You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઍર ઇન્ડિયાની 100 ટકા ભાગીદારી નરેન્દ્ર મોદી સરકારે વેચવા કાઢી, બીજો પ્રયાસ
અંદાજે 60 હજાર કરોડ રૂપિયાના કરજમાં ડૂબેલી સરકારી ઍર ઇન્ડિયાને વેચવાનો બીજો પ્રયાસ મોદી સરકારે શરૂ કરી દીધો છે.
બે વર્ષમાં ઍર ઇન્ડિયાને વેચવાની બીજી વાર કોશિશ થઈ રહી છે. સરકારે સોમવારે આ મામલે ટૅન્ડર મંગાવ્યાં છે, જેમાં ઍર ઇન્ડિયાનો 100 ટકા ભાગ વેચવાની વાત કરાઈ છે.
જોકે મુંબઈ નરીમાન પૉઇન્ટસ્થિત ઍર ઇન્ડિયાનું મુખ્યાલય અને દિલ્હીના મહાદેવ માર્ગસ્થિત કૉર્પોરેટ મુખ્યાલય આ વેચાણમાં સામેલ નહીં કરાય. આ બંને ઇમારતો સરકાર હસ્તક રહેશે.
ઍરઇન્ડિયાને ખરીદવા ઇચ્છુક દાવેદારોને 17 માર્ચ સુધીમાં ટૅન્ડર ભરવાનું કહેવામાં આવ્યું છે.
લાઇવમિન્ટના અહેવાલ અનુસાર સરકાર પાસે ઍર ઇન્ડિયા અને તેની સહાયક ઍર ઇન્ડિયા એક્સપ્રેસની 100 ભાગીદારી છે.
ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ ડિસેમ્બરમાં સંસદને જણાવ્યું હતું કે ગત દશકમાં ઍર ઇન્ડિયાનું સંચિત નુકસાન અંદાજે 69,575.64 કરોડ રૂપિયા હતું.
નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયના આંકડા અનુસાર ઘરેલુ માર્કેટમાં 12.7 ટકાની ભાગીદારી કરીને ઍર ઇન્ડિયાએ 2019માં 18.36 મિલિયન મુસાફરોને મુસાફરી કરાવી હતી.
તો 2018માં નેશનલ કક્ષાએ 17.61 મિલિયન પેસેન્જરોને ઉતાર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉલ્લેખનીય છે કે આ પહેલાં 2018માં ઍર ઇન્ડિયાની 76 ટકા ભાગીદારી વેચવાની કોશિશ થઈ હતી, પરંતુ કોઈ ખરીદદાર સામે આવ્યા નહોતા.
જોકે આ વખતે ખરીદદારો માટે સરળ જોગવાઈ કરવામાં આવી છે.
76 ટકા ભાગદારી ખરીદવાના સમયે ખરીદકારોને 33,392 કરોડ રૂપિયાનું કરજ ચૂકવવાનું હતું, જ્યારે આ વખતે 100 ટકા ભાગીદારી માટે 23,286 કરોડ રૂપિયા ચૂકવવાના રહેશે.
ઉલ્લેખનીય છે કે ઍર ઇન્ડિયાના સાડા તેર હજારથી વધુ કર્મચારી છે.
પ્રતિક્રિયાઓ અને પ્રતિસાદ
પુરીએ કહ્યું હતું કે 'સરકારી કંપનીઓ 'ઍર ઇન્ડિયા' તથા 'ઍર ઇન્ડિયા એક્સપ્રેસ' એમ બંને કંપની 'મોટી મૂડી' છે.'
'જે કંપની તેને ખરીદશે, તેને ઍર ઇન્ડિયા નામ વાપરવાની મંજૂરી મળશે.'
ઍર ઇન્ડિયાના વડા અશ્વિની લોહાણીએ કહ્યું હતું કે કંપનીમાં વધારાનો સ્ટાફ નથી તથા નિવૃત્ત થનાર કર્મચારીઓનાં તબીબી લાભ અંગેનો મુદ્દો ઉકેલી લેવાયો છે.
દીપમ (ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્વેસ્ટમૅન્ટ ઍન્ડ પબ્લિક ઍસેટ મૅનેજમૅન્ટ)ના સચિવ તુહિન કાંતા પાંડેયના કહેવા પ્રમાણે ઍર ઇન્ડિયાનું પ્રસ્તાવિત વિનિવેશ માળખું 'ખૂબ જ મજબૂત સિદ્ધાંતો' ઉપર તૈયાર કરવામાં આવ્યું છે.
ઍર ઇન્ડિયાની રસપ્રદ વાતો
- એપ્રિલ 1932માં ઉદ્યોગપતિ જેઆરડી તાતાએ ઍર ઇન્ડિયાની સ્થાપના કરી હતી.
- ઍર ઇન્ડિયા પહેલાં 'તાતા ઍર લાઇન્સ' હતી અને આઝાદી બાદ એટલે કે 1947માં તેની 49 ટકા ભાગીદારી સરકારે લીધી હતી.
- ઍર ઇન્ડિયાએ પહેલી આંતરરાષ્ટ્રીય ઉડાન 8 જૂન, 1948માં લંડન માટે ભરી હતી.
- દિલ્હીનું ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ તેનું મુખ્ય હબ છે.
- ઍર ઇન્ડિયાએ અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સુરક્ષિત ઍરલિફ્ટ કર્યા છે. 1990માં ઇરાકે જ્યારે કુવૈત પર હુમલો કર્યો ત્યારે 59 દિવસમાં 10 લાખથી વધુ ભારતીયોને ઍર ઇન્ડિયાએ 488 વિમાનોના માધ્યમથી સુરક્ષિત ભારત પહોંચાડ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો