રાજકોટ : જેમનો રાજ્યાભિષેક થઈ રહ્યો છે એ 17મા રાજવી માંધાતાસિંહ કોણ છે?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી ગુજરાતી

જેને લોકબોલીમાં રંગીલા શહેરની ઉપમા આપવામાં આવી છે, એ રાજકોટ એક અનોખા પ્રસંગનું સાક્ષી બનવા જઈ રહ્યું છે.

27થી 30 જાન્યુઆરી દરમ્યાન રાજકોટમાં રાજ્યાભિષેક અને રાજતિલકનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.

જેમાં રાજકોટમાં 17મા ઠાકોર માંધાતાસિંહ જાડેજાનો રાજ્યાભિષેક તેમજ રાજતિલક થશે.

રાજકોટના રણજિતવિલાસ પૅલેસમાં રાજતિલકવિધિ થશે.

રાજતિલકવિધિ અગાઉ પણ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.

જેમકે, 2500થી વધારે રાજપૂત યુવક - યુવતીઓનો તલવારરાસ થશે.

તેમજ રાજકોટનું જે રાજવી ચિહ્ન છે એને 7000 વધુ દીવડાં સાથે તૈયાર કરવામાં આવશે.

આ ઉપરાંત નગરયાત્રા યોજાશે જેમાં ઠાકોરસાહેબ નગરજનોનું અભિવાદન ઝીલશે.

વિન્ટેજ એટલે કે જૂની અને જાજવલ્યમાન કાર તેમજ બગીના કાફલા સાથે એ નગરયાત્રા નીકળશે.

પ્રસંગની હાઇલાઇટસમા તલવારરાસની તૈયારી ઘણા દિવસથી ચાલી રહી હતી.

તલવારરાસ અંગે જણાવતા રાજવીપરિવારના કાદમ્બરીદેવીએ કહ્યું હતું :

"ક્ષત્રિય પરંપરામાં તલવારબાજી ખૂબ સામાન્ય બાબત હતી. હવેના વખતમાં તો એની જરૂર નથી રહી."

"આ કલા અને પરંપરા જીવંત રહે એ માટેનો આ પ્રયાસ છે. ગુજરાતી લોકસંગીતના તાલે અઢી હજાર કરતાં વધુ ક્ષત્રિય યુવક - યુવતીઓ તલવાર રાસ કરશે."

વિન્ટેજ કાર અને બગી સાથે નગરયાત્રા

આ ઉત્સવ નિમિત્તે પત્રકારો સાથે વાત કરતા માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું :

"રાજપરિવારની એ પરંપરા અનુસાર કોઈ પણ પ્રસંગમાં રાજકોટના પ્રજાજનોને સામેલ કરવામાં આવે છે."

"રાજકોટનો જે રણજિતવિલાસ પૅલેસ છે, એનું નિર્માણ દુષ્કાળ વખતે લોકોને રોજગારી પૂરી પાડવા માટે કરવામાં આવ્યું હતું. રાજપરિવાર હંમેશાં લોકો સાથે જોડાયેલો છે."

27 તારીખથી શરૂ થનાર વિવિધ કાર્યક્રમો અંગે જણાવતા માંધાતાસિંહે કહ્યું હતું કે, "27 તારીખે સાંજે 4થી 6 દરમ્યાન દેહશુદ્ધી, દશવિધિ સ્નાન વગેરે યોજાશે."

"28 તારીખે સવારે 9થી 1 માતૃકા પૂજન, ચતુર્વેદ શાંતિસૂક્ત, અરણીમંથન દ્વારા અગ્નિસ્થાપન અને યજ્ઞનો આરંભ થશે."

"28 તારીખે બપોરે 12થી 2 વાગ્યા સુધી ક્ષત્રિય યુવક-યુવતીઓનો તલવારરાસ યોજાશે."

"એ જ દિવસે એટલે કે 28મીએ બપોરે 3થી 6 દરમ્યાન રણજિતવિલાસ મહેલના પરિસરમાં જળયાત્રા, સાયંપૂજન વગેરે હશે અને બીજી તરફ વિન્ટેજ કાર અને બગીઓ સાથે નગરજનોનું અભિવાદન ઝીલવા માટે નગરયાત્રા નીકળશે."

"જેમાં રાજપરિવારના સભ્યો તેમજ અન્ય મહાનુભાવો જોડાશે. 29મીએ સવારે 8.30થી 1 દરમ્યાન વેદમંત્રો સાથે હોમવિધિ થશે."

"બપોરે 3થી 6.30 દરમિયાન જગતના સુખશાંતિ માટે પુષ્ટિહોમ વિધિ થશે અને વિવિધ ઔષધી તેમજ તીર્થજળો દ્વારા અભિષેક થશે."

"સાંજે 6.30થી 9.30 દરમિયાન ત્રણસોથી વધુ લોકો સાત હજાર દીવડાં પ્રગટાવીને રાજકોટનું રાજચિહ્ન બનાવશે."

"30 જાન્યુઆરીએ રાજ્યાભિષેક અને રાજતિલકવિધિ થશે અને રાત્રે ડાયરો યોજાશે."

રાજ્યાભિષેકમાં રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીને આમંત્રણ આપવામાં આવ્યું છે.

ગુજરાત તેમજ ગુજરાત બહારના રાજવી પરિવારોને પણ નોતરવામાં આવ્યા છે.

રાજકોટ ક્યારે વસ્યું?

રાજકોટના રાજવીઓની જે વારસાઈ યાદી છે, એમાં જણાવ્યા મુજબ ઠાકોર વિભાજીએ ઈ.સ. 1617માં રાજકોટ વસાવ્યું હતું.

એ અગાઉ 1608માં તેમણે ચીભડામાં રાજધાની સ્થાપી હતી.

ઠાકોર વિભાજી જામનગરના જામશ્રી લાખાજીના નાના ભાઈ હતા.

માંધાતાસિંહના રાજ્યાભિષેક નિમિત્તે રાજવી પરિવાર દ્વારા જાહેર કરાયેલી પ્રેસ માટેની વિગતમાં જણાવ્યાનુસાર બારમા ક્રમના રાજવી બાવાજીરાજના સમયમાં રાજકોટમાં આધુનિકીકરણની શરૂઆત થઈ હતી. તેઓ રાજકુમાર કૉલેજની પ્રથમ બેચના વિદ્યાર્થી હતા.

ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી બાવાજીરાજના વખતમાં રાજકોટના દીવાન હતા.

તેમના જ વખતમાં રાજકોટમાં હજુર કોર્ટની સ્થાપના થઈ હતી અને 1869માં સુધરાઈનો કાયદો લોકશાસનપદ્ધતિએ પસાર થયો હતો.

1877માં રાજકોટમાં દુષ્કાળ પડ્યો ત્યારે લોકોને રોજગારી પૂરી પાડવા બાવાજીરાજે રણજિતવિલાસ મહેલ બંધાવ્યો હતો, જે આજે પણ રાજપરિવારનું નિવાસસ્થાન ગણાય છે.

બાવાજીરાજ પછી 1890થી 1930 સુધી લાખાજીરાજ રાજકોટના રાજવી હતા.

તેમણે 1921માં ગાંધીજીને રાષ્ટ્રીય શાળા બનાવવા માટે જગ્યા આપી હતી, અને તેમની જ હાજરીમાં એનું ઉદ્ઘાટન પણ થયું હતું.

1924માં કવિવર રવીન્દ્રનાથ ઠાકુર રાજકોટ આવ્યા ત્યારે પ્રજા વતી તેમણે તેમનું સન્માન કર્યું હતું.

15મા રાજવી પ્રદ્યુમ્નસિંહજી રાજાશાહી સમયના છેલ્લા રાજવી હતા.

દેશ સ્વતંત્ર થયો એ વખતે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલને રાજ્ય સોંપ્યું હતું. તેઓ ક્રિકેટ અને પોલોના ખેલાડી હતા.

પ્રદ્યુમ્નસિંહજીના પુત્ર એટલે મનોહરસિંહ જાડેજા.

તેઓ લોકશાહીની ચૂંટણી પ્રક્રિયાથી ચૂંટાઈને વિધાનસભામાં ગયા હતા.

1962માં તેઓ પ્રથમ વખત અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

મનોહરસિંહ જાડેજા ક્રિકેટર પણ હતા અને 1953 -56 દરમ્યાન રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રના સુકાની હતા. જેમનો રાજ્યાભિષેક થઈ રહ્યો છે તે માંધાતાસિંહ એ મનોહરસિંહ જાડેજાના પુત્ર છે.

તેમણે નડિયાદની ધરમસિંહ દેસાઈ ઈન્સ્ટીટ્યૂટમાંથી કેમિકલ ઇજનેરીની ડીગ્રી મેળવી છે.

રાજકોટના રાજવીઓની વારસાઈનું વંશવૃક્ષ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો