ટ્રમ્પને આવી અભેદ્ય સુરક્ષા પૂરી પાડશે ગુજરાત પોલીસ

ઇમેજ સ્રોત, Getty Images
24 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં પત્ની સાથે અમદાવાદની મુલાકાતે આવવાના છે.
24-25 ફેબ્રુઆરીની ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન કેટલીક ડીલ પર હસ્તાક્ષર પણ થશે. ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ ઉપરાંત દિલ્હીની મુલાકાત પણ લેવાના છે.
ટ્રમ્પની મુલાકાતને લઈને હાલ અમદાવાદ શહેરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ઉપરાંત તેમની સિક્યૉરિટીને લઈને પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવાઈ માર્ગે અમદાવાદ ઍરપૉર્ટ પર આવશે. જે બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ ઍરપૉર્ટથી 22 કિલોમિટર લાંબો રોડ શો યોજશે.
જે બાદ ટ્રમ્પ અમદાવાદમાં બની રહેલા મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે અને આશરે 1 લાખ જેટલી મેદનીની હાજરીમાં કાર્યક્રમ યોજાશે.
આ બધાની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષાનો મુદ્દો હાલ ચર્ચામાં છે. ટ્રમ્પની સિક્યૉરિટી કેવી રીતે કરવામાં આવશે, તેની જાણકારી અમદાવાદ પોલીસે આપી હતી.

10,000 પોલીસકર્મીઓ હશે ખડેપગે

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત પોલીસ અને અન્ય સુરક્ષાદળોના જવાનો દ્વારા અમદાવાદના આ સુપર-સ્પેશિયલ મહેમાનોની સુરક્ષા માટેની જોરદાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
DCP વિજય પટેલ, કંટ્રોલર અમદાવાદ શહેર દ્વારા અપાયેલી પ્રાથમિક માહિતી અનુસાર ટ્રમ્પની મુલાકાત દરમિયાન 25 IPS અધિકારીઓ, 65 ACP કક્ષાના અધિકારીઓ, 200 પોલીસ ઇન્સ્પેક્ટર, 800 પોલીસ સબઇન્સ્પેક્ટર અને 10,000 જેટલા પોલીસકર્મચારીઓ સુરક્ષાવ્યસ્થા માટે ખડેપગે રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિજય પટેલના કહેવા પ્રમાણે ઍરપૉર્ટ, રોડ શો, ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમ માટે પાંચ મોટી સુરક્ષા ટુકડીઓ બનાવવામાં આવી છે.
સાથે જ NSGના સુરક્ષાકર્મચારીઓ અને NSGના ઍન્ટિ-સ્નાઇપરની એક ખાસ ટુકડી ગુજરાત પોલીસની સુરક્ષાને વધુ મજબૂતી બક્ષશે.
આ ઉપરાંત બૉમ્બ ડિટેક્શન અને ડિસ્પૉઝલની 10 ટીમો પણ ખડેપગે હશે. સાથે બે ડૉગ-સ્કવૉડ પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે.
જે રસ્તા પરથી ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીનો કાફલો પસાર થશે તેની આસપાસનાં તમામ મકાનોમાં રહેતા ભાડુઆતોનું ચેકિંગ હાથ ધરવા માટે પિનાક સોફ્ટવૅરની મદદ લેવાઈ હતી.
ઉપરાંત શહેરની હોટલોને તેમના ત્યાં આવનારા ગેસ્ટની માહિતી પોલીસને આપવાની સૂચના આપી દેવામાં આવી છે.

CCTV કૅમેરા દ્વારા રખાશે નજર

ઇમેજ સ્રોત, Getty Images
રોડ શોના રસ્તા પર શંકાસ્પદ મામલાઓમાં ધ્યાન રાખવા માટે સીસીટીવી કૅમેરા લગાવવામાં આવશે અને તેના દ્વારા રોડ શો પર નજર રાખવામાં આવશે. સાથે જ મોટેરા સ્ટેડિયમમાં પણ સીસીટીવી કૅમેરાની મદદ લેવામાં આવશે.
સમગ્ર ઇવેન્ટ પર નજર રાખવા માટે સ્પેશિયલ વાયરલેસ ફ્રિક્વન્સીનો ઉપયોગ કરવામાં આવશે.
સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટાળવા માટે પોલીસ દ્વારા કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે શખ્સની માહિતી તાત્કાલિક ધોરણે પોલીસને આપવાની અપીલ કરાઈ છે.
આ ઉપરાંત મોટેરા સ્ટેડિયમની પાસે ઍન્ટિ-ડ્રૉન ટીમ પણ હાજર રહેશે. એ શંકાસ્પદ ફ્લાઇંગ ઑબ્જેક્ટને તાત્કાલિક ધોરણે નીચે પાડવા માટે સક્ષમ હશે.

મોટેરા સ્ટેડિયમમાં કેવી હશે સુરક્ષાવ્યવસ્થા?

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પ અને મોદી મોટેરા સ્ટેડિયમમાં એક લાખ જેટલા લોકોની હાજરીમાં કાર્યક્રમ કરશે. જેના માટે પણ અલગથી સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ટ્રમ્પની સુરક્ષામાં અમેરિકાની સિક્રેટ સર્વિસ પણ સામેલ હશે અને તેના જવાનો સતત ડોનાલ્ડ ટ્રમ્પની સાથે હશે.
આ ઉપરાંત આટલા લોકો પર નજર રાખવા માટે સ્ટેડિયમમાં આશરે 200 જેટલા સીસીટીવી કૅમેરાની મદદ લેવામાં આવશે.
મોટેરા સ્ટેડિયમમાં જવા માટે 120 જેટલા ઍન્ટ્રી પૉઇન્ટ સેટઅપ કરવામાં આવશે. જેમાં ડોરફ્રેમ્ડ મૅટલ ડિટેક્ટર લગાવવામાં આવશે. ઉપરાંત હૅન્ડહેલ્ડ મૅટલ ડિટેક્ટરનો પણ ઉપયોગ કરવામાં આવશે.
મોટેરા સ્ટેડિયમનો કાર્યક્રમ અમેરિકામાં યોજાયેલા 'હાઉડી મોદી' કાર્યક્રમ જેવો જ ભવ્ય હશે.
આ કાર્યક્રમમાં આવનારા લોકોને કાર્યક્રમના સમય પહેલાં અઢીથી ત્રણ કલાક પહેલાં જ સ્ટેડિયમમાં ઍન્ટ્રી લઈ લેવાની રહેશે.

રોડ શો ક્યાંથી ક્યાં સુધી?

ઇમેજ સ્રોત, Getty Images
આ સિવાય આ ટ્રમ્પની અમદાવાદની મુલાકાતના પ્રસંગના સાક્ષી બનવા આવનારા નાગરિકોની સુવિધા માટે 28 પાર્કિંગ સ્પોટ નક્કી કરાયા છે.
નોંધનીય છે કે પાર્કિંગ માટે જિલ્લાદીઠ અલગ-અલગ કોડ પણ આપવામાં આવ્યા છે.
આ પ્રસંગ નિમિત્તે ગુજરાતના અન્ય જિલ્લામાંથી આવનાર પ્રવાસીઓનું પણ પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું છે.
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની ટ્રમ્પની શહેરની આ મુલાકાતનો રૂટ પણ જારી કરી દેવાયો છે.
ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની મુલાકાતનો રોડમૅપ કંઈક આ પ્રમાણે હશે.
સૌપ્રથમ ટ્રમ્પ અને મોદીનો કાફલો ઍરપૉર્ટ પરથી ઊપડી ડફનાળાના રસ્તે ગાંધી આશ્રમ પહોંચશે.
ત્યાંથી સુભાષ બ્રિજથી રિવરફ્રન્ટ થઈને ઍરપૉર્ટ સર્કલથી ઇંદિરા બ્રિજ સુધી પહોંચ્યા બાદ ત્યાંથી કોટેશ્વર થઈને મોટેરા સ્ટેડિયમ પહોંચશે.
આ સમગ્ર રૂટ પર સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી જોવા મળશે.
રોડ શોના અંતે મોટેરા સ્ટેડિયમ ખાતે હ્યુસટનમાં યોજાયેલ 'હાઉડી મોદી' જેવો જ ભવ્ય કાર્યક્રમ યોજાશે તેવું કહેવાઈ રહ્યું છે.
આ દરમિયાન સ્ટેડિયમની સુરક્ષા માટે પણ સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવાશે.
તેમજ આ કાર્યક્રમ દરમિયાન આમ જનતાને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તેનું ધ્યાન રાખવામાં આવશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













