You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત સરકારે હાઈકોર્ટમાં કહ્યું, 'હેલ્મેટ મરજિયાત કર્યો જ નથી' - TOP NEWS
ગુજરાતમાં હેલ્મેટને લઈને થયેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. અમદાવાદ મિરરના એક અહેવાલ મુજબ ગુજરાત સરકારે સોમવારે હાઈકોર્ટમાં કહ્યું કે એમણે હેલ્મેટ મરજિયાત કર્યો જ નથી.
ગુજરાત સરકારનું કહેવું છે કે એમણે હેલ્મેટ મરજિયાત બનાવવા અંગે કોઈ જાહેરનામું કે હુકમ પસાર કર્યો નથી.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં વાહનવ્યવહારમંત્રી આર.સી. ફળદુએ કૅબિનેટની મિટિંગમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની હદમાં હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાહેરાત કરી હતી.
એ સમયે ફળદુએ મીડિયા સામે જણાવ્યું કે "રાજ્યના નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારની હદ અને રોડ પર હેલ્મેટ પહેરવો ફરજિયાત નહીં રહે. તેમજ હેલ્મેટ ન પહેર્યો હોય તો પણ પોલીસ કોઈ દંડ નહીં કરી શકે."
"નગરપાલિકા અને મહાનગરપાલિકાના સિવાયના તમામ માર્ગો અને ગ્રામીણ વિસ્તારોમાં હેલ્મેટ પહેરવો ફરજિયાત છે."
ગુજરાત સરકારની આ જાહેરાત સામે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ હતી. આ અરજીના જવાબમાં રાજ્ય સરકારને નોટિસ આપવામાં આવી હતી.
આ નોટિસમાં જવાબ આપતા સરકારે નગરપાલિકા અને મહાનગરપાલિકાના વિસ્તારમાં હેલ્મેટ મરજિયાત કર્યો હોવાનું નિવેદન ફેરવી તોળ્યું છે.
જોકે, ગુજરાત હાઈકોર્ટે સરકારને આ અંગે સોગંદનામું રજૂ કરવા જણાવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નાગરિકતા કાયદામાં ધર્મનો પુરાવો આપવો પડશે
નાગરિકતા સંશોધન કાયદાના નિયમ પ્રમાણે હાલના સમયમાં ગૃહ મંત્રાલય (એમએચએ) દ્વારા એક મુસદ્દો તૈયાર કરાઈ રહ્યો છે.
જે પ્રમાણે 31 ડિસેમ્બર, 2014 પહેલાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવેલા લોકોએ 'ધર્મનું પ્રમાણ' પણ આપવું પડશે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં ગૃહ મંત્રાલયના એક અધિકારીના હવાલાથી કહેવાયું છે કે 31 ડિસેમ્બર, 2014 પહેલાં મેળવેલા ભારતીય સરકારી દસ્તાવેજ રજૂ કરવાના રહેશે. જેમાં અરજદારના ધર્મનો ઉલ્લેખ હોય કે તેઓ હિંદુ, શીખ, ઈસાઈ, પારસી, જૈન કે બૌદ્ધ છે.
અધિકારીએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે સીએએના નિયમોને અંતિમ રૂપ આપવાનું બાકી છે, અમે અંતિમ ચરણમાં છીએ અને ઝડપથી કામ પૂરું થઈ જશે.
ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદા હેઠળ બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના છ લઘુમતી સમુદાય (હિંદુ, બૌદ્ધ, જૈન, પારસી, ખ્રિસ્તી અને શીખ)ને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
નિર્ભયાકેસ મામલે સુપ્રીમમાં સુનાવણી
સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજની બેન્ચ મંગળવારે બપોરે સાડા બાર વાગ્યે નિર્ભયા ગૅંગરેપના દોષી મુકેશ કુમારની દયાઅરજી પર સુનાવણી કરશે.
આ મામલે દોષી મુકેશ કુમારે પોતાની ફાંસીની સજાને ટાળવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ દયાઅરજી કરી હતી, જેને રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે.
મુકેશ કુમારે પોતાની દયાઅરજી પરના રાષ્ટ્રપતિના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
આ કેસમાં દોષીઓ મુકેશ કુમાર, અક્ષય, વિનય અને પવનને પહેલી ફેબ્રુઆરીએ સવારે ફાંસી આપવાનું નક્કી કરાયું છે.
ચીનમાંથી ભારતીય લોકોને લાવવાની તૈયારી
ભારતમાં કોરોના વાઇરસને પહોંચી વળવાની તૈયારી મામલે સોમવારે કૅબિનેટ સચિવની અધ્યક્ષતામાં ચર્ચા થઈ.
લાઇવ હિંદુસ્તાનડોટકોમ અનુસાર દરમિયાન જો જરૂર પડે તો ભારતીય નાગરિકોને ચીનના વુહાનથી ભારત લાવવા માટે પણ તૈયારી દર્શાવાઈ છે.
બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલય, વિદેશ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન, શ્રમ મંત્રાલય અને એનડીઆરએફના ઉચ્ચ અધિકારીઓ સામેલ હતા.
બેઠકમાં કહેવાયું કે રવિવાર સુધી 137 ફ્લાઇટના 29707 મુસાફરોની તપાસ કરાઈ હતી, જેમાંથી 12 મુસાફરોના નમૂના એનઆઈવી પૂણે તપાસ માટે મોકલી દેવાયા છે. તેમાં કોઈ સંક્રમણ મળ્યું નથી.
તો દિલ્હીની એઇમ્સ અને આરએમએલ હૉસ્પિટલમાં વિશેષ એકાંત વોર્ડ બનાવાયો છે.
સંક્રમણની આશંકાએ મુંબઈમાં વધુ એક વ્યક્તિની નિરીક્ષણમાં રાખવામાં આવી છે. અગાઉ ત્રણ વ્યક્તિઓની હૉસ્પિટલમાં ભરતી કરાઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો