બજેટ 2020 : શું મોદી સરકાર ઇન્કમટૅક્સમાં રાહત આપી શકશે?

    • લેેખક, નિધિ રાય
    • પદ, બિઝનેસ રિપોર્ટર, મુંબઈ

એક દાયકામાં સૌથી મોટી મંદીનો સામનો ભારત કરી રહ્યું છે ત્યારે આ વર્ષના બજેટ પર મોટી આશાઓ બંધાઈ છે.

આંકડા ચોંકાવનારા છે : છેલ્લાં 11 વર્ષમાં સૌથી ઓછા એવા 5%ના દરે વિકાસ થઈ રહ્યો છે; ખાનગી વપરાશ છેલ્લાં 7 વર્ષમાં સૌથી નીચી છે; છેલ્લાં 17 વર્ષની તુલનામાં સૌથી ઓછું મૂડીરોકાણ થઈ રહ્યું છે; છેલ્લાં 15 વર્ષમાં ઉત્પાદનનો સૌથી નીચો દર છે; કૃષિવિકાસની ગતિ છેલ્લાં ચાર વર્ષમાં સૌથી મંદ છે.

આ બધાની વચ્ચે આમ આદમી માટે જીવન મોંઘું બની રહ્યું છે, કેમ કે આરબીઆઈના અંદાજને વટાવીને ફુગાવો 7.35 ટકા સુધી પહોંચી ગયો છે.

અર્થતંત્રની સ્થિતિ સુધારવા માટે સરકાર શું કરી શકે?

નિષ્ણાતો એ વાતે સહમત થઈ રહ્યા છે કે સરકાર બજારમાં નાણાં ઠાલવે એ જરૂરી છે.

દાખલા તરીકે માળખાકીય સુવિધામાં રોકાણ કરવામાં આવે તો જરૂરી રોજગારી ઊભી થઈ શકે.

સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2019ના ત્રિમાસિકમાં ભારતનો બેરોજગારીનો દર 7.5 ટકા સુધી પહોંચ્યો છે, એમ સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (CMIE)ના આંકડા કહે છે.

આવી સ્થિતિમાં નાણામંત્રી નિર્મલા સિતારમણ સામે વિમાસણ ઊભી થઈ છે. તેઓ કૉર્પોરેટ-ટૅક્સમાં ઘટાડો કરવાની જાહેરાત અગાઉ કરી ચૂક્યા છે.

બીજી બાજુ જીએસટી સહિતની કરવેરાની સરકારની આવક ઘટી રહી છે. તેના કારણે સરકાર પાસે વાપરવા માટે વધારાનાં નાણાં છે જ નહીં.

આમ છતાં નિષ્ણાતો કહી રહ્યા છે કે સરકાર આવકવેરો ઘટાડવાનું વિચારી શકે છે.

શું તેનાથી ઉકેલ આવશે?

એમકે વેલ્થ મૅનેજમૅન્ટના રિસર્ચના વડા ડૉ. કે. જોસેફ થોમસે બીબીસીને જણાવ્યું હતું, "વ્યક્તિગત વેરામાં ઘટાડો કરવામાં આવે તેનાથી લોકોના હાથમાં પૈસા વધે. પૈસા વધે તો વધારે ખર્ચ કરવાની કે બચત કરવાની શક્યતા ઊભી થાય. તેથી વ્યક્તિગત વેરામાં ઘટાડાને સારો ગણવામાં આવે છે."

"બીજું કે વેરાની બાબતમાં વાજબીપણું રાખવું જરૂરી છે અને તે રીતે કૉર્પોરેટ ટેક્સ ઘટાડવામાં આવે તો સામે વ્યક્તિગત વેરામાં ઘટાડો કરવો જોઈએ."

"વિશાળ અને વિકસી રહેલા અર્થતંત્રમાં ગ્રાહકોની ખરીદી નીકળે અને કંપનીઓ મૂડીરોકાણ કરે તો જ અર્થતંત્રમાં સુધારો આવે."

"અર્થતંત્રનાં જુદાંજુદાં સૅક્ટરમાં નાણાંપ્રવાહ પહોંચે એ જરૂરી છે અને આ વખતના બજેટમાં તેના પર જ સૌથી વધુ ધ્યાન આપવું જરૂરી છે."

સમસ્યા એ છે કે ભારતમાં બહુ ઓછા લોકો આવકવેરો ભરે છે.

સરકારે કરદાતા વધે તે માટે થોડા પ્રયાસો કર્યા હતા. 2018-19માં અંદાજે 20% લોકોએ આવકવેરો ભર્યો હતો, જે અગાઉનાં વર્ષોના વસતીના 6% કરતાં વધારે હતો.

બીજું કે આવકવેરામાં ઘટાડો કરવાથી ઘણા બધા લોકો રાજી થશે, પરંતુ તેના કારણે સરકારની આવકમાં મોટો ઘટાડો પણ થઈ શકે છે.

નિષ્ણાતો શું કહે છે?

આવા સંજોગોમાં સરકાર કેવી રીતે આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરી શકે?

આંકડા આધારે સર્વે કરતી સંસ્થા લોકલ સર્કલે દેશભરમાં 80,000 લોકોને આ વિશે સવાલો પૂછ્યા હતા.

આ સર્વે અનુસાર 69% લોકોએ જણાવ્યું હતું કે આવકવેરાની વાર્ષિક મર્યાદા હાલમાં માત્ર અઢી લાખ રૂપિયા છે, તે વધારીને પાંચ લાખની કરી દેવી જોઈએ.

લગભગ 30% લોકોએ કહ્યું કે સમગ્ર રીતે આવકવેરાના દરોમાં ઘટાડો કરવો જોઈએ.

ડેલોઇટ ઇન્ડિયાનાં પાર્ટનર દિવ્યા બાવેજાએ બીબીસીને જણાવ્યું હતું, "જીવનધોરણ મોંઘું બન્યું છે ત્યારે લોકોમાં અપેક્ષા છે કે સરકાર યોગ્ય પગલાં લઈને તેમના હાથમાં વધારે નાણાં રહે તેવું કરશે. તેના કારણે ખરીદી, બચત અને રોકાણ વધી શકે છે."

"આવકવેરાના સ્લેબનો વ્યાપ વધારવો જોઈએ અને વેરાના દર ઘટાડવા જોઈએ, જેની બહુ લાંબા સમયથી માગણી થઈ રહી છે. આવું થવાની શક્યતા છે, કેમ કે સરકાર લોકોની ખરીદશક્તિ વધારીને બજારમાં માગ નીકળે તે માટે પ્રયાસો કરવા ઇચ્છતી હોય તેમ બને."

જોકે આ બાબતમાં નિષ્ણાતો જુદોજુદો અભિપ્રાય ધરાવે છે. કેટલાક કહે છે કે આવકવેરાના સ્લેબમાં ફેરફારથી ફાયદો થશે, ત્યારે અન્યો કહી રહ્યા છે તેના કારણે ઊલટાનું નુકસાન થશે.

"સરકાર માટે આવકવેરાની મહેસૂલ અગત્યનો હિસ્સો છે (લગભગ 30% હિસ્સો છે). કૉર્પોરેટ-ટૅક્સમાં અને (મંદીના કારણે) જીએસટીની આવકમાં ઘટાડો થયો છે ત્યારે સરકારે ખર્ચને પહોંચી વળવા માટે આવકવેરા પર જ આધાર રાખવો જરૂરી બન્યો છે."

"સરકાર આર્થિક રીતે ભીંસમાં છે ત્યારે આગામી બજેટમાં આવકવેરામાં રાહત મળે તેવી શક્યતા દેખાતી નથી. જોકે ઓછા વેરાને કારણે ખરીદી વધે તેવું બની શકે છે," એમ કૅર રેટિગ્ઝના સિનિયર અર્થશાસ્ત્રી કવિતા ચાકો કહે છે.

સરકારે બોજ બનેલા ઍર ઇન્ડિયા તથા અન્ય કેટલાક સરકારી એકમોને વેચવા માટેની જાહેરાત કરી જ છે.

અર્થશાસ્ત્રીઓને આશા છે કે સરકાર 50થી વધુ વસ્તુઓ પર આયાતજકાત વધારશે, જેથી સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન મળે અને માળખાકીય સુવિધામાં રોકાણ વધે.

આ રીતે નાણામંત્રી સીતારમણ માટે આમ આદમીઓને ખુશ રાખવા સાથે પોતાના બજેટ અને અર્થતંત્રને તંદુરસ્ત રાખવા માટે સંતુલન જાળવવું પણ જરૂરી બન્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો