You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભગતસિંહે કાઉન્સિલ હાઉસમાં બૉમ્બ ફેંકવા માટે કેવી કરી હતી તૈયારી?
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
એ જમાનાનું કાઉન્સિલ હાઉસ આજનું સંસદ ભવન છે અને કાઉન્સિલ હાઉસની ગણતરી દિલ્હીની ઉત્તમ ઇમારતોમાં કરવામાં આવતી હતી.
કાઉન્સિલ હાઉસમાં સેફટી બિલ રજૂ થવાનું હતું. તેના બે દિવસ પહેલાં એટલે કે છઠ્ઠી એપ્રિલ, 1929ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત કાઉન્સિલ હાઉસના ઍસેમ્બ્લી હૉલમાં ગયા હતા.
ઍસેમ્બ્લી હૉલમાં પબ્લિક ગૅલરી કઈ તરફ છે અને કઈ જગ્યાએથી બૉમ્બ ફેંકવાનું અનુકૂળ રહેશે એ ચકાસવા માટે તેઓ ઍસેમ્બ્લી હૉલ ગયા હતા.
પોતાના દ્વારા ફેંકવામાં આવેલા બૉમ્બથી કોઈને નુકસાન ન થાય એ તેઓ સુનિશ્ચિત કરવા ઇચ્છતા હતા.
અલબત, ટ્રૅડ ડિસ્પ્યૂટ્સ બિલને મંજૂરી આપી દેવામાં આવી હતી. તેમાં દરેક પ્રકારની મજૂરહડતાળ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
પબ્લિક સેફટી બિલ વિશે અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલે પોતાનો નિર્ણય હજુ સુધી સંભળાવ્યો ન હતો.
શકમંદોને મુકદ્દમો ચલાવ્યા વિના અટકાયતમાં રાખવો અધિકાર સરકારને એ બિલમાં આપવામાં આવ્યો હતો.
કાઉન્સિલ હાઉસમાં પ્રવેશ
આઠમી એપ્રિલે ગૃહની કાર્યવાહી શરૂ થવાની થોડી મિનિટો પહેલાં 11 વાગ્યે ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત કોઈનું ધ્યાન ન પડે તે રીતે, કાઉન્સિલ હાઉસમાં દાખલ થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સમયે તેમણે ખાખી રંગનું શર્ટ અને હાફ-પૅન્ટ પહેર્યાં હતાં. શર્ટની ઉપર ગ્રે રંગનો ચારખાના કોટ પહેર્યો હતો.
એ કોટમાં બહાર ત્રણ અને અંદર એક એમ ચાર ખિસ્સાં હતાં. બન્નેએ ઉનનાં મોજાં પણ પહેર્યાં હતાં.
ભગતસિંહે એક વિદેશી ફેલ્ટ હેટ પહેરી હતી. ભગતસિંહને તેમના ઉંચા કદ તથા સુંદર વ્યક્તિત્વને કારણે કોઈ પહેલેથી ઓળખી ન કાઢે એ હેતુસર તેમણે હેટ પહેરી હતી.
એ ફૅલ્ટ હૅટ લાહોરની એક દુકાનમાંથી ખરીદવામાં આવી હતી.
ગૃહનો એક ભારતીય સભ્ય તેમને ગેટ -પાસ આપીને ગૂમ થઈ ગયો હતો. તેઓ પ્રવેશ્યા ત્યારે મુલાકાતીઓની ગૅલરી ખીચોખીચ ભરાયેલી હતી.
ભગતસિંહની જીવનકથાના એક લેખક મલવિંદર સિંહ વરાઈચે તેમના પુસ્તક 'ભગતસિંહ - ધ ઍટર્નલ રૅબેલ'માં લખ્યું છે:
"રસપ્રદ વાત એ છે કે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે, તેઓ જે કપડાં પહેરીને ઍસેમ્બ્લીમાં બૉમ્બ ફેંકવા જવાના હતા, એ જ વસ્ત્રોમાં કાશ્મીરી ગેટ પાસેની રામનાથ ફોટોગ્રાફરની દુકાને પોતાનો ફોટો પડાવ્યો હતો. તેઓ ફોટોગ્રાફ લેવા 6 એપ્રિલે ફરી એ દુકાને પણ ગયા હતા."
ઘડિયાળની કહાણી
ઍસેમ્બ્લી ભવન જતાં પહેલાં ભગતસિંહે તેમની એક ખિસ્સા ઘડિયાળ તેમના એક સાથી જયદેવને આપી દીધી હતી. એ ઘડિયાળનો પણ એક ઇતિહાસ છે.
એ ઘડિયાળ સૌપ્રથમ ગદર પાર્ટીના એક સભ્યએ ફેબ્રુઆરી-1915માં ખરીદી હતી. એ પછી રાસબિહારી બોઝે તે ઘડિયાળ 'બંદી જીવન'ના લેખક શચીન્દ્રનાથ સાન્યાલને આપી હતી. સાન્યાલે એ ઘડિયાળ ભગતસિંહને ભેટ આપી હતી.
બન્ને ઍસેમ્બ્લીમાં પ્રવેશ્યા ત્યારે ગૃહમાં સર જૉન સાઈન ઉપરાંત મોતીલાલ નહેરુ, મહમદ અલી ઝીણા, એન. સી. કેલકર અને એમ. આર. જયશંકર પણ હાજર હતા.
ભગતસિંહ સારી રીતે જાણતા હતા કે તેમના બૉમ્બ ફેંકવાથી ખરડાને કાયદો બનતાં રોકી શકાશે નહીં. તેનું કારણ એ હતું કે નેશનલ ઍસેમ્બ્લીમાં બ્રિટિશ સરકારના ટેકેદારોની કમી ન હતી. વળી વાઇસરૉયને કાયદો બનાવવાનો અસાધારણ અધિકાર હતો.
દુર્ગા દાસે દુનિયાને જણાવ્યું
ભગતસિંહ દ્વારા ફેંકવામાં આવેલા બૉમ્બની ઘટનાનું બહુજ જીવંત વર્ણન દુર્ગા દાસે તેમના વિખ્યાત પુસ્તક 'ઇન્ડિયા ફ્રૉમ નહેરુ ટુ કર્ઝન ઍન્ડ આફટર'માં કર્યું છે.
દુર્ગા દાસે લખ્યું છે, "આઠ, એપ્રિલે અધ્યક્ષ વિઠ્ઠલભાઈ સેફટી બિલ બાબતે પોતાનો ચુકાદો આપવા ઊભા થયા કે તરત જ ભગતસિંહે ઍસેમ્બ્લીના ફ્લોર પર બૉમ્બ ફેંક્યો હતો.
"હું પત્રકારોની ગૅલરીમાંથી બહાર નીકળીને પ્રેસ રૂમ તરફ દોડ્યો હતો. મેં એક મૅસેજ ડિકટેટ કરાવ્યો હતો અને એપીઆઈ ન્યૂઝ ડેસ્કને જણાવ્યું હતું કે તેઓ એ સંદેશો લંડનમાં રૉઇટર પર અને સમગ્ર ભારતમાં ફ્લેશ કરી દે."
"હું ફોન પર કોઈ વિગત આપું એ પહેલાં ફોન લાઇન ડૅડ થઈ ગઈ હતી."
"પોલીસવાળાઓએ ઍસેમ્બ્લીનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો. ભગતસિંહ અને બટુકેશ્વર દત્તને મારી નજર સામે અટકાયતમાં લેવામાં આવ્યા હતા."
દુર્ગા દાસ લખે છે, "મેં આપેલા સમાચારને રૉઇટર્સે ત્રણ કલાક સુધી અટકાવી રાખ્યા હતા, કારણ કે તેનું કોઈ ફૉલો-અપ મોકલવામાં આવ્યું ન હતું."
"ફૉલો-અપ મોકલવું પણ કઈ રીતે? કોઈ પણ પત્રકારને ઍસેમ્બ્લી હૉલમાંથી બહાર જવા દેવાયો ન હતો."
"બૉમ્બને કારણે સર્જાયેલા ધુમાડા વચ્ચે સ્પીકર વિઠ્ઠલભાઈ પટેલે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી."
બૉમ્બ ફેંક્યા પછી 'ઇન્ક્લાબ ઝિંદાબાદ'નો નારો
બૉમ્બ ફેંકતી વખતે ભગતસિંહે ધ્યાન રાખ્યું હતું કે બૉમ્બ ખુરશી પર બેઠેલા સભ્યોથી થોડે દૂર જઈને પડે, જેથી સભ્યોને કોઈ નુકસાન ન થાય.
બૉમ્બના વિસ્ફોટનો જોરદાર અવાજ થયો હતો અને આખો ઍસેમ્બ્લી હૉલ અંધકારમાં ડૂબી ગયો હતો. પ્રેક્ષક ગૅલરીમાં ધમાચકડી મચી ગઈ હતી.
એ જ સમયે બટુકેશ્વર દત્તે બીજો બૉમ્બ ફેંક્યો હતો. પ્રેક્ષક ગૅલરીમાં હાજર લોકોએ બહારના દરવાજા તરફ ભાગવાનું શરૂ કરી દીધું હતું.
કુલદીપ નૈયરે તેમના પુસ્તક 'વિધાઉટ ફિયર- ધ લાઇફ ઍન્ડ ટ્રાયલ ઑફ ભગતસિંહ'માં લખ્યું છે:
"એ બૉમ્બ ઓછી ક્ષમતાના હતા અને કોઈનો જીવ ન જાય એ રીતે તેને ફેંકવામાં આવ્યા હતા. બૉમ્બ ફેંકાયા બાદ પ્રેક્ષક ગૅલરીમાંથી 'ઇન્ક્લાબ ઝિન્દાબાદ'ના નારાઓ સાથે ઝાડનાં પાંદડાઓની માફક ચોપાનિયાં નીચે પડવા લાગ્યા હતા.
એ ચોપાનિયાનું લખાણ ખુદ ભગતસિંહે લખ્યું હતું. હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન ઍસોસિયેશન પાર્ટીના લેટરહૅડ પર તે ચોપાનિયાની 30-40 કૉપી ટાઇપ કરવામાં આવી હતી."
હિન્દુસ્તાન ટાઇમ્સના સજાગ સંવાદદાતા દુર્ગા દાસે તેમની સજાગતાનો પરિચય આપતાં એ ચોપાનિયું ત્યાંથી પહેલાં જ ઉઠાવી લીધું હતું અને હિન્દુસ્તાન ટાઇમ્સની સાંજની વિશેષ આવૃત્તિમાં સમગ્ર દેશ સામે રજૂ કરી દીધું હતું.
બહેરા કાન માટે ધડાકો જરૂરી
એ ચોપાનિયા પરનો પહેલો શબ્દ હતોઃ નોટિસ
તેમાં ફ્રેન્ચ શહીદ ઑગસ્ટ વેલાંનું એક વાક્ય હતું: "બહેરા કાનને સંભળાવવા માટે પણ ધડાકાઓની જરૂર પડે છે." અંતમાં કમાન્ડર-ઇન-ચીફ બલરાજનું નામ લખવામાં આવ્યું હતું.
બૉમ્બ ફેંકાવાને કારણે સર્જાયેલો ધુમાડો વિખેરાવા લાગ્યો એટલે ઍસેમ્બ્લીના સભ્યો પોતપોતાની બેઠક પર પાછા ફરવા લાગ્યા હતા.
પ્રેક્ષક ગૅલરીમાં બેઠેલા ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ભાગવાનો પ્રયાસ કર્યો ન હતો. તેઓ તેમની જગ્યાએ જ રહેશે એવું તેમના પક્ષે નક્કી કર્યું હોય એવું લાગતું હતું.
તેમની પાસે કદાચ કોઈ હથિયાર હશે એવા ભયથી પોલીસ કર્મચારીઓ પણ તેમની પાસે ગયા ન હતા.
ભગતસિંહે પોતાની ઑટોમૅટિક પિસ્તોલ સરેન્ડર કરી હતી. એ પિસ્તોલ વડે તેમણે સાન્ડર્સના શરીરમાં ગોળીઓ ધરબી હતી.
એ પિસ્તોલ સાન્ડર્સની હત્યામાં તેમની સામેલગીરીનો સૌથી મોટો પુરાવો છે તેની તેમની ખબર હતી.
બન્નેને અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. અલગ-અલગ પૂછપરછ થઈ શકે એટલા માટે ભગતસિંહને મુખ્ય પોલીસસ્ટેશનમાં અને બટુકેશ્વર દત્તને ચાંદનીચોક પોલીસ થાણે લઈ જવાયા હતા.
ગુપ્તચર વિભાગને મળ્યા પ્રારંભિક પુરાવા
વાઇસરૉયે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે બન્ને આક્રમણકર્તાઓએ કોઈની હત્યા કરી ન હતી.
તેમણે સ્વીકાર્યું હતું કે જો આક્રમણકર્તાઓએ ઇચ્છ્યું હોત તો તેઓ ત્રાસ ફેલાવી શક્યા હોત. તેમનું નિશાન સેન્ટ્રલ ઍસેમ્બ્લી હતી.
એ સમયે પ્રગતિવાદી ગણાતા કૉંગ્રેસી નેતા ચમન લાલે ક્રાંતિકારીઓના કૃત્યની સૌથી પહેલાં ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બૉમ્બ ફેંકવાનું કૃત્ય ગાંડપણભર્યું કૃત્ય હતું.
કુલદીપ નૈયરે તેમના પુસ્તકમાં લખ્યું છે, "બ્રિટિશ ગુપ્તચરવિભાગને એવું લાગ્યું હતું કે ચોપાનિયું લખવાની સ્ટાઇલ અને મુસદ્દાનો ઉપયોગ પહેલાં પણ ક્યાંક થઈ ચૂક્યો છે."
"સાન્ડર્સની હત્યા બાદ લાહોરમાં ચોંટાડવામાં આવેલાં પોસ્ટર્સની તપાસ કરવા માટે એક પોલીસ અધિકારીને મોકલવામાં આવ્યા હતા. ભગતસિંહે ફેંકેલાં ચોપાનિયાં અને એ પોસ્ટરોમાં એક સમાનતા હતી."
"બન્ને હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન ઍસોસિયેશનને બહાર પાડ્યાં હતાં. બન્નેને મોકલનારનું નામ બલરાજ હતું, જેઓ આ સંસ્થાના કમાન્ડર-ઇન-ચીફ હતા."
"બન્નેનો પહેલો શબ્દ નોટિસ હતો અને બન્નેના અંતે 'ઇન્ક્લાબ ઝિન્દાબાદ'નો નારો હતો."
આસફ અલી લડ્યા ભગતસિંહનો કેસ
તેમાંથી સાઉન્ડર્સની હત્યામાં ભગતસિંહની સામેલગીરીના પુરાવા અંગ્રેજોને મળ્યા હતા.
તપાસ આગળ વધતી ગઈ તેમ તેમની શંકા પાક્કી થતી ગઈ હતી. ચોપાનિયાં અને પોસ્ટરમાંનું લખાણ ભગતસિંહે જ લખ્યું હતું એ સ્પષ્ટ થઈ ગયું હતું. એ સાચું હતું. ભગતસિંહે પોતે એ લખાણ લખ્યું હતું.
ભગતસિંહ પર ભારતીય દંડસંહિતાની કલમ ક્રમાંક 307 હેઠળ હત્યાના પ્રયાસનો કેસ ચલાવવામાં આવ્યો હતો. કૉંગ્રેસ પક્ષના આસફ અલી ભગતસિંહનો કેસ લડ્યા હતા.
આસફ અલી સાથેની પહેલી મુલાકાતમાં જ ભગતસિંહે તેમને જણાવ્યું હતું કે "ચમનલાલને જણાવી દો કે હું પાગલ નથી."
"અમે ઇતિહાસ અને અમારા દેશની પરિસ્થિતિ તથા તેના આકાંક્ષાઓના ગંભીર વિદ્યાર્થી હોવાનો દાવો કરીએ છીએ."
બૉમ્બ ફેંકવાના પરાક્રમથી ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત ભારતીય યુવાનોના હીરો બની ગયા હતા.
તેમની તરફેણમાં લોકજુવાળ એટલો વધ્યો હતો કે અંગ્રેજ સરકારે જેલમાં જ અદાલતી કાર્યવાહી ચલાવવાનો નિર્ણય કર્યો હતો.
એ જેલ આજે જ્યાં મૌલાના આઝાદ મેડિકલ કૉલેજ છે એ ઇમારતમાં હતી. એ કેસમાં અંગ્રેજોના વકીલ રાય બહાદુર સૂર્યનારાયણ હતા. કેસના જજ હતા ઍડિશનલ મૅજિસ્ટ્રેટ પી. બી. પૂલ.
કેસની સમગ્ર કાર્યવાહી દરમિયાન ભગતસિંહનાં માતા-પિતા હાજર રહ્યાં હતાં. ભગતસિંહને પહેલીવાર અદાલતમાં લાવવામાં આવ્યા ત્યારે તેમણે તેમની મુઠ્ઠીઓ ભીંસી, હાથ ઉંચા કરીને "ઇન્ક્લાબ ઝિન્દાબાદ"ના નારા લગાવ્યા હતા.
એ પછી મૅજિસ્ટ્રેટે તેમના બન્ને હાથમાં હાથકડી પહેરાવવાનો આદેશ આપ્યો હતો. બન્નેએ તેનો કોઈ વિરોધ કર્યો ન હતો અને તેઓ લોખંડની રૅલિંગ પાછળની બેન્ચ પર બેસી ગયા હતા.
પોતાને જે કહેવું હશે એ સેશન જજની અદાલતમાં જ કહેશે એવું જણાવીને ભગતસિંહે કોઈ નિવેદન આપવાનો ઇન્કાર કર્યો હતો.
સરકાર તરફથી મુખ્ય સાક્ષી સાર્જન્ટ ટૅરીએ જણાવ્યું હતું કે ભગતસિંહની ઍસેમ્બ્લીમાંથી ધરપકડ કરવામાં આવી ત્યારે તેમની પાસેથી એક પિસ્તોલ પણ મળી હતી.
સાર્જન્ટ ટૅરીએ કહ્યું હતું, "પિસ્તોલ ભગતસિંહના જમણા હાથમાં હતી અને તેનું નાળચું જમીન તરફ હતું."
આ વાત ખોટી હતી, કારણ કે ભગતસિંહે જાતે પોતાની પિસ્તોલ સરેન્ડર કરી હતી અને પોતાની ધરપકડ કરવા તેમણે પોલીસને જાતે કહ્યું હતું.
હા, ભગતસિંહ પાસેથી પિસ્તોલનું એક લૉડેડ મૅગેઝિન પણ મળી આવ્યું હતું.
ભગતસિંહ વિરુદ્ધ 11 લોકોએ જુબાની આપી હતી. ક્રૉસ ઍક્ઝામિનિશનમાં એ વાત બહાર આવી હતી કે ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત તેમના એક ગજવામાં બૉમ્બ અને બીજામાં ડિટોનેટર લઈને આવ્યા હતા.
બૉમ્બ અકસ્માતે પહેલાં જ ન ફાટે એ માટે તેઓ જાણીજોઈને ધીમેધીમે ચાલતા હતા.
આજીવન કારાવાસની સજા
ભગતસિંહને અદાલતમાં બોલવાની પરવાનગી આપવામાં આવી ત્યારે તેમણે, જેલમાં તેમને અખબાર ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપવાની વિનંતી અદાલતને કરી હતી.
જોકે, અદાલતે તેમની વિનંતીને ફગાવી દીધી હતી. અદાલતે તેમની સાથે સાધારણ ગુનેગાર જેવો જ વ્યવહાર કર્યો હતો.
આ કેસ ચોથી જૂને સેશન જજ લિયોનાર્ડ મિડલટાઉનની અદાલતમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. છઠ્ઠી જૂને આરોપીઓએ તેમનાં નિવેદન આપ્યાં હતાં. 10 જૂને કેસ પૂરો થયો હતો અને 12 જૂને ચુકાદો આપવામાં આવ્યો હતો.
લોકોનો સંભવતઃ જીવ જઈ શકે તેવા વિસ્ફોટ જાણીજોઈને કરવા બદલ કોર્ટે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તને દોષી ઠરાવ્યા હતા. બન્નેને આજીવન કારાવાસની સજા ફરમાવવામાં આવી હતી.
કેસ દરમિયાન ફરિયાદ પક્ષની સાક્ષી તરીકે સર શોભા સિંહે (વિખ્યાત લેખક ખુશવંત સિંહના પિતા) એવી જુબાની આપી હતી કે તેમણે ભગતસિંહ તથા બટુકેશ્વર દત્તને બૉમ્બ ફેંકતા જોયા હતા.
બન્ને આરોપી ચુકાદા સામે અપીલ કરવાની તરફેણમાં ન હતા, પણ બાદમાં તેમને એવું કરવા સમજાવવામાં આવ્યા હતા.
તેમને એવો તર્ક આપવામાં આવ્યો હતો કે અપીલ કરવાથી ક્રાંતિના સંદેશાનો પ્રચાર કરવામાં મદદ મળશે.
અપેક્ષા હતી તેમ હાઈકોર્ટે 13 જાન્યુઆરી, 1930ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તની અપીલને ફગાવી દીધી હતી અને તેમને 14 વર્ષ માટે જેલમાં મોકલી આપ્યા હતા.
એ પછી સાન્ડર્સની હત્યાના આરોપસર ભગતસિંહને ફાંસીએ લટકાવી દેવાયા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો