કોરોના વાઇરસને કારણે વૈશ્વિક અર્થતંત્ર બરબાદ થઈ શકે?

    • લેેખક, એન્ડ્ર્યૂ વોકર
    • પદ, આર્થિક સંવાદદાતા, બીબીસી વર્લ્ડ સર્વિસ

ચીન 80થી વધુ લોકોનો જીવ લઈ ચૂકેલા એક નવા વાઇરસ સામે સંઘર્ષ કરી રહ્યું છે. ચીન માટે આ ગંભીર મુદ્દો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ ઘટનાને ચીન માટે કટોકટીની સ્થિતિ ગણાવી છે. જોકે, વિશ્વના બાકીના દેશો માટે આવી કોઈ ચેતવણી બહાર પાડવામાં આવી નથી.

તેનું આર્થિક પરિણામ ગંભીર આવશે તેમાં કોઈ શંકા નથી, પણ સવાલ એ છે કે તે પરિણામ કેટલું ગંભીર હશે અને તેની અસર ક્યાં સુધી થશે?

કોરોના વાઇરસનો પ્રસાર હજુ પ્રારંભિક તબક્કામાં હોવાથી અર્થશાસ્ત્રીઓ હાલ કોઈ આંકડા જણાવવામાં સાવધાની રાખી રહ્યા છે.

પ્રવાસન ઉદ્યોગ

આ પ્રકારની ઘટનાઓને કારણે ભૂતકાળમાં થયેલા આર્થિક નુકસાનને ધ્યાનમાં લેતાં કોરોના વાઇરસની અર્થતંત્ર પર થનારી સંભવિત અસરનો તાગ મેળવી શકાય.

વાત બહુ જૂની નથી. 2002-03માં સાર્સનો રોગચાળો ફેલાયો હતો અને તેની શરૂઆત ચીનમાં થઈ હતી.

હાલ ચીનને થોડું આર્થિક નુકસાન તો થયું જ છે. દેશના કેટલાક હિસ્સામાં પ્રવાસ પર પ્રતિબંધ છે અને ચીની નવા વર્ષના સમયે, જ્યારે લોકો મોટા પ્રમાણમાં પ્રવાસ કરતા હોય છે ત્યારે પ્રતિબંધ છે.

તેથી ચીનના પ્રવાસન ઉદ્યોગને તો આર્થિક ફટકો લાગી જ ચૂક્યો છે.

પરિવહન ક્ષેત્ર

મનોરંજન તથા ગિફ્ટ્સ ખરીદવા માટે ગ્રાહકો જે ખર્ચ કરે છે તેના પર કોરોના વાઇરસની અસર થશે.

મનોરંજન ક્ષેત્રની વાત કરીએ તો ઘણા લોકો ઘરની બહાર જઈને એવા કાર્યક્રમમાં હિસ્સો લેવાનું ટાળશે, જેમાં રોગનો ચેપ લાગવાનું જોખમ હોય.

લોકોએ તેમના પૂર્વનિર્ધારિત કાર્યક્રમો રદ્દ કર્યા હશે તેમાં કોઈ શંકા નથી.

પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી પણ મેળવી શકાય કે કોરોના વાઇરસ ફેલાવાની શરૂઆત જે વુહાન શહેરથી થઈ છે, એ શહેર તો ચીનના ટ્રાન્સપોર્ટ એટલે કે પરિવહન ક્ષેત્રનું મુખ્ય કેન્દ્ર છે.

લોકો કે વસ્તુઓનું પરિવહન જરૂરી હોય તેવા કોઈ પણ બિઝનેસ માટે પ્રવાસ પરનો પ્રતિબંધ એક મોટી સમસ્યા હોય છે.

પ્રતિબંધની અસર ઉદ્યોગની સપ્લાય ચેઇન પર થાય છે. કેટલીક ચીજોની ડિલિવરીમાં અડચણ આવે છે અને કેટલીક ચીજો વધુ મોંઘી થઈ જાય છે.

લોકો કામ માટે પ્રવાસ ન કરે અથવા પ્રવાસ કરવા ન ઇચ્છે તો તેનાથી બિઝનેસને વધારાનું નુકસાન થાય છે.

વીમા ક્ષેત્ર

કોરોના વાઇરસની ઝપેટમાં આવેલા લોકોની સારવારના ખર્ચનો બોજો સરકારી તથા ખાનગી ક્ષેત્રની આરોગ્ય વીમા કંપનીઓએ ઉઠાવવો પડશે.

કોરોના વાઇરસની કેટલી અસર થાય છે તેના પર ચીનની બહાર પણ ઘણી બાબતોનો આધાર છે.

આ રોગચાળો બીજે ક્યાંય ફેલાશે તો તેની થોડી અસર થશે. જોકે, તે અસર આટલી મોટા પ્રમાણમાં નહીં હોય.

વાઇરસ કેટલી આસાનીથી ફેલાઈ શકે છે અને તેનો ચેપ જેને લાગ્યો છે એ લોકોના મોતની શક્યતા કેટલી છે તે બાબત પર પણ કોરોના વાઇરસની અર્થતંત્ર પરની અસરનો ઘણો આધાર રહેશે.

સારી વાત એ છે કે કોરોના વાઇરસનો ચેપ જેમને લાગ્યો હતો એ લોકોની હાલતમાં ઘણો સુધારો જોવા મળ્યો છે, જોકે કેટલાક દુઃખદ અપવાદ પણ નોંધાયા છે.

આર્થિક સમસ્યાઓ સંબંધે પ્રતિભાવ આપવામાં નાણાબજારો બહુ વિલંબ કરતા નથી એ વારંવાર જોવા મળતું રહ્યું છે.

તેનું કારણ એ છે કે નાણાં બજારોમાં બિઝનેસ કરતા ટ્રૅડરો ભવિષ્યના ઘટનાક્રમને તાણીને જ ચીજો પર દાવ લગાવતા હોય છે.

વૅક્સિનનો વિકલ્પ

વિશ્વનાં શેરબજારોમાં અને ખાસ કરીને ચીનમાં કોરોના વાઇરસની કેટલીક હદે નકારાત્મક અસર જોવા મળી છે, પરંતુ પરિસ્થિતિ અત્યારે ચિંતાજનક નથી.

શાંઘાઈ કૉમ્પૉઝિટ ઈન્ડેક્સ પણ તેના પાછલા છ મહિનાના રેકર્ડથી ઊંચાસ્તરે છે.

ચિંતાની આ વાતોને બાજુ પર રાખીએ તો અર્થતંત્રનું એક ક્ષેત્ર એવું છે કે જેના માટે આ એક અવસરની ઘડી છે અને તેને ફાયદો થઈ શકે છે. એ ક્ષેત્ર છે દવા-ઉદ્યોગ.

કોરોના વાઇરસનો ચેપ જેમને લાગ્યો છે એ લોકોની સારવાર માટે જે પહેલી દવા ઉપલબ્ધ છે, તે આ રોગ સામે રાહત આપનારી સાબિત થઈ છે.

કોરોના વાઇરસ સામે લડવા માટે વૅક્સિન બનાવવાનું કામ નફાનો ધંધો બની જાય એ સમય જતાં શક્ય છે.

જૉન્સન ઍન્ડ જૉન્સનના ચીફ સાયન્ટિફિક ઓફિસર પોલ સ્ટોફેલ્સે બીબીસીને જણાવ્યું હતું કે તેમની ટીમે આવાં વૅક્સિન વિશેનો પાયાનો અભ્યાસ પહેલાં કરી લીધો છે.

તેઓ માને છે કે એક વર્ષથી ઓછા સમયમાં આ વૅક્સિન બનાવી શકાય તેમ છે.

કોરોના વાઇરસના ચેપથી બચવા માટે સર્જિકલ માસ્ક અને હાથમોંજાંની માગમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.

વાઇરસ સામેની દવાઓ તથા સર્જિકલ માસ્ક અને ગ્લવ્ઝ જેવી ચીજોનું ઉત્પાદન કરતી ચીની કંપનીઓના શેરના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે.

સાર્સના રોગચાળા વખતે શું થયું હતું?

કોરોના વાઇરસ સામે કઈ રીતે ટક્કર લેવી તે કદાચ સાર્સના રોગચાળાની ઘટના પરથી જાણી શકાય.

એક અનુમાન મુજબ, સાર્સના રોગચાળા વખતે વૈશ્વિક અર્થતંત્રને 40 અબજ ડૉલરનું નુકસાન થયું હતું.

લંડનની કન્સલ્ટન્સી ફર્મ કૅપિટલ ઇકૉનૉમિક્સનાં જેનિફર મેક્ક્વેન જણાવે છે કે સાર્સના રોગચાળાને કારણે વર્ષ 2003ના બીજા ત્રિમાસિક ગાળામાં વૈશ્વિક વિકાસ દરમાં એક ટકાનો ઘટાડો થયો હતો.

એ ઘટાડો મોટો હતો, પરંતુ જેનિફર એવું પણ કહે છે કે એ પછી પરિસ્થિતિ ઝડપથી પૂર્વવત્ બની ગઈ હતી.

જેનિફરના જણાવ્યા મુજબ, એ સમયે સાર્સ આખી દુનિયામાં જબરા રોગચાળાની માફક ફેલાયો હતો અને એ સમયે વૈશ્વિક અર્થતંત્રમાં ઘટાડાના બીજા કારણો પણ હતાં.

તેને ધ્યાનમાં રાખતાં વિશ્વની આર્થિક ગતિવિધિ પર સાર્સની કોઈ માઠી અસર થયાનું જણાવવું મુશ્કેલ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો