દિલ્હીવાસીઓને મફત પાણીનું સત્ય શું? રિયાલિટી ચૅક

    • લેેખક, શ્રુતિ મેનન
    • પદ, બીબીસી રિયાલિટી ચૅક

પાંચ વર્ષ અગાઉ આમ આદમી પાર્ટી (આપ)એ દેશની રાજધાની દિલ્હીમાં સત્તાના સૂત્ર સંભાળ્યા ત્યારે દર મહિને, દરેક પરિવારને અમુક પ્રમાણમાં મફતમાં પાણી આપવાની જાહેરાત કરી હતી.

ગત વર્ષે ભારત સરકારના એક અહેવાલમાં જણાવાયું હતું કે પાણીના કારણે વિશ્વનાં જે મોટાં શહેરોમાં વિકરાળ સમસ્યા સર્જાઈ શકે તેમ છે, તેમાંથી પાંચ શહેર ભારતનાં છે અને દિલ્હી તેમાંનું એક છે.

દિલ્હીમાં પાણીની માગ તથા તેની આપૂર્તિ વચ્ચે મોટું અંતર છે.

યોજનાના લાભાર્થી

દિલ્હીવાસીઓ નીચેનાં અલગઅલગ માધ્યમ થકી પાણી મેળવે છે.

  • મુખ્યત્વે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા દ્વારા આપવામાં આવેલાં નળકનેક્શન
  • પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર રીતે જોડાણ લઈને
  • ખાનગી તથા સરકારી ટૅન્કર દ્વારા
  • કૂવા તથા અન્ય માધ્યમથી
  • નદી તથા ગરનાળા જેવા સ્રોતમાંથી

આપે વચન આપ્યું હતું કે 'મીટર લાગેલાં નળજોડાણ મારફત દરેક ઘરને 20 હજાર લિટર પાણી નિઃશુલ્ક પૂરું પડાશે.'

આપનો દાવો છે કે આ યોજના હેઠળ ગત વર્ષે 14 લાખ ઘરોને મફત પાણી પૂરું પાડવામાં આવ્યું હતું.

સત્તાવાર આંકડા મુજબ, વર્ષ 2018-19 દરમિયાન 29 લાખ પરિવારને જોડાણ દ્વારા પાણી પૂરું પાડવામાં આવ્યું હતું.

જેણે મફતમાં પાણી જોઈતું હોય તેમના માટે મિટર લગાડવાનું ફરજિયાત બનાવાયું છે, જેથી કરીને વધુ અને વધુ લોકોને કાયદેસરની બિલિંગ-વ્યવસ્થા સાથે જોડી શકાય.

જોકે, મિટર લગાડવા પાછળ રૂપિયા 400થી રૂપિયા 29 હજાર જેટલો ખર્ચ આવે છે, જે સામાન્ય આવક ધરાવતાં પરિવારોને પરવડી શકે તેમ નથી.

આપનો દાવો છે કે નાણાકીય વર્ષ 2015-16ની સરખામણીએ 2016-17 દરમિયાન મિટરવાળાં નળજોડાણની સંખ્યામાં છ ગણો ઉછાળો નોંધાયો હતો.

જોકે, સત્તાવાર ડેટા પર નજર કરીએ તો આ આંકડા ખરા નથી જણાતા. જળ સત્તામંડળને જાણ નથી કે આ ગાળા દરમિયાન કેટલાં ઘરોનાં નળજોડાણ સાથે મિટર લગાવાયાં હતાં.

કોને લાભ?

આપનું કહેવું છે કે જે વિસ્તારમાં ગેરકાયદેસર રીતે નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું છે, ત્યાં પણ મિટર લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પાર્ટીનો દાવો છે કે વર્ષ 2015-16માં તેમણે ચૂંટણી જીતી ત્યારે 1,111 ગેરકાયદેસર હાઉસિંગ કૉલોનીમાં જોડાણ મારફત પાણી પૂરું પડાતું હતું. આજે આ સંખ્યા 1,482 ઉપર પહોંચાડાશે, હવે આ આંકડો આંબી લીધો હોય તેવી શક્યતા છે.

સત્તાવાર આંકડા ઉપર નજર કરીએ તો માર્ચ-2019 સુધીમાં 1,337 હાઉસિંગ કૉલોનીમાં નળજોડાણ આપી દેવાયાં હતાં.

દિલ્હીમાં સરકારી જમીન ઉપર 675 ગેરકાયદેસર વસાહતો ઊભી થઈ ગઈ છે, પરંતુ તેમાંથી માત્ર સાત કૉલોનીને જ નળજોડાણ દ્વારા પાણી મળે છે, જે કુલ સંખ્યાના માંડ એક ટકા જેટલું છે.

દિલ્હીમાં જળસંચય માટે કામ કરતી સંસ્થા ફોર્સના જ્યોતિ શર્મા મફતમાં પાણી આપવાની યોજનાને વખાણે છે, સાથે જ તેમાં ખામી હોવાનું પણ જણાવે છે.

શર્મા કહે છે, "આ યોજનાથી મુખ્યત્વે ગરીબોને લાભ થવાનો હતો, પરંતુ આમ ન થયું, કારણ કે તેમની પાસે મિટર નથી."

શર્મા ઉમેરે છે કે જે પરિવારોએ મિટર લગાવડાવ્યાં છે, તેમાંથી અમુક પરિવાર માસિક 20 હજાર લિટરની ટોચમર્યાદા ઉપર પહોંચવા આવે એટલે ટૅન્કર કે ભૂગર્ભજળ તરફ વળી જાય છે અને કેટલીક વખત ગેરકાયદેસર રીતે પણ ભૂગર્ભજળ ખેંચે છે.

ઘણી વખત મિટર લગાવીને બિલ ભરવા કરતાં આ પ્રકારના રસ્તા વધુ સસ્તા પડે છે.

યોજનાનો ખર્ચ

સત્તારૂઢ આપનો દાવો છે કે જ્યારથી નિઃશુલ્ક જળ આપવાની યોજના શરૂ કરી છે, ત્યારથી દિલ્હી જળ બોર્ડની આવકમાં વધારો થયો છે. જે ખર્ચ થઈ રહ્યો છે, તેની ભરપાઈ દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવે છે.

આમ આદમી પાર્ટીનો દાવો છે, "દિલ્હી જળ બોર્ડની આવક સતત ઘટતી રહી હતી, હવે તેમાં વાર્ષિક નવ ટકાના દરે વધારો થઈ રહ્યો છે."

જોકે, આંકડા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે.

ગત પાંચ વર્ષના બજેટ ઉપર નજર કરીએ તો જળ બોર્ડ ઉપર દેવાનો બોજો વધી રહ્યો છે. વર્ષ 2015-16માં જ્યારે યોજના શરૂ થઈ, ત્યારે તેની ખોટ 220 કરોડ રુપિયા હતી. ગ્રાહકોને રિબેટ આપવાને કારણે આ ખોટ ઊભી થઈ હતી.

વર્ષ 2016-17 દરમિયાન આ ખાધ વધીને રૂપિયા 516 કરોડ પર પહોંચી ગઈ. વર્ષ 2017-18 દરમિયાન દિલ્હી સરકારે જળ બોર્ડને આર્થિક સહાય કરી હતી.

આપના પ્રવક્તા અક્ષય મરાઠેના કહેવા પ્રમાણે, "મિટર મૂકવાને કારણે ગ્રાહકોમાંથી થતી આવક વધી છે."

"પરંતુ જો બજેટ ઉપર નજર કરો તો આવક ઘટી છે, કારણ કે નવી પાઇપલાઇન નાખવામાં આવી રહી છે તથા જૂની પાઇપલાનની સફાઈ પાછળ ખર્ચ થઈ રહ્યો છે."

પૂરતો પુરવઠો મળે છે?

વિપક્ષ ભાજપનો આરોપ છે કે આપ સરકારે દિલ્હીમાં પાણીની ગુણવત્તાને સુધારવા માટે કોઈ પગલાં નથી લીધાં.

ભાજપના પ્રવક્તા વિજેન્દર ગુપ્તાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "નળજોડાણ મારફત જે પાણી આવે છે તે ખૂબ જ નબળી ગુણવત્તાનું હોય છે, એક પણ ઘર એવું નથી કે જે પ્યુરિફાય કર્યા વગર પીતું હોય."

દરેક ઘરમાં વૉટર-પ્યૂરિફાયર છે કે નહીં, તે જાણવું શક્ય નથી. છતાં ગત વર્ષે બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ટ્સે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો, જે મુજબ દિલ્હીમાં નળજોડાણ મારફત જે પાણી આવે છે, તે મુખ્ય શહેરોમાં સૌથી ખરાબ છે.

જોકે, દિલ્હી સરકારે એ રિપોર્ટને 'ખોટો અને રાજકારણથી પ્રેરિત' ઠેરવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો