You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Budget 2020: એ છ મુખ્ય જાહેરાત, જે તમને સીધી અસર કરશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે લગભગ 160 મિનિટના ભાષણમાં ભારતનું સામાન્ય બજેટ રજૂ કર્યું.
આ જાહેરાતોને શૅરબજારે નકારી કાઢી હતી, બપોરે પોણા બે કલાકે બૉમ્બે સ્ટોક ઍક્સચેન્જનો સૂચકાંક 650 પૉઇન્ટ નીચે લગભગ ચાલીસ હજાર આજુબાજુ ચાલી રહ્યો હતો.
નવી કરવ્યવસ્થા, સ્માર્ટ મીટર, ફેસલેસ અપીલ, બૅન્કમાં જમા રકમ ઉપર વીમાકવચ જેવી જાહેરાત કરવામાં આવી હતી.
નવી કરવ્યવસ્થા
સીતારમણે નાણાકીય વર્ષ 2020-21ના બજેટમાં વ્યક્તિગત કરદાતાઓ માટે નવી કરવ્યવસ્થાની જાહેરાત કરી હતી. જે મુજબ જો તે કોઈ કરમુક્તિનો લાભ ન લે તો પાંચ લાખ સુધીની આવક ઉપર કોઈ કર નહીં લાગે.
રૂ. પાંચથી સાડા સાત લાખ 10 ટકા, રૂ. સાડા સાત લાખથી રૂ. 10 લાખની આવક માટે 15 ટકા, રૂ. 10 લાખથી રૂ. રૂ. 12.5 લાખ 20 ટકા, રૂ. 12.5 લાખથી રૂ. 15 લાખ માટે 25 ટકા અને રૂ. 15 લાખથી વધુની આવક માટે 30 ટકાનો સ્લેબ જાહેર કરવામાં આવશે.
જોકે, નવી વ્યવસ્થા વૈકલ્પિક રહેશે, જો કોઈ વ્યક્તિ પુરાણી વ્યવસ્થા મુજબ અલગ-અલગ જોગવાઈઓ હેઠળ કરમુક્તિ લેવા માગે તો તે લઈ શકશે.
હાલમાં આવકવેરા કાયદા હેઠળ અલગ-અલગ 100 પ્રકારની મુક્તિ મળતી હતી, જેમાંથી લગભગ 70ને વર્તમાન બજેટમાં નાબૂદ કરાઈ છે તથા અન્યોને માટે પુનર્મૂલ્યાંકન હાથ ધરાશે.
પાંચ લાખ સુધી વીમાકવચ
વર્તમાન વ્યવસ્થા મુજબ કોઈ ખાતેદારના બૅન્ક-એકાઉન્ટમાં રહેલી રૂપિયા એક લાખ સુધીની રકમ ઉપર વીમાકવચ મળે છે. મતલબ કે બૅન્ક ફડચામાં જાય કે નાદાર થાય તો પણ રૂપિયા એક લાખ સુધીની રકમ સલામત રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, હવે આ મર્યાદાને વધારીને રૂપિયા પાંચ લાખ કરવામાં આવી છે. તાજેતરમાં પંજાબ-મહારાષ્ટ્ર કૉઓપરેટિવ બૅન્ક ફડચામાં ગઈ, ત્યારે આ અંગેની માગે વેગ પકડ્યો હતો.
એ સમયે સરકાર તથા મધ્યસ્થ બૅન્ક 'રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા'ની ભારે ટીકા થઈ હતી.
સ્માર્ટ મીટર
આગામી ત્રણ વર્ષમાં તમામ ગ્રાહકોને સ્માર્ટ પ્રિ-પેઇડ મીટર પૂરાં પાડવાં. જેમાં વપરાશ મુજબની રકમ ઓછી થશે.
આમ કરવાથી ગ્રાહકોને મરજી પડ્યેથી વીજવિતરણ કંપની બદલવાનો અધિકાર મળશે. વર્તમાન સંજોગોમાં મહદંશે એકાધિકારની સ્થિતિ પ્રવર્તે છે, જેથી નબળી ગુણવત્તાવાળી સેવા હોવા છતાં તેઓ કંપની બદલી શકતા નથી.
સરકારનું કહેવું છે કે વીજવિતરણ કંપનીની નાણાકીય સ્થિતિ સુધારવા માટે આમ કરવું જરૂરી છે. કારણ કે તેનાથી કંપનીઓને વધુ આવક મળે છે તથા જે વિસ્તારમાં ચોરી થતી હોય, તેને ઓળખવામાં મદદ કરે છે.
ઉપરાંત વીજવપરાશ અંગે નજીવા સમયમાં માહિતી પૂરી પાડે છે. આ માટે સરકારે મહત્ત્વાકાંક્ષી અટલ ડિસ્ટ્રિબ્યૂશન સિસ્ટમ ઇમ્પ્રૂવમૅન્ટ યોજના (ADITYA) લૉન્ચ કરી છે.
બૅન્કિંગ વ્યવસ્થામાં રોજગાર
હાલમાં અલગ-અલગ સરકારી બૅન્ક દ્વારા સ્વતંત્ર રીતે અલગ-અલગ પરીક્ષા લેવામાં આવે છે, જેના કારણે ઉમેદવારોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને તેમનો ખર્ચ વધી જાય છે.
આ સિવાય ઘણી વખત એક જ દિવસે કે એક જ સમયે અલગ-અલગ પરીક્ષાઓ આયોજિત થતી હોય તો અમુક પરીક્ષામાં ભાગ લઈ શકતા નહતા.
આવું ન થાય તે માટે એકીકૃત રિક્રૂટિંગ બોર્ડ ઊભું કરાશે. જે સરકારી બૅન્કોમાં નૉન-ગેઝેટેડ પદો માટે ભરતી કરશે.
આ રિક્રૂટમૅન્ટ સંસ્થા સ્વતંત્ર રીતે ભરતીપ્રક્રિયા હાથ ધરશે, જે ઑનલાઇન કૉમન ટેસ્ટ લેશે. આ માટે દરેક જિલ્લામાં એક કેન્દ્ર ઊભું કરાશે.
LICનું ખાનગીકરણ
સરકાર દ્વારા દેશની જાહેરક્ષેત્રની સૌથી મોટી જીવન-વીમા કંપની લાઇફ ઇન્સ્યૉરન્સ કૉર્પરેશનમાં આંશિક ભાગ વેચવામાં આવશે.
આ જાહેરાત કરતી વખતે સીતારમણે કહ્યું કે વ્યવસ્થાતંત્રમાં જવાબદારી લાવવા તથા વહીવટમાં સુધાર લેવા માટે આમ કરવામાં આવશે.
લગભગ છ દાયકાથી એલ.આઈ.સી. કાર્યરત છે. દેશમાં બે હજારથી વધુ શાખા છે તથા લગભગ 11 લાખ 50 હજાર એજન્ટનું નેટવર્ક ધરાવે છે.
સંસ્થા રૂ. 28 લાખ 28 હજાર 320 કરોડનું જીવનવીમા ભંડોળ ધરાવે છે. સરકારને પાંચ ટકા લેખે રૂપિયા 2661 કરોડનો હિસ્સો તથા રૂપિયા 11 હજાર કરોડ જેટલી કરની આવક ચૂકવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો