સોનિયા ગાંધી હૉસ્પિટલમાં દાખલ કરાયાં

કૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને રવિવારે હૉસ્પિટલમાં દાખલ કરાયાં છે.

સમાચાર એજન્સીઓના મતે સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલમાં દાખલ કરાવાયાં છે.

સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર કૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને રૂટિન ચેકઅપ માટે હૉસ્પિટલમાં દાખલ કરાવાયાં છે.

કોરોના વાઇરસનો ભારતમાં બીજો કેસ, વધુ એક દર્દી દેખરેખ હેઠળ

ભારતમાં કોરોના વાઇરસનો બીજો કેસ કેરળના તિરુવનંતપુરમમાં જોવા મળ્યો છે.

ત્રણ દિવસ અગાઉ કેરળમાં કોરોના વાઇરસથી સંક્રમિત પ્રથમ વ્યક્તિની ઓળખ થઈ હતી.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહેવાયું, સંક્રમિત વ્યક્તિ ચીનથી પરત ફરી છે. તેમને એક હૉસ્પિટલમાં અલગ રાખવામાં આવી છે.

સરકારે કહ્યું કે રોગી સ્થિર છે અને તેના પર નજર રખાઈ રહી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને કોરોના વાઇરસને લઈને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી.

કૅબિનેટ સચિવે પણ આ વાઇરસને લઈને સ્વાસ્થ્ય, નાગરિક ઉડ્ડયન, ટૅક્સટાઇલ અને ફાર્મા સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી.

દરમિયાન ઍર ઇન્ડિયાની સ્પેશિયલ ફ્લાઇટથી રવિવારે 323 ભારતીય અને સાત માલદીવના લોકોને ચીનના વુહાન શહેરથી ભારત લવાયા હતા.

ભારતમાં લવાયેલા મોટા ભાગના લોકોમાં વુહાનમાં ભણતાં ભારતીય વિદ્યાર્થીઓ છે.

22થી વધુ દેશોમાં પહોંચ્યો કોરોના વાઇરસ

કોરોના વાઇરસ ચીનની સીમાઓને પાર કરીને દુનિયાના ઘણા દેશોમાં ફેલાયો છે.

દુનિયાભરના 22થી વધુ દેશોમાં આ વાઇરસથી સંક્રમિત લોકોની ઓળખ થઈ છે.

વધતા સંક્રમણને રોકવા માટે દુનિયાભરના ઘણા દેશોએ ચીનથી પરત આવતા લોકો માટે પોતાની સીમાઓને બંધ કરી દીધી છે.

અમેરિકા અને ઑસ્ટ્રેલિયાએ એવા દરેક મુસાફરને દેશમાં પ્રવેશવા પર રોક લગાવી દીધી છે, જે ચીનની યાત્રાએ હોય કે ચીનમાં હોય.

ચીનનું વુહાન શહેર સંક્રમણનું મુખ્ય સ્થાન છે.

રશિયા, જાપાન, પાકિસ્તાન અને ઇટાલી પણ આ પ્રકારની યાત્રા પર પ્રતિબંધની જાહેરાત કરી ચૂક્યા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે શુક્રવારે એક સંબોધનમાં કહ્યું, "આ પ્રકારની યાત્રાઓને પ્રતિબંધિત કરવાથી વધુ નુકસાન થશે."

કુણાલ કામરાએ ઇન્ડિગોને કાયદાકીય નોટિસ પાઠવી

એનડીટીવીના અહેવાલ પ્રમાણે કૉમેડિયન કુણાલ કામરાએ યાત્રા પર પ્રતિબંધ લાદવાના મામલે ઇન્ડિગોને કાયદાકીય નોટિસ પાઠવી છે.

મુંબઈ-લખનઉ જતાં પત્રકાર અર્નબ ગોસ્વામીને કથિત રીતે હેરાન કરવાના મામલે ઇન્ડિગોએ કૉમેડિયન કુણાલ કામરાની યાત્રા પર છ મહિનાનો પ્રતિબંધ લાદ્યો છે.

આ પ્રતિબંધ બાદ કામરાએ ઍરલાઇનને નોટિસ પાઠવીને મુસાફરીનો પ્રતિબંધ દૂર કરવાની, બિનશરતી માફી માગવાની અને 25 લાખ રૂપિયાનું વળતર માગ્યું છે.

કુણાલ કામરાના વકીલએ ઍરલાઇનને કહ્યું, "તેમના ક્લાયન્ટને માનસિક પીડા અને વ્યથા પહોંચાડવા બદલ અને સાથે જ ભારત અને વિદેશમાં તેમના નક્કી થયેલા કાર્યક્રમો રદ થવાથી થયેલા નુકસાન બદલ 25 લાખ રૂપિયા ચૂકવે.

શાહીનબાગની સુરક્ષા વધારવાના નિર્દેશ

દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે પોલીસને શાહીનબાગમાં થઈ રહેલા વિરોધપ્રદર્શનસ્થળની આસપાસ સુરક્ષા વધારવાના નિર્દેશ આપ્યા છે.

એનડીટીવીએ સૂત્રોના હવાલાથી લખ્યું કે અનિલ બૈજલે પ્રદર્શનસ્થળ પર બહારની કોઈ પણ વ્યક્તિને નહીં ઘૂસવા દેવાના અને વધુ બેરિકેટ લગાવવાના નિર્દેશ આપ્યા છે.

શાહીનબાગ વિસ્તારમાં એક વ્યક્તિએ હવામાં ફાયરિંગ કર્યું હતું અને બાદમાં આ નિર્ણય લેવાયો છે.

તેમણે કહ્યું કે પ્રદર્શનસ્થળ પર નજર રાખવા માટે પોલીસ સ્થાનિક લોકોની પણ મદદ લેશે.

જેમ-જેમ દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ પોલીસ વધુ સતર્ક થવા લાગી છે, જેથી રાજધાનીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો