'ભૂખ્યાં બાળકોનું પેટ ભરવા મેં મારા વાળ 150 રૂપિયામાં વેચી દીધા'

- લેેખક, સ્વામીનાથન નટરાજન
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
સંતાનોનું પેટ ભરવા માટે પોતાના વાળ 150 રૂપિયામાં વેચી દેવા પડ્યા તે પ્રેમા સેલ્વમ માટે જીવનનો સૌથી ખરાબ દિવસ હતો.
ત્રણ સંતાનોનાં માતાએ એકલે હાથે બાળકોનો ઉછેર કરવો પડે તેમ હતો, કેમ કે માથે દેવું થઈ જતાં તેમના પતિએ આત્મહત્યા કરી લીધી હતી. તે પછીય પ્રેમાએ આશા છોડી નહોતી.
માથાના વાળ ઉતારીને વેચી દીધા, તે પછી તેમની પાસે કશું વેચવા જેવું રહ્યું નહોતું. લેણદારોને આપવા માટે રૂપિયા નહોતા કે સંતાનોને જમાડવા માટે અન્ન નહોતું.
તે પછી પ્રેમાએ જે કર્યું તે ભારતમાં બીજા અનેક માટે પ્રેરણારૂપ બની રહ્યું.

દેવાના ડુંગર તળે

પતિએ આત્મહત્યા કરી તે પહેલાં પ્રેમા અને તેમના પતિ બંને તામિલનાડુમાં એક ઈંટોના ભઠ્ઠા પર કામ કરતાં હતાં.
ભઠ્ઠા પર મજૂરી કરીને માંડ-માંડ ગુજરાન ચલાવતાં હતાં, પરંતુ તેમના પતિએ સાહસ કર્યું અને ઉધારી કરીને પોતાનો ઈંટોનો ભઠ્ઠો બનાવ્યો.
તેમાં ખોટ ગઈ અને તેના કારણે દેવામાં આવીને મૂંઝવણમાં મુકાઈ ગયેલા તેમના પતિએ ગયા વર્ષે આત્મહત્યા કરી લીધી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે પછી ત્રણેય સંતાનોના ઉછેરની જવાબદારી પ્રેમા પર આવી પડી. એટલું જ નહીં, આત્મહત્યા પછી પતિના લેણદારો ઉઘરાણી કરી રહ્યા હતા.
થોડો વખતે જેમ તેમ કરીને તેમણે કામ ચલાવ્યું અને પોતાનાં બે સંતાનોને પણ પોતાની સાથે ભઠ્ઠા પર મજૂરીએ લગાડ્યાં.
"હું મજૂરીએ જતી તેના 200 રૂપિયા મળતા હતા. તેમાંથી અમારું ઘર ચાલતું હતું," એમ પ્રેમાએ બીબીસીને જણાવ્યું હતું.
પણ તેઓ બીમાર પડ્યાં અને કમાણી બંધ થઈ ગઈ.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
"હવે હું ઈંટોનો બોજ વધારે ઉપાડી શકું તેમ નહોતી. તાવને કારણે મારે ઘરે જ બેસી રહેવું પડ્યું હતું."
ત્રણ મહિના પ્રેમા બીમાર રહ્યાં અને તેના કારણે માથે ઉધારી વધવા લાગી અને ઘરનું કબાટ ખાલી થવા લાગ્યું.
તેઓ કહે છે, "મારા સાત વર્ષના બાળક કલિયપન્ને શાળાએથી ઘરે આવીને ખાવાનું માગ્યું અને તે પછી તે ભૂખને લીધે રડવા લાગ્યો હતો."
પ્રેમા પાસે હવે મિલકત, ઘરેણાં, વાસણો જેવું કશું જ નહોતું બચ્યું, જેને વેચીને કશુંક મેળવી શકે.
"મારી પાસે 10 રૂપિયા પણ નહોતા. ઘરમાં માત્ર પ્લાસ્ટિકની બાલદીઓ પડી હતી."
તે વખતે તેમને થયું કે પોતાની પાસે એક વસ્તુ હજી છે, જેને વેચી શકાય છે.
પ્રેમાએ કહ્યું, "મને એ દુકાન યાદ હતી, જ્યાં વાળ વેચાતા લેવામાં આવતા હતા."
પ્રેમાએ પોતાના વાળ સામે જોયું અને વિચાર્યું કે તેને વેચી નાખવા.
આજે દુનિયાભરમાં સૌથી વધુ મનુષ્યના વાળ ભારતમાંથી પહોંચાડવામાં આવે છે. ઘણા ભક્તો મંદિરોમાં વાળ ઉતારાવાની બાધા રાખતા હોય છે, તેથી વાળનો પુરવઠો સતત મળતો રહે છે.
પ્રેમાએ કહ્યું, "મેં દુકાને જઈને મારા વાળ 150 રૂપિયામાં વેચી નાખ્યા."
150 રૂપિયા બહુ મોટી રકમ નહીં લાગે, કેમ કે શહેરમાં એક ભાણું દોઢસો રૂપિયામાં મળતું હોય છે. પરંતુ ગામડાંમાં 150 રૂપિયામાં થોડી વધારે વસ્તુઓ ખરીદી શકાય છે.
તેઓ કહે છે, "મારાં ત્રણ બાળકો માટે તૈયાર ભાત 20-20 રૂપિયામાં લીધા."
જોકે 150 રૂપિયામાં બે-પાંચ દિવસની જ રાહત મળી હતી. તે પછી પ્રેમાએ વધારે આકરો નિર્ણય કરવો પડે તેમ હતો.

મજબૂરી

ઇમેજ સ્રોત, Getty Images
પ્રેમા એક દુકાને પહોંચ્યાં અને કોઈક એવી વસ્તુ ખરીદવાની કોશિશ કરી જેનાથી પોતાનો જ જીવ લઈ શકે. જોકે દુકાનદારે તેને વિચિત્ર હાલતમાં જોઈને કોઈ પણ વસ્તુ આપવાથી ઇનકાર કરી દીધો.
ઘરે પહોંચીને પ્રેમાને આપઘાત કરવાનો વિચાર આવવા લાગ્યો. જોકે તે જ વખતે પડોશમાં રહેતાં તેમનાં બહેન ઘરે આવ્યાં અને તેના કારણે આત્મહત્યા કરવાનો વિચાર જતો રહ્યો.
તેના થોડા દિવસ પછી જે મદદની પ્રેમા રાહ જોઈને બેઠાં હતાં તે અચાનક જ આવી પડી.
ઈંટોના એક ભઠ્ઠાના માલિક પાસેથી પ્રેમાની કથળેલી હાલત વિશેની જાણ બાલા મુરુગનને થઈ હતી.
પોતાના મિત્ર પાસેથી આ કરુણ સ્થિતિ વિશે સાંભળીને તેમને બહુ લાગી આવ્યું. તેમને પોતાના કુટુંબની કટોકટીભરી સ્થિતિ યાદ આવી ગઈ.

એક જ દિવસમાં મને 1,20,000 રૂપિયા

બાલા જાણતા હતા કે ભૂખમરાની સ્થિતિમાં પરિવારની હાલત કેવી હોય છે.
તેઓ 10 વર્ષના હતા ત્યારે તેમને ઘરમાંય એક દિવસ ખાવાનું ખૂટી પડ્યું હતું. તેમનાં માતાએ ત્યારે ઘરમાં પડેલી ચોપડીઓ અને છાપા પસ્તીમાં આપીને ચોખા મેળવ્યા હતા.
તે પછી અત્યંત હતાશ થઈ ગયેલાં બાલાનાં માતાએ પોતાનો તથા બાળકોનો જીવ લઈ લેવાનું નક્કી કરી નાખ્યું હતું.
ઘરના લોકો તેમને ડૉક્ટર પાસે લઈ ગયા ત્યારે માંડ-માંડ તેમનો જીવ બચ્યો હતો.
બચપણની કપરી સ્થિતિમાંથી બાલા હવે બહાર આવી ગયા છે. વર્ષો સુધી આકરી મહેનત કર્યા પછી તેઓ ગરીબીમાંથી બહાર નીકળી શક્યા હતા. તેઓ હવે કૉમ્પ્યૂટર ગ્રાફિક્સ સેન્ટર ચલાવે છે.
તેઓ પોતાનું નસીબ પલટાયું તેનો બદલો વાળવા માગતા હતા.
બાલાએ પોતાની વીતકકથા પ્રેમાને જણાવી અને કહ્યું કે ક્યારેય આશા છોડવી નહીં અને હિંમત રાખવી.
પોતાના મિત્ર પ્રભુ સાથે મળીને તેમણે પ્રેમાને થોડા રૂપિયા આપ્યા, જેથી અનાજ ખરીદી શકાય. ત્યાર બાદ આ પરિવાર વિશે બાલાએ સોશિયલ મીડિયામાં લખ્યું હતું.
બાલાએ બીબીસીને જણાવ્યું, "એક જ દિવસમાં મને 1,20,000 રૂપિયા મળી ગયા. આ સાંભળીને પ્રેમા બહુ ખુશ થઈ ગયાં હતાં અને તેમણે કહ્યું કે આમાંથી તો ઘણું બધું દેવું ઓછું થઈ શકશે."
એ પછી પ્રેમાએ વિનંતી કરી અને તે રીતે વધુ ફાળો એકત્ર કરવાનું બંધ કરવામાં આવ્યું.
બાલા કહે છે, "પ્રેમાએ કહ્યું કે પોતે ફરી કામે ચડશે અને બાકીનું દેવું જાતે ભરશે."
હવે પ્રેમાએ દર મહિને જુદા-જુદા લેણદારોને 700 રૂપિયા ચૂકવવાના થાય છે. બીજી બાજુ જિલ્લા અધિકારીઓને જાણ થતાં તેમણે દૂધની એજન્સી તેમને આપવાની ઑફર કરી હતી.

ધીમે-ધીમે પગભર થયાં પ્રેમા

પ્રેમા ધીમે-ધીમે પોતાના પગ પર ઊભા થઈ ગયાં પણ હજીય તેમની આર્થિક સ્થિતિ કંઈ બહુ સારી થઈ નથી.
ભારતનો આર્થિક વિકાસ થયો હોવા છતાં પ્રેમા જેવા લાખો લોકો છે, જેમના માટે કુટુંબનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હોય છે.
વિશ્વ બૅન્કના જણાવ્યા અનુસાર કપરી ગરીબીમાં જીવતા લોકોની સંખ્યાની બાબતમાં ભારત બીજા સ્થાને છે. રોજના 1.90 ડૉલરથી પણ ઓછું કમાતા હોય તેમને કપરી ગરીબીની શ્રેણીમાં મૂકવામાં આવે છે.
પ્રેમા બીજી રીતે પણ મુશ્કેલ સ્થિતિમાં છે : લાખો ભારતીયોની જેમ તેઓ પણ લખી-વાંચી શકે તેમ નથી.
તેના કારણે પોતાના જેવા ગરીબ લોકો માટે ચાલતી સરકારી યોજનાઓની પણ જાણ હોતી નથી. દેશની બૅન્કોની વ્યવસ્થા એટલી સંકુલ અને મુશ્કેલ હોય છે કે પ્રેમા જેવા ગરીબ લોકો તેનો લાભ લઈ શકતાં નથી.
તેના કારણે પ્રેમા અને તેમના પતિની જેમ લોકોએ ઊંચા વ્યાજે રકમ લેવી પડતી હોય છે. તેના કારણે આવા પરિવારો દેવાના ચક્કરમાં ફસાઈ જાય છે.
જોકે તેમના સમુદાયની ઉદારતાને કારણે તેઓ ગરીબીના ચક્કરમાંથી બહાર આવી શક્યાં છે. બાલા મુરુગને તેમના પરિવારને મદદ કરતા રહેવાની ખાતરી આપી છે.
પ્રેમા કહે છે, "મને હવે ભાન થાય છે કે આત્મહત્યાનો વિચાર ખોટો હતો. મારામાં બાકી રહેલું દેવું પણ ચૂકતે કરી દેવાનો આત્મવિશ્વાસ છે."
તમે હતાશ હો અને મદદની જરૂર હોય તો કોનો સંપર્ક કરી શકાય છે તે માટેની માહિતી તમને બીબીસી ઍક્શન લાઈન પરથી મળી શકશે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












