ટૅક્સ અને નોન-ટૅક્સ રેવન્યુમાં જંગી ઘટાડો અને વધતી નાણાખાધ માટે સરકાર શું કરશે?

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દેશ તીવ્ર મંદીના ભરડામાં ફસાયો છે ત્યારે આવનાર બજેટમાં નાણામંત્રી લાંબા ગાળાનું વિચારી દેશને મંદીમાંથી બહાર લાવવા પ્રયત્ન કરશે કે પછી નાણાં શિસ્ત જાળવવાના પ્રયત્નો કરશે?

ઉપલબ્ધ રેવન્યુ આંકડા બતાવે છે કે સરકાર પાસે વિકાસને ઉત્તેજના આપવા માટે ઘણો ઓછો અવકાશ છે.

જો સરકારની બિન-બજેટ જવાબદારીઓ (અથવા અટકાવેલ ચુકવણીઓ)ને ધ્યાનમાં લેવામાં આવે, તો કેન્દ્ર સરકારની વાસ્તવિક રાજકોષીય ખાધ ચાલુ નાણાંકીય વર્ષમાં કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)ના 5.5% જેટલી થઈ શકે છે, જે ગત વર્ષે જુલાઈમાં રજૂ કરાયેલા છેલ્લા બજેટની (3.3%) સરખામણીએ વધારે છે.

નાણાકીય વર્ષ 2020માં કુલ આવકમાં ઘટ 1.6 ટ્રિલિયન રૂપિયા હોવાનો અંદાજ છે.

બજેટ સિવાયની જવાબદારીઓની વાત કરીએ તો જાહેર ક્ષેત્રની કંપનીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ બૉન્ડ ઇશ્યુઅન્સ અને NSSF લૉન સામેલ છે.

આ ઉપરાંત 2001-02 થી 2008-09 વચ્ચેના વર્ષો માટે ઑઇલ બૉન્ડ્સ, ફર્ટિલાઇઝર બૉન્ડ્સ અને એફસીઆઈ બૉન્ડ્સ સામેલ છે. (એકલા FCIની કેરી-ઓવર બે ટ્રિલિયન થવા જાય છે) આમાં બૅન્ક રિકૅપિટલાઇઝેશન બૉન્ડનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

નાણાકીય વર્ષ 2020 માટે એવું માનવામાં આવે છે કે નાણાકીય વર્ષ 2019માં જે ઑફ બજેટ જવાબદારીઓ હતી તે જ કેરીફોરવર્ડ કરવામાં આવશે.

વધતી જતી ખાધ એ સરકારની તિજોરીમાં થયેલ ઓછી આવકને કારણે છે. આર્થિક મંદીને પગલે ટૅક્સની આવકમાં ઘટાડો થયો.

2019-20ના પ્રથમ આઠ મહિના આ સરકારની તિજોરીમાં માત્ર 9.83 ટ્રિલિયન (ટૅક્સ અને નોન ટૅક્સ રેવન્યુ) રૂપિયાની આવક થઈ જે નિર્ધારિત આવક કરતાં લગભગ 50 ટકા ઓછી હતી, જેમાં ટૅક્સ રેવન્યુ 7.5 ટ્રિલિયન રૂ. અને નોન ટૅક્સ રેવન્યુ 2.32 ટ્રિલિયન રૂ. થવા પામી હતી.

ટૅક્સ રેવન્યુમાં 45 ટકા અને નોન ટૅક્સ રેવેન્યુમાં 73 ટકા જેટલો ઘટાડો થવા પામ્યો હતો.

છેલ્લા કેટલાક વર્ષના રેવન્યુ આંકડાઓનું અધ્યન કરતાં જોવા મળે છે કે મોટા ભાગનું (53 ટકા જેટલું) રેવન્યુ કલેક્શન ફક્ત નવેમ્બર માસમાં થાય છે.

એક અંદાજ મુજબ આ વર્ષે 18.4 ટ્રિલિયન રૂપિયા જેટલું કલેક્શન થશે જે બજેટ અનુમાન 19.6 ટ્રિલિયન રૂપિયા કરતાં 1.2 ટ્રિલિયન રૂપિયા જેટલું ઓછું હશે.

એ જ રીતે ડિસિઈનવેસ્ટમૅન્ટના લક્ષ્યાંકમાં પણ કમી આવશે. ફાયનાન્સ મિનિસ્ટ્રી તરફથી મળતી માહિતી મુજબ જો બજાર અનુકૂળ રહેશે તો ડિસિઈનવેસ્ટમૅન્ટનું 60 ટકા લક્ષ્યાંક સિદ્ધ કરી શકાશે.

જેનાથી ડિસિઈનવેસ્ટમૅન્ટમાં 42000 કરોડ રૂપિયા જેટલી શોર્ટફોલ રહેશે. આમ આવકમાં થયેલી ઘટને કારણે નાણાંકીય ખાધ જીડીપીના 4.2 ટકા જેટલી રહેશે તેવો અંદાજ છે.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા ડિવિડંડ પેટે મેળવેલી 1.76 લાખ કરોડ જેટલી જંગી રકમ અને બિન-કરવેરાપાત્ર આવકમાં વધારો અને સરકારની હાલની બજેટ સિવાયની જવાબદારીઓને ન ગણીએ તો પણ નાણાંકીય ખાધ જીડીપીના 4.2 ટકા રહેશે.

જો સરકારની બજેટ સિવાયની જવાબદારીઓ, જેમાં નેશનલ સ્મૉલ સેવિંગ ફંડ (NSSF)ની પબ્લિક ઍન્ટિટીઝ અને ગવર્નમેન્ટ સર્વિસ બૉન્ડની ગણતરી કરીએ તો નાણાંકીય ખાધ જીડીપીના 5.5 ટકા જેટલી વધી જાય.

આમ એક તરફ બજારમાં માંગ વધે અને અર્થતંત્ર ફરીથી બેઠું થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ સરકારના માથે 'એક સાંધે, ત્યાં તેર તૂટે' તેવા હાલ છે.

રિઝર્વ બૅન્ક પાસેથી જે લેવાનું હતું તેટલું ડિવિડંડ લીધું, પરંતુ વધુ નાણાં સ્રોત ક્યાંથી ઊભા કરવા એ પ્રશ્ન છે. આ બાબત લાંબાગાળાના કોઈ નક્કર પગલાં માગી લે તેમ છે.

જે રીતે કપરા સમયમાં નરસિંહ્મારાવ સરકારે જે પગલાં ભર્યા હતા તેવા મોટા સ્ટ્રક્ચરલ રિફોર્મ સિવાય આ મંદી માટે કોઈ પણ બુસ્ટરડોઝ (તે પછી RBIનો ડિવિડંડ પેટેનો હોય કે કૉર્પોરેટ ટૅક્સ કટ) કામ આવે તેમ નથી.

આના માટે આર્થિક નીતિઓમાં મોટી સર્જરી કરવી પડે તે સમય પાકી ગયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો