જ્યોતિરાદિત્ય સિંઘિયા મધ્ય પ્રદેશથી ભાજપના રાજ્યસભાના ઉમેદવાર

ઇમેજ સ્રોત, ANI
ભાજપમાં જોડાયાને દિવસે જ જ્યોતિરાદિત્ય સિંઘિયાને ભાજપને રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરી દીધા છે.
કૉંગ્રેસ છોડનાર જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ભાજપમાં જોડાઈ ગયા છે. દિલ્હીમાં ભાજપની હૅડ ઑફિસે તેઓ ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને અન્ય નેતાઓની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
જેપી નડ્ડાએ જ્યોતિરાદિત્યને ભાજપ પ્રવેશ કરાવતી વખતે રાજમાતા અને જ્યોતિરાદિત્ય સિંધિયાના દાદી વિજયા રાજેને યાદ કર્યા હતા.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કૉંગ્રેસ પાર્ટી પર વચન નહીં પાળવાનો આરોપ મૂક્યો હતો.
જ્યોતિરાદિત્ય સિંઘિયાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
ભાજપમાં જોડાયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, મારૂં જીવન બદલનાર બે ઘટનાઓમાં એક, મારા પિતાનું મૃત્યુ અને બીજું ગઈકાલે જ્યારે મેં આ નિર્ણય લીધો.
તેમણે કહ્યું કે, કૉંગ્રેસ પાર્ટી દ્વારા જનસેવાનું લક્ષ્ય પરિપૂર્ણ નથી કરવામાં આવી રહ્યું. વર્તમાનમાં કૉંગ્રેસ એ પાર્ટી નથી રહી જે પહેલાં હતી.
18 મહિનામાં સપનાં વિખેરાઇ ગયા. ખેડૂતોનું ઋણ માફ કરવાનો વાયદો હતો, તે 18 મહિનામાં ન થયું. મંદસૌરના ગોલીકાંડ પછી ખેડૂતો વિરુદ્ધ હજુ પણ કેસ ચાલુ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, મધ્ય પ્રદેશના ખેડૂતો ત્રસ્ત છે અને યુવાનો પરેશાન છે. ચૂંટણી ઢંઢેરામાં યુવાનોને દર મહિને ઍલાઉન્સ આપવાનો વાયદો હતો પરંતુ તેનું કંઈ થયું નથી.
એમણે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં ભારતનું ભવિષ્ય સુરક્ષિત છે.
મધ્ય પ્રદેશ ભાજપના પ્રમુખ વિષ્ણુ દત્ત શર્માએ કહ્યું કે રાજમાતા સિંધિયે જનસંઘથી લઈને ભાજપને સીંચવું સીંચ્યો હતો, રાષ્ટ્રવાદની વિચારધારાના આધાર પર આ પક્ષને ઊભો કર્યો હતો. અમને ખુશી છે કે તેમનાં પરિવારના એક સદસ્ય ભાજપમાં જોડાયા છે.
તેમણે કહ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયાની રાષ્ટ્રભક્તિ ત્યારે સામે આવી હતી જ્યારે તેમણે નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ દેશહિતનો કાયદો છે.
મધ્ય પ્રદેશ ભાજપ પ્રમુખે જ્યોતિરાદિત્યને પરમ રાષ્ટ્રભક્ત ગણાવ્યા હતા તો શિવરાજસિંહે કહ્યું કે ભાજપમાં મહારાજ અને શિવરાજ એક છે.
ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં જ્યોતિરાદિત્યને ટાર્ગેટ કરીને માફ કરો મહારાજ ઝુંબેશ ચલાવી હતી.
ભાજપમાં જોડાઈ જ્યોતિરાદિત્ય સિંઘિયાએ કહ્યું, મોદીના હાથમાં ભારતનું ભાવિ સુરક્ષિત છે.
આ દરમિયાન રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહેલોતે કહ્યું છે કે આવા તકવાદીઓએ પાર્ટી વહેલી જ છોડી દેવી જોઈતી હતી. 18 વર્ષ કૉંગ્રેસે એમને ઘણું આપ્યું છે અને લોકો તેમને પાઠ ભણાવશે.
મધ્ય પ્રદેશના રાજકીય સંકટની વચ્ચે ભાજપે તેના ધારાસભ્યોને હરિયાણાના ગુરુગ્રામ ખાતે લઈ ગયા છે. બીજી બાજુ, કૉંગ્રેસના ધારાસભ્યોને વિશેષ વિમાન દ્વારા બુધવારે સવારે રાજસ્થાનના જયપુર લઈ જવાયા.
ભાજપ નેતા કૈલાસ વિજયવર્ગીયે કહ્યું છે કે, આ તો હજી શરૂઆત છે. સિંધિયાજીની જેમ અન્ય પ્રદેશોમાં પણ આમ થશે.
આ તરફ સિંધિયા સમર્થક ધારાસભ્યો બેંગલુરુ ખાતે એક રિસોર્ટમાં છે અને તેમણે પોતાના રાજીનામા સ્પીકરને મોકલી આપ્યા છે.
સ્પીકર એન. પી. પ્રજાપતિનું કહેવું છે કે તેઓ નિયમ મુજબ નિર્ણય લેશે. બીજી બાજુ, રાજ્યપાલ લાલજી ટંડનનું કહેવું છે કે હાલના તબક્કે તેમણે કંઈ કરવાનું નથી.
આ પહેલાં મધ્ય પ્રદેશમાં ધુળેટીના દિવસે રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે, બળવાખોર જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટી છોડી દીધી, તેમણે કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો.

'કાર્યકાળ પૂર્ણ કરીશું'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે ધારાસભ્યો સાથેની બેઠક પછી રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો છે.
કમલનાથે કહ્યું છે કે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. અમે બહુમત સાબિત કરીશું અને અમારી સરકાર કાર્યકાળ પૂરો કરશે.
મધ્ય પ્રદેશ કૉંગ્રેસના નેતા અર્જુનસિંહના કહેવા પ્રમાણે, સિંધિયાના જવાથી કોઈ ફેર નહીં પડે તથા સરકાર ટકી રહેશે.
આ પહેલાં મંગળવારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કૉંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.
બીજી બાજુ, કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તાત્કાલિક અસરથી જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટીમાંથી બરતરફ કર્યા છે.
કૉંગ્રેસના નેતા કે. સી. વેણુગોપાલે આ જાહેરાત કરી હતી.
મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિરોધપક્ષ ભાજપના નેતા કૉંગ્રેસના 19 બળવાખોર ધારાસભ્યોનાં રાજીનામાં સાથે સ્પીકર એન. પી. પ્રજાપતિ પાસે પહોંચ્યા હતા.
બીજી બાજુ, કૉંગ્રેસના નેતા સજ્જનસિંહ વર્મા તથા ડૉ. ગોવિંદ સિંહ નારાજ ધારાસભ્યોને મનાવવા માટે બેંગલુરુ પહોંચ્યા છે.

જ્યોતિરાદિત્યના વિસ્ફોટ પછી કમલનાથ રાજીનામું આપશે?

ઇમેજ સ્રોત, FB/JYOTIRADITYA M SCINDIA
ભોપાલ સ્થિત બીબીસીના સહયોગી પત્રકાર શુરૈહ નિયાઝીએ કહ્યું કે, મુખ્ય મંત્રી કમલનાથે કૉંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરી છે. આ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે નારાજ ધારાસભ્યોને મનાવાશે અને મુખ્ય મંત્રી રાજીનામું નહીં આપે.
આ દરમિયાન સ્પીકર એનપી પ્રજાપતિએ કહ્યું છે કે તેઓ નિયમ અનુસાર કાર્યવાહી કરશે.
જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામા પર કૉંગ્રેસમાંથી પણ પ્રતિક્રિયા આવી રહી છે.
મધ્ય પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અરૂણ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે, જ્યોતિરાદિત્ય સિંઘિયા દ્વારા અપનાવવામાં આવેલા ચરિત્ર બાબતે મને કોઈ અફસોસ નથી. સિંધિયા ખાનદાને આઝાદીના આંદોલનમાં પણ અંગ્રેજ હકૂમત અને તેનો સાથ આપનારી વિચારાધારની હરોળમાં ઊભા રહી એમની મદદ કરી હતી. આજે જ્યોતિરાદિત્ય ફરી એ જ ઘૃણાસ્પદ વિચારધારાની સાથે ઊભા રહીને પોતાના પૂર્વજોને સલામી આપી છે. અંગત સ્વાર્થ માટે કૉંગ્રેસ પાર્ટી અને કાર્યકરોના સંઘર્ષને આગમાં નાખનારા જયચંદો-મીર જાફરોને આવનારો સમય પાઠ ભણાવશે.
કૉંગ્રેસના પ્રવક્તા શોભા ઓઝાએ ટ્વીટ કર્યું છે કે, ગ્વાલિયર-ચંબલ સંભાગના તમામ કાર્યકરોને આજે મળેલી સાચી આઝાદીની વધામણી. જેમના અધિકારોને મહેલ અને તેના ચાટુકારોના અંગત સ્વાર્થ માટે બલિ ચઢાવાતા હતા તેવા ચંબલના તમામ કૉંગ્રેસીઓ માટે આજે મુક્તિનું પર્વ છે.
તો મધ્ય પ્રદેશ કૉંગ્રેસ નેતા પીસી શર્માએ કહ્યું કે, હવે તમને કમલનાથનો માસ્ટર સ્ટ્રોક જોવા મળશે.
આ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયા દિલ્હી પહોંચ્યા છે. તેમણે દિલ્હી નિવાસસ્થાને પહોંચતા સમાચાર સંસ્થા એએનઆઈને હેપ્પી હોલી કહ્યું હતું.
આ દરમિયાન દિલ્હી સ્થિતિ ભાજપની હૅડઑફિસે તેમજ મધ્ય પ્રદેશમાં પણ બેઠકો ચાલી રહી છે.
દિલ્હી ભાજપની ઑફિસે અમિત શાહ અને નરેન્દ્ર મોદી હાજર છે.

યશોધરા સિંધિયાએ કહ્યું, જ્યોતિરાદિત્યની 'ઘર વાપસી'

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે દાવો કર્યો છે કે કૉંગ્રેસના બળવાખોર ધારાસભ્યોની હેરફેર માટે ભાજપ દ્વારા વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
બીજી બાજુ, મધ્ય પ્રદેશની રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે ભાજપના દિગ્ગજ નેતાઓની બેઠક યોજાઈ હતી.
જ્યોતિરાદિત્ય ભાજપમાં જોડાય છે એ વાત પર તેમના આન્ટી અને ભાજપ નેતા યશોધરા સિંધિયાએ કહ્યુ કે, હું ખૂબ ખુશ છું અને તેમને અભિનંદન આપું છું. આ ઘર વાપસી છે. માધવરાવ સિંધિયાએ એમની પોલિટિકલ કરિયર જન સંઘથી શરૂ કરી હતી. જ્યોતિરાદિત્યની કૉંગ્રેસમાં અવગણના થતી હતી.
આ દરમિયાન મધ્ય પ્રદેશના રાજ્યપાલ રજાઓ રદ કરી ભોપાલ પરત ફરશે એવી માહિતી રાજભવન તરફથી આપવામાં આવી છે.

સિંધિયા, સરકાર અને ઇન્કાર

ઇમેજ સ્રોત, TWITTER@OFFICEOFKNATH
અગાઉ એવી અટકળો લગાવાઈ રહી હતી કે વિવાદનો ઉકેલ લાવવા માટે જ્યોતિરાદિત્ય સિંધિયાને મધ્ય પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ બનાવાશે.
ભોપાલમાં આ બધા વચ્ચે એ સમાચાર પણ આવી રહ્યા છે કે સિંધિયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
જોકે, કૉંગ્રેસના મીડિયા કન્વિનર નરેન્દ્ર સલુજાએ પક્ષની અંદર કોઈ પણ પ્રકારનો વિવાદ ન હોવાની વાત કરી હતી.
તેમણે કહ્યું, "બધું મીડિયાની ધારણા છે. આ બધા સોશિયલ મીડિયાના સમાચાર છે. હોળીને કારણે બધા રજા પર છે."
મુખ્ય મંત્રીનિવાસ પર ચાલી રહેલી બઠેક પર તેમણે કહ્યું, "બજેટસત્ર અને રાજ્યસભાની ચૂંટણી છે એટલે આ બધી વાતો પર ચર્ચા કરવાની છે."
તેમણે એવું પણ કહ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા નાદુરસ્ત તબિયતને કારણે નથી આવી રહ્યા પણ જ્યારે તેની જરૂરિયાત હશે ત્યારે તેઓ હાજર રહેશે.
ભાજપના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણનું કહેવું છે કે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની સરકારને તોડી પાડવામાં ભાજપને કોઈ રસ નથી. આ તેમની 'આંતરિક બાબત' છે.

ગુરુગ્રામ ગ્રહણ

ઇમેજ સ્રોત, Getty Images
મધ્ય પ્રદેશમાં રાજકીય સંકટની સ્થિતિ છેલ્લા એક સપ્તાહ કરતાં પણ વધારે સમયથી ચાલી રહ્યું હતું. આ પહેલાં કેટલાક ધારાસભ્યો ગુરુગ્રામ જતા રહ્યા હતા પણ તેમને ભોપાલ પરત લાવવામાં આવ્યા હતા.
આ ધારાસભ્યો ગુરુગ્રામ ગયા ત્યારે રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી દિગ્વિજયસિંહે આરોપ લગાવ્યો હતો કે ભાજપ તેમના ધારાસભ્યનો લાંચ આપીને ખરીદવા પ્રયાસ કરી રહ્યો છે.
દિગ્વિજય સિંહે આરોપ લગાવતા કહ્યું હતું કે પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ભાજપના નેતા નરોત્તમ મિશ્રાએ ધારાસભ્યોને 25થી 35 કરોડ રૂપિયા આપવાનો પ્રસ્તાવ રાખ્યો છે.
ગત વર્ષે મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિરોધપક્ષ અને ભાજપના નેતા ગોપાલ ભાર્ગવે કમલનાથ સરકાર પર વિધાનસભામાં પ્રહાર કરતા કહ્યું હતું કે જો તેમના પક્ષના શીર્ષ નેતૃત્વે એક પણ ઇશારો કર્યો તો રાજ્યમાં કૉંગ્રેસની સરકાર 24 કલાક પણ નહીં ટકે.
ગત વર્ષે 24 જુલાઈએ ગોપાલ ભાર્ગવે વિધાનસભામાં કહ્યું હતું, "અમારા ઉપરવાળા નંબર એક કે બેનો આદેશ આવ્યો તો 24 કલાક પણ આપની સરકાર નહીં ચાલે."

રાજકીય સમીકરણ અને રાજ્યસભાની ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images
2018માં મધ્ય પ્રદેશમાં 15 વર્ષ પછી કૉંગ્રેસ સત્તામાં પાછી ફરી હતી. 230 ધારાસભ્યો પૈકી કૉંગ્રેસના 114 અને ભાજપના 107 ધારાસભ્યો છે.
બસપાના 2 અને અપક્ષ 4 ધારાસભ્યો છે, જેમનું સમર્થન કૉંગ્રેસને મળતું રહ્યું છે. મધ્ય પ્રદેશમાં સંખ્યાને આધારે 34 મંત્રીઓ બનાવી શકાય છે.
અસંતુષ્ટોને મનાવવા માટે હાલના મંત્રીઓનું રાજીનામું લઈ લીધું છે.
રાજ્યસભામાં મધ્ય પ્રદેશની 3 બેઠકો માટેની ચૂંટણી 26 માર્ચે થવાની છે અને આ માટે ઉમેદવારીપત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ 13 માર્ચ છે.
સંખ્યાબળની રીતે જોઈએ તો કૉંગ્રેસ અને ભાજપને એક-એક બેઠક સરળતાથી મળી જાય એમ છે. ભાજપે એક બેઠક માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે અને એથી મુકાબલો રોમાંચક બન્યો છે.
બીજી તરફ દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા બની રાજ્યસભાની દાવેદારી કરી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીમાં હાર પછી સિંધિયા એક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયા છે. એમના મંત્રીઓ સતત એમને પ્રદેશ અધ્યક્ષ બનાવવાની માગ કરી રહ્યા હતા અને મુખ્ય મંત્રી કમલનાથ સતત એમની અવગણના કરી રહ્યા હતા.
એકંદરે હવે કમલનાથ માટે મધ્ય પ્રદેશમાં મોટી કસોટી ઊભી થઈ છે. તેમણે ફક્ત સરકાર નથી બચાવવાની પરંતુ રાજ્યસભાની ચૂંટણીમાં બે બેઠકો પર પાર્ટીને પણ જીત અપાવવાની છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














