કોરોના વાઇરસ સામે લડવા માટે ચીન છ દિવસમાં બનાવશે હૉસ્પિટલ

    • લેેખક, સોફી વિલિયમ્સ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઘાતકી કોરોના વાઇરસ સામે લડી રહેલા ચીનના વુહાન શહેરમાં છ દિવસમાં એક હૉસ્પિટલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેથી સમય રહેતા દર્દીઓનો ઇલાજ કરી શકાય.

ચીનમાં હાલ સુધી કોરોના વાઇરસના 830 કેસ નોંધાયા છે. દેશમાં વાઇરસના કારણે 41 લોકોનાં મૃત્યુ થયાં છે.

વુહાનમાં હૉસ્પિટલોની સ્થિતિ ચિંતાજનક છે, ત્યાં દર્દીઓની ભીડ છે. દવાઓની દુકાનો પર સ્ટૉક પૂર્ણ થઈ ગયો છે. પરંતુ માગ ઘટી રહી નથી.

ચીનના સરકારી મીડિયા પ્રમાણે આ નવી હૉસ્પિટલ 1000 બેડની હશે.

ચીનના સરકારી મીડિયા દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે હૉસ્પિટલ દ્વારા 25 હજાર વર્ગ મીટરના વિસ્તારમાં ખોદકામ શરૂ કરાયું છે.

આ રીતે જ વર્ષ 2003માં ચીને સૉર્સ વાઇરસ સામે લડવા માટે બેઇજિંગના આનન-ફાનનમાં એક હૉસ્પિટલ બનાવી હતી.

હાવર્ડ મેડિકલ સ્કૂલમાં ગ્લોબલ હેલ્થ ઍન્ડ સોશલ મેડિસિન ભણાવનાર જોઆન કૉફમેનનું કહેવું છે, "આ હૉસ્પિટલ આ ખાસ બીમારીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે."

"આમાં આ વાઇરસના દર્દીઓ જ આવશે. આના કારણે અહીં સુરક્ષાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે."

શું છ દિવસમાં બની જશે હૉસ્પિટલ?

કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સમાં ગ્લોબલ હેલ્થના સિનિયર ફેલો યાનજોંગ હુઆંગ કહે છે, "મોટી યોજનાઓને જલદીથી જલદી પૂર્ણ કરવાનો ચીનનો રેકર્ડ રહ્યો છે."

તેઓ કહે છે કે વર્ષ 2003માં સાત દિવસમાં બેઇજિંગમાં હૉસ્પિટલ બનાવવામાં આવી હતી તે રેકર્ડ તોડવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

બેઇજિંગની હૉસ્પિટલની જેમ વુહાનની હૉસ્પિટલ પણ પહેલાંથી બનાવવામાં આવેલા પ્રી-ફૅબ્રિકેટેડ મટીરિયલમાંથી બનાવવામાં આવશે.

તેઓ કહે છે, "આ દેશ આર્થિક પાબંદીઓને દૂર કરવામાં અને સંસાધનોને એકઠાં કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે."

હુઆંગનું કહેવું છે કે આ કામને સમય પર પૂર્ણ કરવા માટે આખા દેશના અલગ-અલગ વિસ્તારોના ઇજનેરોને બોલાવવામાં આવ્યા છે.

તેઓ કહે છે, "ઇજનેરી કામમાં ચીન ઘણું આગળ છે. ઝડપથી ઊંચી ઇમારત બનાવવા મામલે આ દેશની સરખામણીમાં કોઈ નથી. પશ્ચિમના દેશો માટે આ વાત સમજવી મુશ્કેલ છે પરંતુ આ સંભવ છે."

શુક્રવારે ગ્લોબલ ટાઇમ્સે પુષ્ટિ કરી હતી કે પીપલ્સ લિબરેશન આર્મીના 150 સ્વાસ્થયકર્મી વુહાન પહોંચી શકે છે.

જોકે હાલ આ વાતની પુષ્ટિ થઈ નથી કે નવી હૉસ્પિટલ બન્યા પછી તે અહીં કામ કરશે કે નહીં.

સાર્સ રોગચાળા દરમિયાન શું થયું?

વર્ષ 2003માં સાર્સ બીમારીનાં લક્ષણો નોંધાયાં હતાં એવા લોકોની મદદ માટે બેઇજિંગમાં જિયોતાંગશાન હૉસ્પિટલ બનાવવામાં આવી હતી.

આના નિર્માણનું કામ સાત દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. કથિત રીતે આને હૉસ્પિટલના સૌથી ઝડપી નિર્માણ માટેનો વિશ્વવિક્રમ બનાવ્યો હતો.

ચાઇના ડૉટ કૉમ મુજબ આ હૉસ્પિટલને બનાવવા માટે લગભગ 4,000 લોકોએ દિવસ-રાત કામ કર્યું હતું.

આ હૉસ્પિટલમાં એક ઍક્સ-રે રૂમ, સિટી રૂમ, ઇન્ટેન્સિવ કૅર યુનિટ અને એક પ્રયોગશાળા પણ હતી. હૉસ્પિટલના પ્રત્યેક વૉર્ડમાં એક બાથરૂમ હતું.

હૉસ્પિટલના નિર્માણ પછી બે મહિનાની અંદર દેશભરના સાર્સના દર્દીઓના સાતમાં ભાગના દર્દીઓ આ હૉસ્પિટલમાં હતા. દેશના મીડિયાએ આને "ચિકિત્સાના ઇતિહાસમાં ચમત્કાર" કહ્યો હતો.

જોઆન કૉફમૅન કહે છે, "સ્વાસ્થય મંત્રાલયે આને બનાવવાનો આદેશ આપ્યો હતો અને બીજી હૉસ્પિટલોમાંથી નર્સ અને હાલની સ્વાસ્થય વ્યવસ્થામાં લાગેલા અન્ય ડૉક્ટરોને અહીં કામે લગાવ્યા હતા."

"જેમણે રોગનો ભોગ બનેલા દર્દીઓની ઓળખ, ખાસ કરીને સાર્સ વાઇરસના રોગીઓની ઓળખ કરી અને દર્દીઓના ઇલાજ માટેના આદેશ હતો."

તેઓ કહે છે કે સાર્સ રોગચાળા દરમિયાન, સંગઠન અને બાંધકામનો ખર્ચો સ્થાનિક વિસ્તારોએ પૂર્ણ કર્યો. પરંતુ સરકારે તેમના માટે ખાસ સબસિડી વ્યવસ્થા કરી જેમાં કર્મચારીઓના પગારથી લઈને નિર્માણકાર્ય સુધીના ખર્ચની વ્યવસ્થા કરવામાં આવી હતી.

કૉફમૅન કહે છે, "મારા માટે એ વિચારવું પણ મુશ્કેલીપૂર્ણ છે કે આનો ભાર હાલ વુહાન સરકાર પર પડી રહ્યો છે, પરંતુ આ તેમના માટે પ્રાથમિકતા છે."

હુઆંગ કહે છે કે, "રોગચાળો પૂર્ણ થયા પછી બેઇજિંગે આ હૉસ્પિટલને ચૂપચાપ ખાલી કરી દીધી હતી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો