You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Budget 2020 : મોદી સરકારનું બજેટ અપેક્ષા સંતોષવામાં ઊણું ઊતર્યું?
- લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
નિર્મલા સીતારમણનું મૅરેથોન બજેટ શૅરબજારથી માંડી સામાન્ય રોકાણકારને પ્રોત્સાહિત કરવામાં ક્યાંકને ક્યાંક ઊણું ઊતર્યું છે.
લાંબામાં લાંબુ બજેટ વાંચવાનો જસવંતસિંહનો રેકર્ડ સીતારમણે તોડ્યો તે આજના બજેટની એક વિશિષ્ટ ઘટના ગણી શકાય. પ્રશ્ન એ છે કે આટલી બધી મહેનત કર્યા બાદ પણ આ બજેટ અપેક્ષાઓ સંતોષવામાં ઊણું કેમ ઊતર્યું?
આ વાત સમજવા માટે અને નાણામંત્રીને ક્યાંક ખોટો અન્યાય ન થઈ જાય તે હેતુથી બજેટ સંલગ્ન નીચેના મુદ્દા ધ્યાનથી સમજી લેવા જોઈએ.
2018ના પહેલા ત્રિમાસિક ગાળામાં આર્થિક વૃદ્ધિદર 8 ટકા હતો. બસ ત્યાંથી તેણે પડતું મૂક્યું છે અને સતત ગબડતો રહ્યો છે.
2018ના બીજા ત્રિમાસિક ગાળામાં 7.0 ટકા, ત્રીજામાં 6.6 ટકા અને અંતિમ ત્રિમાસિક ગાળામાં 5.8 ટકા, 2019ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 5 ટકા અને બીજા ત્રિમાસિક ગાળામાં 4.5 ટકા અને ત્રીજામાં 4.5 ટકા (અંદાજિત).
જીડીપી વૃદ્ધિદર વર્ષ 2018થી લૂઢક્યો છે તે હજુ સ્થિર થવાનું નામ નથી લેતો.
આર્થિક મંદીને પગલે ટૅક્સની આવકમાં ઘટાડો થયો.
2019-20ના પ્રથમ આઠ મહિના આ સરકારની તિજોરીમાં માત્ર 9,83,000 કરોડ (ટૅક્સ અને નૉન ટૅક્સ રૅવન્યુ) રૂપિયાની આવક થઈ જે નિર્ધારિત આવક કરતાં લગભગ 50 ટકા ઓછી હતી, જેમાં ટૅક્સ રૅવન્યુ સાડા સાત લાખ કરોડ રૂપિયા અને નોન ટેક્સ રૅવન્યુ બે લાખ બત્રીસ હજાર કરોડ રૂપિયા થવા પામી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટૅક્સ રૅવન્યુમાં 45 ટકા અને નૉન ટૅક્સ રેવેન્યુમાં 73 ટકા જેટલો ઘટાડો થવા પામ્યો હતો.
- છુટક વ્યાપારમાં મોંઘવારી એટલે કે Retail Inflation.
રિટેઇલ ઇન્ફ્લૅશનનો દર 5.54 ટકા નવેમ્બર 2019માં નોંધાયેલ, જે છેલ્લાં 40 વરસમાં ઊંચામાં ઊંચો છે. ગઈ સાલ આજ સમયે નવેમ્બર 2018માં નોંધાયેલ ફુગાવાનો દર 2.3 ટકા હતો.
આજે મોંઘવારી બમણા કરતાં વધુ વધી છે. આમાં સૌથી વધુ મોંઘવારી ખાદ્ય પદાર્થોમાં નોંધાઈ છે જેનો દર 10 ટકા છે. ખાદ્ય પદાર્થોની મોંઘવારીમાં શાકભાજી અને દાળના ભાવ સૌથી વધુ વકર્યા છે.
- ફૂડ અને ફ્યૂઅલ.
એટલે કે ખાદ્ય પદાર્થો અને બળતણને બહાર કાઢી નાખીએ તો બાકી રહેતા કૉર ઇન્ફ્લૅશન એટલે કે ખાદ્ય પદાર્થો અને બળતણ સિવાયના ભાવવધારાનો દર નવેમ્બર 2019માં 4 ટકા હતો.
ખાધાખોરાકીની ચીજવસ્તુઓનો ફૂગાવો સરેરાશ 8 ટકા અને શહેરી વિસ્તારોમાં 12.3 ટકાએ પહોંચ્યો, જે 2014 પછી ઊંચામાં ઊંચો હતો.
મુદ્દો લઈએ ઔદ્યોગિક વિકાસનો. સપ્ટેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 4.3 ટકાનો ઘટાડો નોંધાયો તેને પગલે ઑક્ટોબર વર્ષ 2019માં ઘટાડો 3.6 ટકા રહ્યો.
દિવાળીના તહેવારોમાં ઘરાકી નીકળશે અને એને કારણે બજારો ઉચકાશે એવી આશા પણ ઠગારી નીવડી.
જોકે નવેમ્બર મહિનાની પરચેઝીંગ મૅનેજર ઇન્ડેક્સ (PMI) 51.2 હતો, જે ડિસેમ્બર 2019માં વધીને 52.7 થયો છે, જે છેલ્લા દસ મહિનામાં ઊંચામાં ઊંચો આંક છે.
ઉત્પાદન અને આર્થિક પ્રવૃત્તિ ઘટે એટલે એની સીધી અસર ઊર્જાની માગ પર પડે. કોઈ પણ દેશની આર્થિક પરિસ્થિતિ માપવી હોય તો એ દેશની ઊર્જાની માથાદીઠ ખપત કેટલી છે તેના ઉપર અંદાજ આવી શકે.
ઑક્ટોબર 2019માં સમગ્ર દેશની ઊર્જાની માગ આગળના વર્ષના અનુસંધાને 13.2 ટકા ઘટી.
કદાચ આનું આંશિક કારણ ચોમાસું લાંબુ ચાલ્યું તે હોઈ શકે. પણ ઉત્પાદનમાં થયેલા ઘટાડાને જોઈએ તો આનું મોટું કારણ સીધેસીધું આર્થિક મંદી સાથે જોડી શકાય.
ઇન્ડિયા રૅટિંગના શ્રેયસ વૈદ્યે તૈયાર કરેલી માહિતી મુજબ આગલા વરસની સરખામણીમાં મહારાષ્ટ્રની ઊર્જાની માગ 22.42 ટકા ઘટી એ સામે ગુજરાતની 18.8 ટકા અને તામિલનાડુની 5 ટકા ઘટી.
કુલ મળીને અગાઉ જણાવ્યા પ્રમાણે સમગ્ર દેશની માગમાં 13.2 ટકાનો ઘટાડો થયો. હવે વાતનો ખરેખર સંદર્ભ બેઠો.
આ પરિપ્રેક્ષ્યમાં નિર્મલા સીતારમણે જ્યારે ચાલુ નાણાકીય વરસની ફિસકલ ડિફિસીટ અગાઉ અંદાજિત 3.3 ટકા અને આવતા નાણાકીય વરસમાં 3 ટકાને બદલે હવે ચાલુ વરસે 3.8 ટકા અને આવતે વરસે 3.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.
જેનો અર્થ એવો થાય કે હજુ આવતા વરસે પણ એકદમ તેજીનો માહોલ આવી જાય તેવી શક્યતા જણાતી નથી.
બીજી વાત, ગઈ કાલે ઇકૉનૉમિક સરવેમાં આવતા નાણાકીય વરસનો જીડીપી ગ્રોથ 6થી 6.5 ટકા વચ્ચે રહેશે એવું કહ્યું હતું. આજે નિર્મલા સીતારમણે 10% નૉમિનલ જીડીપી ગ્રોથ રહેશે એવી વાત કરી.
નોમિનલ જીડીપી ગ્રોથ એટલે ફુગાવા માટે કિંમતો ઘટાડયા વગરનો જીડીપી.
બીજા અર્થમાં કહીએ તો 2020-21ના વરસમાં જીડીપીનો વિકાસ દર 6.5% રહેવાનો હોય તો એની સાથે પેલો 10% નોમિનલ જીડીપીનો આંકડો સરખાવવો હોય તો 2020-21ના વરસમાં ફુગાવો લગભગ અડધો થઈ 3.5%ની સપાટીએ રહેવો જોઈએ જે અશક્ય નહીં તો મુશ્કેલ જરૂર છે.
અને ફુગાવાનો દર વધુ રહે તો અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર-જીડીપી ઘટે. જીડીપી ઘટે એટલે કરવેરાની આવકો ઘટે અને વળી પાછું પેલી ફિસકલ ડિફિસીટ 3.5%થી કૂદકો મારી આગળ ગમે ત્યાં જતી રહે.
નાણામંત્રીનું બજેટ એ કોઈ 'મહેતાજીનું સરવૈયું' નથી. એમાં સરકારની નીતિઓની દિશા, લક્ષ્યાંકો અને એ લક્ષ્યાંકોને પાર પાડવા નાણાકીય જોગવાઈ તેમજ એ નાણાકીય જોગવાઈને પાર પાડવા કરવેરાની આવકો, આ બધી માહિતી આપતું પૉલીસી ડૉક્યુમૅન્ટ એટલે બજેટ.
આમ પહેલા મુદ્દે જ જીડીપી ગ્રોથ અને ફિસકલ ડિફિસીટમાં ધાર્યું નિશાન ન વાગે તો બજેટના બાકીના બધા આંકડા અને અપેક્ષાઓ ખાડામાં પડે.
આવકવેરામાં છૂટની ચર્ચા કરતાં પહેલાં આ અંગેની કેટલીક રસપ્રદ બાબતો પહેલા જાણી લઈએ
- 2018-19ની સાલમાં 3.5 કરોડ રિટર્ન ફાઇલ થયા.
- એમાંથી 40.5 ટકા રિટર્ન ઝીરો ટૅક્સ પૅયેબલ હતા.
- 93.24 ટકામાંથી માત્ર 8.74 ટકા આવકવેરો ભરે છે
- એક ટકા પાસેથી ૭૦ ટકા આવકવેરો મળ્યો
- 72 ટકા રિટર્ન ભરવાવાળા 2.5 લાખથી 9 લાખની આવક ધરાવનારા.
- 3.5 કરોડ કરોડમાંથી 77 લોકોએ 100 કરોડની આવક બતાવી
- ત્રણ વ્યક્તિએ 500 કરોડથી વધારે આવક બતાવી
- 9 રિટર્નમાં નોકરી કરવાવાળા લોકોએ 100 કરોડથી વધારે આવક બતાવી
હવે નિર્મલા સીતારમણે ઇન્કમટૅક્સ માટે નીચેના રૅટ નક્કી કર્યા છે
- 5થી 7.5 લાખની આવક ઉપર માત્ર 10 ટકા કર (અત્યારે 20 ટકા)
- 7.5થી 10 લાખની આવક ઉપર 15 ટકા ટકા કર (અત્યારે 20 ટકા)
- 10થી 12.5 લાખની આવક ઉપર 20 ટકા કર (અત્યારે 30 ટકા)
- 12.5થી 15 લાખની આવક ઉપર 25 ટકા કર (અત્યારે 30 ટકા)
- 15 લાખ ઉપર 30 ટકા કર
વ્યક્તિગત આવકવેરામાંથી રાહતો મળશે એવી પણ એક અપેક્ષા હતી.
ડૉ. સુબ્રમણિયમ સ્વામીએ આવકવેરો સાવ નાબુદ કરી દેવાની વાત કરી પણ નાણામંત્રીએ એમાં એક હાથે આપીને બીજા હાથે ઘણું બધું લઈ લીધું હોય એવું લાગે છે.
કરવેરામાં રાહત આપવી પણ સાથોસાથ 100 જેટલા ડીડક્શન હતા, તેમાંથી 70 એક ઝાટકે ઉડાવી દીધા અને બાકીના 30 પણ કાઢી નાખવાની વિચારણામાં છે એવું કહી દીધું.
આ વિકલ્પ ન ફાવે તો જૂની યોજનામાં ચાલુ રાખી શકાય એમ પણ બીજો એક ફાંટો પાડ્યો. કૉર્પોરેટ ટૅક્સ રૅટનો સ્લૅબ 10% ઘટાડ્યો ત્યારે પણ તેમણે આવું જ કંઈ કર્યું હતું. ટૅક્સ ઘટાડ્યો અને રાહતો પાછી ખેંચી લીધી હતી.
શૅરબજારની અપેક્ષા હતી ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટૅક્સ (DDT) અને લૉન્ગ ટર્મ કૅપિટલ ગૅઇન ટૅક્સ (LTCG) કાઢી નખાય તેવી. આમાંથી DDT કાઢ્યો પણ LTCG નહીં. શૅરબજારની કદાચ આ એક મોટી નિરાશા છે.
આ વખતે ખાનગીકરણ ઉપર વધુ ભાર મુકાયો છે. IDBI બૅન્ક અને LIC જેવી કંપનીઓનાં ખાનગીકરણથી મોટું ભંડોળ ઊભું કરવા સરકાર ઈચ્છે છે.
કેટલાક મુદ્દાની વાત કરીએ. ગ્રામવિકાસ, ખેતીની આવક બમણી કરવા તરફનું પ્રયાણ, પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બંને અત્યારે 'આંબે મ્હોર અને કલાલે લેખાં' જેવી લાગે છે.
કૃષિ અને અર્થવ્યવસ્થા બંને વાર્ષિક 18 ટકાથી વધુ વિકાસદર હાંસલ કરે તો આ શક્ય બને.
આમ, આ બજેટમાં ગ્રામીણ વિકાસથી માંડી કૃષિવિકાસ, રોજગારીથી માંડી શિક્ષણ અને આરોગ્યથી માંડી કરવેરા સુધી, ઘણાં બધાં પાસાં ખૂબ લંબાણપૂર્વક આવરી લેવાયાં છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે આંતરમાળખાકીય સવલતો માટે 100 લાખ કરોડ કરતાં વધુ નાણાં આવનાર વરસોમાં ખરચવાની વાત કરી છે. રૅફ્રિજરેટર, ટ્રેન, કૉલ્ડ ચેઇન વગેરે અંગે પણ વાતો ખૂબ સારી થઈ છે.
ગ્રામલક્ષ્મી યોજના જો ફળે તો ન્યાલ કરી દેશે, પણ આ બધી લાંબાગાળાની યોજનાઓ છે.
મહાન અર્થશાસ્ત્રી કેઇન્સે કહ્યું છે - 'In the long-term we all are dead'.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.