CAA-NRC : મુસ્લિમો અહીં દરરોજ બર્થ-સર્ટિફિકેટ માટે લાઇનોમાં કેમ લાગે છે?

    • લેેખક, મયૂરેશ કોણ્ણુર
    • પદ, બીબીસી સંવાદદાતા

અમે નાસિક જિલ્લામાં માલેગાંવ નગર નિગમની સામેથી પસાર થઈ રહ્યા હતા. આ જગ્યા એક જૂના કિલ્લાની પાસે છે.

રોજબરોજનો ઘોંઘાટ હજી ચરમસીમાએ પહોંચ્યો નથી, પરંતુ જન્મ-મૃત્યુની નોંધણીનાં ફૉર્મ જ્યાં વેચાઈ રહ્યાં હતાં, એ બારી પાસે એક લાંબી લાઇન લાગી હતી.

કેટલાક લોકોની ભીડ તેની બાજુની બારી પર પણ લાગી હતી. લોકો નાના સમૂહોમાં એજન્ટની પાસે ઊભેલા હતા.

આ એજન્ટ તેમને ફૉર્મ ભરાવવામાં મદદ કરી રહ્યા છે. હાથમાં કાગળ લઈને ઊભેલા લોકોના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાય છે.

ખબર પડી કે અહીં જેટલા લોકો ઊભેલા છે તે પૈકી મોટા ભાગના મુસ્લિમો છે. માલેગાંવમાં મુસ્લિમ લોકોની વસતી મોટા પ્રમાણમાં છે. શહેરની અડધી વસતી લગભગ મુસ્લિમ છે.

તેથી લાઇનમાં ઊભેલા મોટાભાગના લોકો મુસલમાન હોવાની વાત વધુ આશ્ચર્યજનક નહોતી.

પરંતુ ચોંકાવનારી અને વિચારવા મજબૂર કરે એવી વાત તો એ હતી કે આ વિસ્તારમાં પાછલા ચાર મહિનાથી આ પ્રકારની લાઇનોમાં જોવા મળી રહી છે.

સપ્ટેમ્બર મહિનાથી આજ સુધી માલેગાંવ નિગમને જન્મના દાખલા માટે 50 હજાર જેટલી અરજીઓ મળી ચૂકી છે.

આની પાછળ એક ઘણું મોટું કારણ એ છે કે જ્યારથી સીએએ અને એનઆરસીને લઈને વાત અને ચર્ચા શરૂ થઈ છે, ત્યારથી મુસ્લિમ સમુદાય ચિંતામાં છે.

નાગરિકતા સંશોધન કાયદો 11 ડિસેમ્બરે લોકસભામાં પસાર થઈ ગયો અને 20 ડિસેમ્બરથી આખા દેશમાં લાગુ પણ થયો.

પરંતુ આ બિલ કાયદાનું સ્વરૂપ ધારણ કરે એ પહેલાં જ તે વિશેની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

વિપક્ષનું કહેવું છે કે આ કાયદો મુસ્લિમવિરોધી છે. એનઆરસીને લઈને આસામમાં ભડકેલી હિંસાએ પરિસ્થિતિ ખરાબ કરવાનું કામ કર્યું.

આવી સ્થિતિમાં સપ્ટેમ્બર મહિનાથી લઈને હાલ સુધી માલેગાંવ નિગમની બહાર દરરોજ, જન્મનો દાખલો બનાવવા માટે આવી જ લાઇન લાગે છે.

માલેગાંવ નિગમના કમિશનર કહે છે, "આમ તો ગત ચાર મહિનાથી દરરોજ કૉર્પોરેશનની બહાર આ જ પ્રકારે લાંબી-લાંબી લાઇનો લાગી જાય છે. આ દરમિયાન અમને 50 હજારથી પણ વધારે અરજીઓ મળી છે."

"સામાન્ય રીતે આવી સ્થિતિ સર્જાતી નથી,પરંતુ ચાર મહિનાથી અમે દરરોજ આ જ સ્થિતિ જોઈ રહ્યા છીએ અને આ વાતમાં કોઈ બેમત નથી કે આ તમામ સીએએ અને એનઆરસીના કારણે છે."

શેનો છે ડર?

મુસ્લિમ સમુદાયને ભય છે કે તેમને કોઈ પણ સંજોગોમાં પોતાના કાગળ, જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો તમામ વસ્તુઓ તૈયાર રાખવી પડશે. તે પોતાના પુરાવા તો એકઠા કરી રહ્યા છે, સાથે જ પોતાનાં પૂર્વજો, વડીલો અને બાળકોનાં પણ પ્રમાણપત્રો ભેગાં કરી રહ્યાં છે.

જેમ કે સ્કૂલ છોડ્યાના પ્રમાણપત્રમાં જગ્યાનું નામ... તેઓ દરેક નાનાથી નાના દસ્તાવેજને એકઠા કરવા ઇચ્છે છે. તેઓ જન્મનું પ્રમાણપત્ર મેળવવા માટે લાગેલા છે.

પહેલાં તેમને નિગમઑફિસમાં અરજી કરવાની હોય છે જેથી તેમને ખ્યાલ આવી શકે કે તેમના જન્મની નોંધણી થઈ છે કે નહીં.

જો તેમની નોંધણી ન થઈ હોય તો તેમણે અદાલતમાં ઍફિડેવિટ જમા કરાવવાની રહેશે.

તેમને સમાચારમાં જાહેરાત આપવાની રહેશે અને એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે તેના પર કોઈ વાંધો ના ઉઠાવે.

આ તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તેમણે એક વાર ફરીથી જન્મના દાખલા માટે અરજી કરવાની રહેશે.

ઘણા બધા લોકો આ પ્રક્રિયાઓમાં પહેલાંથી જ લાગેલા છે, કારણ કે તેમને ભય છે કે તેમની પાસે ગમે ત્યારે દસ્તાવેજ માંગવામાં આવી શકે છે.

અમે રેહાનાબી મુનસબ ખાનને મળ્યા, જેઓ લાઇનમાં ઊભા હતાં. તે માલેગાંવની ગાંધીનગર કૉલોનીમાં રહે છે અને મજૂરીકામ કરે છે.

તેમણે પોતાના અને પોતાના સસરાના જન્મના દાખલા માટે અરજી કરી છે. વર્ષોથી તેમણે આ દસ્તાવેજની જરૂરિયાત ઊભી થઈ નહોતી તો આજે તેમને આની જરૂરિયાત કેમ પડી?

આ પૂછતાં જ તેમણે કહ્યું છે, "આ તમામ માથાકૂટ એનઆરસી માટે છે. લોકો આવું જ કહી રહ્યા છે. અમે લોકો પાસેથી સાંભળ્યું છે કે આવું કરવાનું છે અને આ સાંભળીને અમે પણ તમામ દસ્તાવેજો ભેગા કરી રહ્યા છીએ."

"જો એનઆરસી લાગુ કરાય એવી શક્યતા ન હોત તો અમારે અહીં આવવું ના પડત અને ના અમારે કોર્ટમાં જવું પડ્યું હોત."

પરંતુ સરકાર કહી રહી છે કે એનઆરસીને લઈને કોઈ વાત થઈ જ નથી અને ના કોઈ વાત હાલ નક્કી થઈ છે, તો તમે આ કાગળોને મેળવવા માટે આટલી મહેનત કેમ કરી રહ્યાં છો?

અમારા આ સવાલના જવાબમાં તેઓ કહે છે, "જો સરકાર આવું કહી રહી છે તો લોકો આટલા બધા કેમ ગભરાઈ રહ્યા છે? જો કાલે એનઆરસી લાવવામાં આવે તો? ભલે તેઓ આજે કહી રહ્યા છે કે આવું કાંઈ નથી થઈ રહ્યું, પરંતુ જો આ વ્યવસ્થા લાગુ કરી દેવાશે તો શું થશે? એ સમયે તમે શું કહેશો?"

અનવર હુસેન છેલ્લાં 15 વર્ષથી અહીં કામ કરી રહ્યા છે. તેઓ ત્યાંના લોકોને અરજીપત્ર ભરવામાં અને સર્ટિફિકેટ મેળવવામાં મદદ કરે છે.

તેઓ કહે છે, "લોકો એનઆરસીથી ગભરાયેલા છે. લોકો ટીવી જોઈ રહ્યા છે અને તેમના વૉટ્સઍપ પર પણ અમુક માહિતી આવી રહી છે."

"તેઓ ટીવી પર જોઈ રહ્યા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની વાતોમાં સમાનતા નથી. લોકોમાં ભયનો માહોલ છે અને આ તમામ વસ્તુ જોઈ-જોઈને તેઓ ડરી રહ્યા છે અને અહીં આવી રહ્યા છે."

"મારા આટલાં વર્ષોના અનુભવમાં આટલી ભીડ પહેલાં ક્યારેય જોઈ નથી."

લોકોની તકલીફ

સીએએ અને એનઆરસીને લઈને આખા દેશમાં અનેક ઠેકાણે પ્રદર્શનો થઈ રહ્યાં છે. કેટલાક પ્રાંતોમાં પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે.

કેન્દ્ર સરકાર સીએએને લઈને સતત પોતાનું સ્પષ્ટીકરણ આપી રહી છે કે આનાથી ભારતના નાગરિકોએ ડરવાની કોઈ જરૂરિયાત નથી.

એક રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કૅબિનેટે એનઆરસીને લઈને કોઈ ચર્ચા કરી નથી.

પરંતુ ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ચર્ચા દરમિયાન કહ્યું હતું કે એનઆરસી આખા દેશમાં લાગુ કરવામાં આવશે. આવી પરિસ્થિતિને કારણે લોકોના મનમાં દુવિધા છે.

કેટલાક લોકોએ પોતાનું નામ સુધારવા માટે અરજી કરી છે. તેમને એવું લાગે છે કે તેમનું નામ એક જગ્યાએ કંઈક અલગ છે અને બીજી જગ્યાએ કંઈક અલગ.

તેમને ડર છે કે ક્યાંક આ કારણે તેમનું એનઆરસીમાંથી હઠાવી દેવામાં ન આવે.

શકીલ અહમદ બાની બેગ એક પૂર્વ કૉર્પોરેટર છે.

તેઓ કહે છે, "અમે અહીં છેલ્લી ઘણી પેઢીઓથી રહીએ છીએ. પરંતુ આસામથી જે રીતે સમાચાર આવી રહ્યા છે એના પછી અમે લોકો તણાવમાં આવી છીએ."

"અમે સમાચારોમાં જોયું અને વાંચ્યું કે જો નામને લઈને જરા પણ ચૂક થશે તો તમારા નામને એનઆરસીની યાદીમાં નહીં સામાવાય."

"લોકોનાં મનમાં ગભરાટ છે ક્યાંક તેમની સાથે પણ આવું જ કંઈક ન બની જાય."

"આવી પરિસ્થિતિને કારણે તેઓ તેમના તમામ પ્રશ્નોના જવાબ તેમને મળે એવું ઇચ્છે છે."

કેવો વિસ્તાર છે માલેગાંવ?

માલેગાંવમાં મોટા પ્રમાણમાં હૅન્ડલૂમ અને ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી છે.

અનેક મુસ્લિમ પરિવારો આ કામ વર્ષોથી કરી રહ્યા છે. અનેક લોકો અને કારીગરો છે, જેઓ અહીં ઉત્તરમાંથી આવીને વસ્યા છે. તેઓ અત્યારે ઘણા પરેશાન છે.

ઘણા બધા લોકો સામે આવીને વાત કરવાથી ગભરાઈ રહ્યા છે.

જોકે, માલેગાંવમાં સીએએ અને એનઆરસીને લઈને બહુ મોટા પ્રમાણમાં પ્રદર્શનો તો નથી થયાં, પરંતુ લોકોમાં ઘણો ડર છે.

ઘણા બધા લોકોનું કહેવું છે કે વર્ષ 1969માં માલેગાંવમાં આવેલા પૂરમાં કાગળો સહિત ઘણું બધું વહી ગયું.

માલેગાંવ રાજકીય રીતે હંમેશાં સંવેદનશીલ વિસ્તાર રહ્યો છે. અહીંનાં તોફાનો અને અહીંની બૉમ્બવિસ્ફોટની ઘટના ચર્ચામાં રહ્યાં હતાં.

પરંતુ હાલના દિવસોમાં ભવિષ્યને લઈને ઊભા થયેલા ભય અને માહિતીના અભાવને કારણે અહીંના લોકો પરેશાન છે. જ્યાં સુધી આ પ્રશ્ન દૂર ન થાય, ત્યાં સુધી લાગતું નથી કે આ લાંબી લાઇનો ઘટતી જોવા મળે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો