કોરોના લૉકડાઉન 3.0 : ઠપ કામકાજ અને અપૂરતી સહાય વચ્ચે પીસાતા ગુજરાતના શ્રમિક

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
પાનસિંહ ભીમાભાઈ દાહોદ પાસેના અગાવડા ગામમાં રહે છે. ગામમાં તો એ માત્ર અમુક મહિના જ હોય છે, કારણ કે મજૂરીકામ માટે તેઓ અન્ય શહેરોમાં ફરતા રહે છે.
મહિલા સહિત પરિવારના અન્ય સભ્યો પણ પાનસિંહ સાથે મજૂરીમાં જોડાય છે.
તેઓ બાંધકામ શ્રમિક છે, એટલે કે શહેરોમાં બંધાતી ઇમારતો, રોડ, પુલ વગેરેનાં ચણતરમાં મજૂરી કરે છે.
અત્યારે કોરોનાની મહામારીને લીધે લૉકડાઉન છે અને સમગ્ર રાજ્યમાં કામકાજ ઠપ છે, તેથી પાનસિંહ ભીમા તેમના પરિવાર સાથે વતન અગાવડામાં છે.

શ્રમિક, સહાય અને સંઘર્ષ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા પાનસિંહ જણાવે છે, "અમે લૉકડાઉન અગાઉ બાવળા અને સાણંદ પાસે કડિયાકામ કરતા હતા. "હું મારી ઘરવાળી તેમજ મારા દીકરાની ઘરવાળી એમ પરિવારમાંથી ત્રણ જણા કામ કરતા હતા."
"લૉકડાઉન પછી બંધ છે. સરકાર દ્વારા અમને ઘઉં -દાળ વગેરે મળ્યા છે. સરકારે અનાજ આપીને સારું કામ કર્યું છે."
"મારા ખાતામાં સરકાર દ્વારા એક હજાર રૂપિયા પણ જમા થયા છે."
પાનસિંહ ઉમેરે છે, "મારું કહેવાનું એ છે કે મારા પરિવારમાંથી હું મજૂરી કરું છું સાથે-સાથે મારી પત્ની અને મારા દીકરાની વહુ પણ બાંધકામ શ્રમિક છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"સરકાર આ કપરા સમયમાં પૈસા આપતી હોય તો એ સારી જ બાબત છે. કહેવાનું એટલું જ છે કે મારી પત્ની અને દીકરાની વહુ પણ જો મજૂરીએ જતાં હોય તો તેમને પણ મારી જેમ હજાર - હજાર રૂપિયા સરકારે આપવા જોઈએ."
"મારા પરિવારમાં રૅશનકાર્ડ મારા નામનું છે, તેથી માત્ર મને પૈસા મળ્યા છે, પણ મજૂરી તો ઘરના અન્ય સભ્યો પણ કરે છે અને તેમનાં નામ પણ બાંધકામ શ્રમિક તરીકે સરકારી ચોપડે નોંધાયેલા છે."
સરકારે માત્ર રૅશનકાર્ડ ધારકોને જ પૈસા આપ્યા છે, પરંતુ જે લોકો ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નામ ધરાવતા હોય તેમને પૈસા આપવા જોઈએ."

ઇમેજ સ્રોત, Getty Images
દાહોદના જ દેલસર ગામમાં રહેતાં બાંધકામ શ્રમિક સંજય સંગાડાનું પણ આવું જ કહેવું છે. તે જણાવે છે:
"રાજ્ય સરકાર દ્વારા અમને 1000 રૂપિયાની સહાય નથી મળી."
"પરિવારમાં રૅશનકાર્ડ મારા નામનું નથી, પણ બાંધકામ શ્રમિક તરીકે તો મારું નામ સરકારી ચોપડે બોલે છે."
12 એપ્રિલે રાજ્ય સરકાર દ્વારા એવી જાહેરાત થઈ હતી કે રાજ્યમાં 68.80 લાખ જેટલા શ્રમિક પરિવારોને કુટુંબદીઠ 1000 રૂપિયાની સહાય ડી.બી.ટી. (ડાઇરેક્ટ બૅનિફીટ ટ્રાન્સફર) પદ્ધતિથી તેમના બૅન્ક ખાતામાં જમા કરાવવામાં આવશે.
રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ રૂ. 2259 કરોડનું મુખ્યમંત્રી 'ગરીબ કલ્યાણ પૅકેજ' જાહેર કર્યું છે, જે અંતર્ગત આ રકમ ચૂકવાઈ રહી છે.
'દરેક શ્રમિકને સહાય મળે'
આ પૅકેજ અને શ્રમિકોને ચૂકવાતી 1000 રૂપિયાની રકમ સબબ રાજ્યમાં કાર્યરત બાંધકામ મજૂર સંગઠન સંસ્થાના સેક્રેટરી વિપુલ પંડ્યાએ બીબીસીને જણાવ્યું હતું:
"રાજ્ય સરકારની જાહેરાત મુજબ મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પૅકેજ હેઠળ સમાવાયેલા દરેક લાભાર્થી કુટુંબને રૂપિયા 1000ની નાણાંકીય સહાય મુખ્ય રૅશનકાર્ડ ધારક - શ્રમયોગી લાભાર્થીના બૅન્ક ખાતામાં જમા કરાવવામાં આવશે. "
"એટલે કે રૅશનકાર્ડ ધરાવતી કુટુંબની મુખ્ય વ્યક્તિને જ આ લાભ મળે છે. દરેક લાભાર્થી શ્રમિકને નહીં મળે."
"એ પરિવારમાં અન્ય કોઈ જો મજૂરી કરતાં હોય, તો તેમને લાભ નહીં મળે. જો આ લાભ કુટુંબદીઠ આપવાનો હોય તો બોર્ડ પાસેથી જે ભંડોળ મેળવવામાં આવ્યું છે તે કુટુંબદીઠ મેળવવું જોઈએ, નહીં કે બોર્ડમાં થયેલી નોંધણી દીઠ."

ઇમેજ સ્રોત, Getty Images
વિપુલભાઈ જણાવે છે, "બીજી બાબત એ પણ છે કે ગુજરાતમાં એવા કેટલાંય બાંધકામ શ્રમિક છે જે રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાંથી આવે છે. તેમના રૅશનકાર્ડ ગુજરાતના નથી. "
"તો તેમને સહાય કેવી રીતે ચૂકવાશે? ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં લાભાર્થી શ્રમિકોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે, પણ રૅશનકાર્ડમાં હેડ ઑફ ફૅમિલી તરીકે પુરૂષ કામદારનું નામ હોય છે. તો શું એ મહિલાઓને 1000 રૂપિયાની સહાય મળશે કે નહીં? આવા અનેક સવાલ ઊભા થયા છે."
'4,63,163 જેટલા શ્રમિકોની રકમ જમા'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
ગુજરાત સરકારે જાહેર કરેલી નાણાં સહાય અને ઊભા થયેલા સવાલો વિશે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સભ્યસચિવ બી. એમ. પ્રજાપતિને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે બીબીસીને જણાવ્યું:
"રાજ્યમાં જે નોંધાયેલા 6,38,000 બાંધકામ શ્રમિકો છે, તેમાંથી 3,51,593 લોકો રૅશનકાર્ડ ધરાવે છે તેમને તો પૈસા ચૂકવાઈ ગયા છે."
"હવે જે લોકો રૅશનકાર્ડ ધરાવતા નથી એમનો ડેટા પણ અમે આધારકાર્ડ દ્વારા તૈયાર કર્યો છે અને એમાંથી પણ 1,11,570 જેટલા શ્રમિકોની રકમ જમા કરવાની પ્રક્રિયા થઈ ગઈ છે."
"એટલે કે 6,38,000 બાંધકામ શ્રમિકોમાંથી 4,63,163 જેટલાની રકમ જમા થઈ ગઈ છે."
"પોણા બે લાખ જેટલા શ્રમિકોને રકમ જમા કરાવવાની બાકી છે. તેમને પણ ચૂકવાઈ જશે."
પ્રજાપતિ ઉમેરે છે, "આ પ્રક્રિયામાં એવા લોકો બાકી રહી જાય છે જેમનું આધારકાર્ડ કે અન્ય કોઈ પુરાવા ન હોય."
"અમે તેમની વિગતો મેળવી રહ્યા છીએ. ગામના સંરપંચ અને તલાટી વગેરેનો સંપર્ક કરીને અમે બાકી રહી ગયેલા લોકોનો સંપર્ક કરી રહ્યા છીએ."
"રાજ્યના જિલ્લા અને તાલુકાસ્તરે માહિતી આપી દીધી છે, જેટલા પણ શ્રમિક નોંધાયેલા છે, તેમને રકમ તો ચૂકવાશે જ."
"આ સિવાય રાજ્ય સરકાર 'અન્નબ્રહ્મ યોજના'નો લાભ જે લોકો પાસે રૅશનકાર્ડ નથી તેમને પણ સરકાર આપી રહી છે. જે અંતર્ગત તેમને અનાજ મળી રહ્યું છે."
'એક હજાર રૂપિયા તો ભીખનો ટુકડો'

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદના જાણીતા વકીલ અને શ્રમિકોના કેસ લડનારા આનંદ યાજ્ઞિકે બીબીસીને જણાવ્યું હતું : "બાંધકામ શ્રમિકો અસંગઠિત ક્ષેત્રે કામ કરતાં લોકો છે.
"સરકારના ચોપડે ભલે 6,38,000 જેટલા બાંધકામ શ્રમિકો નોંધાયેલા હોય, પણ ગુજરાતભરમાં જોવા જઈએ તો 20 લાખ જેટલાં બાંધકામ મજૂરો છે.
"ગુજરાત સરકારના જાહેર થયેલા રોજના લઘુતમ વેતન અનુસાર કૌશલ્ય ધરાવતાં એટલે કે સ્કિલ્ડ કામદારોને એક દિવસના 400 રૂપિયા લઘુતમ વેતન નક્કી થયું છે. અનસ્કિલ્ડ વર્કરના 200 રૂપિયા છે."
"જેના આધારે આયા બહેનોથી માંડીને આંગણવાડી બહેનોને લઘુતમ પગાર 6,000 રૂપિયા આપવામાં આવે છે."
યાજ્ઞિક કહે છે, "બાંધકામ શ્રમિકના ઘરમાં જો પતિ-પત્ની અને બે સંતાન સહિત ચાર જણા ગણીએ તો તેમને એક હજાર રૂપિયા આપવા વાજબી છે?"
"આ તો અઢી દિવસનો પગાર થયો. જો સ્ત્રી અને પુરૂષ બંને કમાતા હોય તો સરકારના લઘુતમ વેતનના ધોરણે ઘરમાં મહિને બાર હજાર રૂપિયા આવતા હોય એવું કહી શકાય."
"તેથી કુટુંબદીઠ જ જો આપવા હોય તો સરકાર 10 હજાર રૂપિયા મહિના લેખે આપે તો એ કુંટુંબનું કંઈકઅંશે ઘર ચાલે. આ એક હજાર રૂપિયા તો ભીખનો ટુકડો છે."


- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













