કોરોના વાઇરસ સામે એશિયાના આ દેશે જંગ તો જીત્યો, પણ આખરે કઈ કિંમતે?

વિયેતનામે પોતાની વસતિને કોરોના સામેના જંગમાં લગાવી દીધી છે.

સંક્રમણને અપેક્ષા પ્રમાણે ઓછું કરવામાં અને મોતના આંકડા નહીં વધવા દેવા પર વિયેતનામનાં વખાણ થઈ રહ્યાં છે. પરંતુ આ પ્લાનનું માનવીય મૂલ્ય શું છે?

બીબીસીએ એક એવા મહિલા સાથે વાત કરી છે જેઓને હો ચીન મિન્હ સિટીની એક સરકારી હૉસ્પિટલમાં દાખલ કરાયાં છે.

ચીનની સીમા સાથે જોડાયેલા હોવા છતાં વિયેતનામમાં કોવિડ-19ના ઓછા કેસ સામે આવ્યા છે.

પરંતુ આ કહાણીનું એક પાસું એક પણ છે કે લોકોને જબરજસ્તી સરકારી એકમોમાં ક્વોરૅન્ટીન કરાઈ રહ્યા છે.

કોઈ પણ શખ્સને ચેપ લાગ્યો હોવાની શંકા જાય કે તરત સરકાર તેને જબરજસ્તી ક્વોરૅન્ટીન કરી રહી છે.

'મુશ્કેલ સ્થિતિ'

જ્યારે લાન આન્હ (નામ બદલેલું છે) ઑસ્ટ્રેલિયામાં પોતાનાં સગાંને ત્યાંથી બે અઠવાડિયાં પછી ઘરે પરત આવ્યાં, ત્યારે તેઓને હો ચીન મિન્હ સિટીની નેશનલ યુનિવર્સિટીમાં તૈયાર કરેલી સરકારી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યાં.

તેઓએ બીબીસી વિયેતનામીજને જણાવ્યું કે તેઓને અહીં કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

લાન આન્હે કહ્યું, "ટૉયલેટ ગંદકીથી કાળું પડી ગયું હતું અને સિંકમાં પાણી ભરાઈ ગયુ્ં હતું."

લાને કહ્યું, "સદનસીબે દુર્ગંધ તો નહોતી આવતી, પરંતુ એ બહુ ગંદું હતું. પથારી પર ડાઘ હતા. દરેક જગ્યાએ ધૂળ અને કરોળિયાનાં જાળાં હતાં."

"પહેલી રાતે મોટા ભાગના લોકોને એક શેતરંજી આપવામાં આવી, ગાદલાં કે ઓશિકાં ન મળ્યાં. વાતાવરણમાં ગરમી અને ભીનાશ હતી. રૂમમાં માત્ર એક પંખો હતો."

લાન આન્હની ચિંતા એ હતી કે ખરાબ પરિસ્થિતિમાં લોકોને એ ડર પણ હતો કે તેમની આસપાસના લોકોને કોરોના ન હોય તો સારું.

તેઓએ કહ્યું કે "અમને સુવિધા નહોતી જોઈતી પણ સાફસફાઈ જરૂરી હતી."

'સસ્તું સમાધાન'

વિયેતનામની સરકારે કોરોના વાઇરસ સામે જંગનું એલાન કર્યું છે. સરકારે મેડિકલ સ્ટાફ, સુરક્ષાદળો અને સામાન્ય નાગરિકોને પણ આ વાઇરસ સામે લડવા માટે તહેનાત કરી દીધા હતા.

પરંતુ વિયેતનામની રણનીતિ દક્ષિણ કોરિયા જેવા ધનિક એશિયાઈ દેશોથી અલગ હતી. દેશોએ મોંઘી ટેસ્ટિંગ મોટા પાયે અપનાવી છે. મોટી સંખ્યામાં લોકોની ચકાસણી કરાઈ રહી છે.

વિયેતનામ એક ગીચ વસતીવાળો દેશ છે, જ્યાં 9.6 કરોડ લોકો રહે છે. દેશની કૉમ્યુનિસ્ટ સરકારે વાઇરસને કડક રીતે રોકવાનો નિર્ણય લીધો છે.

25 માર્ચ સુધી વિયેતનામમાં કોરોનાના 141 કેસ હતા, આ દરમિયાન એક પણ મૃત્યુ નહોતું થયું.

સરકારે અગાઉ જ એલાન કરી દીધું હતું કે વિદેશથી આવેલા તમામ શખ્સને 14 દિવસ માટે ક્વોરૅન્ટીનમાં રહેવું પડશે.

ટ્રાવેલર્સની શોધ

તેમાં ત્રણ બ્રિટિશ છોકરીઓ પણ હતી જેમને હા લોન્ગ બેમાં તેમની હૉસ્ટેલમાંથી શોધી કઢાઈ હતી. તેઓ માર્ચની શરૂઆતમાં વિયેતનામ પહોંચ્યાં હતાં.

એવી ખબર પડી હતી કે આ ફ્લાઇટમાં એક છોકરી કોવિડ-19 પૉઝિટિવ હતી. ત્રણેય છોકરીઓ પોતાના ઘરેથી ભાગી ન જાય એટલા માટે પોલીસ તહેનાત કરી દીધી હતી.

આ ત્રણ છોકરીઓની ઉંમર 20-30 હતી. ટેસ્ટ કર્યાના બે દિવસ બાદ ખબર પડી કે આ છોકરીઓને કોઈ ચેપ લાગ્યો નથી.

તેમ છતાં તેમને આગામી 12 દિવસ માટે આઇસોલેશનમાં મોકલી દેવાયાં.

તેમાંની એક છોકરી ઍલિસ પાર્કરે કહ્યું કે જે હૉસ્પિટલમાં તેમને રાખવામાં આવી હતી ત્યાં એક શરણાર્થી શિબિર હતી અને રાતના સમયે ડરામણું વાતાવરણ થઈ જતું.

બીબીસીને ખબર પડી છે કે આ યુવા બૈકપેકર્સને હવે છોડી દેવામાં આવ્યાં છે અને તેઓ ઇન્ડોનેશિયાના બાલી પહોંચી ગયાં છે.

સંક્રમણની બીજી લહેર

વિયેતનામે યુરોપીય દેશોની જેમ લૉકડાઉન કર્યું નથી, પણ વાઇરસથી અસરગ્રસ્ત મોટા સમુદાયને ક્વૉરેન્ટીન કરી દીધો છે.

આ વિસ્તારમાં 21,000થી વધુ લોકો છે અને 30,000 વધુ લોકો સૅલ્ફ-આઇસોલેશનમાં છે.

વિદેશમાંથી સંક્રમણની બીજી લહેરની શરૂઆતને જોતાં સરકારે વધુ કડક અમલનો નિર્ણય કર્યો છે.

22 માર્ચથી વિયેતનામે બધા વિદેશી નાગરિકોને દેશમાં પ્રવેશવા પર રોક લગાવી દીધી છે.

સામાન્ય લોકોની પણ તહેનાતી અને ગુપ્તચરતંત્ર

અત્યાર સુધીમાં વિયેતનામમાં ઓછા કેસ સામે આવતાં તેનાં વખાણ થઈ રહ્યાં છે.

યુનિવર્સિટી ઑફ ન્યૂ સાઉથ વેલ્થ કેનબરાના પ્રોફેસર ઍમેરિટસ કાર્લ થાયરે ફાયનાન્સિયલ ટાઇમ્સને જણાવ્યું કે "વિયેતનામ એક મોબિલાઇઝેશન સોસાયટી છે. આ એક વન-પાર્ટી સ્ટેટ છે."

લોકોને જ કોરોનાને રોકવા માટે કામે લગાવી દીધા છે. લોકો પોતાના જ પડોશીઓ પર નજર રાખી રહ્યા છે.

જબરજસ્તી ક્વોરૅન્ટીનમાં નાખવાને કારણે સંક્રમિત લોકોના આંકડા છુપાવાનો ડર પણ પેદા થઈ રહ્યો છે.

પડોશી મોટા ભાગે સંદિગ્ધ કેસ છુપાવે છે અને એ વાતની ચિંતા છે કે સરકાર ક્વોરૅન્ટીનમાં રહેલા લોકોની પ્રાઇવસીમાં દખલ દઈ રહી છે.

મીડિયા દેશભક્તિના સંદેશ પર ભારે આપે છે. સરકાર કહે છે કે આવનારા સમયમાં હજારો સંભવિત કેસ માટે દેશે પોતાને તૈયાર કરવો જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો