You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : લૉકડાઉન વચ્ચે રાજધાની દિલ્હીમાંથી સેંકડો મજૂરોનું ઐતિહાસિક સ્થળાંતર
શનિવાર, 28મી માર્ચે સાંજે દેશભરનાં મોટાભાગનાં નગરો અને મહાનગરોમાં કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણને પગલે જાહેર કરાયેલા લૉક-ડાઉનનો માહોલ વર્તાતો હતો.
દેશની રાજધાની દિલ્હીમાં પણ લૉક-ડાઉનની સ્થિતિ જોવા મળતી હતી પણ દિલ્હીના આનંદ વિહાર બસ ટર્મિનલ ખાતે માહોલ કંઈક જુદો જ છે.
સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા કેટલીક તસવીરો અને વીડિયો શનિવારે ટ્વિટર પર મૂકવામાં આવ્યાં.
સજ્જડ લૉક-ડાઉન વચ્ચે આનંદ વિહાર બસ ટર્મિનલ ખાતે જેટલા લોકો એકઠા થયા હતા, એટલા તો સામાન્ય દિવસોમાં પણ જોવા નથી મળ્યા.
આ ભીડ દિલ્હીથી પોતાના વતનમાં પરત જઈ રહેલા કામદારોની છે.
એએનઆઈ ટ્વીટમાં લખે છે, "પોતાનાં વતન અને ગામમાં પરત જવા માટે બસ પકડવા માટે આવેલા કામદારોની આ ભીડ છે."
મજૂરોની આ સ્થિતિ પર કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ દુખદ છે અને સરકાર પાસે કોઈ આયોજન જ નથી.
ઉલ્લેખનીય છે કે દેશના 200 જેટલા બૌદ્ધિકોએ મજૂરોને સુરક્ષિત રીતે પહોંચાડવા અને તેમના આરોગ્યની દેખરેખ રાખવા અપીલ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અપીલ કરનારાઓમાં અર્થશાસ્ત્રી જ્યોં દ્રેજ, સામાજિક કાર્યકર્તા નિખિલ ડે તથા રક્ષિતા સ્વામી જેવા અનેક નામાંકિત પ્રોફેસરો, વકીલો, રાજનીતિજ્ઞો સામેલ છે.
અપીલમાં કહેવામાં આવ્યું છે કે પ્રવાસી મજૂરોને તાત્કાલિક સહાય આપવામાં આવે. એમને મફત સારવાર, ભોજન, આરોગ્ય સંભાલ અને સ્વચ્છતા ઉપલબ્ધ કરાવવામાં આવે.
અપીલમાં કહેવામાં આવ્યું છે કે 24 માર્ચે ફક્ત 4 કલાકનો સમય આપીને લૉકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું તેનાથી મોટી અસર મજૂરો પર પડી છે. પૂરતી તૈયાર વિના લેવામાં આવેલા આ નિર્ણય પર અગાઉથી દિશાનિર્દેશ ન હોવાને કારણે શ્રમશક્તિના 90 ટકા હિસ્સા પર ખરાબ અસર પડી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ અનેક મજૂરોએ કોઈ વાહન વિના 200 કિલોમિટરનો લાંબો પ્રવાસ પગપાળા કરી વતન પહોંચવાની કોશિશ કરી રહ્યા છે.
આજના જ એક સમાચાર મુજબ કર્ણાટકમાં સડક પરિયોજનામાં કામ કરનારા મજૂરો લૉકડાઉનને પગલે એક વાનમાં વતન જઈ રહ્યા હતા અને તેનો એક ટ્રક સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 5 મજૂરો અને તેમના 2 બાળકોનું મૃત્યુ થયું હતું.
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
વડા પ્રધાનનું સંબોધન અને 'રિવર્સ માઇગ્રેશન'
ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડા, ઓડિશા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ સહિતનાં રાજ્યોમાંથી મોટી સંખ્યામાં કામદારો, શ્રમિકો અને રોજમદારો કામની શોધમાં દિલ્હી આવે છે.
આ રીતે જ મોટી સંખ્યામાં કામદારો ગુજરાતના સુરત, અમદાવાદ અને વડોદરામાં પણ આવે છે.
સુરતમાં કાપડઉદ્યોગ અને હીરાઉદ્યોગને કારણે અન્ય રાજ્યોમાંથી આવતાં કામદારોની મોટી સંખ્યા છે.
આ કામદારોને માઇગ્રન્ટ વર્કર્સ એટલે કે સ્થળાંતર કરીને આવેલા કામદારો કહેવામાં આવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24મી માર્ચે રાત્રે આઠ વાગ્યે કોરોના વાઇરસની મહામારી અંગે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.
આ સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસના રાષ્ટ્રવ્યાપી લૉક-ડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.
વડા પ્રધાને તમામ લોકોને પોતપોતાના ઘરમાં જ રહેવાની સલાહ આપી હતી. ઉલ્લેખનીય છે કે લોકો અવરજવર ન કરે તે માટે અનેક શહેરોમાં કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે.
આ જાહેરાત બાદ ગુજરાતનાં શહેરો સહિત દેશભરનાં શહેરોમાંથી કામદારોએ પોતાના વતન તરફ પુનઃ સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું. જેને 'રિવર્સ માઇગ્રેશન' કહેવાઈ રહ્યું છે.
બસ, ટ્રેન સહિતનાં વાહનવ્યવહાર જાહેર વાહનો બંધ કરી દેવામાં આવ્યા છે, જેના પગલે આ કામદારો સેંકડો કિલોમિટર ચાલીને પોતાના વતન તરફ જઈ રહ્યા છે.
શનિવારે રાત્રે આનંદ વિહાર બસસ્ટેશન ખાતે પણ હજારોની સંખ્યામાં કામદારો પોતાના પરિવારજનો સાથે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાંથી ચાલીને આવી પહોંચ્યા હતા.
લૉક-ડાઉન, ભૂખમરો અને હિજરત
21 દિવસના લૉક-ડાઉનની જાહેરાત થઈ એ પહેલાંથી જ ઉદ્યોગો અને નોકરી-ધંધા બંધ થઈ ચૂક્યાં હતાં.
જેના પગલે રોજમદારો અને તેમના પરિવારો માટે મુશ્કેલી સ્થિતિ સર્જાઈ હતી. વિશેષજ્ઞો અને જાહેર ક્ષેત્રો સાથે સંકળાયેલા અનેક લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે લૉક-ડાઉનની સ્થિતિ વચ્ચે લાખો રોજમદારો માટે ભૂખમરાની સ્થિતિ સર્જાય એવો ભય છે.
કામદારો કહી રહ્યા છે કે કામ બંધ થઈ જવાના કારણે શહેરોમાં તેમની માટે રહેવા તથા પેટ ભરવાનો પ્રશ્ન ઊભો થયો છે.
જ્યારે વિશ્વભરમાં કોરોના વાઇરસના સંક્રમણ સામે લોકો હામ ભીડી રહ્યા છે, ત્યાર ભારતના લાખો રોજમદારો કોરોનાના સંક્રમણની સાથે-સાથે ભૂખ અને રહેઠાણની સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છે.
જોકે વિવિધ રાજ્યોની સરકારો અને કેન્દ્ર સરકારના કેટલાક વિભાગો દ્વારા આ કામદારો માટે વ્યવસ્થા કરાઈ રહી હોવાની બાંયધરી આપવામાં આવી છે, આમ છતાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો