જેમની બદલી કરી દેવાઈ એ જસ્ટિસ મુરલીધરનો ગુજરાત સાથે છે આ નાતો

ઇમેજ સ્રોત, @barandbench
દિલ્હી હાઈકોર્ટથી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં જસ્ટિસ મુરલીધરની બદલી કરાઈ હતી. આજે તેમનો વિદાય સમારોહ દિલ્હી હાઈકોર્ટમાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વકીલો અને જજો હાજર રહ્યા હતા.
જાણીતા વકીલ અને કર્મશીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે આવી વિદાય કોઈ હાઈકોર્ટના જજની જોઈ નથી.
દિલ્હીમાં હિંસા ભડકી ઊઠી અને પીડિતોને જરૂરી ઈલાજ માટે મંગળવારે મોડી રાતે ઇમરજન્સી કેસની સુનાવણી દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ એસ. મુરલીધરના નિવાસસ્થાને થઈ.
આ સુનાવણીમાં જસ્ટિસ એસ. મુરલીધરની સાથે જસ્ટિસ અનૂપ ભંભાણી પણ હતા.
આ સુનાવણી માનવઅધિકારના મામલાઓના વકીલ સુરૂર મંદર દ્વારા દાખલ કરાયેલી પિટિશન પર રાતે 12.30 વાગે કરવામાં આવી.
સુરૂર મંદરે અદાલતને રજૂઆત કરી કે ઘાયલોનો ઇલાજ થઈ શકે તે માટે તેમને અલ હિંદ હૉસ્પિટલથી જીટીબી હૉસ્પિટલ કે અન્ય સરકારી હૉસ્પિટલમાં લઈ જવાય એવું પોલીસ સુનિશ્ચિત કરે.

નેતાઓ સામે ફરિયાદ નોંધવાનું કહ્યું

ઇમેજ સ્રોત, TWITTER/NYAYAFORUM
આ પછી અદાલતે તત્કાળ પોલીસને ઘાયલોને ઇલાજ માટે અન્ય સરકારી હૉસ્પિટલમાં લઈ જવાનો આદેશ આપ્યો અને સારવાર માટે ઉચિત સુરક્ષા કરવાનું કહ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પછી બુધવારે દિલ્હી હિંસાને મામલે થયેલી અન્ય એક પિટિશન પર બપોરે જસ્ટિસ એસ. મુરલીધર અને જસ્ટિસ તલવંત સિંહની પીઠે સુનાવણી કરી.
એ પિટિશન સામાજિક કાર્યકર હર્ષ મંદરે દાખલ કરી હતી. આ પિટિશનમાં નેતાઓના ભડકાવનારા ભાષણ સામે પોલીસ ઍકશનની માગ કરવામાં આવી હતી.
સુનાવણી બાદ હાઈકોર્ટે ભડકાવનારા ભાષણો મામલે કપિલ મિશ્રા સહિત અન્ય નેતાઓ સામે ઍક્શન ન લેવા બદલ દિલ્હી પોલીસ પર ફિટકાર વરસાવ્યો.
દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનરને કહ્યું કે તેઓ જઈને એમના કમિશનરને કહી દે કે અદાલત ખૂબ નારાજ છે.
હાઈકોર્ટે કહ્યું કે, ત્રણ ભાજપા નેતાઓ અનુરાગ ઠાકુર, પરવેશ વર્મા અને કપિલ મિશ્રા પર પોલીસ ફરિયાદ નોંધવી જોઈએ. હાઈ કોર્ટે એમ પણ કહ્યું કે અન્ય વીડિયોના આધાર ઉપર પણ ફરિયાદ નોંધવામાં આવે.
અદાલતે કહ્યું કે, પોલીસ આ મુદ્દે શું પ્રગતિ થઈ તે અંગે ગુરૂવાર સુધી અદાલતને જાણ કરે.
અદાલતે કહ્યું કે, આ રીતે જ શાંતિ બહાલ થઈ શકે. બે જજની આ પીઠના અધ્યક્ષ જસ્ટિસ મુરલીધર હતા.
અદાલતે કડક શબ્દોમાં કહ્યું કે, અમે નથી ઇચ્છતા કે દિલ્હીની હિંસા 1984ના રમખાણો જેવું સ્વરૂપ લઈ લે.

બદલી પર વિવાદ
દિલ્હીમાં થયેલી હિંસા પહેલાં ભડકાઉ ભાષણ આપનાર (ભાજપનાં ત્રણ નેતાઓ) સામે એફઆઈઆર કરવાનું કહેનાર દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ એસ. મુરલીધરની પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી છે.
આ બદલી પર કૉંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, એ બહાદુર જજ લોયાને યાદ કરું છું જેમની બદલી નહોતી કરાઈ.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
જસ્ટિસ મુરલીધરની બદલી કરવાનું નોટિફિકેશન કેન્દ્ર સરકારે બુધવાર રાત્રે જાહેર કર્યું. એવું કહેવામાં આવી રહ્યું છે સુપ્રીમ કોર્ટ દ્વારા બદલીની ભલામણ 12 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી.
સરકારી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે, બંધારણના આર્ટિકલ 222 પ્રમાણે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની ભલામણને આધારે રાષ્ટ્રપતિ જસ્ટિસ મુરલીધરની દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશમાંથી પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના જજ તરીકે બદલી કરે છે. જસ્ટિસ મુરલીધર હવે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં જજની ફરજ બજાવશે.
જસ્ટિસ મુરલીધર એક વરિષ્ઠ વકીલ છે અને તેઓ ઘણા ચર્ચિત રહ્યા છે. ગત અઠવાડિયે પણ એમની બદલીને લઈને સવાલો ઊભા કરાઈ રહ્યા હતા અને એના વિરોધમાં એક પ્રદર્શન 20 ફેબ્રુઆરીએ વકીલોએ કર્યું હતું.

દિલ્હી હાઈકોર્ટ બાર એસોસિએશને એક ઠરાવ પસાર કરીને એમની બદલીનો વિરોધ કર્યો અને સુપ્રીમ કોર્ટના કોલેજિયમ સામે નારાજગી પણ જાહેર કરી હતી.
બારના અધ્યક્ષ મોહિત માથુરે કહ્યું કે, જસ્ટિસ એસ. મુરલીધર એક વરિષ્ઠ જજ છે અને જે રીતે એમની બદલી કરાઈ રહી છે તે યોગ્ય નથી.
એમણે કહ્યું કે, દિલ્હી હાઈકોર્ટમાં તેઓ ત્રીજા ક્રમના વરિષ્ઠ વકીલ છે. આટલા વરિષ્ઠ વકીલની બદલી થાય તો તેમને સામાન્ય રીતે અન્ય કોઈ હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે મોકલવા જોઈએ પરંતુ આપ તેમને એ જ પોઝિશન પર અન્ય રાજ્યમાં મોકલો છો તે યોગ્ય નથી. કોલેજિયમે અકારણ એમની બદલી કરવાનો નિર્ણય કર્યો છે.
જસ્ટિસ મુરલીધરની બદલી કરવાની ચર્ચાઓ પહેલાં પણ થઈ છે. 2018 ડિસેમ્બરમાં તેમની બદલી પર વિચાર કરાઈ રહ્યો હતો.

કોણ છે જસ્ટિસ મુરલીધર

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હી હાઈકોર્ટની વેબસાઇટ મુજબ જસ્ટિસ એસ. મુરલીધરે સપ્ટેમ્બર 1984માં ચેન્નાઈથી વકીલાત શરૂ કરી.
વર્ષ 1987માં એમણે દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલાત શરૂ કરી.
એસ. મુરલીધર બે વાર સુપ્રીમ કોર્ટની લીગલ સર્વિસ કમિટિના સક્રિય સભ્ય રહ્યા.
એસ. મુરલીધર ફી લીધા વગર લોકોનાં કેસ લડવા માટે પણ ચર્ચામાં રહ્યા. આવા કેસોમાં ભોપાલ ગેસકાંડના પીડિતોના કેસ અને નર્મદા બંધથી પીડિતોના કેસો પણ સામેલ છે.
અનેક જનહિત અરજીઓમાં સુપ્રીમ કોર્ટે એમને ન્યાય મિત્ર બનાવ્યા.
એસ. મુરલીધર રાષ્ટ્રીય માનવઅધિકાર પંચ અને ભારતના ચૂંટણી પંચના સલાહકાર પણ રહી ચૂક્યા છે.
વર્ષ 2006માં એમને દિલ્હી હાઈકોર્ટમાં જજ બનાવવામાં આવ્યા. જસ્ટિસ એસ. મુરલીધરે2003માં દિલ્હી યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી છે.
વર્ષ 2004માં એમણે લૉ પ્રોવર્ટી ઍન્ડ લીગલ એઇડ - એક્સેસ ટૂ ક્રિમિનલ જસ્ટિસ નામનું પુસ્તક પણ લખ્યું છે.
1984ના શીખ રમખાણોના કેસમાં સજ્જન કુમાર સંબંધિત નિર્ણય જે પીઠે આપ્યો હતો તેમાં જસ્ટિસ મુરલીધર પણ સામેલ હતા.
વર્ષ 2018માં નાઝ ફાઉન્ડેશનની પિટિશન પર દિલ્હી હાઈકોર્ટની જે પીઠે સમલૈંગિકતાને અપરાધની શ્રેણીમાંથી બહાર કાઢી તેમાં પણ તેઓ સામેલ હતા.
2018માં એમણે અનેક મોટા નિર્ણયો આપ્યા જેમાં ગૌતમ નવલખા પર માઓવાદીઓ સાથે સંબંધિત હોવાનો જે આરોપ છે તે કેસમાં તેમણે જામીન આપ્યા હતા.
1987ના હાશિમપુરા નરસંહારના કેસમાં તેમણે દોષિતોને સજા કરી હતી. જસ્ટિસ મુરલીધર અને જસ્ટિસ વિનોદ ગોયલની પીઠે 16 પૂર્વપોલીસકર્મીઓને હત્યા અને અપરાધની સાજિશ તથા પુરાવાઓ સાથે ચેડા બદલ ઉમરકેદની સજા સંભળાવી હતી.

ગુજરાતના અનેક ગરીબોના કેસો લડ્યા
માનવઅધિકાર કાર્યકર અને વકીલ આનંદ યાજ્ઞિક કહે છે કે, જસ્ટિસ મુરલીધર અત્યારના સમયે ન્યાયતંત્ર માટે એક આભૂષણ સમાન છે.
તેઓ કહે છે કે હું વકીલ નહોતો બન્યો તે સમયથી એમને ઓળખું છું અને મે મુરલીધર સમાન હોંશિયાર, સંવેદનશીલ અને પ્રામાણિક માણસ જીવનમાં જોયા નથી.
આનંદ યાજ્ઞિક જણાવે છે કે ગુજરાત સાથે એમનો ઘણો સંબંધ છે. 1995થી 2006માં એ જજ બન્યા ત્યાં સુધી એમણે ગુજરાતના અનેક કેસોમાં સુપ્રીમ કોર્ટમાં હાજરી આપી.
હાલ જસ્ટિસ એવા મુરલીધર એક સમયે એટર્ની જનરલ રામાસ્વામીના જુનિયર હતા અને એ સમયથી તેઓ એમને જાણે છે એમ યાજ્ઞિક જણાવે છે.
એમણે કહ્યું કે, તેઓ વકીલ હતા ત્યારે ગુજરાતના ઝુપડપટ્ટીના કેસો, ફેરિયાઓના કેસો, પર્યાવરણની અનેક મેટરમાં તેમણે સુપ્રીમ કોર્ટમાં પેરવી કરી હતી. માનવઅધિકાર ભંગના અનેક બનાવોમાં તેમણે હાજરી આપી.
તેઓ યાદ કરતા કહે છે કે, તીથલ પાસે કોસંબા ગામમાં માછીમારોનું શિવનું મંદિર સ્વામીનારાયણ સંપ્રદાયે પડાવી લીધેલું અને ત્યાં પર્યાવરણના નિયમોથી વિપરિત મોટું મંદિર બાંધી દેવાની કોશિશ થઈ હતી. એ કેસમાં કોસંબા ગામના ગરીબ માછીમારો તરફથી મુરલીધન કેસ લડ્યા હતા.
આવી જ રીતે આદિવાસીઓ પર જંગલખાતાના અત્યાચારના કેસ પણ લડ્યા.
આનંદ યાજ્ઞિક જસ્ટિસ મુરલીધરન સાથેનો સંબંધ યાદ કરતા કહે છે કે એમની પ્રામાણિકતા અને ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે મને અખૂટ માન છે.
મુરલીધર કાયમ કહે, કાયદો, સરકાર અને તંત્ર કાયમ ગરીબોની સામે જ વપરાય છે પણ તે છતાં આપણે હારવાની શરતે પણ જૂઠ નહીં બોલવું અને અન્યાયની સામે ચૂપ નહીં રહેવું.
જસ્ટિસ મુરલીધરનની બદલી અંગે આનંદ યાજ્ઞિક માને છે કે, આ સરકાર બંધારણ અને કાયદાથી વિપરિત જે વિચાર રજૂ કરે છે તેની સામે મુરલીધરન જેવા લોકો આડા આવે છે અને દિલ્હીમાં તમે ન્યાયને રસ્તે સીધા ભારત સરકાર સામે ન પડો એટલે એમને હઠાવાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતની બહુચર્ચિત નર્મદા નદી પરના સરદાર સરોવર યોજનામાં આદિવાસીઓના વિસ્થાપનને લઈને નર્મદા બચાવ આંદોલન તરફથી જે કેસ થયો એમાં પણ વકીલ તરીકે એસ. મુરલીધરનની મોટી ભૂમિકા છે. એ પિટિશનને પગલે જ સરકારને યોગ્ય રીતે પુન:સ્થાપન કરવાની ફરજ પડી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













