બ્રેક્ઝિટ : વિરોધ અને આવકાર વચ્ચે 47 વર્ષ બાદ EU થી અલગ થયું બ્રિટન

અનેક ઉતાર-ચઢાવ બાદ બ્રિટન ઔપચારિક રીતે યુરોપિયન સંઘથી અલગ થઈ ગયું છે. ભારતીય સમય મુજબ સવારે સાડા ચાર વાગ્યે બ્રિટને ઈ.યુ. સાથે છેડો ફાડ્યો હતો.

બ્રિટનમાં આ અંગે મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. બ્રિટને યુરોપિયન સંઘ સાથે છેડો ફાડ્યો તેના એકાદ કલાક પહેલાં વડા પ્રધાન બોરિસ જૉન્સને સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

દરમિયાન બ્રિટનમાં ઈ.યુ.ના સમર્થન તથા વિરોધમાં રેલીઓ નીકળી રહી છે.

જૉન્સનનો ત્રણ વર્ગને સંદશે

જૉન્સને તેમના વીડિયો સંદેશમાં કહ્યું કે જે લોકોએ વર્ષ 2016માં આ અભિયાનનું નેતૃત્વ લીધું હતું, તેમના માટે આ એક 'નવી સવાર' હશે.

અનેક લોકો માટે આ આશા તથા અપેક્ષાની આશ્ચર્યજનક ક્ષણ છે, જેમના માટે તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું.

જૉન્સને ઉમેર્યું કે 'કેટલાક લોકો ચિંતિત છે અને તેમને લાગે છે કે નુકસાન થઈ રહ્યું છે.'

આ સિવાય ત્રીજો વર્ગ એવો છે, જેને એવું લાગે છે કે આ રાજકીય અનિશ્ચિતતા સમાપ્ત જ નહીં થાય.

આ અંગે ટિપ્પણી કરતા જૉન્સને જણાવ્યું, "હું તમામની ભાવનાઓને સમજું છું અને સરકાર તરીકે અમારી અને વિશેષ કરીને મારી જવાબદારી છે કે હું બધાને સાથે લઈને આગળ વધુ."

સમર્થન અને વિરોધ

દરમિયાન બ્રિટનમાં અલગ-અલગ સ્થળોએ રેલીઓ નીકળી રહી છે. કેટલાક લોકો યુરોપિયન સંઘને છોડવાની વાતને આવકારી રહ્યા છે, તો અન્ય લોકો તેનું સમર્થન કરી રહ્યા છે.

પ્રવર્તમાન સ્થિતિમાં જૂના કેટલાક કાયદા યથાવત્ રહેશે અને ડિસેમ્બર મહિના સુધી નાગરિકોની અવરજવર પૂર્વવત્ જ રહેશે.

લેબર પાર્ટીના જેરેમી કોર્બિને કહ્યું હતું કે બ્રેક્સિટ બાદ દેશની પ્રગતિ જરૂરી છે. આ માટે યુરોપિયન સંઘ સાથેના સુમેળભર્યા સંબંધ જાળવી રાખવા રહ્યા અને અમેરિકા સાથે ફ્રી-ટ્રેડ ઍગ્રિમેન્ટની વાત ન સ્વીકારવી જોઈએ.

દરમિયાન બ્રસેલ્સ ખાતે યુરોપિયન સંઘના મુખ્યાલય બહારથી બ્રિટનનો ઝંડો હઠાવી લેવાયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો