Coronavirus : ચીનમાં કોરોના વાઇરસથી 80નાં મૃત્યુ, 3000 લોકો અસરગ્રસ્ત

ચીનમાં કોરોના વાઇરસના પ્રકોપ વધતો જ જાય છે અને મૃતાંક 80 પર પહોંચ્યો છે.

ચીનના હુબેઈ પ્રાંતમાં કોરોના વાઇરસને લીધે અત્યાર સુધીમાં 76 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે.

આખા ચીનમાં કોરોના વાઇરસને કારણે કુલ 80 લોકોનાં મૃત્યુ થયાં છે. 3000 લોકો અસરગ્રસ્ત છે.

ચીનના સ્ટેટ મીડિયાના કહેવા મુજબ 300 લોકો ગંભીર રીતે બીમાર છે.

આ ઉપરાંત તેમજ 5794 લોકોને આ વાઇરસનો ચેપ લાગ્યો હોય તેવી શક્યતા છે અને 30 હજારથી વધુ લોકોને નિરીક્ષણમાં રાખવામાં આવ્યા છે.

દરમિયાન ફ્રાંસના સ્વાસ્થ્યમંત્રી ઍગ્નેસ બુઝીને કહ્યું કે ચીની સરકાર સાથે થયેલા કરાર બાદ આ અઠવાડિયામાં ફ્રાંસના નાગરિકોને ફ્લાઇટના માધ્યમથી ફ્રાન્સ લઈ જવાશે.

તો સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર ગુજરાતને અડીને આવેલા રાજ્ય રાજસ્થાનમાં પણ કોરોના વાઇરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો છે.

લૉકડાઉનને કારણે અંદાજે ત્રણ કરોડ 60 લાખ લોકોને અસર પહોંચી છે.

અગાઉ સૌથી અસરગ્રસ્ત વુહાન શહેર પછી હુઆનગાંગ શહેરમાં પણ લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.

10 શહેરોના આશરે બે કરોડ લોકો પર પ્રવાસ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે અને ફ્લાઇટ, બસ, રેલ સહિતની જાહેર પરિવહન સેવાઓ રદ કરવામાં આવી છે.

વુહાન, હુઆનગાંગ બાદ ગુરુવારે હેબે અને હલોજીઆંગમાં પણ વાઇરસથી મૃત્યુની ઘટના બની છે.

ઉલ્લેખનીય છે કે ચીનમાં કરોડો લોકો લુનાર ન્યૂયરની તૈયારી કરી રહ્યા હતા ત્યારે આ વાઇરસને લીધે જનજીવન પ્રભાવિત થયું છે.

બિજિંગ અને હૉંગકૉંગે ભીડ ભેગી થાય એવા તમામ મોટા કાર્યક્રમો રદ કરી દીધા છે.

ચીનના નેશનલ હૅલ્થ કમિશને કહ્યું કે જેટલાં પણ કેસો સામે આવ્યા છે તેમાં 177 લોકોની હાલત ગંભીર છે. 34 લોકોને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ ઉપરાંત 1072 એવી દરદીઓની ઓળખ કરવામાં આવી છે જે વાઇરસથી પીડિત હોય એવી શંકા છે.

ચીનના આ વાઇરસને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ તાકીદની બેઠક બોલાવી હતી. જોકે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આને આંતરરાષ્ટ્રિય ઇમરજન્સી જાહેરા કરવાથી હાલ ઇન્કાર કર્યો છે.

જે મોટા શહેરો અસરગ્રસ્ત છે તેમાં વુહાન શહેરની વસતિ 1 કરોડ 10 લાખ છે અને હુઆનગાંગની વસતિ 70 લાખ છે.

વુહાન શહેરમાં વિમાન અને ટ્રેન ઉપરાંત બસ, ફેરી, સબ-વે વગેરે ટ્રાન્સપોર્ટેશન સેવા રદ દેવામાં આવી છે.

સિંગાપોર, સાઉદી અરેબિયા અને વિયેતનામમાં પણ આ વાઇરસ જોવા મળ્યો છે.

શહેરો બન્યાં ભૂતિયાં

બિજિંગમાં સરકારે તમામ મોટા સમારોહ રદ કરી દીધા છે. મેળાઓ, ફિલ્મ રિલીઝ વગેરે બંધ કરી દેવામાં આવી છે અને ફોરબિડન સિટીને પણ લોકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે.

હૉંગકૉંગે ઇન્ટરનેશનલ કાર્નિવલ અને વાર્ષિક ફૂટબૉલ ટુર્નામેન્ટ રદ કરી દીધી છે.

જે વુહાન શહેરમાંથી વાઇરસની પહેલીવાર ખબર પડી હતી તેને લૉકડાઉન કરીને અલગ કરી દેવામાં આવ્યું છે અને આ જ પ્રકારના પગલાંઓ અન્ય શહેરોમાં પણ લેવામાં આવ્યા છે.

ખૂબે પ્રાંતમાં 2 કરોડ લોકોને અન્ય લોકોથી અલગ કરી દેવાયા છે. વુહાનમાં જાહેર પરિવહનની તમામ સેવાઓ બંધ કરી દેવાઈ છે અને ખાવા-પીવાની વસ્તુઓની અછતને પગલે દુકાનો પર લાંબી લાઇનો જોવા મળી છે.

વુહાનમાં માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે અને સ્થાનિક લોકોનું કહેવું છે કે તે ભૂતિયા શહેર જેવું ભાસે છે.

ચીનના સત્તાવાળાઓનું કહેવું છે કે વુહાન શહેરમાં લોકોએ બહાર જવાનું અથવા અન્ય લોકોએ વુહાન શહેરની મુલાકાત લેવાનું ટાળવું.

ચીને લોકોને ટોળાંમાં સામેલ નહીં થવા અને વધારે લોકો સામેલ હોય એવા કાર્યક્રમો નહીં કરવાની સલાહ આપી છે.

ચીનનાં અનેક શહેરો ઉપરાંત કોરોના વાઇરસ અમેરિકા, થાઇલૅન્ડ, દક્ષિણ કોરિયા અને જાપાનમાં પણ જોવા મળ્યો છે.

ચીનના નેશનલ હેલ્થ કમિશનના વાઇસ મિનિસ્ટર લિ બિને આ મુદ્દે પહેલી વાર વાત કરી. એમણે કહ્યું કે, ''વુહાનની મુલાકાત ન લો અને જે લોકો વુહાનમાં છે તે શહેર ન છોડે. ''

ચીને એ વાતનો પણ સ્વીકાર કર્યો છે કે દેશ આ વાઇરસના નિયંત્રણમાં નાજુક તબક્કે છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ આ વાઇરસ માણસથી માણસમાં ફેલાઈ રહ્યો છે એ વાતનો ચીને સ્વીકાર કર્યો હતો.

આ દરમિયાન ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સેક્રેટરી પ્રીતિ સુદાને માહિતી આપી છે કે, ભારતમાં આનો કોઈ કેસ જોવા મળ્યો નથી.

ઉલ્લેખનીય છે કે અનેક દેશોએ ચીનથી આવનારી ફ્લાઇટમાં મુસાફરોની આરોગ્ય તપાસનો આદેશ આપ્યો છે અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ મુદ્દે તાકીદની બેઠક યોજી છે.

તેમણે એક અખબારી યાદીમાં કહ્યું કે 21 જાન્યુઆરી સુધીમાં 43 ફ્લાઇટના 9156 મુસાફરોની તપાસ કરવામાં આવી છે અને એક પણ કેસ જોવા મળ્યો નથી.

ઉલ્લેખનીય છે કે ભારત સરકારે ચીનના વાઇરસને પગલે ઍરપૉર્ટ પર મુસાફરોની થર્મલ ચકાસણીનો આદેશ આપ્યો હતો.

કોરોના વાઇરસનાં લક્ષણોશું છે?

દરદીઓ પાસેથી મેળવાયેલા સૅમ્પલની પ્રયોગશાળામાં તપાસ કરવામાં આવી અને તે પછી ચીનના અધિકારીઓએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કહ્યું કે આ કોરોના વાઇરસ છે.

કોરોના વાઇરસ અનેક પ્રકારના હોય છે, પરંતુ એ પૈકી 6 વાઇરસનો જ લોકોને ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. હવે આ નવા વાઇરસની ઓળખ થયા પછી એ સંખ્યા સાત થઈ ગઈ છે.

નવા વાઇરસના જિનેટિક કોડના વિશ્લેષણથી એ ખ્યાલ આવ્યો છે કે આ માણસોને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવતા અન્ય કોરોના વાઇરસની તુલનામાં સાર્સની નજીક છે.

સાર્સ નામના કોરોના વાઇરસને ઘણો ખતરનાક માનવામાં આવે છે. 2002માં ચીનમાં 8098 લોકો સાર્સની ઝપેટમાં આવી ગયા હતા, જેમાંથી 774 લોકોનાં મૃત્યુ થયાં હતા.

કોરોના વાઇરસનાં લક્ષણોમાં માથું દુખવું, નાક વહેવું, ખાંસી, ગળું ખરાબ થવું, તાવ આવવો, બેચેની અને થાક લાગવો, છીંક આવવી કે અસ્થમા વકરવો, ન્યુમોનિયા અને ફેફસાંમાં સોજો વગેરે છે.

ક્યાંથી આવ્યો છે આ વાઇરસ?

આ એકદમ નવા પ્રકારનો વાઇરસ છે.

આ એક જીવોની પ્રજાતિમાંથી બીજા જીવોની પ્રજાતિમાં આવે છે અને પછી માણસને સંક્રમિત કરે છે. ચેપ લાગવાની ખબર પણ પડતી નથી.

નૉટિંઘમ યુનિવર્સિટીના વાઇરોલૉજિસ્ટ પ્રોફેસર જોનાથન બૉલનું કહેવું છે કે આ એકદમ નવા જ પ્રકારનો કોરોના વાઇરસ છે. તે પશુઓમાંથી માણસો સુધી પહોંચ્યો હોય એવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે સાર્સ પણ બિલાડીની પ્રજાતિના એક જીવમાંથી માણસો સુધી પહોંચ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો