ગર્ભપાત અંગે મોદી સરકાર કઈ નવી જોગવાઈઓ લાવી રહી છે?

હવે મહિલાઓ ગર્ભધારણનાં 24 અઠવાડિયાં બાદ પણ ગર્ભપાત કરાવી શકે છે, વર્તમાન નિયમો મુજબ ગર્ભધારણનાં 20 અઠવાડિયાં એટલે કે પાંચ મહિના બાદ ગર્ભપાતને મંજૂરી નથી અને અસામાન્ય સંજોગોમાં ગર્ભપાત માટે કોર્ટની મંજૂરી લેવી પડે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કૅબિનેટની બેઠકમાં આ અંગેના એક ખરડાને મંજૂરી આપી દેવાઈ છે.

આગામી બજેટસત્ર દરમિયાન 'મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રૅગનન્સિ (ઍમેન્ડમૅન્ટ) બિલ,2020' રજૂ કરાશે.

માહિતી અને પ્રસારણપ્રધાન પ્રકાશ જાવડેકરના કહેવા પ્રમાણે, લાંબાસમયથી મહિલાઓ દ્વારા માગ કરવામાં આવી રહી હતી કે ગર્ભપાત માટે નિર્ધારિત સમયમર્યાદાને વધારવામાં આવે.

આ સિવાય કેટલાક તબીબોએ પણ આ અંગે ભલામણ કરી હતી અને ન્યાયપાલિકાએ પણ આ સંબંધે આગ્રહ કર્યો હતો.

જાવડેકરનું કહેવું છે કે એક અનુમાન પ્રમાણે, અસલામત ગર્ભપાતને કારણે લગભગ આઠ ટકા મહિલાઓનાં મૃત્યુ થાય છે.

જાવડેકરે કહ્યું, "કેટલીક વખત બળાત્કારપીડિતા, બીમાર મહિલા કે સગીરાઓને ગર્ભધારણ અંગે સમયસર જાણ નથી થતી."

"આથી તેઓ અસલામત રીતે ગર્ભપાત કરાવવાનો પ્રયાસ કરે છે, જેને કારણે કેટલાક કિસ્સામાં મૃત્યુ થયા હોય એવું પણ બહાર આવ્યું છે."

પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે, એમ.ટી.પી. (મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગનન્સી)માં સુધાર દ્વારા ચોક્કસ પ્રકારની મહિલાઓને રાહત આપવામાં આવશે.

જેમાં દુષ્કર્મપીડિતા, સગા-સંબંધી સાથેના જાતીય સંબધનાં પીડિતા તથા અન્ય મહિલાઓ (વિકલાંગ મહિલાઓ તથા સગીરાઓ)ને પણ સામેલ કરવામાં આવશે.

સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડૉ. રેણુ મલિક કહે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી અમે માગ કરી રહ્યાં હતાં કે ગર્ભપાત માટેની સમયમર્યાદા 20 અઠવાડિયાંથી વધારીને 24 અઠવાડિયાં કરવામાં આવે.

તેઓ કહે છે, "ગર્ભસ્થ બાળકમાં કોઈ શારીરિક કે માનસિક સમસ્યા હોય તો તેની જાણ 22 કે 24 અઠવાડિયાં પછી જ થાય છે."

તબીબોના કહેવા પ્રમાણે, જો ગર્ભસ્થ બાળકમાં કોઈ ખોડ હોય તો તેના માટે લેવલ-ટૂ સ્કેનિંગ કરાવવામાં આવે છે. જેના માટેનો યોગ્ય સમય 18થી 22 અઠવાડિયાંની વચ્ચેનો છે.

આ દરમિયાન જન્મજાત બીમારી હોય તો તેની જાણ થઈ જાય છે.

ડૉ. રેણુ કહે છે, "તાજેતરમાં મારી પાસે એક ગર્ભવતી મહિલા આવી હતી."

"તેની સારવાર એક સરકારી હૉસ્પિટલમાં ચાલી રહી હતી, જ્યાં જરૂરી અલ્ટ્રા-સાઉન્ડ પરીક્ષણ નહોતું કરાયું."

"20મા અઠવાડિયે અમને જાણ થઈ કે બાળકમાં નાકનું હાડકું નથી. 20 અઠવાડિયાંની ઉપર બે દિવસ થઈ ગયા છે."

"હાલમાં નિર્ધારિત સમયમર્યાદા 20 અઠવાડિયાંની છે, એટલે ડાઉન-સિન્ડ્રોમ હોવા છતાં બાળકને રાખવું પડે, ચાહે જે કંઈ થઈ જાય."

"ખોડવાળા બાળકને કારણે માતાપિતા ઉપર આર્થિક, શારીરિક અને માનસિક દબાણ આવે છે. કોઈ ન ઇચ્છે કે તેમને ત્યાં અસ્વસ્થ બાળક પેદા થાય."

સરકારે આ મુદ્દે કેન્દ્રીય માર્ગ અને પરિવહનપ્રધાન નીતિન ગડકરીની અધ્યક્ષતામાં પ્રધાનોની એક કમિટીનું ગઠન કર્યું હતું.

બિલની જોગવાઈ પ્રમાણે, બે તબીબોની ભલામણ બાદ 24 અઠવાડિયાં સુધીમાં ગર્ભપાતની મંજૂરીની જોગવાઈ કરવામાં આવી છે.

વર્ષ 2014થી સરકાર આ અંગે અલગ-અલગ પક્ષકારો સાથે પરામર્શ કરી રહી હતી.

બૉમ્બે હાઈકોર્ટમાં ત્રણ મહિલાઓએ અરજી દાખલ કરીને માગ કરી હતી કે 20 સપ્તાહ બાદ પણ ગર્ભપાતની મંજૂરી મળવી જોઈએ, ત્યારથી આ વિશે ચર્ચા શરૂ થઈ હતી.

આ મહિલાઓના કેસ સાંભળ્યા બાદ, ડૉક્ટરોની ભલામણને આધારે અદાલતે તેમને ગર્ભપાતની મંજૂરી આપી હતી.

જસ્ટિસ એ. એસ. ઓકા તથા એમ.એસ. સોનકની ડિવિઝન ખંડપીઠે ઠેરવ્યું હતું કે રજિસ્ટર્ડ ડૉક્ટરને લાગે કે મહિલાનો જીવ બચાવવા માટે તત્કાળ ગર્ભપાત કરવો અનિવાર્ય છે, તો તે હાઈકોર્ટની મંજૂરી વગર 20 અઠવાડિયાં બાદ પણ ગર્ભપાત કરી શકે છે.

ત્યારબાદ મદ્રાસ હાઈકોર્ટે એક ન્યૂઝ રિપોર્ટની સ્વતઃ નોંધ (સુઓ-મોટો) નોંધ લઈને ભારત સરકારને મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રૅગનન્સી (એમ.ટી.પી.) ઍક્ટ, 1971માં સુધાર કરવા કહ્યું હતું.

કોર્ટે ભારત સરકારને પૂછ્યું હતું કે ગર્ભપાત માટેની સમયમર્યાદા 20 અઠવાડિયાંથી વધારીને 24 અઠવાડિયાં કરવા માટે કેટલો સમય લાગશે?

કોર્ટે આ મુદ્દે ભારત સરકારને જૂન મહિના સુધીમાં જવાબ આપવા કહ્યું હતું.

મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે દર વર્ષે લગભગ બે કરોડ 70 લાખ બાળકો જન્મ લે છે, જેમાંથી 17 લાખ બાળકોને જન્મજાત ખોડખાંપણ હોય છે.

તબીબોનું કહેવું છે કે ગ્રામીણ વિસ્તારોમાં બાળકોમાં રહેલી જન્મજાત ખામી અંગે મોડેથી જાણ થાય છે અને 20 અઠવાડિયાં બાદ તેમનો ગર્ભપાત કરાવવો શક્ય નથી હોતો.

એક શક્યતા આ પણ...

24 અઠવાડિયે ગર્ભપાત કરાવવા સામે સૌથી મોટો પડકાર એ છે કે આ સંજોગોમાં બાળક જીવિત બહાર આવે તેવી પણ શક્યતા રહે છે.

ઉપરોક્ત સંજોગોમાં બાળકની સારવાર તથા તે જીવિત રહે ત્યાર સુધી તેની સંભાળની જવાબદારીનો મુદ્દો ઊભો થાય છે.

ડૉ. મંજૂ ખેમાણીના કહેવા પ્રમાણે, "ગર્ભપાત 20માં અઠવાડિયે કરવામાં આવે કે 24માં, બંને સંજોગોમાં ડિલિવરી કરાવવામાં આવે છે."

"કારણ કે, બાળક વિકસિત હોય છે તથા અન્ય કોઈ રીતે તેને બહાર ન કાઢી શકાય."

"20માં અઠવાડિયે બાળકની મૃત ડિલિવર થાય છે, પરંતુ 24માં અઠવાડિયે તે જીવિત હોય તેવી પણ શક્યતા રહેલી હોય છે. ત્યારે આવા બાળકની જવાબદારી કોણ લેશે?"

ઉપરોક્ત સંજોગ સંદર્ભે બૉમ્બે હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો છે.

જેમાં ઉચ્ચ અદાલતે ઠેરવ્યું હતું કે 'કાયદાકીય મર્યાદામાં રહીને કરાવાયેલ ગર્ભપાતમાં બાળક જીવિત બહાર આવે અને માતાપિતા તેની જવાબદારી લેવા તૈયાર ન થાય તો રાજ્ય સરકાર કે તેની એજન્સીએ બાળકની જવાબદારી લેવાની રહેશે.'

ડૉ. રેણુ મલિક સ્વીકારે છે કે 24માં અઠવાડિયા સુધીમાં ગર્ભપાત કરાવવામાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે.

સાથે જ કહે છે, "24 અઠવાડિયાંનું બાળક જીવિત હોય અને શરૂઆતના સમયમાં તે શ્વાસ લે પણ લાંબા સમય સુધી સર્વાઇવ નથી કરી શકતું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો