મળ્યો એવો માઇક્રોબ જે મૅલેરિયા ફેલાતો અટકાવી દેશે

મચ્છરની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જેમ્સ ગેલાગેર
    • પદ, આરોગ્ય અને વિજ્ઞાન સંવાદદાતા

વિજ્ઞાનીઓએ એવો માઇક્રોબ શોધી કાઢ્યો છે જે સંપૂર્ણપણે મચ્છરોને મૅલેરિયાના ચેપથી બચાવી શકે.

કેન્યા અને યુ.કે.માં કામ કરી રહેલી ટીમનું કહેવું છે કે આ શોધને કારણે મૅલેરિયાના રોગને અટકાવવામાં "જબરદસ્ત શક્યતા" ઊભી થઈ છે.

મૅલેરિયા ચેપગ્રસ્ત મચ્છર કરડે તેના કારણે થાય છે, એટલે મચ્છરને જ ચેપથી બચાવી લેવાય તો લોકો પણ સલામત થઈ જાય.

સંશોધકો હવે એ બાબતની તપાસ કરી રહ્યા છે કે ચેપગ્રસ્ત મચ્છરોને જંગલોમાં છોડી દેવા કે પછી રોગને અટકાવવા માટે બીજકણનો ઉપયોગ કરવો.

line

માઇક્રોબ શું છે?

મૅલેરિયા અટકાવતા જંતુ (બગ) માઇક્રોસ્પૉરિડિયા એમબીની શોધ કેન્યાના લેક વિક્ટોરિયા પાસે મચ્છરોના અભ્યાસ દરમિયાન થઈ હતી. જીવડાંના આંતરડાં અને જનેન્દ્રિયોમાં આ બગ રહે છે.

પરંતુ સંશોધકોએ જોયું કે મૅલેરિયાના વાહક મચ્છરોમાં માઇક્રોસ્પૉરિડિયા બિલકુલ જોવા મળતા નહોતા. આ માઇક્રોબ મચ્છરોને પણ મૅલેરિયા સામે રક્ષણ આપી શકે છે તેવું સંશોધનમાં જોવા મળ્યું, જેના વિશેનો અભ્યાસ લેખ નેચર કૉમ્યુનિકેશન્સમાં પ્રગટ થયો છે.

માઇક્રોસ્પૉરિડિયા એક પ્રકારની ફૂગ છે અથવા તેને મળતા આવતો જીવ છે, જે મોટા ભાગે પરોપજીવી છે.

જોકે આ પરોપજીવી મચ્છરો માટે ઉપયોગી થાય છે. અભ્યાસ દરમિયાન પાંચેક ટકા જંતુઓમાં તે જોવા પણ મળ્યા હતા.

આ કેટલી મોટી શોધ છે?

મચ્છરદાનીમાં સૂતેલા બાળકોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત સહિત અનેક દેશોમાં મચ્છરદાનીથી મચ્છરો સામે રક્ષણ મેળવવાનું ચલણ

કેન્યાના ઇન્ટરનેશનલ સેન્ટર ઑફ ઇન્સેક્ટ ફિઝિયોલૉજી એન્ડ ઇકોલૉજીના ડૉ. જેરેમી હેરેન કહે છે, "આંકડાં દર્શાવે છે કે તે 100% ટકા અટકાવ કરે છે. મૅલેરિયાને તે બિલકુલ આવવા દેતો નથી."

ડૉ. હેરેને બી.બી.સી.ને વધુમાં જણાવ્યું કે: "આ બહુ નવાઈ લાગે તેવું છે. મને લાગે છે કે બહુ મોટી સફળતા મળી છે તેમ લોકોને લાગશે."

દર વર્ષે મૅલેરિયાને કારણે 400,000થી વધુ લોકોનાં મૃત્યુ થાય છે, જેમાં મોટી સંખ્યા પાંચ વર્ષથી નીચેના બાળકોની હોય છે.

મચ્છરદાનીનો ઉપયોગ અને ઘરોમાં મચ્છરો ભગાડવાના ઉપાયોને કારણે ઘણો ફાયદો થયો છે, પરંતુ હાલના વર્ષોમાં વધુ ફાયદો થતો અટકી ગયો હતો.

સૌ કોઈ સ્વીકારતા થયા હતા કે મૅલેરિયાના સામના માટે બીજા ઉપાયો અજમાવવા પડશે.

line

માઇક્રોબ મૅલેરિયાને કેવી રીતે રોકે છે?

માઇક્રોબ કેવી રીતે કામ કરે છે તે વિગતપૂર્ણ રીતે સમજવાનું હજી બાકી છે.

પરંતુ માઇક્રોસ્પૉરિડિયા એમબી મચ્છરોની રોગ પ્રતિકારશક્તિને મજબૂત કરતા જણાય છે અને તેથી તે ચેપનો સામનો કરી શકે છે.

મચ્છરોમાં આ માઇક્રોબ હોય તો તેની ચયાપચય ક્રિયામાં મોટો ફેરફાર થાય છે અને તેના કારણે મૅલેરિયાના પરોપજીવી તેમાં ટકી શકતા નથી.

માઇક્રોસ્પૉરિડિયા એમબીનો ચેપ લાગે તે પછી તે જીવનભર રહેતો હોય તેમ લાગે છે.

પ્રયોગોમાં એવું જોવા મળ્યું છે કે તે શરીરમાં પ્રવેશ્યા પછી વધુ પ્રબળ બને છે અને તેથી મૅલેરિયાને રોકવાની તેની ક્ષમતા લાંબો સમય સુધી રહી શકે છે.

મૅલેરિયા સામે તેનો ઉપયોગ ક્યારે?

વૈજ્ઞાનિક પરીક્ષણની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વૈજ્ઞાનિક પરીક્ષણની પ્રતીકાત્મક તસવીર

મૅલેરિયાને રોકવા માટે જે તે વિસ્તારના કમસે કમ 40% ટકા મચ્છરોમાં માઇક્રોસ્પૉરિડિયાનો ચેપ પ્રસરે તેવું કરવું પડે.

પુખ્ત મચ્છરોમાં આ માઇક્રોબનો ચેપ ફેલાતો રહી શકે છે અને તે જ રીતે માદા મચ્છરોમાંથી તેના બચ્ચાંમાં પણ ચેપ આવી શકે છે.

કેવી રીતે માઇક્રોબના ચેપ સાથેના મચ્છરોની સંખ્યા વધારવી એ બે મુખ્ય વ્યૂહરચના પર સંશોધકો વિચારી રહ્યા છે.

મચ્છરોના બીજકણથી માઇક્રોસ્પૉરિડિયા મોટા પ્રમાણમાં ફેલાવી શકાય છે.

નર મચ્છરોમાં (જે કરડતા નથી તેમાં) ચેપ ફેલાવવાનો પ્રયોગશાળામાં પ્રયાસ કરવો પડે.

નર મચ્છરોને ચેપી બનાવી પછી તેને ખુલ્લામાં છોડી દેવામાં આવે, જેથી સંવનન દરમિયાન તે માદા મચ્છરોને પણ ચેપ લગાવી શકે.

પ્રોફેસર સ્ટિવન સિન્કિન્સ કહે છે, "આ એક નવી શોધ છે. મૅલેરિયાના નિયંત્રણની શક્યતાથી અમે ઉત્સાહિત છીએ. બહુ મોટી શક્યતા રહેલી છે."

તેઓ MRC-ગ્લાસગૉ યુનિવર્સિટીના સેન્ટર ફૉર વાઇરસ રિસર્ચમાં કામ કરે છે. માઇક્રોબ્સનો ઉપયોગ કરીને રોગ નિયંત્રણનો વિચાર નવો નથી.

Wolbachia એવા નામે જાણીતા બૅક્ટેરિયા મચ્છરો માટે ડેન્ગ્યૂનો ચેપ ફેલાવવાનું અઘરું બનાવે છે તેવું પણ વાસ્વતિક દુનિયામાં કરેલા પ્રયોગોમાં જોવા મળ્યું છે.

line

આગળ શું?

માઇક્રોબ કેવી રીતે ફેલાય છે તે જાણવું જરૂરી છે, તેથી વિજ્ઞાનીઓ તે માટે કેન્યામાં વધારે પ્રયોગો કરી રહ્યા છે.

આ પ્રયોગોમાં ખાસ કશો વિવાદ પણ નથી, કેમ કે આ માઇક્રોબ જંગલી મચ્છરોમાં જોવા મળે છે અને તેમાં કોઈ નવો ચેપ દાખલ કરવાનો આવતો નથી.

બીજું કે તેના કારણે મચ્છરોનું મોત થતું નથી. તેથી મચ્છરો પર આધારિત જૈવિક વ્યવસ્થા પર પણ કોઈ અસર થશે નહીં.

મચ્છરોની વસતિનો અઠવાડિયામાં જ મોટા પ્રમાણમાં નાશ કરે તેવી ફૂગના ઉપયોગના અન્ય વ્યૂહ સાથે આનો પણ વિચાર થઈ રહ્યો છે.

line
કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો