કાશ્મીરમાં એક સમયે હતા ફોટોજર્નલિસ્ટ, આજે ઈંટો ઊંચકવા મજબૂર

ઇન્ટરનેટ પ્રતિબંધથી કુલગામથી લઈ અનંતનાગ સુઘી પત્રકારોના રોજગાર પર અસર થઈ છે.

ઇમેજ સ્રોત, MUKHTAR ZAHOOR/BBC

ઇમેજ કૅપ્શન, ઇન્ટરનેટ પ્રતિબંધથી કુલગામથી લઈ અનંતનાગ સુઘી પત્રકારોના રોજગાર પર અસર થઈ છે.
    • લેેખક, પ્રિયંકા દુબે
    • પદ, બીબીસી સંવાદદાતા, કાશ્મીરથી પરત ફરીને

ભારત પ્રશાસિત કાશ્મીરમાં ભારે બરફવર્ષા વચ્ચે મારી મુલાકાત રાજધાની શ્રીનગરથી 60 કિલોમિટર દૂર અનંતનાગ શહેરના લાલચોકમાં હું 29 વર્ષના મુનીબ ઉલ ઇસ્લામ સાથે થઈ.

કાશ્મીરી ફિરનના પરંપરાગત પોશાકથી અલગ નેવી બ્લ્યૂ કાર્ગો પૅન્ટ અને મોટા પહાડી બૂટમાં સજ્જ મુનીબ ઍલર્ટ જણાતા હતા.

છેલ્લાં સાત વર્ષથી તેઓ કાશ્મીર ખીણમાં ફોટોજર્નલિસ્ટ તરીકે કામ કરે છે તેથી તેને અનુરૂપ વેશભૂષા તેઓ ભૂલી શક્યા નથી.

જોકે, કલમ 370ની નાબૂદી પછી ફોટોજર્નલિસ્ટ તરીકેની તેમની કામગીરી દક્ષિણ કાશ્મીરમાં લગભગ ઠપ થઈ ગઈ છે.

5 ઑગસ્ટ, 2019ના રોજ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી તેનું હજી પણ ઠેકાણું પડ્યું નથી.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા માટે ફ્રિલાન્સિંગ કામ કરતા મુનીબ જેવા તસવીરકારો અને પત્રકારો પર ઇન્ટરનેટ પર પ્રતિબંધની સીધી અસર પડી છે.

અહેવાલો અને તસવીરો મોકલવા માટે તેમનો મુખ્ય આધાર જ ઇન્ટરનેટ હતું.

News image

અનંતનાગની બરફથી છવાયેલી સાંકડી શેરીમાંથી મુનીબ મને એક સ્થાનિક અખબારની દુકાન જેવી ઑફિસ સુધી દોરી ગયા.

એક ઉર્દૂ દૈનિક માટે કામ કરતાં તેમના મિત્ર અને સાથી પત્રકાર પણ દુકાનમાં બેઠાબેઠા લેપટૉપ પર કંઈક લખી રહ્યા હતા.

અમને આવકાર આપતા તેમણે કહ્યું કે, "લખવાનો પણ શું ફાયદો? આમ પણ મોકલી શકવાનો તો છું નહીં. ઇન્ટરનેટ વિના આ લેપટૉપ ફક્ત બંધ મશીનો જેવાં લાગે છે."

વાતચીત શરૂ થતાં પહેલાં જ મને દુકાનમાં એક પ્રકારની ગમગીની ફેલાયેલી દેખાઈ અને પત્રકારોની સ્થિતિ પર આગળ વાત કરતાં ગમગીની અને તણાવ વધતો જ ગયો.

કાશ્મીર ખીણમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધને કારણે સ્થાનિક પત્રકારોનું કામ મુશ્કેલ બની ગયું છે.

મુનીબ જેવા બીજા અનેક કાશ્મીરી પત્રકારો છે, જેમણે ગુજરાન ચલાવવા માટે બીજું કામ શોધી લેવું પડ્યું છે.

line

300 પત્રકારોની હાલત લગભગ એકસરખી

ઇન્ટરનેટ બંધ થવાથી મુનીબ જેમ અનેક પત્રકારોની હાલત ખરાબ થઈ છે.

ઇમેજ સ્રોત, MUKHTAR ZAHOOR/BBC

ઇમેજ કૅપ્શન, ઇન્ટરનેટ બંધ થવાથી મુનીબ જેમ અનેક પત્રકારોની હાલત ખરાબ થઈ છે.

પ્રોફેશનલ ફોટોગ્રાફરની જગ્યાએ દહાડિયા બની જવું પડ્યું તેની વાત કરતાં મુનીબ દુખી થઈ જાય છે.

"હું પત્રકારત્વમાં આવ્યો હતો, કેમ કે મારામાં તેના માટે ધગશ હતી અને મારા લોકો માટે હું કશુંક કરવા માગતો હતો. 2012માં મેં ફ્રિલાન્સ તરીકે કામ શરૂ કર્યું હતું. 2013માં ડેઇલી રોશની અને કાશ્મીર ઇમેજિસ જેવાં સ્થાનિક દૈનિકો માટે કામ શરૂ કર્યું હતું."

"2015થી ફરી ફ્રિલાન્સિંગ કામ શરૂ કર્યું હતું અને ધ ક્વિન્ટ, ટેલિગ્રાફ, થોમસન રોઇટર, કાશ્મીર રીડર અને વૉશિંગ્ટન પોસ્ટ માટે પણ તસવીરો મોકલવાનું શરૂ કર્યું હતું."

"2012થી લઈને ઑગસ્ટ 2019 સુધી મેં અનંતનાગ અને આસપાસના તંગદિલીગ્રસ્ત દક્ષિણ કાશ્મીરને ખૂબ કવર કર્યું. તસવીરો પણ ઘણી પ્રકાશિત થઈ પણ કલમ 370ની સમાપ્તિ સાથે મારું બધું કામ બંધ છે."

5 ઑગસ્ટ પછી કાશ્મીર ખીણમાં લગભગ 300 પત્રકારોની આવી જ હાલત છે.

370 હઠાવી દેવાનો સમય યાદ કરતા મુનીબ કહે છે કે, "4 ઑગસ્ટે આખું અનંતનાગ બંધ હતું. 5 તારીખે હું ગમે તેમ કરીને કલેકટર ઑફિસ પહોંચ્યો."

"મેં જોયું કે દૂધવાળાઓને પણ કર્ફ્યૂ પાસ આપવામાં આવ્યા, પરંતુ તંત્રે અમને કર્ફ્યૂ પાસ આપવાનો ઇન્કાર કરી દીધો... પછી શું કરીએ, દિવસો સુધી બેસી રહ્યા."

કલમ 370ની નાબૂદી માત્ર ભારતના નહીં, પણ દુનિયાભરનાં અખબારો માટે મહત્ત્વનો બનાવ હતો.

આવા મહત્ત્વના પ્રસંગે અને પત્રકારો માટે તક સમાન સમયે તસવીરો ના મોકલી શકાય તેનો અફસોસ મુનીબના ચહેરા પર સ્પષ્ટપણે દેખાઈ આવે છે.

સપ્ટેમ્બરમાં લૅન્ડલાઇન ચાલુ થઈ હતી ત્યારે તેમણે અહેવાલો મોકલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની પાછળ જે ખર્ચ કરવો પડ્યો તે કમાણી કરતાંય વધારે હતો.

તેઓ કહે છે, "મેં દિલ્હીની એક વેબસાઇડને સ્ટોરી માટે સૂચન કર્યું હતું કે કાશ્મીરના અખરોટના વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. તેમને સ્ટોરી ગમી હતી અને મને તૈયાર કરીને મોકલવાનું કહ્યું હતું."

"ત્યારે અહીં ઇન્ટરનેટ નહોતું. તેથી મારે શ્રીનગર જવું જરૂરી હતું. હું બે વાર શ્રીનગર ગયો અને 6000 રૂપિયાનો ખર્ચ કરીને સ્ટોરી મોકલી આપી હતી."

"પણ પછી મને ખ્યાલ આવ્યો કે મને એક અહેવાલ માટે જે પૈસા મળે છે, તેનાથી વધુ ખર્ચ તો મારે તેને મોકલવા માટે કરવો પડે છે. તે પછી મેં રિપોર્ટિંગ છોડી દેવાનું જ નક્કી કર્યું."

line

મજબૂરીમાં મજૂરી તરફ

દક્ષિણ કાશ્મીરમાં પત્રકારો દહાડી તરફ

ઇમેજ સ્રોત, MUKHTAR ZAHOOR/BBC

ઇમેજ કૅપ્શન, દક્ષિણ કાશ્મીરમાં પત્રકારો દહાડી તરફ

ઇન્ટરનેટ બંધ કરી દેવાયું તેના ચારેક મહિના સુધી કોશિશ કરતા રહ્યા, પણ કામ કરવું કે તસવીરો મોકલાવવી મુશ્કેલ હતી.

તેના કારણે આર્થિક સ્થિતિ કથળવા લાગી. થાકીહારીને અને આર્થિક તંગી પછી તેમણે કૅમેરાને પડતો મૂક્યો અને જે પણ કામ મળે તે શોધવાનું કર્યું.

મુનીબે કલ્પના પણ નહોતી કરી તેવું કામ - એક બાંધકામ ચાલતું હતું ત્યારે ઈંટો ઊંચકવાનું કામ તેમને મળ્યું.

સંઘર્ષના દિવસો યાદ કરતા મુનીબ કહે છે કે, "ગયા વર્ષે જ મારી શાદી થઈ છે અને મારી પત્નીની તબિયત પણ હમણાં ખરાબ રહે છે. ઘર ચલાવવાનો ખર્ચ નાનો ભાઈ ભોગવે છે."

"પણ મારી પત્નીની સારવાર માટેનો ખર્ચ મારે ઉઠાવવો જોઈએ એવું મને લાગ્યું. તેથી પડોશમાં ચાલતા બાંધકામમાં મેં મજૂરી કામ કરવાનું શરૂ કરી દીધું."

"આખો દિવસ કામ કર્યા પછી 500 રૂપિયા મળે છે. મજૂરીકામ કરતાં મને સતત મારી પત્ની માટે દવા લાવવાના જ વિચારો આવતા રહે છે. આ દિવસોમાં મારો કૅમેરા ઘરે જ બંધ પડ્યો રહ્યો હતો," એમ તેઓ કહે છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

મુનીબની જેમ બીજા એક કાશ્મીરી પત્રકારે પણ પત્રકારત્વ છોડી દીધું છે.

હવે તેઓ રાજ્યના ઉદ્યમ વિકાસ સંસ્થાનમાં ડેરી ફાર્મ શરૂ કરવાની તાલીમ લઈ રહ્યા છે અને ખીણમાં પત્રકારોની સ્થિતિ પર ખૂબ દુખી છે.

તેઓ કહે છે, "અહીં કામ કરવાનો મતલબ ફક્ત ખોવું થાય છે. પહેલાંથી મુસીબતો ઓછી ન હતી અને હવે ઇન્ટરનેટ બંધ. કાશ્મીર એક સંઘર્ષરત વિસ્તાર છે અને અહીં રિપોર્ટિંગ કરવામાં પ્રત્યેક પળે મોતનો ખતરો છે."

"મેં 4 વર્ષ કુલગામ અને અનંતનાગમાં રિપોર્ટિંગ કર્યું અને આંખ સામે અનેક લોકોને મરતા જોયા છે."

"આમ છતાં અહીંના પત્રકારોનું કોઈ માન નથી અને અમને બહુ મામૂલી વળતર ચૂકવવામાં આવે છે. આવી મુશ્કેલીમાં ઇન્ટરનેટ બંધ થયું અને હાડમારી વધી ગઈ."

"મને બહુ ગમતું હતું, આમ છતાં મેં પણ પત્રકારત્વ છોડી દીધું. હું હવે ડેરી ફાર્મ ખોલવાનું વિચારું છું. તેના માટે હું ઍન્ટરપ્રિન્યોર ડૅવલપમૅન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમ માટે જાઉં છું."

line

ઇન્ટરનેટ વાપરવા હેતુ કહેવો પડે છે

અનંતનાગનું માહિતી કેન્દ્ર

ઇમેજ સ્રોત, MUKHTAR ZAHOOR/BBC

ઇમેજ કૅપ્શન, અનંતનાગનું માહિતી કેન્દ્ર

ડિસેમ્બર 2019 સુધીમાં સરકારે મર્યાદિત પ્રમાણમાં અનંતનાગના નેશનલ ઇન્ફર્મેશન સેન્ટર (NIC) ખાતે નાગરિકોને ઇન્ટરનેટની સુવિધા આપવાનું શરૂ કર્યું હતું.

સરકારના માહિતી વિભાગના જિલ્લા મથકે આ સુવિધા ઊભી કરવામાં આવી હતી, તેમ છતાં મુનીબ અને રુબાયત જેવા પત્રકારોની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહોતો.

NIC અંગેની સમસ્યાની વાત કરતાં મુનીબ કહે છે કે, "પ્રથમ તો એ સમજવું જોઈએ કે શ્રીનગરના મીડિયા સેન્ટરની જેમ અનંતનાગનું આ સેન્ટર માત્ર પત્રકારો માટે નથી."

"અહીં ચાર જ કમ્પ્યૂટર મૂકવામાં આવ્યાં છે અને તેના પર સમગ્ર જિલ્લાનું કામ ચાલે છે. તેમાં દસ્તાવેજોનું કામ કરતાં સરકારી અધિકારીઓ, પરીક્ષાના ફૉર્મ ભરતા વિદ્યાર્થીઓ અને નોકરી માટે અરજીઓ કરનારા યુવાનોનો પણ સમાવેશ થાય છે."

"અહીંના NICમાં કાયમ ભીડ રહે છે. અમને થોડી મિનિટો માટે જ કામ કરવા મળે છે અને ઇન્ટરનેટની સ્પીડ એટલી ધીમી છે કે માંડમાંડ ઈમેલ ખૂલે છે. મારો પોતાનો અહેવાલ પ્રસિદ્ધ થયો હોય તે પણ મને જોવા મળે નહીં!"

મુનીબ વધુમાં ઉમેરે છે, "ભીડમાં વારાની રાહ જોવાની અને ઇન્ટરનેટ ધીમું પણ હોય, તે પછીય ખીણના પત્રકારોને બીજી ચિંતા હોય છે પોતાના અખબારી સ્વાતંત્ર્યની."

"અમને ઇન્ટરનેટ વાપરવા દેનારા NIC માણસો ઘણી વાર અમને કહેતા હોય છે કે કેવી તસવીરો મોકલો છો તે બતાવો. તેના કારણે મને અકળામણ થાય છે, પણ અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી."

મુખ્ય સચિવ અને હાલમાં ભારત સરકારના જમ્મુ અને કાશ્મીર માટેના સત્તાવાર પ્રવક્તા રોહિત કંસલનો સંપર્ક કરવા બીબીસીએ પ્રયાસ કર્યો હતો.

અમે ફોન કર્યો હતો તથા લેખિત મેસેજ મોકલ્યા હતા કે કાશ્મીરના પત્રકારોની સ્થિતિ અંગે અમારે જાણવું છે. જોકે તેમના તરફથી અમને પ્રતિસાદ મળ્યો નહોતો.

બીબીસીએ તેમને મોકલેલા પ્રશ્નોમાં એ જાણવાની પણ કોશિશ હતી કે સરકાર ક્યારથી પત્રકારો માટે ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ દૂર કરવા માગે છે. વારંવાર વિનંતી પછીય આ અંગે પ્રતિસાદ મળી શક્યો નહોતો.

line

કહાણી લખનાર બની ગયા કહાણી

કહાણી લખનાર બની ગયા કહાણી

ઇમેજ સ્રોત, MUKHTAR ZAHOOR/BBC

કાસીમ (નામ બદલ્યું છે) પાંચ વર્ષથી કુલગામમાં પત્રકાર તરીકે કામ કરતા હતા. ઑગસ્ટ 2019 પહેલાં જેમતેમ કરીને પોતાના કુટુંબનું ગુજરાત ચલાવતા હતા.

આજે એટલી ખરાબ સ્થિતિ છે કે મોટર સાઇકલમાં પેટ્રોલ ભરાવવાના પણ પૈસા નથી.

બીબીસી સાથે વાતચીત કરતા કહે છે, "સપ્ટેમ્બરમાં લૅન્ડલાઇન શરૂ થઈ ત્યારે મેં કેટલાક અહેવાલો મોકલવાની કોશિશ કરી હતી, પરંતુ આજના દોડભાગના જમાનામાં કોને ફોન પર સાંભળીને સ્ટોરી લખી લેવાનો સમય હોય?"

"છેલ્લા છ મહિનામાં મારી એક પણ સ્ટોરી ફાઈલ થઈ શકી નથી, તેના કારણે મારી પાસે હવે પૈસા બચ્યા નથી. મારાં માતાપિતા અને પત્ની મને ટોણાં મારે છે અને કહે છે કે બીજું કામ શોધી લો. પણ બીજું શું કામ હું કરું?"

"એક વાર રિપોર્ટર એટલે કાયમી રિપોર્ટર. પત્રકારત્વ સિવાય મને બીજું કશું આવડતું નથી."

કાસીમના સાથી રફીક (નામ બદલ્યું છે) માને છે કે છ મહિનાથી ઇન્ટરનેટ બંધ થઈ ગયું છે તેના કારણે લોકો સાથેના સંબંધો પર પણ અસર પડી છે.

તેઓ ઉદાસ ચહેરે કહે છે કે 'લાંબો સમય બધા વચ્ચે રહીને કામ કરવાનું બંધ થઈ ગયું તેના કારણે સમુદાયમાં સંપર્કો તૂટી ગયા છે તે મોટું નુકસાન થયું છે."

"ઇન્ટરનેટ બંધ થવાની અમારું કામ અટકી પડ્યું અને આર્થિક મુશ્કેલીમાં આવી ગયા, પણ છ મહિના સુધી કામ ના થવાથી અમારું નેટવર્ક તૂટી ગયું છે, તે લાંબા ગાળે અમને મોટું નુકસાન કરશે."

line

ન્યૂયોર્કમાં શું થઈ રહ્યું છે તેની ખબર છે, પણ સોપોરે વિશે અજાણ

અનંતનાગના માહિતી કેન્દ્રમાં પોતાના વારાની રાહ જોઈ રહેલા લોકો

ઇમેજ સ્રોત, MUKHTAR ZAHOOR/BBC

ઇમેજ કૅપ્શન, અનંતનાગના માહિતી કેન્દ્રમાં પોતાના વારાની રાહ જોઈ રહેલા લોકો

કુલગામથી 70 કિમી દૂર રાજધાની શ્રીનગરમાં હું કાશ્મીર ઇમેજિસના તંત્રી બશીર મંઝરને મળી.

તેઓ કહે છે કે છ મહિનાથી તેઓ પોતાનું અખબાર 'માત્ર નામ ખાતર' પ્રગટ કરી રહ્યા છે.

"લાઇસન્સ ચાલુ રાખવા માટે અમુક દિવસો અખબાર પ્રસિદ્ધ કરવું પડે, તેથી કરી રહ્યો છું. તે સિવાય મારા હાથ ઇન્ટરનેટના પ્રતિબંધને કારણે બંધાયેલા છે. મારા રિપોર્ટરો અહેવાલો મોકલી શકતા નથી."

"મારા કટારલેખકો મને લેખો મોકલી શકતા નથી. અમે અપડેટ કરી શકતા નથી અને લોકો અમારી વેબસાઇટ જોઈ શકતા નથી એટલે મારી ઑનલાઇન રેવન્યૂ પર પણ અસર થઈ છે."

"ટીવી ન્યૂઝને કારણે ન્યૂયોર્કમાં શું થાય તેની મને જાણ છે, પણ મારા ઘરઆંગણે સોપોરેમાં શું થાય છે તેનાથી અજાણ રહું છું."

line

ઇન્ટરનેટની વિનંતીઓ નિષ્ફળ રહી

કાશ્મીર ઇમેજિસના સ્થાપક અને સંપાદક બશીર મંઝર

ઇમેજ સ્રોત, MUKHTAR ZAHOOR/BBC

ઇમેજ કૅપ્શન, કાશ્મીર ઇમેજિસના સ્થાપક અને સંપાદક બશીર મંઝર

મંઝરને લાગે છે કે ઇન્ટરનેટ પરના પ્રતિબંધના કારણે ખીણમાં લોકતંત્રના પાયા હચમચી જશે.

બધી જ માહિતી માત્ર શ્રીનગર પૂરતી કેન્દ્રીત થઈ જવાના કારણે લોકો એ નહીં જાણે શકે કે ગ્રામીણ કાશ્મીરમાં શું થઈ રહ્યું છે. તેના કારણે આખરે લોકશાહીના પાયા પર અસર થશે.

આંખમાં નિરાશા સાથે તેઓ શ્રીનગરના મીડિયા સેન્ટરમાં કાશ્મીરી પત્રકારો સામે કેવા પડકારો હોય છે તેની વાત કરે છે.

અત્યારે શ્રીનગર ખાતનું આ મીડિયા સેન્ટર એક જ કેન્દ્ર છે, જ્યાં કાશ્મીરના પત્રકારો માટે ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે.

મંઝરને લાગે છે કે શ્રીનગર મીડિયા સેન્ટરમાં માહિતી મેળવવા જવું અને અહેવાલ મોકલવા તે કાશ્મીરી પત્રકારો માટે રોજરોજ અપમાન સહન કરવા જેવું છે.

તેઓ કહે છે, "શ્રીનગર મીડિયા સેન્ટર એક જાતનો પડકાર છે. સેન્ટરમાં બે ડઝનથી ઓછાં કમ્પ્યૂટર છે અને તેના પર સમગ્ર કાશ્મીર ખીણના સેંકડો પત્રકારોએ આધાર રાખવો પડે છે."

"અમે સરકારને વારંવાર રજૂઆતો કરી છે. તેમણે રજિસ્ટર્ડ ન્યૂઝપેપરની કચેરીઓને તો કમસે કમ બ્રૉડબૅન્ડ સર્વિસ આપવી જોઈએ. અમે ક્યાંય ભાગી જવાના નથી."

"તેઓ અમારા બ્રૉડબૅન્ડ કનેક્શન પર નજર રાખી શકે છે. નજર રાખો પણ ઇન્ટરનેટ તો આપો! પણ અમારી બધી માગણીઓ બહેરા કાને અથડાઈ છે."

મેં પોતે પણ જોયું કે પત્રકારોએ શ્રીનગર મીડિયા સેન્ટરમાં વાઇ-ફાઇ પાસવર્ડ માટે કે હૉટસ્પોટ માટે વિનવણીઓ કરવી પડતી હતી.

અહીંના સ્થાનિક પત્રકારોની આંખમાં છ મહિનાથી મુકાયેલા ઇન્ટરનેટ પરના પ્રતિબંધોને કારણે આવેલી નિરાશા જોઈ શકાય છે.

સૌથી વધુ તો ઇન્ટરનેટ પ્રતિબંધના કારણે આ તંગદિલીગ્રસ્ત વિસ્તારમાં પત્રકારત્વ માટેની ધગશ પર અસર થઈ છે.

એવું લાગે છે કે બરફવર્ષાના કારણે માત્ર શહેરના રસ્તા જામ નથી થઈ ગયા, પત્રકારોના કીબોર્ડની ચાંપો પણ જામ થઈ ગઈ છે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો