You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શાહીનબાગ મુદ્દે સુપ્રીમનો સવાલ, 'તમે જાહેરમાર્ગને કઈ રીતે બ્લૉક કરી શકો?'
સર્વોચ્ચ અદાલતે નાગરિક્તા સંશોધન કાયદા (સી.એ.એ.) વિરુદ્ધ નવી દિલ્હીના શાહીનબાગ ખાતેના વિરોધપ્રદર્શનને હઠાવવા અંગે કોઈ વચગાળાનો આદેશ આપવાનો જસ્ટિસ કિશન કૌલ તથા જસ્ટિસ એમ. જોસેફની બેન્ચે ઇન્કાર કર્યો છે.
પ્રદર્શનકારીઓને હઠાવવા સંદર્ભે ડૉ. નંદ કિશોર ગર્ગ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુનાવણી કરતી વેળાએ કોર્ટે કહ્યું હતું કે વિરોધપ્રદર્શનથી અન્યોને મુશ્કેલી ન પડવી જોઈએ.
અરજદારે દાદ માગી હતી કે અદાલત દ્વારા કેન્દ્ર સરકાર તથા સંબંધિત સંસ્થાઓને આદેશ આપે, જેથી કરીને શાહીનબાગના રસ્તા ઉપરથી અવરજવર શરૂ થઈ શકે.
આ સિવાય સાર્વજનિક સ્થળો ઉપર કોઈ અડચણ ઊભી ન થાય એ રીતે ધરણાપ્રદર્શન યોજવા માર્ગદર્શિકા ઘડવા માટેની પણ માગ કરી હતી.
સુનાવણી દરમિયાન જસ્ટિસ કૌલે અવલોક્યું હતું કે 'તમે જાહેરમાર્ગને કઈ રીતે બ્લૉક કરી શકો?'
બેન્ચે દિલ્હી સરકાર તથા દિલ્હી પોલીસને નોટિસ કાઢી છે અને તા. 17મી ફેબ્રુઆરી ઉપર સુનાવણી મોકૂફ કરી છે.
ઉલ્લેખનીય છે કે તા. 15મી ડિસેમ્બરથી શાહીનબાગ ખાતે મહિલાઓનું વિરોધપ્રદર્શન સતત ચાલુ છે. આથી, કાલિંદી કુંજ પાસે દિલ્હી અને નોઈડાને જોડતો રસ્તો બંધ છે.
ધરાણા ઉપર મોટાભાગે મહિલાઓ બેઠી છે, તેમનું કહેવું છે કે આ કાયદો મુસ્લિમ-વિરોધી છે અને જ્યાર સુધી સરકાર આ કાયદો પાછો નહીં ખેંચે, ત્યારસુધી તેમના દેખાવ ચાલુ રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત-બાંગ્લાદેશના ખેલાડી બાખડ્યા
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દક્ષિણ આફ્રિકામાં રવિવારે રમાયેલા અન્ડર 19 વર્લ્ડ કપ ફાઇનલ બાદ મેદાનમાં વિચિત્ર માહોલ જોવા મળ્યો.
બાંગ્લાદેશે વિજયી રન બનાવીને જેવો જ ખિતાબ પોતાના નામે કર્યો, બન્ને ટીમોના કેટલાક ખેલાડીઓ વચ્ચે વિવાદ થઈ ગયો અને મૅચ પૂર્ણ થયા બાદ થોડા સમય માટે પરિસ્થિતિ તણાવપૂર્ણ રહી હતી.
બાંગ્લાદેશના ખેલાડીઓ વિજયની ઉજવણી કરતી વેળાએ મેદાન પર દોડી આવ્યા હતા અને તેઓ ભારે આક્રમક હાવભાવ દર્શાવી રહ્યા હતા.
ભારતના એક ખેલાડી બાંગ્લાદેશના એ ખેલાડીને સાથે માથાકૂટ કરતા પણ જોવા મળ્યા જે કથિત રીતે કંઈક અપશબ્દ બોલી રહ્યા હતા.
અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે ઘટનાક્રમની શરૂઆત માટે કોણ જવાબદાર છે. જોકે, સોશિયલ મીડિયા પર આ ઘટનાની ચર્ચા થઈ રહી છે.
ભારત પર કોરોનાનું જોખમ કેટલું?
જર્મનીના સંશોધનકારોએ ગણિત આધારિત મૉડલ તૈયાર કર્યું છે, જેના આધારે કયા દેશમાં કોરોના વાઇરસ ફેલાવાનવી શક્યતા કેટલી છે.
જર્મનીની રૉબર્ટ કૉચ ઇન્સ્ટિટ્યૂટ તથા હમબૉલ્ટ યુનિવર્સિટીના સંશોધકોનું તારણ છે કે કોરોના વાઇરસની ઝપેટમાં આવવાની શક્યતાની દૃષ્ટિએ ભારત 17મા ક્રમે છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં કોરોના વાઇરસના ત્રણ કેસ ભારતમાં નોંધાયા છે અને આ ત્રણેય કેસ કેરળમાં નોંધાયા છે.
બીજી બાજુ, ચીનમાં કોરોના વાઇરસને કારણે 910થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે, વિશ્વભરમાં 40 હજારથી વધુ લોકોને તેની અસર પહોંચી છે, જેમાંથી મોટાભાગના ચીનમાં છે.
ઈરાને મિસાઇલોનું પ્રદર્શન કર્યું
રવિવારે ઈરાને તેની નવનિર્મિત બૅલેસ્ટિક મિસાઇલોનું શક્તિપ્રદર્શન કર્યું, ત્યારબાદ પોતાનો સ્વદેશી ઉપગ્રહ લૉન્ચ કર્યો.
જોકે, આ ઉપગ્રહ ભ્રમણકક્ષામાં સ્થાપિત થઈ શક્યો ન હતો.
સ્થાનિક સમય મુજબ, સાંજે સવા સાત વાગ્યે ઇમામ ખોમનેઈ સ્પેસપૉર્ટ ખાતેથી ઝફર-1 નામનો સંચાર ઉપગ્રહ લૉન્ચ કરવામાં આવ્યો હતો.
જોકે, તેનું વહન કરનાર સિમોર્ગ રૉકેટની ઝડપ ઓછી હોવાને કારણે તે ભ્રમણકક્ષામાં સ્થાપિત થઈ શક્યો ન હતો.
આ પહેલાં ઈરાનના રેવોલ્યૂશનરી ગાર્ડ્સ દ્વારા મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું. આ મિસાઇલમાં એવું એન્જિન બેસાડવામાં આવ્યા છે, જે ઉપગ્રહનું વહન કરી શકવા સક્ષમ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો