શું NPR પર મોદી સરકારે પોતાનું વલણ બદલી નાખ્યું છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગૃહમંત્રી અમિત શાહનું સીએએ પરનું નિવેદન તો યાદ છે ને?

"તમે ક્રૉનોલોજી સમજો. પહેલાં સીએબી આવશે. સીએબી બાદ એનઆરસી આવશે અને એનઆરસી માત્ર બંગાળ માટે નહીં, આખા દેશ માટે આવશે. ઘૂસણખોરો આખા દેશની સમસ્યા છે. બંગાળ જોકે બૉર્ડરનું રાજ્ય છે એટલે ત્યાં સમસ્યા ગંભીર છે, પરંતુ આખા દેશની સમસ્યા છે. પહેલાં સીએબી આવશે. બધા શરણાર્થીઓને નાગરિકતા અપાશે."

હવે યાદ કરો 18 ડિસેમ્બર, 2019માં હિંદીનાં મુખ્ય અખબારોમાં આપેલી સરકારી જાહેરાતને. સીએએ એટલે કે નાગરિકતા સંશોધન કાયદા પર અફવા અને સત્યના ભ્રમને દૂર કરવા માટે આ જાહેરાત અપાઈ હતી.

જાહેરાતમાં અફવાની શ્રેણીમાં લખ્યું હતું- એવા દસ્તાવેજો જેનાથી નાગરિકતા પ્રમાણિત થાય છે, તેને અત્યારથી જ એકઠા કરવા પડશે. નહીં લોકોને નિર્વાસિત કરી દેવાશે.

અને સત્યની શ્રેણીમાં લખવામાં આવ્યું- આ ખોટું છે. કોઈ રાષ્ટ્રવ્યાપી એનઆરસીની ઘોષણા કરાઈ નથી. જો તેની ઘોષણા કરાશે તો એવી સ્થિતિમાં નિયમ અને નિર્દેશ એવા તૈયાર કરાશે, જેથી કોઈ પણ ભારતીય નાગરિકને મુશ્કેલી ન પડે.

સીએએના મુદ્દા પર સરકાર અસ્પષ્ટ હોવાનું આ ઉત્તમ ઉદાહરણ હતું. આવી જ અસ્પષ્ટતા નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર એટલે કે એનપીઆર પર પણ જોવા મળી રહી છે.

તાજું ઉદાહરણ છે માહિતી અને પ્રસારણમંત્રાલયના મંત્રી પ્રકાશ જાવડેકરનું નિવેદન.

બુધવારની કૅબિનેટ બેઠક બાદ થયેલી પત્રકારપરિષદમાં જાવડેકરને એનપીઆરમાં માતાપિતાનાં જન્મસ્થાન/જન્મતિથિ પર આ સવાલ પૂછવામાં આવ્યો- "શું સરકારે એનપીઆર ફૉર્મમાંથી માતાપિતાનાં જન્મસ્થાન/જન્મતિથિને કાઢી નાખી છે?"

આ સવાલ પર જાવડેકરે કહ્યું, "જે કૅબિનેટની બેઠકમાં એનપીઆર પર ચર્ચા થઈ હતી એ બાદ મેં તમને જાણકારી આપી હતી. મેં એ દિવસે જ સ્પષ્ટ કરી દીધું હતું કે એનપીઆર ફૉર્મમાં કેટલાક સવાલ વૈકલ્પિક હશે. વૈકલ્પિક સવાલોના જવાબ તમને યાદ હોય તો આપો. જો ન યાદ હોય તો ન આપો. માતાપિતાનું જન્મસ્થાન કે જન્મતિથિ તમને ખબર ન હોય તો ન આપો."

આ જવાબ પર બીજી વાર પત્રકારે સવાલ કર્યો, "તો શું એનપીઆર ફૉર્મમાંથી જ આ સવાલ કાઢી નાખવામાં આવ્યો છે?"

તેના પર તેમણે કહ્યું, "ના. એવું નથી. જવાબ નહીં આપો તો સવાલ ડ્રૉપ જ માનવામાં આવશે ને."

આ મામલે તેઓ વિસ્તારથી બોલે એ પહેલાં જ તેઓએ પોતાના જવાબમાં જ એક સવાલ ઉમેરી દીધો, "પહેલાં મને એ બતાવો. એનપીઆર કોણ લાવ્યું? કૉંગ્રેસ. ક્યારે લાવી? 2010. ત્યારે તમે લોકોએ સ્વાગત કર્યું. એવો તો ન્યાય ન હોય કે તેઓ લાવે એટલે સારું અને અમે લાવીએ એટલે ખરાબ."

જાવડેકરના આ નિવેદન બાદએ ચર્ચા શરૂ થઈ કે શું કેન્દ્ર સરકારે એનપીઆર પર પોતાનું વલણ બદલી નાખ્યું છે?

જોકે એનપીઆર પર અસ્પષ્ટતાની શરૂઆત રામવિલાસ પાસવાનના નિવેદનથી થઈ. રામવિલાસ પાસવાન કેન્દ્ર સરકારમાં મંત્રી પણ છે અને સરકારમાં સહયોગી પક્ષ પણ.

ધ હિંદુ અખબાર સાથેની વાતચીતમાં રામવિલાસ પાસવાને કહ્યું, "મને મારાં માતાપિતાની જન્મતારીખ યાદ નથી, તો તેને સંબંધિત દસ્તાવેજ ક્યાંથી લાવીશ?"

તેઓએ આગળ કહ્યું, "સરકાર આ સવાલોને છોડવા પર વિચાર કરી શકે છે. આમ પણ સરકારે કહ્યું છે કે એનપીઆરમાં દરેક સવાલ સાથે જોડાયેલા દસ્તાવેજો આપવાની જરૂર નથી."

હકીકતમાં એનપીઆર ફૉર્મમાં જે 21 સવાલો પૂછાવાના છે એમાં એક સવાલ 'માતાપિતાનાં જન્મસ્થાન/જન્મતિથિને લઈને પણ છે.'

એનપીઆરનો વિરોધ કરનારી રાજ્ય સરકારોને પણ આ સવાલ પર સૌથી વધુ આપત્તિ છે. વિપક્ષનો આરોપ છે કે જેવા આ સવાલના જવાબથી ખબર પડશે કે તમે ક્યાંથી આવ્યા છો કે તમારા પૂર્વજો અંગે નથી જાણતા, તો તમને સંદિગ્ધ કૅટેગરીમાં નાખી દેવાશે. આ સવાલ વિપક્ષની ચિંતાનું મૂળ છે.

વિપક્ષના એનપીઆરના વિરોધને એ મુદ્દે પણ હવા મળી છે કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ 9 જાન્યુઆરી, 2020ના 'કેવાયસી' ફૉર્મ માટે જરૂરી દસ્તાવેજોમાં એનપીઆરને પણ જોડી દીધું છે.

બૅન્કોને 'કેવાયસી' માટે જારી દિશાનિર્દેશો માટે જાન્યુઆરીમાં અપડેટ કરવા એક પરિપત્ર મોકલવામાં આવ્યો છે.

એ પરિપત્રમાં કેવાયસી માટે આધિકારિક જરૂરી દસ્તાવેજોની સૂચિમાં એક દસ્તાવેજ તરીકે એનપીઆરને પણ ગણવામાં આવ્યું છે.

કૉંગ્રેસ પાર્ટીએ ગુરુવારે એક પત્રકારપરિષદના માધ્યમથી સરકારને આ મામલે ઘેરી.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, "જે બાબત વૈકલ્પિક છે, તેને શું કામ લખો છો?"

"તમારા ફૉર્મમાં આવા સવાલો કેમ આવે છે? આવા સવાલોની જરૂર શું છે? વૈકલ્પિકતાના આધારે પણ શંકાસ્પદ જાહેર કરાઈ શકાય છે."

"આખરે આરબીઆઈને આજે એનપીઆરને કેવાયસી દસ્તાવેજોમાં સામેલ કરવાની જરૂર કેમ પડી. ભય લોકોમાં નહીં, સરકારમાં હોવો જોઈએ. પરંતુ આજે લોકો સરકારથી ડરેલા છે."

તેઓએ આગળ કહ્યું, "હકીકતમાં સીએએ, એનઆરસી, એનપીઆર અને તેમાં લખેલા છ નવા સવાલ અને આરબીઆઈની નવી ગાઇડલાઇન- બધું મેળવીને સરકાર એક એવું કૉકટેલ તૈયાર કરી રહી છે, જેનાથી ડરનો માહોલ પેદા થયો છે. પરંતુ અમે ભારતીય જિદ્દી પાર્ટી છીએ. અમે તેને નહીં માનીએ."

એનપીઆર એટલે નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર શું છે?

મોદી કૅબિનેટે 24 ડિસેમ્બર, 2021ની વસતિગણતરી અને નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર એટલે કે એનપીઆરને અપડેટ કરવાની મંજૂરી આપી દીધી છે.

વસતિગણતરી 2021માં શરૂ થશે, પરંતુ એનપીઆરને અપડેટ કરવાનું કામ આસામને છોડીને બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એપ્રિલ 2020થી સપ્ટેમ્બર 2020 સુધી ચાલશે.

ગૃહમંત્રાલયે 2021ની વસતિગણતરી માટે 8,754 કરોડ રૂપિયા અને એનપીઆર અપડેટ કરવા માટે 3,941 કરોડ રૂપિયાના ખર્ચના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.

એનપીઆર સામાન્ય રીતે ભારતમાં રહેતા કે યુઝઅલ રેસિડેન્ટ્સનું એક રજિસ્ટર છે.

ભારતમાં રહેતા લોકો માટે એનપીઆર અંતર્ગત રજિસ્ટ્રેશન અનિવાર્ય છે. આ ભારતીયોની સાથે ભારતમાં રહેતા વિદેશી નાગરિકો માટે પણ અનિવાર્ય હશે.

એનપીઆરનો હેતુ દેશમાં રહેતા લોકોનો વ્યાપક રીતે ઓળખથી જોડાયેલા ડેટાબેઝ કરવાનો છે.

પહેલું એનપીઆર 2010માં તૈયાર કરવામાં આવ્યું હતું અને તેને અપડેટ કરવાનું કામ વર્ષ 2015માં ઘરેઘરે જઈને સર્વે કરીને કરવામાં આવ્યું હતું.

હવે તેને ફરી વાર અપડેટ કરવાનું કામ 2020 એપ્રિલ મહિનાથી સપ્ટેમ્બર સુધી 2021ની વસતિગણતરીમાં હાઉસલિસ્ટિંગ ફેઝની સાથે ચાલશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો