અફઘાનિસ્તાન : રાષ્ટ્રપતિ અશરફ ઘનીના તાલિબાનના 1500 કેદીઓને છોડશે

અશરફ ઘની

ઇમેજ સ્રોત, Getty Images

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ 1500 તાલિબાન કેદીઓને મુક્ત કરવાની જાહેરાત કરી છે.

તાલિબાન સાથે શાંતિપ્રક્રિયાને આગળ ધપાવવા માટે કેદીઓને મુક્ત કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલાં આદેશ મુજબ શનિવારથી ક્રમબદ્ધ રીતે 1500 કેદીઓને મુક્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

અમેરિકાએ આ પહેલને આવકારી છે, જ્યારે તાલિબાને હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી.

જેમ-જેમ વાતચીત આગળ વધશે તેમ, તથા હિંસામાં થયેલા ઘટાડા બાદ તાલિબાન કેદીઓને મુક્ત કરવામાં આવશે.

તાજેતરમાં અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવા મુદ્દે અમેરિકા તથા તાલિબાન વચ્ચે કરાર થયા હતા.

બીજા તબક્કાની વાતચીત માર્ચ મહિનાના અંતભાગમાં શરૂ થવાની હતી, પરંતુ હવે તેમાં મોડું થઈ શકે છે.

બીજી બાજુ, અમેરિકાની સૈન્ય ટુકડીઓએ અફઘાનિસ્તાન છોડવાની કામગીરી શરૂ કરી દીધી છે.

line

શપથ સમયે બ્લાસ્ટ

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ અશરફ ઘની

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ અશરફ ઘની

અફઘાનિસ્તાનના બે મુખ્ય રાજકારણીઓએ રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણીમાં જીતનો દાવો કર્યો. બંને નેતાઓએ અલગઅલગ જગ્યાએ રાષ્ટ્રપ્રમુખપદના શપથગ્રહણ સમારોહ યોજ્યા હતા.

2014થી રાષ્ટ્રપ્રમુખ રહેલા અશરફ ઘનીએ પ્રૅસિડેન્ટ પૅલેસમાં શપથગ્રહણ સમારોહ યોજ્યો હતો, જ્યારે અબ્દુલ્લાહે સાપેદાર પૅલેસમાં શપથગ્રહણ સમારોહ યોજ્યો હતો.

આ દરમિયાન સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ અશરફ ઘનીના શપથગ્રહણના સમારંભ નજીક બ્લાસ્ટની ઘટના પણ બની છે. જોકે આમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ વિગતો હજી આવી નથી.

સમાચાર સંસ્થા રૉયટર્સ મુજબ ઇસ્લામિક સ્ટેટે અશરફ ઘનીના શપથગ્રહણના સ્થળને રૉકેટથી ટાર્ગેટ કર્યું હોવાના અહેવાલ છે.

અશરફ ઘનીનો શપથગ્રહણનો સમારંભ ચાલી રહ્યો હતો ત્યારે ધડાકા સંભળાયા હતા અને અમુક લોકો નાસભાગ કરતા જોવા મળ્યા. રૉયટર્સ મુજબ ઇસ્લામિક સ્ટેટે કોઈ પુરાવા આપ્યા વિના તેની ટેલિગ્રામ ચૅનલ પર આ હુમલો તેણે કર્યો હોવાનો દાવો કર્યો છે.

રૉયટર્સે ઘટનાસ્થળે હાજર વ્યક્તિને ટાંકીને કહે છે કે આમાં કોઈ નુકસાની થઈ નથી. ધડાકાના અવાજ પછી પણ અશરફ ઘનીએ તેમનું ભાષણ ચાલુ રાખ્યું હતું.

કથિત રીતે રૉકેટ શપથગ્રહણના સમારંભ નજીક કંપાઉન્ડ વૉલ સાથે અથડાયું છે.

line

અબ્દુલ્લાહ દ્વારાસમાંતર થપથગ્રહણ

અબ્દુલ્લાહ અબ્દુલ્લાનો શપથગ્રહણ સમારોહ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, અબ્દુલ્લાહ અબ્દુલ્લાનો શપથગ્રહણ સમારોહ

ચૂંટણીપંચે કહ્યું, "સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી ચૂંટણીમાં અશરફ ઘની નજીવી બહુમતીથી ચૂંટણી જીત્યા હતા."

જોકે, ઘનીના પ્રતિસ્પર્ધી અબ્દુલ્લાહ અબ્દુલ્લાહએ આ પરિણામને છેતરપિંડી ગણાવી હતી.

અમેરિકા અનેક વર્ષોની હિંસા પછી હવે તાલિબાન સાથે શાંતિમંત્રણા કરવા તૈયાર થઈ રહ્યું છે ત્યારે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે.

શપથગ્રહણના સમારોહ અગાઉ અમેરિકાના સ્પેશિયલ દૂત ઝાલ્મેય ખલિલઝાદની દખલગીરી પછી અબ્દુલ્લાહની ટીમે કહ્યું હતું કે તેઓ કાર્યક્રમને રદ કરવા તૈયાર થયા છે.

જોકે એ છતાં પણ અબ્દુલ્લાહે શપથગ્રહણનો સમારોહ યોજ્યો હતો.

અમેરિકાના દૂત બંને નેતાઓની વચ્ચે સત્તાની વહેંચણીને લઈને મધ્યસ્થી કરી રહ્યા છે.

આ પ્રકારની રાજકીય સ્થિતિ શનિવારે કાબુલમાં થયેલાં બૉમ્બવિસ્ફોટ પછી આવી છે. ઇસ્લામિક સ્ટેટના ઉગ્રવાદીઓએ કરેલા આત્મઘાતી હુમલામાં 32 લોકો મૃત્યુ પામ્યા હતા અને અબ્દુલ્લાહનો આબાદ બચાવ થયો હતો.

અમેરિકા અને તાલિબાન વચ્ચે થયેલી સંધિ પછી આ પહેલો મોટો હુમલો હતો.

એક અફઘાનિસ્તાનના વ્યક્તિએ એએફપીને કહ્યું, "એક દેશમાં બે રાષ્ટ્રપ્રમુખ હોવા અશક્ય ઘટના છે. તેમણે આ પ્રકારે બે શપથગ્રહણ સમારોહ યોજવાની જગ્યાએ એકબીજા સાથે ચર્ચા કરી તેનું નિરાકરણ લાવું જોઈએ."

વિશેષજ્ઞો ચેતવણી આપી રહ્યા છે કે હાલની રાજકીય ચડસાચડસી અફઘાનિસ્તાનની આંતરિક સ્થિતિ પર ગંભીર અસર કરી શકે છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો