શું કોરોના સંક્રમણને લીધે કરોડો ભારતીયો ગરીબી રેખા નીચે ધકેલાશે? - દૃષ્ટિકોણ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉ.જય નારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
કોરોના વાઇરસ કારણે આખા દેશમાં લૉકડાઉન લાગુ પડતાં તેની અસર દેશના ગરીબ અને નિમ્ન-મધ્યમ વર્ગ ઉપર પડી છે.
વિશ્વ બૅન્ક, યુનાઇટેડ નેશન્સ હોય કે કોઈ અન્ય સંસ્થા હોય ગરીબીનીવ્યાખ્યા અને આવકના માપદંડો જુદા-જુદા હોવાને કારણે દરેક રિપોર્ટમાં ગરીબોની સંખ્યામાં ફરક જોવા મળે છે.
આ લેખમાં જે યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટીની વાત થઈ છે તેને વિશ્વ બૅન્કના માપદંડોને ધ્યાનમાં લઈ તારણો આપ્યાં છે.
તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી (UNU) દ્વારા બહાર પડાયેલા એક સંશોધન મુજબ, લૉકડાઉનની આ પરિસ્થિતિને કારણે ભારતમાં અંદાજે નવા 10 કરોડ 40 લાખ લોકો ગરીબીની રેખા નીચે આવી જશે.
યુનિવર્સિટીએ આ તારણો વિશ્વ બૅન્ક દ્વારા નિર્ધારિત આવકના માપદંડોની ધ્યાનમાં રાખીને કર્યાં છે.

'પાણીમાં' પરિશ્રમ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી મુજબ વિશ્વ બૅન્કનાં આવક ધોરણો પ્રમાણે, ભારતમાં અત્યારે 81 કરોડ 20 લાખ લોકો ગરીબીની રેખાની નીચે જીવે છે, જે દેશની કુલ વસતીના 60 ટકા જેટલી છે.
લૉકડાઉનમાં બધા જ ધંધારોજગાર, નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગો કે જે શહેરી વિસ્તારમાં આવેલા છે અને જે કોરોનાસંક્રમિત વિસ્તારમાં છે તે શરૂ નથી થયા.
જેનાથી અસંગઠિત કામદારોને રોજગારી મળતી હતી તે બંધ પડી અને એથી દેશમાં ગરીબોની સંખ્યા હવે વધીને 91 કરોડ 50 લાખ થઈ જશે. જે દેશની કુલ વસતીના 68 ટકા જેટલી થવા જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતને છેલ્લા દસ વર્ષમાં ગરીબોની જેટલી સંખ્યા ઘટી એટલી જ સંખ્યા લૉકડાઉનના સમય ગાળામાં વધી જશે, એટલે કે 10 વર્ષની મહેનત પર પાણી ફરી વળશે એમ કહી શકાય.
ત્રણ પરિમાણ
વિશ્વ બૅન્કે ગરીબી રેખાની વ્યાખ્યા માટે નીચેનાં ત્રણ ધોરણ નક્કી કર્યાં છે જેમાં -
- નિમ્ન-મધ્યમ આવક જૂથ - જેની વાર્ષિક આવક 1026થી 3095 ડૉલર એટલે કે રૂ. 78,000 થી ત્રણ લાખ સુધીની એટલે કે રોજના 3.2 ડૉલરની કમાણી કરતા લોકોને ગરીબી રેખાની નીચે ગણવામાં આવે છે.
- ઉચ્ચ-મધ્યમ આવક જૂથ - આ કૅટેગરીમાં વાર્ષિક ચાર હજાર ડૉલરથી 12 હજાર ડૉલર સુધીની સરેરાશ માથાદીઠ આવક ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. આ લોકોની આવક પ્રતિદિન સાડા પાંચ ડૉલર જેટલી ગણવામાં આવે છે.
- ઉચ્ચ આવક જૂથ - કૅટેગરીમાં વાર્ષિક 13 જાર ડૉલર કરતાં વધુ આવક ધરાવતા લોકોનો સમાવેશ થાય છે.
દેશની માથાદીઠ સરેરાશ આવક 2020 ડૉલર જેટલી છે, જે વર્ષે રૂપિયાની દૃષ્ટિએ દોઢ લાખ જેટલી થાય દેશની કુલ વસતીમાંથી 22 ટકા લોકો એવા છે કે તેઓ રોજના 1.9 ડૉલર કરતાં ઓછું કમાય છે.
અત્રે નોંધનીય છે કે ગરીબી રેખાની આવક મનરેગા (મહાત્મા ગાંધી રૂરલ ઍમ્પ્લૉયમૅન્ટ ગૅરન્ટી ઍક્ટ) હેઠળ ચૂકવાતી રકમ કરતાં પણ ઓછી છે.
યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટીએ એવું પણ તારણ કાઢ્યું છે કે વિશ્વસ્તરે ગરીબીમાં વધારો અને માથાદીઠ આવકનાં ત્રણેય પરિમાણોના આધારે આવક અને વપરાશમાં ઘટાડો થશે.
ભારતનો ભાર વધશે

ઇમેજ સ્રોત, Getty Images
આ ઘટાડો 20 ટકા જેટલો અંદાજવામાં આવ્યો છે.
યુ.એન.યુ.ના સંશોધનકારો કહે છે કે ગરીબી રેખાની નીચે ગણાતા એટલે કે પ્રતિદિન 3.2 ડૉલરની આવકવાળા દેશોમાં કોરોનાને કારણે આઠ ટકા જેટલી નવી વસતિ ગરીબી રેખાની નીચે આવશે.
સંશોધન મુજબ સૌથી બદતર પરિસ્થિતિ નીચલા મધ્યમ આવકવાળા દેશોમાં હશે, જ્યાં પાંચ કરોડ 45 લાખ નવા લોકો ગરીબીની રેખા નીચે આવશે.
આ સંકટને કારણે સમગ્ર વિશ્વમાં સરેરાશ કુલ 10માંથી બે ગરીબો ભારતના હશે.
કોરોનાની કટોકટીને ધ્યાનમાં લઈ અગાઉ કહ્યું તેમ વૈશ્વિકસ્તરે આવક અને વપરાશમાં 20 ટકા જેટલો ઘટાડો થશે અને ભારતમાં દસ કરોડ જેટલા નવા લોકો ગરીબી રેખા નીચે આવશે.
સંશોધનકારોનું કહેવું છે કે આ રોગચાળાની સૌથી વધુ અસર દક્ષિણ એશિયાના ઓછી અને નિમ્ન-મધ્યમ આવક ધરાવતા વર્ગ પર થશે.
રિસર્ચનો અંદાજ છે કે વૈશ્વિક સ્તરે નવા ઉમેરાયેલા ગરીબોમાં બે તૃતીયાંશ લોકો સબ-સહરાન આફ્રિકા અને દક્ષિણ એશિયાના નાગરિકો હશે.

શ્રમનું સ્થળાંતર અને સંશય

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશને એપ્રિલ મહિનાની શરૂઆતમાં ભારતમાં રોજગારી ઉપર એક રિપોર્ટ જાહેર કર્યો હતો.
તે મુજબ ભારતમાં કુલ કામદારો 50 કરોડ છે, જેમાંથી 90 ટકા જેટલા કામદારો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે.
રિપોર્ટના કહેવા પ્રમાણે, કોરોના સંકટને કારણે 40 કરોડથી વધુ કામદારો ગરીબી રેખાથી નીચે આવી જશે.
રિપોર્ટ અનુસાર ભારતમાં આ સંકટને કારણે મોટી સંખ્યામાં કામદારો પ્રભાવિત થશે.
જો કે, આ અસંગઠિત કામદારો તેમના વતનમાં પરત ફર્યા છે, ત્યારે તેનું બીજું પાસું વિચારીએ તો આ કામદારો પોતાના વતનમાં કૃષિલક્ષી કામોમાં જોતરાશે.
તેથી તેમની બેરોજગારીની સમસ્યામાં કૃષિક્ષેત્રે રોજગારીથી હાલ પૂરતી હલ થઈ જશે.
હવે એ જોવાનું રહે કે શહેરી વિસ્તારમાં આવેલા ઉદ્યોગો ફરીથી ધમધમતા થાય, ત્યારે આ કામદારો પોતાના વતનથી પાછા ફરશે અને ફરીથી કામે લાગી જશે ખરા?
10 કરોડ 40 લાખ લોકોની ગરીબી રેખા નીચે જવાની વાત UNUએ કરી છે, તેમાંથી ઘણા ખરાને કૃષિ દ્વારા રોજગારી મળશે.
જ્યારે વ્યાપાર-ઉદ્યોગો ફરીથી શરૂ થશે, ત્યારે આ વરસે નહીં પણ આવનાર વર્ષે એટલે કે 2021-22 સુધીમાં ફરી પાછા સારી આવક મેળવતા થઈ જશે તેવી આશા રાખી શકાય.
કંગાળિયત, કૃષિ અને કિરણ

ઇમેજ સ્રોત, Getty Images
દેશમાં કૃષિક્ષેત્રે રોજગારીની વિપુલ તકો છે ત્યારે વતન પરત ફરેલ કામદારો જો કૃષિક્ષેત્રે જોડાય તો બેરોજગારીની સમસ્યા પ્રમાણમાં ઘણી હળવી થઈ જશે.
કોરોના વાઇરસની આ પરિસ્થિતિને કારણે બેરોજગારીની જે સમસ્યા ઊભી થઈ છે તેને હળવી કરવામાં ભારતનો કિસાન અંશતઃ મદદગાર બનશે.
આ સંજોગોમાં કિસાનોને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જો પૂરતો નાણાકીય સહયોગ મળી રહે, તો દેશની 50 ટકા રોજગારી જે કૃષિક્ષેત્ર આપે છે.
તેમાં અસરકારક રીતે સારું પરિણામ લાવી કૃષિમજૂરોની આવક પણ વધારી શકાય.
ઉપરાંત કૃષિમજૂરોની આવક વધતાં ગ્રામીણ બજાર ફરીથી ધમધમતાં થાય જેને કારણે ખરીદશક્તિ વધતાં દેશની અર્થવ્યવસ્થા ઉપર તેની સારી અસર પડશે.
શહેરી મજદૂરો જે વતન ભણી ગયા છે તેમના માટે પણ બે-ત્રણ મહિના પૂરતું રાહતરૂપ આર્થિક પૅકેજ જાહેર થાય તો આ કપરા સંજોગોમાં તેમને મદદ મળી રહેશે.
આમ કોરોના સંકટને કારણે ભારતમાં ગરીબી ન વધે તે માટે મોટા ભાગના કામદારો જે ગ્રામ્ય વિસ્તારોમાંથી મજૂરી કરવા આવે છે, તેમના માટે કોઈ ચોક્કસ યોજના બનાવી આવનાર બે થી ત્રણ મહિના માટે તેમના ખાતામાં સારી એવી રકમ જમા કરાવવામાં આવે, તો દેશમાં ગરીબી વધશે નહીં.


- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












