નમસ્તે ટ્રમ્પ : ખર્ચાળ ઇવેન્ટની આયોજક 'ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ' છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત કાર્યક્રમને સંબોધિત કરવાના છે અને તે કાર્યક્રમને લઈને ખર્ચ ઉપરાંત હવે આયોજકનું નવું જ રહસ્યમય નામ સામે આવ્યું છે.
'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમની ભવ્યતાની સાથે તેની પાછળના જંગી ખર્ચ તથા આ ભવ્ય કાર્યક્રમના આયોજક કોણ છે તેના વિશે ચર્ચા થઈ રહી હતી તેમાં હવે એક નવું નામ ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિનું ઉમેરાયું છે.
ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ગઈ કાલે દિલ્હીમાં પત્રકારપરિષદમાં કહ્યું કે અમદાવાદમાં યોજાઈ રહેલી નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટનું આયોજન ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ કરી રહી છે.
જોકે, ધ હિંદુના એક અહેવાલ મુજબ આવી કોઈ સમિતિનું નામ ગુજરાતમાં કોઈને ખબર નથી.
અત્યાર સુધીની માહિતી મુજબ અમેરિકાના પ્રમુખ અમદાવાદમાં ત્રણ કલાક માટે રોકાશે અને રોયટર્સના અહેવાલ મુજબ આ કાર્યક્રમના આયોજનમાં 85 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત કાર્યક્રમને સંબોધિત કરવાના છે.
હાઉડી મોદીમાં બેઉ પક્ષના નેતાઓ આમંત્રિત હતા તો શું નમસ્તે ટ્રમ્પમાં પણ એવું છે? આ સવાલના જવાબમાં રવીશ કુમારે કહ્યું કે આ કાર્યક્રમ ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ આયોજિત કરી રહી છે અને કોને બોલાવવા કે ન બોલાવવા તે નિર્ણય તે લઈ રહી છે. આ સવાલ તેમને પૂછાવો જોઈએ.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ગુજરાત સરકારે આપેલી કોઈ પણ માહિતીમાં કે પ્રચારસાહિત્યમાં આવી કોઈ સમિતિનું નામ સામે નથી આવ્યું. અલબત્ત પ્રચાર માટે લાગેલા મોટા હોર્ડિંગ્સમાં આયોજકનું કોઈ નામ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પત્રકારપરિષદમાં રવીશ કુમારને એ સવાલ પણ કરવામાં આવ્યો હતો કે હાઉડી મોદી કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન-ભારતીયોનો સંબોધન કર્યું હતું પરંતુ ટ્રમ્પ કોને સંબોધન કરશે? શું આ રાજકીય ઇવેન્ટ-પ્રમોશન નથી?
જોકે, રવીશ કુમારે કહ્યું કે આ રાજકીય પ્રમોશન નથી. ભૂતકાળમાં પણ આવા કાર્યક્રમો થયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ કોણ છે એવો સવાલ કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કર્યો છે. એમણે કહ્યું કે, ડીયર પીએમ આ ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ કોણ છે? એ ક્યારે બની? અને ક્યારે અમેરિકાના પ્રમુખને આમંત્રણ આપવામાં આવ્યું? પ્રમુખ ટ્રમ્પ તમે 7 મિલિયન લોકોની મોટી ઇવેન્ટ પ્રોમિસ કરી છે એમ કેમ કહી રહ્યા છે?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આ કાર્યક્રમ અંગે ગુજરાતના મુખ્ય મંત્રીથી લઈને અનેક અધિકારીઓ સુધી બેઠકો કરી રહ્યા છે અને યજમાનની ભૂમિકામાં છે, પરંતુ 'હાઉડી, મોદી'ની જેમ કોઈ ચોક્ક્સ આયોજક સમૂહ દેખાઈ નથી રહ્યો.

ઇમેજ સ્રોત, https://namastepresidenttrump.in/
'હાઉડી, મોદી'નું આયોજન ટેક્સાસ ઇન્ડિયા ફોરમે કર્યું હતું અને એમના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પર પોતે આયોજક છે એમ પણ કહ્યું હતું.
જોકે, 'નમસ્તે ટ્રમ્પ'ના જે પણ હોર્ડિંગ શહેરમાં લાગ્યા છે તેમાં ગુજરાત સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન, ભાજપ કે અન્ય કોઈ સરકારી કે બિનસરકારી સંસ્થાનોના નામ કે લોગો જોવા નથી મળી રહ્યા.
ગુજરાત સરકારની વેબસાઇટ https://gujaratindia.gov.in/ તપાસીએ તો ત્યાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમની પહેલી તસવીર સામે દેખાય છે, પરંતુ એના પર ક્લિક કરતાં અન્ય કંઈ વિગતો ખુલતી નથી.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરેલા વીડિયોમાં પણ કોઈ આયોજકની નોંધ નથી.
કાર્યક્રમની માહિતી માટે બનાવવામાં આવેલી વેબસાઇટ namastepresidenttrump.in પર રાજ્ય સરકારની સંસ્થા ગુજરાત ઇન્ફૉર્મેટિક્સ લિમિટેડ નો કૉપીરાઇટ્સ બોલે છે પરંતુ રવીશ કુમારે જેને આયોજક ગણાવી છે તે ડોનાલ્ડ નાગરિક અભિનંદન સમિતિ વિશે એક વાક્યની નોંધ કે ઉલ્લેખ જોવા નથી મળી રહ્યો.

કેટલો ખર્ચ?

કાર્યક્રમમાં થઈ રહેલો મોટો ખર્ચ ચર્ચાનો મુદ્દો બન્યો છે. જોકે, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનું કહેવું છે કે લગભગ એક લાખ 10 હજાર પ્રેક્ષકોની બેઠકક્ષમતાવાળા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ સુધી પહોંચવાના રસ્તાઓ પહોળા કરવા તથા બ્યુટિફિકેશન પાછળ થયો છે, જે કાયમી સુવિધા છે.
અગાઉ ટ્રમ્પે 70 લાખ લોકો ભાગ લેશે એમ કહ્યું હતું. જોકે વિજય નહેરા કહે છે કે રોડ-શોમાં 'એકથી બે લાખ લોકો' ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી પછી સપ્ટેમ્બર 2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો 'હાઉડી, મોદી' હ્યુસ્ટનમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ભાગ લીધો હતો.
આશરે 50,000 લોકોએ જેમાં હાજરી આપી હતી, તે કાર્યક્રમનું આયોજન ટેક્સાસ ઇન્ડિયા ફોરમે કર્યું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
વિજય નહેરાએ સમાચાર સંસ્થા રૉયટર્સને જણાવ્યું કે અંદાજે 30 કરોડ રૂપિયા ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ રસ્તા પહોળા કરવામાં અને બાંધકામમાં ખર્ચ થઈ ગયા છે.
સ્ટેડિયમની ક્ષમતા એક લાખ દસ હજાર દર્શકોની છે. નેહરાએ કહ્યું કે જ્યાંથી ટ્રમ્પ નીકળવાના છે એ વિસ્તારની સજાવટમાં છ કરોડ રૂપિયા ખર્ચ થશે.
અમદાવાદમાં કરવામાં આવેલાં રસ્તાઓ અંગે તેમણે કહ્યું, "સ્ટેડિયમ તરફ જતાં 18 રોડને પહોળા કરવામાં આવ્યા છે અને તેનું રિસરફેસિંગ તથા રિકાર્પેટિંગ કરવામાં આવ્યું છે."
"આ સિવાય બ્યુટિફિકેશન પણ કરવામાં આવ્યું છે. અમદાવાદ જ નહીં, વિશ્વ માટે યાદગાર ઇવેન્ટ બની રહે તેવા પ્રયાસ છે. તમામ સ્ટાફ ઓવરટાઇમ કામ કરી રહ્યો છે."
કમિશનર વિજય નેહરા ઇવેન્ટમાં થઈ રહેલો ખર્ચ કાયમી ગણાવે છે.
તેઓ કહે છે કે, "અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના બજેટમાંથી જે-જે સુવિધા ઊભી કરી રહ્યા છીએ, તે મહદંશે કાયમી પ્રકારની છે, જેથી આવનારા સમયમાં જ્યારે-જ્યારે મૅચ રમાશે ત્યારે આ ખર્ચ કામે લાગશે."
અલબત્ત, અમદાવાદના કમિશનર વિજય નહેરાએ ઍરપૉર્ટથી સ્ટેડિયમ વચ્ચે આવકારમાં કૉર્પેરેશન દ્વારા ખર્ચ કરવાની વાત કરી છે.
વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા બીબીસી ગુજરાતીના જીગર ભટ્ટને જણાવે છે કે આવી ઇવેન્ટ 'પૈસાનો વેડફાટ' છે.
તેઓ કહે છે કે, "નરેન્દ્ર મોદીને આવા ખર્ચ કરવાની આદત છે માટે તે આ કરી રહ્યા છે. તેમને ઇવેન્ટનું વળગણ છે. માટે તેઓ આ પ્રકારની ઇવેન્ટ કરી રહ્યા છે."
'રાજીવ ગાંધીએ શરૂઆત કરી હતી'

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech
વરિષ્ઠ પત્રકાર આલોક મહેતા કહે છે કે, નરેન્દ્ર મોદીએ અગાઉ અમેરિકામાં અને બ્રિટનમાં આ રીતેના કાર્યક્રમ કર્યા છે.
તેઓ કહે છે આવા ભવ્ય કાર્યક્રમોની પરંપરા રાજીવ ગાંધીએ શરૂ કરી હતી અને પાછળથી નરસિંહ્મા રાવની સરકારમાં આ રીતના કાર્યક્રમ બંધ થયા.
તેઓ યાદ કરતાં કહે છે કે આ જ પ્રકારે એક મોટો કાર્યક્રમ મુલાયમસિંહની સરકારે અમેરિકન પ્રમુખ માટે યોજ્યો હતો.
પૂર્વ વિદેશસચિવ નવતેજ સરના આ કાર્યક્રમ અંગે કહે છે કે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં હાઉડી મોદી તથા મેડિસિન સ્ક્વેરમાં કાર્યક્રમ કર્યો છે અને આ એ જ તરાહનો કાર્યક્રમ અમદાવાદમાં યોજાઈ રહ્યો છે."
સુરક્ષા બંદોબસ્ત
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
સમગ્ર મુલાકાત દરમિયાન ગોઠવવામાં આવેલી સુરક્ષા પાછળ કેટલો ખર્ચ થશે, તે હજુ અસ્પષ્ટ છે.
અમદાવાદના સ્પેશિયલ પોલીસ કમિશનર અજય કુમારના કહેવા પ્રમાણે: "ગુજરાત પોલીસ, તેની અલગ-અલગ પાંખો, એન.એસ.જી., એસ.પી.જી. સહિતના સંગઠનો સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે."
આ સિવાય ડી.આર.ડી.ઓ. દ્વારા તૈયાર કરવામાં આવેલી 'ઍન્ટિ-ડ્રોન ટેકનૉલૉજી'નો ઉપયોગ કરવામાં આવશે.
નાગરિકોને મોબાઇલ ફોન સિવાય બીડી-સિગારેટ કે ખાવા-પીવાની કોઈ વસ્તુ ન લઈ જવા જણાવવામાં આવ્યું છે.
અગાઉ DCP વિજય પટેલ, (કંટ્રોલર અમદાવાદ શહેર) દ્વારા અપાયેલી માહિતી અનુસાર:
"ટ્રમ્પની મુલાકાત દરમિયાન 25 IPS અધિકારીઓ, 65 ACP કક્ષાના અધિકારીઓ, 200 પોલીસ ઇન્સ્પેક્ટર, 800 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને 10,000 જેટલા પોલીસ કર્મચારી સુરક્ષાવ્યસ્થા માટે ખડેપગે રહેશે."
નવા પ્રકારની ડિપ્લોમસી?
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ઇવેન્ટ પાછળ આટલો ખર્ચ થવો જોઈએ કે નહીં તે અંગે બીબીસીના ગુજરાતીના જીગર ભટ્ટ સાથે વાત કરતા વરિષ્ઠ પત્રકાર રાજ ગોસ્વામી કહે છે:
"સામાન્ય માણસને આ ખર્ચ ઘણો મોટો લાગે છે."
"પરંતુ જ્યારે કોઈપણ દેશના ટોચના નેતા બીજા દેશની સત્તાવાર મુલાકાતે હોય છે, ત્યારે તેઓ તે દેશના કલ્ચર, ટુરિઝમ, હરવા-ફરવાની જગ્યાની મુલાકાત લેતા હોય છે. આવું દરેક દેશમાં થાય છે."
તેઓ વધુમાં કહે છે, "આ પ્રકારની ઇવેન્ટ દુનિયાભરમાં થાય છે. દરેક દેશના ઇતિહાસમાં આ પ્રકારની આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ માટે ખર્ચ થતો રહે છે."
રાજ ગોસ્વામી 'નમસ્તે ટ્રમ્પ' જેવી બિનસત્તાવાર ઇવેન્ટને વિદેશનીતિનો એક નવો પ્રકાર ગણાવે છે.
આ પ્રકારની સાંસ્કૃતિક ઇવેન્ટને વરિષ્ઠ પત્રકાર આલોક મહેતા દેશો વચ્ચેના સંબંધ સુધારવા માટે એક સારું પાસું ગણાવે છે.
તેઓ કહે છે, "બીજા દેશના રાષ્ટ્રપ્રમુખને તમે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા તેમને જોડો જેનાથી તેમનો ભારત પ્રત્યે પ્રેમ વધે છે. જેનો ત્યાંના ભારતીયોને અને દેશની રાજકીય બાબતોમાં ફાયદો થાય છે."
આલોક મહેતા કહે છે કે નરેન્દ્ર મોદી આ પ્રકારની મુલાકાતનો રાજકીય અને આર્થિક રીતે ફાયદો થાય છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે 'હાઉડી મોદી'ની પાછળ રૂ. એક લાખ 40 હજાર કરોડનો ખર્ચ થયો હતો.
ગાંધીએ દુનિયાની સૌથી મોંઘી ઇવેન્ટ ગણાવી હતી અને કહ્યું હતું કે કોઈ ઇવેન્ટ ભારતની આર્થિક સ્થિતિને છુપાવી નહીં શકે.
એ વખતે ઇકૉનૉમિક ટાઇમ્સમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ ભાજપે કહ્યું હતું કે હાઉડી મોદી કાર્યક્રમનું આયોજન અમેરિકા સ્થિત સ્વંયસેવકોએ કર્યું છે અને ભારત સરકાર કે પાર્ટીની તેમાં કોઈ ભૂમિકા નહતી.
અર્થશાસ્ત્રી ઇન્દિરા હિરવે કહે છે, "દેશની આર્થિક સ્થિતિ જ્યારે ખરાબ હોય ત્યારે આવા ખર્ચ પોષાય તેમ નથી. "
તેઓ કથિત રીતે ગરીબી ઢાંકવા માટે ઊભી કરવામાં આવેલી દીવાલને તોડી જ પાડવાની ભલામણ પણ કરે છે.
બીબીસીના ગુજરાતીના જીગર ભટ્ટ સાથે વાત કરતા અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહ આ ખર્ચને બે રીતે જોઈ રહ્યા છે. તેઓ કહ છે, "જો ખર્ચ રસ્તા, ફૂટપાથ, પુલ જેવી જંગમ સંપત્તિ પાછળ જો ખર્ચ થતો હોય તો તેનો વાંધો નથી. કારણ કે તેનો કાયમી વપરાશ કરી શકાય છે."
હેમંતકુમાર શાહ લાઇટિંગ અને મોટી મેદની ભેગી કરવા માટે થતાં ખર્ચને અટકાવવાનું કહે છે. તેઓ કહે છે, "લાઇટિંગ કરવી, રંગારગ કાર્યક્રમ વગેરે કાયમી ઉપયોગી નથી. એનાથી રોજગારી ઊભી નહીં થાય."
'સરકારે ખર્ચનો હિસાબ આપે'
ગુજરાતમાં કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી બીબીસી નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પાછળ વપરાઈ રહેલી રકમને આ પ્રજાના પૈસાનો વેડફાટ ગણાવે છે.
તેઓ કહે છે, "હું ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને આવકારું છે. પણ બેરોજગારી, આરોગ્યના પ્રશ્નો, ખેડૂતોની પણ સમસ્યા, કુપોષણની સમસ્યાથી ગુજરાત પીડાઈ રહ્યું છે- આવી સ્થિતિમાં આવો તામઝામ કરવાને બદલે આ પૈસા લોકોની સમસ્યાના નિવારણ માટે વાપરવા જોઈએ."
તેઓ કહે છે, "બે દેશના વડા મળે જ એક મોટી ઇવેન્ટ છે, પણ એના માટે આવા તામઝામની જરૂર નથી."
તો ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી અને એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાએ પણ આ મુલાકાતની આકરી ટીકા કરી છે.
શંકરસિંહ વાઘેલાએ બીબીસી ગુજરાતીને કહ્યું કે "હું ગુજરાત અને ભારત સરકારને વિનંતી કરું છું કે ટ્રમ્પની મુલાકાત પહેલાં અને પછી કેટલો થયો એની વિગત લોકો સામે મૂકવી જોઈએ."
એમણે "શું તમે ટ્રમ્પને માર્કેટિંગ માટે બોલાવો છો, ટ્રમ્પને અહીં બોલાવવાનું કોઈ કારણ ખરું? " એવો સવાલ પણ કર્યો અને નામ લીધા વગર "તમે ટ્રમ્પના પ્રચારક કેમ બનો છો એ મારી સમજણ બહાર છે" એમ પણ કહ્યું.
એમણે કહ્યું કે "ગુજરાતના લોકોના, દેશના લોકોના પરસેવાના પૈસા જે, આપણે ટેક્સ મારફતે સરકારમાં જમા કરાવીએ છીએ એને લૂંટવાનો તમને અધિકાર નથી. તમે પ્રજાના સાચા સેવક હોય તો હિસાબ આપો."
શંકરસિંહ વાઘેલાએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની ભવ્યતાને ટાંકીને કહ્યું કે "આ ભવ્યતા એ ગાંધીજી, સરદાર અને લાલબહાદુર શાસ્ત્રીની સાદગીની મજાક છે."
ટ્રમ્પની મુલાકાત સમયે જ નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં આવેલાં 14 ગામોના અનેક લોકો હાલમાં કેવડિયામાં ધરણાં પર બેઠા છે.
આદિવાસીઓ ઇચ્છે છે કે 'ભારત પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની ઓફર કરી ચૂકેલા ટ્રમ્પ આદિવાસીઓની સમસ્યાના ઉકેલ માટે સરકાર અને આદિવાસીઓ વચ્ચે મધ્યસ્થી કરે.'
નમસ્તે ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન મોદીની મુલાકાતને લઈને અમદાવાદમાં સજાવટ કરાઈ રહી છે.
મળતી માહિતી મુજબ ટ્રમ્પ અમદાવાદમાં માત્ર ત્રણ કલાક રોકવાના છે અને તેને લઈને શહેરના રસ્તાઓને ચોખ્ખાચણાક કરી દેવાયા છે.
સમાચાર એજન્સી રૉયટર્સને ગુજરાત સરકારના અધિકારીએ જણાવ્યું કે અમદાવાદમાં ટ્રમ્પ ત્રણ કલાક રોકાશે અને 85 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
અંદાજે 12 હજાર પોલીસ અધિકારી તહેનાત રહેશે અને તેમાં જ અડધી રકમ ખર્ચાઈ જશે.
સ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પની મુલાકાત દરમિયાન થનારા સુશોભનમાં વપરાતાં ફૂલ પાછળ આશરે સાડા ત્રણ કરોડ રૂપિયા ખર્ચ થવાનો છે.
રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પ પહેલી વાર ભારત આવી રહ્યા છે. તેઓ અમદાવાદમાં આવેલા ગાંધીઆશ્રમની મુલાકાત લેવાના છે કે નહીં તે મુદ્દે હજી કોઈ સ્પષ્ટતાઓ નથી.
ટ્રમ્પ જે રસ્તેથી નીકળવાના છે ત્યાંના વિસ્તારમાં આવતી ઝૂંપડપટ્ટીને ઢાંકી દેવા માટે એક દીવાલ પણ ચણી દેવામાં આવી તે પણ વિવાદમાં છે.
તો તેમની આ મુલાકાત દરમિયાન કરાઈ રહેલા ખર્ચ મામલે પણ વિવાદ થઈ રહ્યો છે.
તો અગાઉ શિવસેનાના મુખપત્ર 'સામના'માં લેખ લખાયો હતો, જેમાં 'ગુજરાત મૉડલ'ની ઝાટકણી કઢાઈ હતી.
સામનામાં લખાયું હતું કે ટ્રમ્પથી ગરીબી છુપાવવા માટે 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરાઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવાઈ માર્ગે અમદાવાદ ઍરપૉર્ટ પર આવશે. બાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ ઍરપૉર્ટથી 22 કિલોમિટર લાંબો રોડ શો યોજશે.
ટ્રમ્પના કાર્યક્રમમાં આશરે એક લાખથી દોઢ લાખ લોકોની હાજરી રહેશે તેમ કહેવાય છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













