Under 19 World Cup Final : અજેય રહેલી ટીમ ઇન્ડિયા માટે ફાઇનલ મૅચ કેટલી મુશ્કેલ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, બીબીસી ગુજરાતી માટે
પ્રિયમ ગર્ગની આગેવાની હેઠળ ભારતની અંડર-19 ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકામાં આઈસીસી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં રમી રહી છે અને આજે ફાઇનલ મુકાબલો બાંગ્લાદેશ સામે છે.
વિરાટ કોહલીની ભારતીય ક્રિકેટ ટીમનું અત્યારે રમત પર વર્ચસ્વ છે. ન્યૂઝીલૅન્ડના પ્રવાસમાં એકાદ સેટબેકને બાદ કરતાં ભારતનું ફૉર્મ અત્યારે તેની ચરમસીમાએ છે.
છેલ્લા કેટલાક સમયમાં ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ કે અન્ય તમામ હરીફોને ભારતે આસાનીથી માત કર્યા છે અને આ સિલસિલો ભારતની જુનિયર ટીમ પણ જાળવીને આગળ ધપી રહી છે.
એક તરફ સિનિયર ટીમ તેનો જલવો દેખાડી રહી છે તો બાપ કરતાં બેટા સવાયા હોય તે ઉક્તિ યથાર્થ ઠેરવીને જુનિયર ટીમ એવી જ કમાલ કરી રહી છે.
માત્ર આ વખતે જ નહીં પરંતુ અંડર-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતીય જુનિયર ટીમનું પ્રદર્શન કમાલ ધમાકેદાર રહ્યું છે.
ભારત અંડર-19માં વર્લ્ડ ચૅમ્પિયન છે અને રવિવારે (9 ફેબ્રુઆરી) બાંગ્લાદેશ સામેની અંડર-19માં વર્લ્ડ કપની ફાઇનલ મૅચ જીતવા માટે પણ તે ફેવરિટ છે.

આખી ટુર્નામેન્ટમાં અજેય

ઇમેજ સ્રોત, Getty Images
ભારતને ફેવરિટ માનવામાં આવે છે તેની પાછળ એક કરતાં વધારે કારણો છે. પહેલું તો આ ટુર્નામેન્ટમાં તે એકમાત્ર એવી ટીમ છે જે અજેય છે એટલે કે એકેય મૅચ હારી નથી.
પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલ સુધી અપરાજિત રહી હતી, પરંતુ ભારત સામે તેનો કારમો પરાજય થયો. આમ ભારતને હજી સુધી કોઈ હરાવી શક્યું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજું કારણ એ છે કે ભારતના મોટા ભાગના ખેલાડીઓ ફૉર્મમાં છે.
ભારત પાસે યશસ્વી જયસ્વાલ જેવા બૅટ્સમૅન છે જેમની પાસેથી ટીમ ઘણી અપેક્ષા રાખી શકે છે અને તેમણે પણ એવી ખાતરી કરાવી છે કે ટીમને તકલીફ પડે નહીં.
આ ઉપરાંત ટીમની બૉલિંગ અત્યંત મજબૂત છે. આ ઉપરાંત ભારતીય ટીમ વર્લ્ડ કપ રમતાં અગાઉ દક્ષિણ આફ્રિકામાં જ એક સિરીઝ રમી હતી.
ભારતીય ક્રિકેટ બોર્ડની અગમચેતી કહો કે સર્વશ્રેષ્ઠ પ્લાનિંગ કહો, પરંતુ 19 વર્ષથી નાનાં છોકરડાંઓને સીધા વર્લ્ડ કપમાં ઉતારતાં અગાઉ એ જ મેદાનો પર એક સિરીઝ ગોઠવી દીધી હતી.
એ સિરીઝ રમીને તેઓ ત્યાંના હવામાન અને પીચોથી વાકેફ થઈ ગયા અને પછી ત્યાં જ વર્લ્ડ કપ જેવી મહત્ત્વની ટુર્નામેન્ટમાં રમવા માટે સાબદા થઈ ગયા.
આ ત્રણ કારણસર જ ભારત અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અસામાન્ય દેખાવ કરી શક્યું છે.

ફાઇનલ સુધીની સફર

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, એવું પણ નથી કે આ વર્લ્ડ કપમાં ભારતની ફાઇનલ સુધીની સફર સરળ રહી છે.
એક માત્ર જાપાનની ટીમને બાદ કરતાં ભારતના બાકીના તમામ હરીફ નિયમિત ક્રિકેટ રમનારા દેશો હતા.
19મી જાન્યુઆરીએ ભારતે પહેલી જ મૅચમાં શ્રીલંકાને 90 રનથી હરાવીને ટુર્નામેન્ટનો સફળ પ્રારંભ કર્યો.
ભારતે આ ટુર્નામેન્ટમાં બે મૅચ દસ વિકેટથી જીતી.
જાપાન જેવી સાવ નવી અને ક્રિકેટમાં ધીમેધીમે આગળ ધપી રહેલી ટીમ સામે 10 વિકેટે જીતવું અપેક્ષિત હતું, પરંતુ કટ્ટર હરીફ પાકિસ્તાનને પણ 10 વિકેટે હરાવવું ક્યારેય કોઈ ટીમ માટે આસાન ન કહેવાય.
સિનિયર ટીમ હોય કે જુનિયર પાકિસ્તાન હંમેશાં લડાયક ખેલાડીઓની ટીમ ગણાય છે.
ભૂતકાળમાં પાકિસ્તાનના જુવાનિયાઓ ભારતને હરાવી ચૂક્યા હોવાના દાખલા છે, પરંતુ આ વખતે તો તેઓ જરાય લડત આપી શક્યા નહીં અને ભારતે ટુર્નામેન્ટમાં બીજી વાર 10 વિકેટે મૅચ જીતી.
પાકિસ્તાનને હરાવીને તો તેણે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
સેમિફાઇનલમાં પાકિસ્તાને આપેલો 173 રનનો ટાર્ગેટ સાવ નાનો ન હતો અને પાકિસ્તાનનું બૉલિંગ આક્રમણ તેને ડિફેન્ડ કરી શકે એમ હતું, પરંતુ યશસ્વી જયસ્વાલ અને દિવ્યાંશ સક્સેનાએ જરાય કોઈ તક જ ન આપી. જયસ્વાલે તો સદી પણ ફટકારી.
2019-20ના અંડર-19 વર્લ્ડ કપમાં માત્ર 8 સદી નોંધાઈ છે જેમાં ભારત તરફથી એકમાત્ર સદી યશસ્વી જયસ્વાલની છે જેણે ટીમને ફાઇનલમાં પહોંચાડી દીધી.
વર્તમાન ક્રિકેટમાં ભારતના સૌથી મોટા પડકાર ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને પાકિસ્તાન છે.
પાકિસ્તાન સામે સેમિફાઇનલમાં ટકરાતા અગાઉ ભારતનો મુકાબલો ન્યૂઝીલૅન્ડ સામે હતો.
ન્યૂઝીલૅન્ડ પરંપરાગત રીતે પ્રતિભાશાળી ક્રિકેટર ધરાવતો દેશ છે પરંતુ નસીબનો નબળો છે એમ કહી શકાય.
નસીબમાં નહીં માનનારા લોકો પણ કિવી ક્રિકેટ પર નજર કરશે તો તેઓ આ વાત કબૂલશે.

ઇમેજ સ્રોત, Getty Images
બ્લોમફૉન્ટિન ખાતે રમાયેલી મૅચમાં વરસાદ પડ્યો. ભારતે 23 ઓવરમાં વિના વિકેટે 115 રન કર્યા હોવા છતાં ન્યૂઝીલૅન્ડને 23 ઓવરમાં 192 રનનો ટાર્ગેટ મળ્યો જેની સામે તેમણે 21 ઓવરમાં 147 રન કર્યા.
આમ ડકવર્થ ઍન્ડ લૂઇસ સિસ્ટમને આધારે ભારતને 44 રનથી વિજેતા જાહેર કરાયું હતું.
આ વખતની ટુર્નામેન્ટમાં ભારતની સૌથી શ્રેષ્ઠ અને સૌથી રોમાંચક મૅચ ઑસ્ટ્રેલિયા સામેની હતી.
આ મૅચમાં ભારતીય ટીમની ખરી કસોટી હતી અને તેમાં તેઓ પાર ઊતર્યા.
યશસ્વી જયસ્વાલે અડધી સદી ફટકારી પરંતુ તે આઉટ થયા ત્યારે ટીમ સુરક્ષિત સ્થિતિમાં ન હતી.
અથર્વ અંકોલેકરે શાનદાર અડધી સદી ફટકારી જેને કારણે ટીમ 233 રનના સ્કોર સુધી પહોંચી શકી.
જોકે, મજબૂત ગણાતી કાંગારું ટીમ તેને પાર ન કરી શકે એવું નહોતું પણ ભારતનું બૉલિંગ આક્રમણ કામિયાબ નીવડ્યું.
5 વિકેટે 68 રનના સ્કોરથી ઑસ્ટ્રેલિયાએ પણ લડત આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ આખી ટીમ 159 રનમાં સમેટાઈ ગઈ અને ભારતે મૅચ 74 રનથી જીતી લીધી.

ટીમ ઇન્ડિયાનો બેટિંગ અને બૉલિંગ પાવર

ઇમેજ સ્રોત, Getty Images
સમગ્ર ટુર્નામેન્ટમાં બેટિંગમાં તો યશસ્વી જયસ્વાલ છવાઈ ગયા છે. જયસ્વાલે પાંચ મૅચમાં 156.00ની સરેરાશથી 312 રન ફટકાર્યા છે જે સિરીઝમાં સર્વોચ્ચ છે.
તેમણે એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે તેનો અર્થ એ થયો કે માત્ર એક જ ઇનિંગ્સમાં તે 50થી ઓછા રને આઉટ થયા છે.
આ ઉપરાંત તેસાથી ઓપનર દિવ્યાંશ સક્સેનાનું યોગદાન પણ એટલું જ મહત્ત્વપૂર્ણ રહ્યું છે. સક્સેના ચાર મૅચમાં 148 રન કરી ચૂક્યા છે.
સામે ભારતીય બૉલરોએ પણ આ વખતે એવો જ રંગ રાખ્યો છે. સ્પિનર રવિ બિશ્નોઈ હવે નીવડેલા સ્પિનર છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. તે રાજસ્થાન માટે રમે છે અને તેમની બૉલિંગમાં ધાર છે.
ઝડપી બૉલર કાર્તિક ત્યાગી સિનિયરને પણ હંફાવે તેવો નિષ્ણાત બૉલર બની ગયા છે.
તેમની બૉલિંગમાં સ્વિંગ તો ઝડપ પણ છે. તેઓ બૉલને સારી રીતે મૂવ કરી શકે છે. આ ટુર્નામેન્ટમાં રવિ બિશ્નોઈએ 13 અને ત્યાગીએ 11 વિકેટ ખેરવી છે.
ભારતને માત્ર બેટિંગ નહીં પરંતુ બૉલિંગથી પણ સફળતા મળે છે તે આ બંનેએ પુરવાર કરી દીધું છે.

બાંગ્લાદેશ પહેલી વાર ફાઇનલમાં

ઇમેજ સ્રોત, Getty Images
તો પડોશી દેશ બાંગ્લાદેશ પહેલી વાર ફાઇનલમાં રમવાનું છે. બાંગ્લાદેશે પણ એવી જ મહેનત કરી છે.
જોકે, તેને પ્રારંભમાં ઝિમ્બાબ્વે અને સ્કૉટલૅન્ડ જેવી હરીફ ટીમો મળી હતી જેનો લાભ લઈને તેની આગેકૂચ સરળ બની ગઈ.
બીજું પાકિસ્તાન જેવા મજબૂત હરીફ સામે તેને વરસાદે રમવાની તક જ આપી નહીં.
જોકે, દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલૅન્ડની મજબૂત ટીમોને હરાવવી તે બાંગ્લાદેશની મોટી સિદ્ધિ લેખાશે.
બાંગ્લાદેશની ટીમ પણ તેની સિનિયર ટીમની માફક લડાયક મિજાજ ધરાવે છે. કૅપ્ટન અકબર અલી સારા વિકેટકીપર છે તો વિચક્ષણ કૅપ્ટન તરીકે પણ પ્રતિષ્ઠા ધરાવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
ઓપનર તનજીદ હસન આક્રમક બૅટ્સમૅન છે. તેમણે કેટલીક મૅચમાં સારો પ્રારંભ કરાવ્યો છે. મહમુદુલ હસન રોય તો ન્યૂઝીલૅન્ડ સામે સદી ફટકારી ચૂક્યા છે.
હકીકતમાં કિવી ટીમ સામે સેમિફાઇનલમાં બાંગ્લાદેશી ટીમે અપસેટ સર્જ્યો તે માટે મોહમ્મદ હસન જોયની સદી જવાબદાર હતી. તેમણે ટીમનો વિજય સાવ આસાન બનાવી દીધો હતો.
ઓપનર્સ તનઝીદ અને પરવેઝ સસ્તામાં આઉટ થઈ ગયા બાદ મોહમ્મદ હસન જોયે જ એકલા હાથે મૅચ ટીમની તરફેણમાં લાવી દીધી હતી.
તોહિજ રિદોય અને શહાદતે સેમિફાઇનલમાં તો યોગદાન આપ્યું હતું, પરંતુ એ સિવાય સમગ્ર ટુર્નામેન્ટમાં આ બંને ખેલાડી ટીમ માટે ઉપયોગી બની ગયા હતા.
બૉલિંગમાં બાંગ્લાદેશનો આધાર શોરિફૂલ ઇસ્લામ અને રકીબુલ હસન છે.

ઇમેજ સ્રોત, Getty Images
રકીબૂલ તો 11 વિકેટ સાથે ટુર્નામેન્ટના કેટલાક મોખરાના બૉલર્સમાં સ્થાન ધરાવે છે.
આમ, બાંગ્લાદેશ લડત આપવાની સ્થિતિમાં છે. ભારત ફાઇનલમાં પ્રવેશે તે તો અપેક્ષિત હતું પરંતુ બાંગ્લાદેશની અપેક્ષા ન હતી.
ઑસ્ટ્રેલિયા, યજમાન સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન પાસેથી અપેક્ષા રખાતી હતી.
હવે બાંગ્લાદેશ સામે રમવાનું આવ્યું છે તે એક જોતાં ભારત માટે જોખમી છે, કેમ કે આ હરીફ ગમે ત્યારે પરિણામ બદલી શકે છે અને ભારતે આ પાસામાં સાવચેત રહેવું પડશે.
ફૉર્મની રીતે તો અન્ડર-19 વિશ્વ કપ જીતવા માટે ભારત ફેવરિટ છે, પરંતુ ક્રિકેટની આ રમત અનિશ્ચિતતાઓથી ભરેલી હોય છે ત્યારે હરીફને હળવાશથી લેવાની ભૂલ પ્રિયમ ગર્ગની ટીમ ઇન્ડિયા કરશે નહીં.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














