણ રજૂ કરવામાં આવી હતી.
ચૂંટણીપંચે પણ ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ હોવાની વાત માની હતી અને રિટર્નિંગ ઑફિસર ધવલ જાની તથા ચૂંટણીનિરીક્ષક સનદી અધિકારી વિનીતા બોહરા સામે પગલાં ભરવાની ભલામણ કરી હતી.
આ કેસની સુનાવણી જસ્ટિસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં થઈ હતી. ઇલેકશન પિટિશનની 73 સુનાવણીઓ પછી આ ચુકાદો આવ્યો છે.
2018માં જાન્યુઆરી મહિનાથી આ કેસની સુનાવણી શરૂ થઈ હતી.
નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલે આ મામલે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવવાની વાત કરી છે.
બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખને નીતિન પટેલે જણાવ્યું કે ભાજપના સભ્ય તરીકે તેમને સંબંધિત બાબતે દુઃખ થયું છે. જોકે, કોર્ટનો ચુકાદો તેઓ સ્વીકારે છે.
તેમણે ન્યાયતંત્ર પર વિશ્વાસ હોવાની અને આ મામલે કાયદાકીય લડાઈ લડવાની પણ વાત કરી.
ધોળકાની બેઠક અને નજીવી સરસાઈનો ઇતિહાસ
1962થી પરંપરાગત રીતે ધોળકા વિધાનસભાની બેઠક કૉંગ્રેસની ગણાતી હતી. દલિતો, મુસ્લિમો અને ક્ષત્રિયોનું પ્રભુત્વ ધરાવતી ધોળકાની બેઠક ભાજપે પહેલી વાર 1990માં જીતી હતી.
એ વખતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કૉંગ્રેસના પરશોતમ મકવાણાને હરાવી આ બેઠક જીતી.
જોકે, આ અગાઉ ધોળકા બેઠક પર જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 1980 અને 1985ની બે ચૂંટણી હારી ચૂક્યા હતા.
ચુડાસમા 1990 અને 1995માં આ બેઠક પરથી જીત્યા. જોકે, 1998ની ચૂંટણીમાં એમનો કૉંગ્રેસના ઉમેદવાર કાનજીભાઈ તળપદા સામે પરાજય થયો.
2002માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક ફરીથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જીતી લીધી. જોકે, એ વખતે એમની જીતની સરસાઈ ફક્ત 722 મતની હતી અને એમની સામે કૉંગ્રેસના ઉમેદવાર કાનજીભાઈ તળપદા હતા.
2007માં કાનજીભાઈ તળપદાએ આ બેઠક ફરીથી જીતી લીધી. જોકે, 2012માં કૉંગ્રેસે કાનજીભાઈને બદલે ચાવડા પ્રધ્યુમનસિંહને ટિકિટ આપી અને એ ચૂંટણીમાં મોટા અંતરથી ભાજપના ઉમેદવાર એવા ભૂપેન્દ્રસિંહનો વિજય થયો.
2017માં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સામે કૉંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ હતા.
આંદોલનોના ઓછાયા વચ્ચે લડાયેલી એ ચૂંટણીમાં ભાજપ સામે મોટો પડકાર હતો. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સામે ધોળકામાં દલિતોએ જમીનના અધિકારને લઈને જિજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં આંદોલન પણ કર્યું હતું.
જોકે, 2017ની ચૂંટણીનું પરિણામ હતું, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને 71530 મતો અને અશ્વિન રાઠોડને 71203 મત.
આ ચૂંટણીમાં મતગણતરીમાં ગરબડનો આરોપ અશ્વિન ચૌહાણે મૂક્યો અને પછી અદાલતી લડાઈ શરૂ થઈ.
કોણે શું કહ્યું?
આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કૉંગ્રેસ નેતા ભરત સોલંકીએ કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટનો આવકારદાયક નિણય. સત્યમેવ જયતે.
કૉંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ગુજરાતના કાયદામંત્રીને ગેરકાયદે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ચૂંટણી ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગેરકાયદે અને રદ ઘોષિત કરવામાં આવી છે. 2017માં ખોટી રીતે એમણે જીત મેળવી હતી.
કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, આ લોકશાહીનો વિજય છે. આ હિમશીલાની ટોચ ખરવાની શરૂઆત છે. ભાજપે લોકશાહીનું ખૂન કર્યું છે એનું આ ઉદાહરણ છે.
આ મુદ્દે કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું કે આજે ફરી એક વાર સાબિત થઈ ગયું કે ભાજપ દ્વારા ગુજરાતમાં પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી ચૂંટણીમાં ગરબડ કરવામાં આવે છે. આજે ગુજરાત હાઈકોર્ટે કૅબિનેટમંત્રીની ચૂંટણીને રદ કરી દીધી છે. મંત્રીએ સત્તાતંત્ર અને રૂપિયાના જોરે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ગરબડી કરી હતી. સત્યમેવ જયતે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો