જન્મ 2018માં અમદાવાદમાં, પણ દાખલામાં લખાયું છે પાકિસ્તાન

બાળકનું સરનામું

ઇમેજ સ્રોત, AMC

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દેશમાં નાગરિકતા સંશોધન કાયદો, એનઆરસી અને એનપીઆર પર મતભેદ અને વિરોધ-તરફેણનું વાતાવરણ જોવા મળે છે ત્યારે ગુજરાતમાં 2018માં જન્મેલા એક બાળકના પ્રમાણપત્રમાં સરનામું પાકિસ્તાન દર્શાવાયું હોવાની ઘટના બની છે.

રાજસ્થાનથી અમદાવાદ મજૂરી કરવા આવેલા એક પરિવારનો દીકરો અમદાવાદમાં જન્મતાંની સાથે જ પાકિસ્તાની થઈ ગયો હતો, પરંતુ કોઈને ખબર ન હતી.

જ્યારે આ અભણ પરિવારને ખબર પડી કે, એમના દીકરા મોહમ્મદ ઉજૈરના જન્મના દાખલાના સરનામામાં પાકિસ્તાન લખાયું છે ત્યારે એમન પગ તળેથી જમીન સરકી ગઈ.

પરિવારે જન્મનો દાખલો સુધારવા માટે કવાયત શરૂ કરી હતી. જોકે, પરંતુ હજી પરિવાર કચેરીના ચક્કર કાપે છે.

આ મામલો પ્રકાશમાં આવતા અમદાવાદનાં મેયરે તાત્કાલિક તપાસ શરૂ કરી આવા બેજવાબદાર અધિકારી સામે ખાતાકીય કાર્યવાહી કરવાની ખાતરી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આપી છે.

News image
line

શું છે સમગ્ર ઘટના?

રિવરફ્રન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ નિર્માણ વખતે નદીકિનારે વસવાટ કરનારા ઝૂંપડપટ્ટીવાસીનું વિસ્થાપન થયું. આ અંગે અદાલતમાં કેસ થયો અને સરકારે તેમનું પુનર્વસન કર્યું.

સરકારે વટવામાં ચારમાળિયાં મકાનો બનાવ્યાં અને ઝૂપડપટ્ટીના લોકોને ફાળવવામાં આવ્યાં.

2015ના અંતમાં રાજસ્થાનથી અહીં મજૂરી કરવા માટે આવેલો અરબાઝ ખાન અને મહેકબાનુનો પરિવાર આ મકાનો પૈકી એકમાં ભાડે રહેતો હતો અને છૂટક મજૂરી કરતો હતો.

મહેકબાનુએ 1 ઑક્ટોબર, 2018ને દિવસે અમદાવાદની વી.એસ. હૉસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો.

line
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા અપાયેલા દાખલાની વેબસાઇટ પર વિગત

ઇમેજ સ્રોત, AMC Website

ઇમેજ કૅપ્શન, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા અપાયેલા દાખલાની વેબસાઇટ પર વિગત

પરિવારે દીકરાનું નામ મોહમ્મદ ઉજૈર ખાન રાખ્યું હતું.

વટવા રેલવે ક્રૉસિંગ પાસે આવેલાં 4 માળિયાં મકાનમાં 22 નંબરના બ્લૉકમાં રહેતાં અરબાઝ ખાન અને મહેકબાનુએ પુત્રના જન્મ પછી મીઠાઈ પણ વહેંચી અને રાજસ્થાન પણ જઈ આવ્યાં.

આ દરમિયાન આયુષ્યમાન યોજના અને બીપીએલ કાર્ડમાં દીકરાનું નામ નોંધાવવા માટે જ્યારે એના પિતા અરબાઝ ખાન પઠાણ જરૂરી પુરાવા લઈને સરકારી કચેરીમાં ગયા ત્યારે એમને ખબર પડી કે, એમના દીકરાના જન્મપ્રમાણપત્રમાં 'પાકિસ્તાન રેલવે ક્રૉસિંગ વટવા અમદાવાદ' એવું લખેલું છે.

આ ભયાનક ગરબડ જોઈને એમણે સુધારો કરવા માટે મ્યુનિસિપલ કાઉન્સિલરનો સંપર્ક સાધ્યો.

બાળકનાં માતા મહેકબાનુએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમે અભણ છીએ. મોહમ્મદનો જન્મ થયો ત્યારે મારાં ભાભીએ મને કહ્યું કે જન્મનો દાખલો કઢાવી લેવો જોઈએ, જેથી એને ભણાવવામાં કામ લાગે."

"મેં આ દાખલો કઢાવવાનું કામ ભાભીને સોંપ્યું હતું અને જન્મનો આ દાખલો કઢાવીને અમે મૂકી રાખ્યો હતો. એનો શું ઉપયોગ હોય એની અમને ખબર ન હતી."

"જ્યારે સરકારી યોજના માટે અલગ કાર્ડ કઢાવવાનું હતું ત્યારે મારા પતિને ખબર પડી કે જન્મના દાખલામાં પાકિસ્તાન લખેલું છે. અમે અનેક ધક્કા ખાધા પણ કોઈ ફેર ન પડ્યો. પછી અમે અમારા વિસ્તારના મ્યુનિસિપલ કૉર્પોરેટરનો સહારો લીધો."

line

દાખલામાં પાકિસ્તાન આવ્યું કેવી રીતે?

બદરુદ્દીન શેખ

ઇમેજ સ્રોત, Facebook/Badruddin shaikh

ઇમેજ કૅપ્શન, બદરુદ્દીન શેખ

આ ઘટના વિશે વાત કરતાં અમદાવાદના દાણીલીમડાના મ્યુનિસિપલ કાઉન્સિલર બદરુદ્દીન શેખે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ પરિવાર જ્યારે મારી પાસે આવ્યો ત્યારે હું ખુદ પણ ચોંકી ગયો."

"જન્મના દાખલામાં વટવા રેલવે ક્રૉસિંગ પાકિસ્તાન ચાર માળિયા લખેલું હતું. અમદાવાદનું વટવા પાકિસ્તાનમાં કેવી રીતે આવ્યું તે પણ એક સવાલ છે."

"આ અંગે મ્યુનિસપલ કૉર્પોરેશનના અધિકારીઓને વાત કરી તો એમણે આ ઘટનાનો સ્વીકાર કરવાનો જ ઇન્કાર કર્યો."

તેઓ કહે છે કે "વટવાની રેલવે ક્રૉસિંગ પાસે ચાર માળનાં મકાનો બનાવવામાં આવ્યાં છે તેમાં સાબરમતી નદીકિનારાની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને વસાવવામાં આવ્યા છે. આમાં મુસ્લિમોને અલગ બ્લૉકમાં રખાયા છે અને તેની સામે હિંદુઓને અલગ જગ્યાએ રાખવામાં આવ્યા છે."

"જે સરકારી ચાર માળના મકાનમાં માત્ર મુસ્લિમો રહે છે તેને 'વટવા પાકિસ્તાન' કહે છે અને 30 મિટર દૂર આ ચાર માળનાં મકાનોમાં સાબરમતી કિનારાના ઝૂંપડપટ્ટીના હિંદુઓ રહે છે તેને 'હિન્દુસ્તાન' કહે છે."

શેખે એવો પણ આરોપ મૂક્યો કે, "આ માનસિકતા હવે માત્ર રાજકારણી જ નહીં પણ સરકારી અધિકારીઓમાં પણ આવી ગઈ છે એટલે જન્મના દાખલામાં વટવા પાકિસ્તાન લખ્યું છે. જે અત્યંત દુઃખદ છે અને સત્તાધારી પક્ષની માનસિકતા છતી કરે છે."

તેમણે એમ પણ કહ્યું કે "આ પ્રકારે કેટલાં બાળકોનાં જન્મના દાખલામાં વટવા પાકિસ્તાન લખાયું છે તેની તપાસ કરી તેને તાત્કાલિક સુધારવા માટે અને કૉર્પોરેશનમાં માગણી કરીશું. જો તાત્કાલિક સુધારો નહીં થાય તો ઉગ્ર આંદોલન પણ કરીશું."

line

ભૂલ કોની?

અમદાવાદનાં મેયર બીજલ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમદાવાદનાં મેયર બીજલ પટેલ

આ ઘટના અંગે અમદાવાદનાં મેયર બીજલ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "એ બાળકના જન્મના દાખલામાં વટવા પાકિસ્તાન લખાયું છે એ વાત સાચી છે અને સરકારી કર્મચારીની આ ગંભીર બેદરકારી છે."

"પાકિસ્તાન નામ પડતાં જ કર્મચારીએ તાત્કાલિક કાર્યવાહી કરવી પડે, પરંતુ વી.એસ.માં જન્મેલા આ બાળકનાં માતાપિતા અભણ છે."

"એમનાં ભાભીએ આ જન્મપત્રકમાં દાખલાની વિગતો લખાવી છે. જેની નીચે એમણે અંગ્રેજીમાં સહી કરી છે એટલે કે જન્મની વિગત આપનાર ભણેલી વ્યક્તિ છે. આમ છતાં સોમવારે આ અંગેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે."

બિજલ પટેલનું કહેવું છે કે "જે સરકારી કર્મચારીએ આ જન્મનો દાખલો કાઢ્યો હશે અને એમાં પાકિસ્તાન રેલવે ક્રૉસિંગ વટવા લખ્યું હશે તેની સામે કડક ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે."

એમણે કહ્યું, "તમામ રેકર્ડને પુનઃ ચકાસવા માટે જન્મમરણ વિભાગને આદેશ આપવામાં આવ્યો છે."

એમણે એમ પણ કહ્યું કે "ભલે આ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પણ તમામનું ચેકિંગ કરીને આ ભૂલ કરનાર કર્મચારી સામે કડક પગલાં લેવાશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો