CAA-NRC : દિલ્હીના શાહીનબાગમાં પ્રદર્શનસ્થળે જામિયાની જેમ ગોળીબાર

નવી દિલ્હીના શાહીનબાગ ખાતે CAA-NRC વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનના સ્થળે એક યુવક દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે.

દોઢ કરતાં વધારે મહિનાથી શાહીનબાગ ખાતે વિરોધપ્રદર્શન ચાલી રહ્યું છે.

સમાચાર એજન્સી એએનઆઈ તથા પીટીઆઈ પ્રમાણે શાહીનબાગ સ્થિત પ્રદર્શનસ્થળે ગોળીબાર થયો છે અને ગોળીબાર કરનાર શખ્સને પોલીસ ઘટનાસ્થળેથી પકડીને લઈ ગઈ છે.

શાહીનબાગમાં પ્રદર્શનસ્થળે હાજર ઇમાદ અહમદે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં આ ઘટનાની ખરાઈ કરી હતી.

ઇમાદ અહમદનું કહેવું છે કે હુમલાખોરે પ્રદર્શનકારીઓ તરફ ગોળીબાર કર્યો હતો, જોકે કોઈને હાનિ થઈ નહોતી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ શાહીનબાગ પાસે જ આવેલી જામિયા મિલિયા ઇસ્લામિયા ખાતે CAA-NRC વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન ગોળીબાર કરાયો હતો.

દક્ષિણ-પૂર્વ દિલ્હીના ડીસીપી ચિન્મય બિસ્વાલે પણ ગોળીબાર થયાની ઘટનાની ખરાઈ કરી છે અને તેમનું કહેવું છે કે 'ઘટના બાદ તુરંત જ પોલીસે ગોળી ચલાવનાર શખ્સને કસ્ટડીમાં લીધો હતો.'

ઘટનાસ્થળના કેટલાક વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ એક શખ્સને લઈ જઈ રહી છે અને આ શખ્સ કહી રહ્યો છે કે 'અમારા દેશમાં બીજા કોઈનું ચાલશે નહીં, માત્ર હિંદુઓનું જ ચાલશે.'

શાહીનબાગ ખાતે નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલને દેશભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને સંબંધિત કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનનું કેન્દ્ર બની ગયું છે.

આ આંદોલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ છે.

કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે એક ચેનલ સાથેની મુલાકાતમાં કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદા અંગે મોદી સરકાર લોકોની આશંકાઓ દૂર કરવા માગે છે.

એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "જો તમે વિરોધ કરો છો તો તે સારી વાત છે. તમે વિરોધ કર્યો, તમે એક દિવસ વિરોધ કર્યો, તમે 10 દિવસ વિરોધ કર્યો. 25 દિવસ કર્યો, 40 દિવસ કર્યો."

"તમારી જમાતના બાકી લોકોનો સૂર અમે ટીવી પર સાંભળીએ છીએ, તેઓ કહે છે કે જ્યાં સુધી સીએએ પરત ન ખેંચાય ત્યાં સુધી અમે વાત નહીં કરીએ."

તેમણે કહ્યું, "જો એ લોકો ઇચ્છતા હોય કે સરકારના પ્રતિનિધિ વાત કરે તો એમની તરફથી હકારાત્મક વિનંતી થવી જોઈએ કે અમે લોકો વાતચીત માટે તૈયાર છીએ. કોઈ વાતચીત કરવા ગયું અને તેમની સાથએ દુર્વ્યવહાર કરાયો તો?"

"વાત કરવા માટે આવો. જો તમે એવું કહેતા હો કે ત્યાં આવીને જ વાત કરાય તો ત્યાં વાત કેવી રીતે થઈ શકે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો