ગુજરાતની કોરોના વાઇરસ સામેની લડાઈ વચ્ચે ઉચ્ચ અધિકારીઓને 'સાઇડલાઇન' કરાયા?

ઇમેજ સ્રોત, Social Media Jayanti Ravi
કોરોના વાઇરસ સામે ગુજરાતની લડાઈની વચ્ચે રાજ્ય સરકારે આરોગ્યવિભાગમાં ફેરફાર કર્યાં છે અને વિભાગને 'માર્ગદર્શન આપવા' માટે મહેસૂલવિભાગના અધિકસચિવ પંકજ કુમારની નિમણૂક કરી છે.
આને પગલે કોરોના સામે 'ગુજરાતની લડાઈનો ચહેરો' બની ગયેલાં જયંતી રવિની સત્તામાં કાપ આવશે અને તેમણે પંકજ કુમારને રિપોર્ટ કરવાનો રહેશે.
બીજી બાજુ, ગુજરાતમાં સૌથી અસરગ્રસ્ત એવા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા બે કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાથી હોમ ક્વોરૅન્ટીન થયા છે, જેની ઉપર કૉંગ્રેસના ધારાસભ્ય સવાલ ઉઠાવ્યા છે.
આ સિવાય સ્થાનિક ચેનલોમાં તથા ગુજરાતમાંથી પ્રકાશિત અખબારોમાં ઉચ્ચ અધિકારીઓને 'સાઇડલાઇન' કરાયા હોવાની ચર્ચા જોવા મળી હતી.
સત્તાવાર આંકડા પ્રમાણે, સોમવારથી અને મંગળવાર દરમિયાનના 24 કલાકમાં 441 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 49 મૃત્યુ થયાં હતાં. મંગળવારે ગુજરાતમાં કોરોનાના કેસોનો આંક છ હજારને પાર કરી ગયો, રાજ્યમાં 6245 કન્ફર્મ કેસ નોંધાયેલા છે, જ્યારે 368 મૃત્યુ થયાં છે.
અમદાવાદમાં 349 કેસના ઉછાળા સાથે 4425 કન્ફર્મ કેસ થયા છે, જ્યારે 39 મૃત્યુ સાથે મૃત્યુઆંક 273 પર પહોંચ્યો છે.

જયંતી રવિની સત્તા પર કાપ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આરોગ્યવિભાગના અગ્રસચિવ જયંતી રવિ છેલ્લા લગભગ સવા મહિનાથી દિવસમાં બે વખત (અને પાછળથી એક વખત) પત્રકારપરિષદ ભરીને કોવિડ-19 અંગે રાજ્ય સરકારની કામગીરી અંગે માહિતી આપતાં.
તેઓ કોરોના સામે 'ગુજરાતની લડાઈનો ચહેરો' બની ગયાં હતાં, પરંતુ હવે તેમની સત્તા ઉપર કાપ મૂકવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંગળવારે સાંજે નિયમિત સમય પહેલાં જયંતી રવિએ પત્રકારપરિષદ સંબોધી, ત્યારે તેમની સાથે પંકજ કુમાર પણ હતા. જેમાં તેમણે અમદાવાદના મ્યુનિસિપલ વિજય નેહરા 14 દિવસ માટે હોમ ક્વોરૅન્ટીન થયા હોવાની જાહેરાત કરી હતી.
આ સિવાય આ ગાળા દરમિયાન તેમના સ્થાને ગુજરાત મૅરિટાઇમ બોર્ડના ચીફ ઍક્ઝિક્યુટિવ ઓફિસર મુકેશ કુમારને પદભાર સોંપાયો હોવાની માહિતી આપી હતી.
આ સિવાય ડૉ. રાજીવ કુમાર ગુપ્તાને (અધિક મુખ્ય સચિવ, વનવિભાગ) અમદાવાદ શહેરમાં કોવિડ-19 સંબંધિત કામગીરીનો પ્રભાર સોંપવામાં આવ્યો હતો, જે તેમણે 'તાત્કાલિક અસરથી' સંભાળી લીધો હતો.
ગુજરાત સરકારના નૉટિફિકેશન મુજબ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારને ગુજરાતના આરોગ્યવિભાગની કોવિડ-19 સંબંધિત પ્રવૃત્તિઓને 'માર્ગદર્શન આપવાનું અને સુપરવિઝન' કરવાની કામગીરી સોંપવામાં આવી છે.
અમદાવાદથી બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ મુખ્ય પ્રધાનકાર્યાલયને ટાંકતા જણાવે છે, 'જયંતી રવિને હઠાવાયાં નથી, પરંતુ હવે તેમણે પંકજ કુમારને રિપોર્ટ કરવાનું રહેશે.'

અમદાવાદની કામગીરી પર 'વાદ'

ઇમેજ સ્રોત, Social Media
મંગળવારે સાંજે અમદાવાદના મ્યુનિસિપલ કૉર્પોરેશનના (એ.એમ.સી.) કમિશનર વિજય નેહરાએ ટ્વિટર ઉપર લખ્યું :
"ફિલ્ડ વિઝિટ દરમિયાન હું બે લોકોના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં તેમને કોરોના થયો હોવાનું માલૂમ પડ્યું હતું. વર્તમાન માર્ગદર્શકા મુજબ મને 14 દિવસ માટે સૅલ્ફઆઇસોલેશનની સલાહ આપવામાં આવી છે."
જો જયંતી રવિ કોરોના સામેની લડાઈમાં 'ગુજરાતનો ચહેરો' હતા, તો નેહરા 'અમદાવાદનો ચહેરો' બની રહ્યા હતા. તેઓ નિયમિત રીતે યુટ્યૂબ અને ફેસબુક ઉપર લાઇવ કરીને કૉર્પોરેશનની કામગીરી અંગે માહિતી આપતાં અને પત્રકારો તથા નાગિરકોના ચુનંદા સવાલોના જવાબ આપતાં.
આ પહેલાં તેઓ પત્રકાર પરિષદ ભરીને આ માહિતી આપતા. નેહરાએ તેમના ટ્વિટમા વહેલાસર કોરોના સામેની લડાઈમાં ફરીથી જોડાવાની વાત કહી હતી.
નોંધનીય છે કે એ.એમ.સી.ના એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને તેમના ડ્રાઇવર ઉપરાંત એક કૉર્પોરેટરનો કોરોનાના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદ હેઠળ આવતી ખાડિયા-જમાલપુર બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ નેહરાના ક્વોરૅન્ટીન થવાને 'અચાનક' ગણાવી, તેની ઉપર સવાલ ઉઠાવતા પૂછ્યું :
"40 દિવસમાં ચાર હજારથી વધુ કેસ શોધી કાઢીને વિજય નેહરાએ પ્રશંસનીય કામગીરી બજાવી હતી. તેઓ રેડઝોન તથા હૉસ્પિટલમાં કોરોનાના દરદીઓની વચ્ચે સતત હાજર રહ્યા હતા."
"ત્યારે અચાનક જ કોરોનાગ્રસ્તના સંપર્કમાં આવ્યાનું કારણ આગળ કરીને તેમને 14 દિવસ ક્વોરૅન્ટીન કરવા પાછળ શું કારણ છે?"
"શહેરમાંથી પૉઝિટિવ કેસ શોધી કાઢવા, તેમાં નાગરિકોનું હિત હતું, પરંતુ ભાજપની ગુજરાત સરકાર માટે શું અહિત હતું? રાજ્યની ભાજપ સરકારની છાપ ખરડાતી નહોતી ને?"
ખેડાવાલાએ કમિશનરને ક્વોરૅન્ટીન કરવાને 'અચાનક' ગણાવી, તેમને ક્વોરૅન્ટીન કરવા ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ખેડાવાલા પોતે કોરોનાગ્રસ્ત છે તથા કૉર્પોરેશન સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.
અખબારોમાં અટકળો

ઇમેજ સ્રોત, Getty Images
આરોગ્ય વિભાગના સૂત્રોને ટાંકતા અંગ્રેજી અખબાર 'ધ હિન્દુ' લખે છે :
'જયંતી રવિ તથા વિજય નેહરાએ કોરોના આંગે જે કામગીરી બજાવી તેનાથી ગાંધીનગર તથા દિલ્હીના ટોચના લોકો ખુશ ન હતા. અમદાવાદમાં જે કંઈ થાય તેના રાષ્ટ્રીયસ્તરે પ્રત્યાઘાત પડે એટલે દિલ્હી દ્વારા દખલ અપેક્ષિત હતી.'
અખબાર મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા નાયબમુખ્ય પ્રધાન નિતિન પટેલ વચ્ચેની ખેંચતાણને પણ જવાબદાર માને છે. ઉલ્લેખનીય છે કે પટેલ ગુજરાતના આરોગ્ય પ્રધાન પણ છે.
ગુજરાતમાં કોરોના સંબંધિત 368 મૃત્યુ થયાં છે, જેમાંથી અમદાવાદમાં 273 (74 ટકા) મૃત્યુ થયાં છે. ગુજરાતના 6245 કન્ફર્મ કેસમાંથી 4425 (લગભગ 71 ટકા) કેસ અમદાવાદમાં નોંધાયેલા છે.
શહેરમાંથી પ્રકાશિત થતું ટાઇમ્સ ઑફ ઇન્ડિયા જૂથનું અખબાર 'અમદાવાદ મિરર' લખે છે :
કોવિડ-19 સામેની કામગીરીને બરાબર રીતે ન બજવી શકતા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પર કેન્દ્ર સરકારની તવાઈ ઉતરી છે.
વિજય રૂપાણીની કાર્યશૈલી ઉપર લગામ કસવા માટે મુખ્ય પ્રધાનની પસંદગીના અધિકારીઓને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે અને વધુ અનુભવી અધિકારીઓને કોવિડ-19 સંબંધિત કામગીરી સોંપવામાં આવી છે.
અખબાર લખે છે કે આ સિવાય જે રીતે પ્રવાસી શ્રમિકોની સમસ્યા વકરી હતી, તેનાથી નારાજગી વકરી હતી.
પરિસ્થિતિની ગંભીરતાને જોતાં કેન્દ્ર સરકારે દેશના 20 જિલ્લા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે, જેમાં અમદાવાદ બીજાક્રમે છે. આ સિવાય ગુજરાતના સુરત તથા વડોદરાનો સમાવેશ થાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતી અખબાર 'દિવ્ય ભાસ્કર' તેની વેબસાઇટ પર લખે છે, કોરોનાની સ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી એટલે મુકેશ કમારને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની કમાન સોંપવામાં આવી.
આ સિવાય મુખ્ય સચિવ અનિલ મુકિમ, કે. કૈલાસનાથન તથા રાજીવ ગુપ્તા જેવ અનુભવી અધિકારીઓને પણ કોરોના સામેના જંગમાં મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
અમદાવાદથી પ્રકાશિત ગુજરાતી અખબાર 'સંદેશ' લખે છે કે પરિસ્થિતિ વકરે તે પહેલાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જયંતી રવિની સામે કાર્યવાહી કરી છે અને તેમના સ્થાને વધુ કાબેલ તથા બાહોશ અધિકારીઓને પદભાર સોંપવામાં આવ્યો છે.
અન્ય એક અખબાર 'ગુજરાત સમાચાર' નેહરા વિશેના અહેવાલના શીર્ષકમાં લખે છે, 'નેહરા ક્વોરૅન્ટીન થયા કે કરાયા?' અખબાર માને છે કે અધિકારીઓ વચ્ચેની આંતરિક જૂથબંધી તેમને નડી ગઈ છે.
કોણ છે જયંતી રવિ તથા નેહરા?
આરોગ્ય સચિવ જયંતી રવિ ફેબ્રુઆરી-2002માં પ્રથમ વખત ચર્ચામાં આવ્યાં હતાં. ગોધરામાં કારસેવકોને લઈ જતી સાબરમતી એક્સપ્રેસમાં 50થી વધુ કારસેવકોને સળગાવી દેવામાં આવ્યા ત્યારે તેઓ જિલ્લાના કલેક્ટર હતા.
એ સમયે તેમણે જે રીતે સ્થિતિને કાબૂમાં લીધી હતી, તેનાથી ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન તથા વર્તમિન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રભાવિત થયા હતા.
જયંતી રવિ મૂળ ચેન્નાઈ (તામિલ નાડૂ)ના છે. 1991ની બૅચના આઈ.એ.એસ. (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ)ના અધિકારી છે.
તેમણે ઈ-ગવર્નન્સમાં પીએચ.ડી. (ડૉક્ટર ઑફ ફિલોસોફી) કર્યું છે. ન્યુક્લિયર ફિઝિક્સમાં તેઓ એમ.એસ.સી (માસ્ટર ઑફ સાયન્સ) થયાં છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
માસ્ટર ઑફ પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન (એમ.પી.એ)નો કોર્સ તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી કર્યો છે.
લંડન સ્કૂલ ઑફ ઇકનૉમિક્સમાંથી તેમણે લીડરશિપ પ્રોગ્રામ કર્યો છે. ન્યુક્લિયર ફિઝિક્સમાં માસ્ટર્સ કરનારા જયંતી રવિએ સાયન્ટિસ્ટ તરીકે દિલ્હીમાં બે વર્ષ કામ કર્યું છે.
જયંતી રવિ સાબરકાંઠામાં તાલુકા વિકાસ અધિકારી રહી ચૂક્યાં છે. પંચમહાલનાં કલેક્ટર પણ હતાં.
તેઓ લેબર કમિશનર તેમજ હાયર ઍજ્યુકેશન કમિશનર પણ રહી ચૂક્યાં છે.
આમ રાજ્યમાં તેમણે સરકારના વિવિધ વિભાગોમાં કામ કર્યું છે. 3 સપ્ટેમ્બર, 2019ના રોજ તેમણે આરોગ્ય અને કુટુંબ-કલ્યાણ વિભાગનો હવાલો સંભાળ્યો હતો.
જયંતી રવિએ પુસ્તકો પણ લખ્યાં છે અને તેઓ શાસ્ત્રી સંગીતના જ્ઞાતા પણ છે.

ઇમેજ સ્રોત, Getty Images
વિજય નેહરા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ બૉમ્બેમાંથી કૅમિસ્ટ્રીમાં એમ.એસસી. કર્યું છે.
આ સિવાય તેમણે અમેરિકાના બર્કલી ખાતે ગૉલ્ડમૅન સ્કૂલ ઑફ પબ્લિક પોલિસીમાં માસ્ટર ઇન પબ્લિક ઍડિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે, જે યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયા બર્કલી સાથે સંલગ્ન છે.
નેહરા લોકસેવામાં જોડાયા તે પહેલાં બેંગ્લુરુ ખાતે મુખ્યાલય ધરાવતી આઈ.ટી. (ઇન્ફર્મેશન ટેકનૉલૉજી) કંપની ઇન્ફોસિસ સાથે જોડાયેલા હતા.
નેહરા અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં જિલ્લા કલેક્ટરપદે તથા રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
આ સિવાય તેઓ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશન (એસ.ટી.)માં મૅનેજિગ ડાયરેક્ટરપદે પણ રહ્યા છે .


- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













