કોરોના વાઇરસના સંક્રમણના અરીસામાં દેખાતો વર્ણવ્યવસ્થાનો ગાઢ ઓછાયો

    • લેેખક, રાજેશ પ્રિયદર્શી
    • પદ, ડિજિટલ ઍડિટર, બીબીસી હિન્દી

જીવનમાં મેળવેલું બધું જ માથા પર લાદીને જે લોકો સેંકડો કિલોમીટર ચાલતા નીકળી પડ્યા છે તેમના વિશે એક વાત ખાતરીપૂર્વક કહી શકાય કે તેમને સરકાર પાસેથી કે સમાજ પાસેથી કોઈ આશા નથી.

તેમને માત્ર તેમના સામર્થ્ય પર ભરોસો છે અને તેઓ એ જ સામર્થ્યને જાણે છે, માને છે.

દાર્શનિકો કહી રહ્યા છે કે કોરોના વાઇરસનો સમયગાળો પસાર થઈ ગયા પછી દુનિયા હંમેશ માટે બદલાઈ જશે.

9/11 પછી દુનિયા કેટલી બદલાઈ ગઈ છે એ આપણા પૈકીના ઘણા લોકોએ જોયું છે.

કોરોનાનો પ્રભાવ ઘણા ગાઢ છે. તેથી સમગ્ર દુનિયામાં ફેરફાર થશે, દરેક જાતના ફેરફાર.

ભારતમાં થનારા ફેરફારને સમજવા માટે આપણે બે દૃશ્યોને દિમાગમાં સંઘરી લઈએ.

પહેલું દૃશ્ય દિલ્હીના આનંદ વિહાર બસ ડેપો ખાતે એકઠા થયેલાં લોકોનાં ટોળેટોળાંનું છે અને બીજું દૃશ્ય ડ્રોઈંગ રૂમમાં આરામથી દૂરદર્શન પર 'રામાયણ' નિહાળતા લોકોનું છે. એવા લોકોમાં કેન્દ્રીય પ્રધાન પણ સામેલ છે.

'ગરીબ ભારત' જે પદયાત્રા પર નીકળી પડ્યું છે એ સરકાર કરતાં આપણા માટે મોટો સવાલ છે.

દુનિયામાં શું થઈ રહ્યું છે, વિજ્ઞાનની મર્યાદા ક્યાં છે, ચીનની ભૂમિકા શું છે એ બધા સવાલ થોડીવાર બાજુ પર રાખીએ.

હાંસિયા પરના લોકો

તમને મહારાષ્ટ્રના ખેડૂતોને પગના લોહીલુહાણ તળિયાં યાદ છે? છેલ્લાં એક-બે વર્ષમાં ગટર સાફ કરતાં મૃત્યુ પામેલા લોકો વિશેના સમાચાર યાદ છે? સાઇકલ પર પોતાની પત્નીની લાશ લઈ જઈ રહેલો પેલો માણસ તમને યાદ છે?

એક સમાજ તરીકે આપણે આવાં ઘણાં દૃશ્યો જોઈએ છે. થોડીવાર માટે આપણને ખરાબ લાગે છે.

આપણે ભાવુક થઈને થોડું દાન આપવા માટે પણ તૈયાર થઈ જઈએ છીએ, પણ આપણી સામૂહિક ચેતનામાં મહારાષ્ટ્રના ખેડૂતો, ગટર સાફ કરતા લોકો કે સાઇકલ પર પોતાની પત્નીની લાશ લઈ જતી વ્યક્તિ 'બીજા' લોકો છે.

તેઓ આપણા પૈકીના એક નથી. તેઓ આપણા જેવા નાગરિકો નથી.

આપણે એટલે ફ્લેટોમાં રહેતા, બાળકોને અંગ્રેજી મીડિયમમાં ભણાવતા, રાષ્ટ્રપ્રેમની વાતો કરતા, પાકિસ્તાનને પાઠ ભણાવતા, ઝડપથી વર્લ્ડક્લાસ દેશ બનવાનું સપનું જોતા, ભૂતકાળનું ગૌરવ લેવાનો પ્રયાસ કરતા અને પોતાના ઉજ્જ્વળ ભવિષ્યની ખાતરી ધરાવતા લોકો.

આવા લોકોની દેશની કલ્પનામાં એ લોકોનો સમાવેશ થતો નથી, જેઓની વસતિ વધારે છે, પણ જેઓ હાંસિયા પર છે.

લોકોની ટૂંકી સ્મૃતિ

રોજીરોટી મેળવવાના સંઘર્ષમાં રત લોકો, દિવસે કમાઈને રાતે ખાવાવાળા લોકો, ફ્લાયઓવર બ્રીજની નીચે, ઝૂંપડપટ્ટીમાં રહેતા આ અભણો 'બીજા' લોકો છે. Others છે.

આ લોકો પણ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની સફરમાં સામેલ છે. તેઓ તમારા બોજનું વહન કરે છે, તમારા માટે સફાઈ કરે છે. તમારા માટે શાકભાજી લાવે છે, પણ તેઓ 'આપણે' નથી.

ટેલિવિઝન પર 'રામાયણ' નિહાળી રહેલા લોકોની સ્મૃતિમાંથી આનંદ વિહારનું દૃશ્ય થોડા દિવસ બાદ ભૂંસાઈ જાય તો નવાઈ નહીં ગણાય.

જે દિવસે મહારાષ્ટ્રના ખેડૂતો તેમના પગનાં લોહીલુહાણ તળિયાં દેખાડતા હતા એ દિવસે ટેલિવિઝન ચેનલો ક્રિકેટર મોહમ્મદ સામી અને તેમની પત્ની વચ્ચેના ઝઘડાના સમાચાર દેખાડતી હતી. ન્યૂઝ ચેનલોની સમજ સ્પષ્ટ છે કે તેઓ 'આપણા' માટે છે, 'બીજા' લોકો માટે નથી.

સોશિયલ મીડિયા પર ધમાલ થઈ પછી ટેલિવિઝન ચેનલોએ પગપાળા જતા લોકોના સમાચાર પર ધ્યાન આપ્યું હતું.

એ સમાચારોમાં બે ચિંતા હતીઃ અરેરે, આ રીતે તો લોકડાઉન નિષ્ફળ થશે, વાઇરસ ફેલાશે, કેવા બેજવાબદાર લોકો છે, તેમણે આવું કરવું જોઈતું ન હતું,

તેઓ જ્યાં હતા ત્યાં જ પડ્યા રહ્યા હોત તો? તેનો અર્થ એ થયો કે ચેનલોને ટેલિવિઝન સ્ક્રીન પર દેખાતા હેરાન-પરેશાન લોકોની તકલીફોની ચિંતા ન હતી.

સરકાર અને સમાજ

આપણે ભારતના લોકો ભલે ગમે તેટલી, ગમે તેવી વાતો કરીએ, પણ વાસ્તવમાં આપણી પ્રકૃતિ અસમાનતામાં ઊંડો વિશ્વાસ રાખતા લોકોની છે.

ગરીબ, દલિત, વંચિત અને શોષિત લોકો પ્રત્યેના આપણા વલણનું પ્રતિબિંબ સરકારના વલણમાં સ્પષ્ટ જોવા મળે છે. સરકાર ભલે ગમે તેની હોય, પણ એ જાણતી હોય છે કે કઈ વાતે વોટ કપાશે અને કઈ વાતે વોટ મેળવી શકાશે.

વિદેશમાં ફસાયેલા સમર્થ લોકોને લાવવા માટે ખાસ વિમાનો મોકલવામાં આવે છે, પણ પગપાળા ચાલતા લોકોની હાલત ત્રણ દિવસ સુધી સોશિઅલ મીડિયા પર દર્શાવવામાં આવ્યા પછી ઉપકારની મુદ્રામાં તેમના માટે કેટલીક બસો મોકલવામાં આવે છે.

પછી લોકો એવું પણ કહે છે કે બસ મોકલી એ ભૂલ હતી, કારણ કે લોકો મફત પ્રવાસનો લાભ લેવા તૂટી પડ્યા તેથી વાઇરસ ફેલાવાનું જોખમ વધી ગયું.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ એવા મુખ્ય પ્રધાનો પૈકીના એક છે જેમણે દાડિયા મજૂરો માટે આર્થિક રાહતની જાહેરાત કરી હતી, પણ આ એ ઉત્તર પ્રદેશ છે કે જ્યાં પીલીભીતના પોલીસ વડા અને ડિસ્ટ્રીક્ટ મૅજિસ્ટ્રેટ સાંજે પાંચ વાગ્યે ઘંટ વગાડતાં પવિત્ર સરઘસ કાઢે છે, જેમાં સંખ્યાબંધ લોકો, વડા પ્રધાનની હાકલનો ખોટો અર્થ સમજીને, રસ્તા પર ઉતરી આવે છે.

આદર્શ ભારતીય નાગરિક

આ એ જ ઉત્તર પ્રદેશ છે, જ્યાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, પ્રમોશન મેળવવાના હેતુસર, કાંવડિયાઓના પગ દબાવતા હોય તેવા ફોટોગ્રાફ્સ ગર્વથી પડાવે છે.

આ એ જ ઉત્તર પ્રદેશ છે, જ્યાં હેલિકોપ્ટર કાંવડિયાઓ પર પુષ્પવૃષ્ટિ કરે છે અને અયોધ્યાના ઘાટો પર સેંકડો લીટર તેલમાંથી દીવડા પ્રગટાવવામાં આવે છે.

મજૂરી કામ મળવાનું બંધ થઈ જશે તો ગરીબ મજૂરો પાસે પોતાના ગામ પાછા ફરવા સિવાયનો કોઈ વિકલ્પ નહીં હોય એ સરકાર જાણતી ન હતી? ઘણા ભણેલાગણેલા લોકો આ મુશ્કેલીદાયક પ્રવાસને 'કોરોના પિકનિક' ગણાવી રહ્યા છે.

આ એ લોકો છે, જેઓ માને છે કે બધાએ તેમની જેમ જ રહેવું જોઈએ. તેમણે આદર્શ ભારતીય નાગરિકની એક ઈમેજ બનાવી લીધી છે. આ જ તેમનું શહેરી, સ્વચ્છ, સંભવતઃ ધાર્મિક, દેશભક્ત અને સંસ્કારી વગેરે 'આપણે' છે.

'બીજા' લોકો 'આપણને' ખૂંચે છે. તેઓ ઈન્ડિયાની ઈમેજ બગાડે છે. અભણ-જડસુ છે, નકામા છે. જાણે કે તેમને એવું જ રહેવું ગમે છે.

રોગચાળો ફેલાશે તો તેના માટે અનેક લોકો આસાનીથી ગરીબોને દોષી ઠરાવશે અને કહેશે, 'બેવકૂફ લોકોને કારણે' વાઇરસ ફેલાયો. અમે તો અમારા અપાર્ટમેન્ટમાં બેસીને 'રામાયણ' જોતાં હતાં અને માતાજીને ઘીના દીવા કરતા હતા.

તેઓ એ નહીં પૂછે કે 'વાઇરસ ફેલાવનારા લોકો'ને 21 દિવસ જીવતા રાખવા માટે શું વ્યવસ્થા કરવામાં આવી હતી અને એ વ્યવસ્થા બાબતે તેમને કોણે તથા ક્યારે જણાવ્યું હતું?

દેશના વડાપ્રધાને મેડિકલ સર્વિસમાં ફરજરત લોકોનો આભાર માનવા માટે સાંજે પાંચ વાગ્યે થાળી તથા તાળી વગાડવાની અપીલ કરી તેમાં એક મુદ્દો સ્પષ્ટ હતો કે તેમના દિમાગમાં જે ઈન્ડિયા છે તેમાં બધા લોકો બાલ્કની તથા છતવાળાં ઘરોમાં રહે છે.

બધા નાગરિકો એકસમાન છે?

આપણે ભારતીયો અસમાનતાને ઇશ્વરીય આદેશ ગણીએ છીએ. આપણે ગરીબોને કદાચ થોડી મદદ કરીશું, પણ દિલથી આપણે બધા માણસોને એકસમાન માનતા નથી. આ જ આપણો સમાજ છે. આ જ આપણું સત્ય છે.

તેનાં મૂળ વર્ણવ્યવસ્થામાં છે. એ વ્યવસ્થા લોકોના વર્ગીકરણના પાયાના સિદ્ધાંત પર ચાલે છે. આપણી સામંતવાદી માનસિકતા પણ એ માટે જવાબદાર છે.

મજબૂર, મહેનતુ લોકોના એ પૂરમાં દરેક જ્ઞાતિના લોકો હશે. જોકે, મોટાભાગના મજૂરો પછાત જ્ઞાતિઓના જ હશે. અહીં જ્ઞાતિગત ભેદભાવની નહીં, તમામ પ્રકારના ભેદભાવની વાત કરવામાં આવી રહી છે. એ ભેદભાવ જે આપણા સમાજમાં સહજ રીતે સ્વીકાર્ય છે.

પાંચેય આંગળી સરખી નથી હોતી, એવું આપણા પૈકીના મોટાભાગના લોકો માનતા-કહેતા હોય ત્યારે ભેદભાવ સ્વાભાવિક છે. તેમાં ફેરફારનો વિચાર જૂજ લોકો કરશે. જે લોકો આ વ્યવસ્થાની મજા માણી રહ્યા છે, તેઓ પરિવર્તન શા માટે ઇચ્છે?

સામાજિક વ્યવહાર

લોકો તિરુપતિથી માંડીને વૈષ્ણોદેવી સુધીનાં મંદિરોમાં લાખો-કરોડો રૂપિયાનું દાન કરે છે. જંગી મૂર્તિઓ માટે, ભવ્ય મંદિર બનાવવા માટે જેટલા પૈસા જોઈએ એટલા મળી રહે છે, પણ ગરીબો માટે આપણી મુઠ્ઠી જરા ઓછી ખુલે છે.

આ મુશ્કેલ સમય છે. આવી વાતો શૂળ બનીને ભોંકાઈ શકે છે, પણ કહેવું પડશે કે ભારતની તમામ સામાજિક-સાંસ્કૃતિક ભવ્યતામાં વિરાટ હિંદુ સંસ્કૃતિનું અફાટ સૌંદર્ય હોવાની સાથે ભારતની સામાજિક કુરુપતામાં પણ તેની એક ગાઢ ભૂમિકા છે.

આ સમય શાપ આપવાનો નહીં, વિચાર કરવાનો છે. દરેક ટીકા સામે તલવાર તાણવાને બદલે કે મહાનતાની કથાઓમાં ફસાયેલા રહેવાને બદલે બહુમતી સમાજે તેના સામાજિક વ્યવહાર બાબતે ઊંડાણપૂર્વક વિચાર કરવો જોઈએ.

શીખ સમુદાયમાં ગુરુ નાનકના સચ્ચા સોદાના સમયથી જ સેવાની ભાવના, બીજા સમુદાય કરતાં વધુ જોવા મળે છે.

મુસલમાનો ઝકાત અને ખૈરાત કરે છે. દાન તો હિંન્દુઓ પણ આપે છે, મંદિરની બહાર બેઠેલા ભિખારીઓને રૂપિયા-બે રૂપિયા આપીને આપણે જાતને સારું લગાડીએ છીએ, પરંતુ દરેક વ્યક્તિ દાનને પાત્ર હોતી નથી.

આપણે ચર્ચા કરવા તૈયાર છીએ?

કોરોનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે સરકાર-સમાજના નિર્ણયો-પ્રતિક્રિયાઓમાં વર્ણ વ્યવસ્થાની એક ઊંડી છાયા છે.

એક સમાજ તરીકે આપણે બદલાવા તૈયાર છીએ? જે રીતે દરેક વોટનું મૂલ્ય એકસમાન હોય છે, એવી જ રીતે દરેક નાગરિકની ગરિમા પણ એકસમાન થઈ શકે? આપણે આ બાબતે ચર્ચા માટે તૈયાર છીએ?

કોરોના પછી આપણે રાજકીય ક્ષુદ્રતાઓને ફગાવી દઈશું? દેશના તમામ નાગરિકો માટે સારા રસ્તા તથા સાર્વજનિક પરિવહન, સ્કૂલો, હૉસ્પિટલો, યુનિવર્સિટીઓની માગ કરતા થઈશું? એ સિવાયના તમામ સરકારી ખર્ચને બિનજરૂરી ખર્ચની શ્રેણીમાં મૂકવાનો આગ્રહ રાખતા થઈશું?

ઊંચી-ઉંચી મૂર્તિઓ મૂકવાની વાતો વખતે તમને એ યાદ રહેશે કે દેશમાં પ્રતિ 1000 વ્યક્તિએ કેટલા ડૉક્ટર્સ છે? પ્રતિ 1000 વ્યક્તિએ હૉસ્પિટલમાં કેટલા બેડ્સ છે? કેટલા લોકો કુપોષિત છે? કેટલા લોકોને પીવાનું પાણી નથી મળતું? આપણી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સમાં શું કામ ચાલી રહ્યું છે? આપણી માનવમૂડી તથા યુવાઓ માટે કેવી તકોનું સર્જન કરવામાં આવી રહ્યું છે? આવનારી પેઢી માટે આપણે કેવો દેશ છોડીને જવાના છીએ?...વગેરે...વગેરે.

કોરોના વાઇરસ આખી દુનિયામાં ફેલાયેલો હતો અને ભારતમાં ફેલાઈ રહ્યો હતો ત્યારે આપણે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં મગ્ન હતા.

આપણે મધ્ય પ્રદેશમાં સરકાર બનાવવાનો જલસો જોઈ રહ્યા હતા અને આ વાતો આપણે અણઘડ લાગતી ન હતી.

આપણો દેશ પોતાના નાગરિકોના સ્વાસ્થ્ય-શિક્ષણ અને સુવિધા સિવાયની બીજી કોઈ પણ ઝાકઝમાળને રાષ્ટ્રીય સ્રોતોનો બગાડ ગણવા લાગશે, ત્યારે આ કોરોનાની કિંમત બહુ મોટી નહીં હોય. ખાતરી રાખજો.

સવાલ એ છે કે આપણે બધા આવું કરીશું?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો