You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શાહીનબાગના પ્રદર્શનની દિલ્હીની ચૂંટણીનાં પરિણામો પર કેટલી અસર થશે?
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
દિલ્હીના બાબરપુરમાં ભાજપની રેલી સંબોધતાં ગૃહમંત્રી અમિત શાહે બંને હાથ ઊંચા કરીને મુઠ્ઠી વાળીને જોરથી 'ભારત માતા કી જય'ના નારા પોકાર્યા અને કહ્યું, 'આ શાહીનબાગના જેટલા સમર્થકો છે, જ્યાં સુધી અવાજ પહોંચવો જોઈએ.'
અમિત શાહે પાર્ટીના સમર્થકોને 8 ફેબ્રુઆરીએ દિલ્હી ચૂંટણીમાં જોશથી વોટ આપવાની અપીલ કરતાં કહ્યું, "તમારો વોટ દિલ્હી અને દેશની સુરક્ષા પણ નક્કી કરશે અને હજારો શાહીનબાગોની ઘટનાઓને રોકવાનું કામ પણ કરશે."
શાહે કહ્યું, "મિત્રો બટન દબાવો એટલા ગુસ્સા સાથે દબાવો કે બટન અહીં બાબરપુરમાં દબાય અને કરંટ શાહીનબાગમાં લાગે."
બીજી તરફ સોશિયલ મીડિયામાં ભાજપના સાંસદ અને કેન્દ્રીય નાણારાજ્યમંત્રી અનુરાગ ઠાકુરનો એક વીડિયો વાઇરલ થયો, જેમાં તેઓ નારા પોકારી રહ્યા છે- 'દેશ કે ગદ્દારો કો...' અને ત્યાં હાજર લોકો કહી રહ્યા છે- 'ગોળી મારો ** કો...'
કેન્દ્રીય ચૂંટણી પંચે વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ ઠાકુર પાસેથી ખુલાસો માગ્યો છે.
અમિત શાહના આ નિવેદન પર આમ આદમી પાર્ટીની મદદ કરી રહેલા રણનીતિકાર અને બિહારમાં ભાજપના સહયોગી જદયુના નેતા પ્રશાંત કિશોરે ટ્વીટ કરીને કહ્યું કે '8 ફેબ્રુઆરીએ ઇવીએમનું બટન તો પ્રેમથી જ દબાશે.'
ગૃહમંત્રી અમિત શાહના આ નિવેદનથી સ્પષ્ટ છે કે શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ચાલી રહેલું પ્રદર્શન હવે ભાજપ માટે દિલ્હી ચૂંટણીનો મોટો મુદ્દો છે.
સોમવારે કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે શાહીનબાગના પ્રદર્શન પર નિશાન સાધતાં કહ્યું, "શાહીનબાગ એક વિચાર બની ગયો છે, અહીં ટુકડે-ટુકડે ગૅંગના લોકો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રસાદે કહ્યું, "કેજરીવાલ અને સિસોદિયા શાહીનબાગ સાથે ઊભા છે, પરંતુ એ લાખો લોકોનો શાંત અવાજ કેજરીવાલ સુધી કેમ નથી પહોંચતો કે તેમનાં બાળકો સ્કૂલે જઈ શકતા નથી, જેઓ ઓફિસ નથી જતાં, જેમની દુકાનો બંધ છે."
તેમણે કહ્યું, "શું આવી દિલ્હી જોઈએ છે, જેને કેટલાક લોકો પોતાના વોટ માટે ઠપ કરી દે છે?"
રવિશંકર પ્રસાદની પત્રકારપરિષદ બાદ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ શાહીનબાગના રસ્તા ખૂલવા દેતો નથી અને 8 ફેબ્રુઆરીએ મતદાન બાદ આ રસ્તો ખૂલી જશે.
તેઓએ કહ્યું, "શાહીનબાગમાં રસ્તા બંધ છે, જેને કારણે ઘણા લોકોને અગવડ પડી રહી છે, સ્કૂલનાં બાળકોને તકલીફ થઈ રહી છે, ઍમ્બુલન્સને જવામાં અડચણ થઈ રહી છે."
"અડધા કલાકના રસ્તામાં લોકોને અઢી-અઢી ત્રણ-ત્રણ કલાક લાગી જાય છે. હું આ અંગે ઘણી વાર કહી ચૂક્યો છું કે આ દેશમાં બંધારણીય રીતે દરેક વ્યક્તિને વિરોધનો અધિકાર છે, પરંતુ તેને કારણે કોઈને તકલીફ ન થવી જોઈએ."
કેજરીવાલે કહ્યું, "જેના હેઠળ દિલ્હીનો કાયદો-વ્યવસ્થા આવે છે એ ભાજપની કેન્દ્ર સરકાર આનું સમાધાન કેમ નથી કરતી."
"હમણાં રવિશંકર પ્રસાદ પત્રકારપરિષદ સંબોધી રહ્યા હતા, તેઓએ ત્યાં શાહીનબાગ જવું જોઈએ. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા પત્રકારપરિષદથી નહીં કામ કરવાથી સુધરશે."
કેજરીવાલે કહ્યું, "આજે લખી રાખો. આઠ તારીખ સુધી આ રસ્તો નહીં ખૂલે. નવ તારીખે ખૂલી જશે. ભાજપ આ રસ્તો ખોલવા માગતો નથી."
કેજરીવાલે કહ્યું, "હું અપીલ કરું છું કે ગૃહમંત્રી અમિત શાહ, રવિશંકર પ્રસાદ, પીયૂષ ગોયલ અને તેમના મોટા નેતાઓએ શાહીનબાગ જવું જોઈએ, લોકો સાથે વાત કરવી જોઈએ અને રસ્તા ખોલાવડાવા જોઈએ."
"તેઓ કહે છે કે કેજરીવાલ પાસેથી પરમિશન જોઈશે, આજે પરમિશન આપી દીધી, અત્યારે એક કલાકમાં રસ્તો ખોલાવી દો."
દિલ્હીના શાહીનબાગમાં 16 ડિસેમ્બરથી પ્રદર્શન ચાલુ છે, જેના કારણે નોઇડાને દિલ્હી સાથે જોડતો કાલિંદી કુંજનો રસ્તો બંધ છે. એ પણ સવાલ ઊઠી રહ્યો છે કે દિલ્હી પોલીસે આ પ્રદર્શનોને ખતમ કરવાની કોશિશ કેમ નથી કરી.
દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટી સીએએનો વિરોધ તો કરી રહી છે, પરંતુ તેનો કોઈ મોટા નેતા હજુ સુધી શાહીનબાગ ગયા નથી. હવે ભાજપ જોરશોરથી શાહીનબાગનો મુદ્દો ઉઠાવી રહ્યો છે.
દિલ્હીમાં મુસ્લિમ વોટર અંદાજે 13 ટકા છે અને 70માંથી 10 સીટો પર મજબૂત સ્થિતિમાં છે. પાંચ સીટ એવી છે જ્યાં મુસલમાનોની વસતી 40 ટકાથી વધુ છે.
આ સીટ છે બલ્લીમારાન, મટિયામહલ, ચાંદની ચોક અને ઓખલા. આ સિવાય રિઠાલા, સીમાપુરી, બાબરપુર, શાહદરા અને મુસ્તફાબાદમાં પણ મુસલમાનોની વસતી 30થી 40 ટકા વચ્ચે છે.
ગત ચૂંટણીમાં આ સીટમાંથી માત્ર મુસ્તફાબાદમાં ભાજપ જીતી શક્યો હતો. એટલે કે કુલ 10 સીટ છે, જ્યાં મુસલમાન પરિણામ નક્કી કરી શકે છે.
સવાલ એ છે કે જો દિલ્હી ચૂંટણીમાં ધાર્મિક આધારે ધ્રુવીકરણ થયું તો તેની અસર પરિણામ પર કેટલી થઈ શકે. શું અન્ય સાઠ સીટો પણ તેનાથી પ્રભાવિત થઈ શકે?
શું ભાજપને ચૂંટણીમાં તેનો ફાયદો થશે? સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝના નિદેશક સંજય કુમારને આવું નથી લાગતું.
સંજય કહે છે, "મને નથી લાગતું કે શાહીનબાગનો મુદ્દો દિલ્હીનાં ચૂંટણીપરિણામોને પ્રભાવિત કરે. ભાજપ તેનો મોટો મુદ્દો બનાવવાની કોશિશ જરૂર કરશે, પરંતુ બીજી તરફ કેજરીવાલનો એ પ્રયાસ રહેશે કે આ ચૂંટણીના મુદ્દાઓને વિકાસકાર્યો સુધી જ સીમિત રાખે."
સંજય કુમાર કહે છે, "ભાજપ તેનો રાજકીય લાભ લેવાની કોશિશ કરશે. ભાજપ પોતાના ચૂંટણીપ્રચારમાં આ વિરોધપ્રદર્શનના માધ્યમથી ધ્રુવીકરણની કોશિશ કરશે."
"ભાજપનો પ્રયાસ રહેશે કે શાહીનબાગનું વિરોધપ્રદર્શન પ્રાયોજિત પ્રદર્શન સાબિત થઈ શકે. જો ભાજપ આવું કરી શક્યો તો દિલ્હીના રાજકારણમાં ધ્રુવીકરણ તેજ થશે. જો આવું થશે તો ભાજપને ફાયદો મળે તેવી શક્યતા છે."
પરંતુ આ ધ્રુવીકરણ એ સ્તરે થશે કે ભાજપનાં ચૂંટણીપરિણામો પ્રભાવિત થાય?
સંજય કુમાર કહે છે, "કેજરીવાલ સરકારે ગત પાંચ વર્ષમાં જે કામો કર્યાં છે તેનો ફાયદો વધુમાં વધુ ગરીબો અને પછાતવર્ગના લોકોને મળ્યો છે. મને નથી લાગતું કે ધ્રુવીકરણથી તેમના વોટ પ્રભાવિત થાય."
"દિલ્હીના મિડલ અને અપર ક્લાસને આ મુદ્દો પ્રભાવિત કરી શકે છે, પરંતુ તેઓ તો પારંપરિક રીતે ભાજપના વોટર છે. માટે મને લાગે છે કે જે લોકો પહેલેથી ભાજપના વોટર છે તેમને વધુ અસર થશે."
તેઓ કહે છે, "જો ભાજપે શાહીનબાગનાં પ્રદર્શનને એક મોટો મુદ્દો બનાવી પણ લીધો, તો પણ એ આટલો મોટો મુદ્દો બની હોય કે એકલાથી આ ચૂંટણીનું પરિણામ નક્કી કરે."
તો વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહ કહે છે, "શાહીનબાગ દિલ્હી ચૂંટણીમાં એક મોટો મુદ્દો બની ગયો છે."
"આથી જ અત્યાર સુધી દિલ્હી પોલીસે કે સરકારે પ્રદર્શનકારીઓને હઠાવવાની કોશિશ નથી કરી, કેમ કે ભાજપ ઇચ્છે છે કે મોટો મુદ્દો બને અને કૉંગ્રેસ અને અરવિંદ કેજરીવાલ આ મુદ્દે સ્પષ્ટ સ્ટેન્ડ લેવા મજબૂર બને."
પ્રદીપ સિંહ કહે છે, "ખાસ કરીને શરજીલ ઇમામનો વીડિયો આવ્યા બાદ આ મુદ્દો વધુ ગરમ થઈ ગયો છે અને ભાજપ તેનો ફાયદો લેવાની કોશિશ કરે છે."
"ભાજપ ઇચ્છે છે કે પૉલેરાઇઝેશન થાય. દિલ્હી ચૂંટણીમાં ભાજપને જીતવાના બે રસ્તા છે. પહેલો ધાર્મિક આધારે ધ્રુવીકરણ થાય અને બીજું કે મુસલમાનના વોટ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચ વહેંચાઈ જાય."
"હાલમાં મુસલમાનના વોટ વહેંચાતા જોવા મળતા નથી. લોકોને સમજાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટી જ ભાજપને ટક્કર આપી શકે તેમ છે."
'અરવિંદ કેજરીવાલે હજુ સુધી પોતાને શાહીનબાગના પ્રદર્શનથી દૂર રાખ્યા છે. શું પ્રદર્શનથી તેઓ અસહજ અનુભવે છે?'
આ સવાલના જવાબમાં પ્રદીપ સિંહ કહે છે, "કેજરીવાલ નાનીનાની વાતે ધરણાં પર બેસતા હતા, તેમને ધરણાંકુમાર કહેવાતા હતા."
"પરંતુ શાહીનબાગના પ્રદર્શનને 45 દિવસ થઈ ગયા પણ કેજરીવાલ ત્યાં ગયા નથી. આથી એ દેખીતું છે કે તેઓ પ્રદર્શનને લઈને અસહજ છે."
પ્રદીપ સિંહ કહે છે, "કેજરીવાલ હજુ સુધી શાહીનબાગ પર ખુલ્લીને કશું બોલ્યા નથી. તેઓ જાણે છે કે જો તેઓ તેમના પક્ષમાં ખૂલીને આવશે તો નુકસાન થશે અને મૌન રહેશે તો પણ નુકસાન થશે."
"આ એવો મુદ્દો છે જેના પર ભાજપ આક્રમક છે અને આમ આદમી પાર્ટી રક્ષાત્મક ભૂમિકામાં છે."
માત્ર શાહીનબાગ જ નહીં દેશભરમાં સીએએના વિરુદ્ધમાં અને સમર્થનમાં માહોલ પેદા થયો છે. શાહીનબાગ સીએએના વિરોધનું પ્રતીક બન્યું છે અને દિલ્હી ચૂંટણીમાં શાહીનબાગનું પ્રદર્શન એક મોટો મુદ્દો બની ગયો છે.
પ્રદીપ સિંહ કહે છે, "ભાજપ પાસે પોતાના 32-34 ટકા વોટર છે અને ભાજપ જાણે છે કે માત્ર તેમના દમ પર ચૂંટણી જીતી શકાય તેમ નથી. તેનાથી આગળ વધવા માટે જ ભાજપ ધ્રુવીકરણની કોશિશ હાથ ધરી છે."
શાહીનબાગના પ્રદર્શનને હઠાવવાની કોશિશ ન કરવા પર પ્રદીપ સિંહ કહે છે, "દિલ્હીમાં ચૂંટણી પછી બની શકે કે પોલીસ આ પ્રદર્શનકારીઓને ખસેડે. પણ ભાજપ હાલ આ મુદ્દાને વધવા દે છે અને તેને લાગે છે કે આ તેને ફાયદો કરાવી રહ્યું છે."
પોલીસની કાર્યવાહી ન થવા પર તેઓ કહે છે, "જો પોલીસ ચૂંટણી પહેલાં પ્રદર્શનકારીઓને હઠાવે તો અત્યારે એ કહી ન શકાય કે તેની પ્રતિક્રિયા શું હોઈ શકે છે. આથી મને નથી લાગતું કે પોલીસ કોઈ કાર્યવાહી કરશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો