જિતુ વાઘાણી સાથેની બેઠક પછી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું પરત ખેંચ્યું

ગુજરાતની સાવલી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે બુધવારે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું અને આજે જિતુ વાઘાણી સાથેની બેઠક પછી માગણીઓ સંતોષાવાની ખાતરી મળતાં રાજીનામું પરત ખેંચવાની વાત કરી છે.

ગુજરાત ભાજપ પ્રમુખ જિતુ વાઘાણીએ કેતન ઇનામદાર સાથ્ બેઠક યોજી હતી.

આ બેઠક પછી તેમણે પત્રકારોને કહ્યું કે કેતનભાઈની પ્રજાલક્ષી માગણીઓ હતી અને તે અંગે યોગ્ય કરવાની ખાતરી આપી છે અને તેઓ રાજીનામું પરત લેશે.

ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાને કહ્યું કે, જિતુ વાઘાણી સાથેની બેઠક પછી કેતન ઇનામદારે રાજીનામું આપવાનો વિચાર પરત ખેંચી લીધો છે.

વિધાનસભા-અધ્યક્ષને મોકલાયેલા રાજીનામામાં તેમણે સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનના અભાવના કારણે રાજીનામું આપ્યું હોવાની વાત કરી હતી.

કેતન ઇનામદારના રાજીનામા બાદ ભાજપમાં વિદ્રોહ ફાટી નીકળ્યો હોવાની વાતો થવા લાગી છે.

નોંધનીય છે કે ભાજપના ધારાસભ્ય ઇનામદારના સમર્થનમાં સાવલી નગરપાલિકા 16 કરતાં વધુ સભ્યોએ તથા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત 17 સભ્યોએ પોતાનાં રાજીનામાં ધરી દીધાં છે.

ઇનામદારે પોતાના પત્રમાં સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોતાની અવગણના થતી હોવાનો આરોપ લગાવ્યો હતો.

બીબીસી ગુજરાતીએ સાવલીના અસંતુષ્ટ ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે તેમના રાજીનામાનું ખરું કારણ તેમજ ભવિષ્યની યોજના વિશે જાણવા માટે વાત કરી હતી.

'સમય પડે મેં સરકારનો સાથે આપ્યો, હવે સરકાર મારો સાથ આપે'

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાની પ્રજાને કરેલા વાયદાઓ પૂર્ણ કરવામાં સરકાર અને વહીવટી તંત્ર તરફથી નક્કર પગલાં ન લેવાતા હોવાની વાતે અસંતોષ વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું : "વર્ષ 2014-15થી હું વારંવાર સરકાર સમક્ષ મારા તાલુકાના વિકાસને લક્ષમાં રાખીને વિચારાયેલા મારા ડ્રીમ પ્રોજેક્ટ પર નક્કર પગલાં લેવા માટે રજૂઆત કરતો આવ્યો છું."

"મુખ્ય મંત્રી, મંત્રીઓ અને અધિકારીઓને અનેક વખત રૂબરૂમાં જઈને આવેદનપત્રો આપી આવ્યો છું."

"છતાં મારા અને મારા તાલુકાના ભાગે માત્ર આશ્વાસન સિવાય કશું જ આવ્યું નથી."

નામદારના ડ્રીમ પ્રોજેક્ટ

પોતાના તાલુકાના અને મતવિસ્તારના લોકો માટે કંઈક યાદગાર કરી છૂટવાનો નિર્ધાર વ્યક્ત કરતાં ધારાસભ્ય ઇનામદારે કહ્યું હતું : "મારો હેતુ માત્ર અને માત્ર લોકોની સુખાકારીમાં વધારો થાય એ છે."

પોતાના ડ્રીમ પ્રોજેક્ટ વિશે વાત કરતાં તેઓ કહે છે : "સાવલી અને ડેસર તાલુકામાંથી મહી અને કરડ નદી પસાર થાય છે."

પોતાના મતવિસ્તારના લોકોને વેઠવી પડતી પાણીની સમસ્યા અંગે તેઓ ચિંતા વ્યક્ત કરે છે.

તેઓ કહે છે : "મારા મતવિસ્તારનાં 34 ગામોમાં સિંચાઈ માટે કોઈ પણ નદીનું પાણી નથી આપવામાં આવતું."

"મેં અધિકારીઓ અને સરકારને માગણી કરી હતી કે આ ગામોમાં લિફ્ટ ઇરિગેશન તકનીક વડે પાણી પહોંચાડવામાં આવે."

પોતાની માગણીઓ પર કાર્યવાહી ન થયા બાબતે અસંતોષ વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે તેમની રજૂઆતો સમગ્ર વિસ્તારની સમૃદ્ધિ અને સુખાકારી માટે હતી, પોતાના સ્વાર્થ માટે નહીં.

નોંધનીય છે કે ગુજરાતમાં પાછલા કેટલાક સમયથી સિંચાઈ માટેના પાણીની સમસ્યા ખૂબ જ વિકટ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે.

અવારનવાર ખેડૂતો અને ગામલોકો સિંચાઈ અને પીવાના પાણીના યોગ્ય પુરવઠાની માગણીને લઈને વહીવટી તંત્રમાં રજૂઆતો કરતા રહે છે.

ધારાસભ્ય ઇનામદાર પોતાના વિસ્તારના ખેડૂતોની લાગણી અને માગણીને અવાજ આપી રહ્યા હોવાનો દાવો કરે છે.

તેઓ આગળ વાત કરતાં જણાવે છે કે, "જો સરકાર મારી યોજના સ્વીકારે તો આ વિસ્તારમાં આવેલી હજારો હૅક્ટર જમીનને સિંચાઈનો લાભ મળી શકશે."

દેશ અને રાજ્યમાં સત્તા ભોગવી રહેલા ભાજપના ટોચના નેતાઓ જ્યારે અવારનવાર ખેડૂતોની આવકમાં વધારો કરવાનો અને તેમનું જીવનધોરણ ઊંચુ લઈ જવાનો દમ ભરે છે ત્યારે ગુજરાતમાં સત્તાધારી ભાજપના એક ધારાસભ્યને ખેડૂતોની સુખાકારી માટે પક્ષની વિરુદ્ધ જવાની જરૂર પડી છે.

આ સિવાય તેઓ પોતાના તાલુકાના યુવાનોની ભલાઈ માટે મેદાને પડ્યા હોવાનો દાવો કરે છે.

તેઓ કહે છે : "મારા મતવિસ્તારમાં મંજુસર GIDC આવેલી છે. અહીં કામ કરતા યુવાનોના પગારમાંથી કામદાર રાજ્ય વીમા મંડળમાં ફાળા પેટે અમુક રકમ કપાય છે."

"પરંતુ તેમને આરોગ્ય સંબંધિત સેવાઓ તાત્કાલિક મળી શકતી નથી."

તેમનો આરોપ છે કે તેમના તાલુકાના યુવાનોને યોગ્ય આરોગ્યસેવાઓનો લાભ નથી મળી રહ્યો.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે આ મુદ્દે પણ ગુજરાત ભાજપના મહત્ત્વના નેતાઓ સાથે ચર્ચા કરી હોવાનું તેઓ જણાવે છે.

"હું લાગણીશીલ માણસ છું, બીજાની જેમ રાજકારણ નથી આવડતું"

તેઓ આ વાતચીતમાં પોતાના વિસ્તારના લોકો માટે મહત્ત્વપૂર્ણ કાર્ય કરવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરે છે.

સત્તા કરતાં પ્રજાના મુદ્દાને પ્રાધાન્ય આપવાનો દાવો કરે છે. તેમના મત પ્રમાણે તેઓ એક લાગણીશીલ માણસ હોવાના કારણે આ પગલું ભરી શક્યા છે.

લોકોની સેવાના નામે સત્તા ભોગવી રહેલા નેતાઓ તરફ સૂચક ઇશારો કરતાં તેમણે કહ્યું હતું કે તેમને અન્યોની જેમ રાજકારણ કરતા નથી આવડતું.

તેઓ પોતાના ડ્રીમ પ્રોજેક્ટની વાત આગળ વધારતા કહે છે કે, "આ સિવાય મારી માગણી હતી કે મારા વિસ્તારમાં આવતા જમુનોત્રી હૉસ્પિટલને અપગ્રેડ કરવામાં આવે."

"ત્યાં લોકો માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય, જેથી વધુમાં વધુ લોકોને સરળ અને સસ્તા દરે સ્વાસ્થ્યસેવાઓ પૂરી પાડી શકાય."

તેઓ પોતાની આ પ્રજાલક્ષી માગણીને પણ સરકાર દ્વારા મહત્ત્વ ન અપાયાનું દુ:ખ વ્યક્ત કરે છે.

"મારી વફાદારીના બદલે સરકાર લોકોના વિકાસ માટે કામ કરે"

તેઓ ઑગસ્ટ, 2017માં ત્રણ રાજ્યસભાની બેઠકો માટે અપક્ષ ધારાસભ્ય હોવા છતાં પક્ષની પડખે રહ્યા હોવાની વાત યાદ અપાવે છે.

તેમનો દાવો છે કે તેઓ 2012થી 2017 સુધીના સમયગાળામાં અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હોવા છતાં ડગલે ને પગલે ભાજપના સમર્થનમાં રહ્યા હતા.

તેઓ કહે છે કે તેમણે પોતાની પ્રજાલક્ષી માગણીઓ માટે રાજ્યસભાની ચૂંટણી વખતે પક્ષ પર દબાણ નાખી સોદાબાજી કરવાની જગ્યાએ સરકારને વિનંતી કરવાનો રસ્તો અપનાવ્યો હતો, તેમ છતાં તેમની વાજબી માગણીઓ પ્રત્યે સરકાર દ્વારા દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે

તેઓ કહે છે કે, "હું માનું છું કે મારાં આ કામો રૂટિન કામો નહોતાં, પરંતુ પ્રજાલક્ષી હતાં."

"જ્યારે હું તમામ મનભેદ ભૂલીને ખરાખરીના સમયે પક્ષને કામ લાગ્યો છું ત્યારે હવે મારી આશા હતી કે પક્ષ પણ રૂટિન કામોથી કરતાં વધારે કામો મારા વિસ્તાર માટે કરે, શું આવી મહત્ત્વકાંક્ષા રાખવું ખોટું છે?"

ભવિષ્યની યોજના

પોતાના રાજીનામા બાદ આગળની યોજના અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું હતું કે તેમના રાજીનામા બાદ ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ જિતુ વાઘાણી તેમને મળવા આવવાના હતા, પરંતુ તેમની નાદુરસ્ત તબિયતને કારણે તેમણે આ મુલાકાત મુલતવી રાખી છે.

જિતુ વાઘાણી સમક્ષ મૂકવાના મુદ્દાઓ અંગે વાત કરતાં તેઓ જણાવે છે કે, "મારા વિસ્તારનાં વિકાસકાર્યો બાબતે મને આશ્વાસન નહીં નક્કર પગલાં ભરવાનો નિર્ધાર દેખાશે તો જ હું મારા નિર્ણય અંગે પુનર્વિચાર કરીશ."

પત્ર લખી વ્યક્ત કર્યો અસંતોષ

પોતાના રાજીનામના પત્રમાં તેમણે લખ્યું હતું, "મારા વિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માગણીઓ સંદર્ભે સરકારશ્રી અને વહીવટી તંત્રના સંકલનના અભાવે તેમજ ઉદાસીનતાના કારણે સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન નથી આપતા."

તેમણે પત્રમાં આગળ લખ્યું હતું કે પ્રજાના પ્રતિનિધિ તરીકે તેમના ધારાસભ્યપદની ગરિમા અને સન્માન નથી જળવાઈ રહ્યાં.

પત્રમાં તેમણે આગળ લખ્યુ હતું કે મંત્રીઓ અને સરકાર દ્વારા દરેક તબક્કે ઉચ્ચ અધિકારીઓનાં માન-સન્માન જાળવવા માટે પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્યના પદની અવગણના કરવામાં આવે છે.

તેમણે પત્રમાં લખ્યું હતું કે, "સરકાર દ્વારા મારી અને બીજા અનેક ધારાસભ્યોની અવગણના કરવામાં આવે છે."

નોંધનીય છે કે 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં સાવલીની બેઠક પરથી કેતન ઇનામદારે જીત મેળવી હતી.

તેમણે કૉંગ્રેસના સાગર બ્રહ્મભટ્ટને 41633 મતથી હરાવ્યા હતા. કેતન ઇનામદારને 97646 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના સાગર બ્રહ્મભટ્ટને 56013 મત મળ્યા હતા.

આ સિવાય તેમને વર્ષ 2012માં ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણી સમયે ટિકિટ ન અપાતાં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાને ઊતર્યા અને જીત હાંસલ કરી હતી.

ભાજપની પ્રતિક્રિયા

ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ આ સમસ્યાનો આવનારા કેટલાક કલાકોમાં નિરાકરણ થઈ જશે, એવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

ધારાસભ્ય કેતન ઇનામદાર અને તેમના સમર્થનમાં પડેલાં રાજીનામાંને તેઓ ભાજપમાં આંતરકલહનું પ્રતીક માનતા નથી.

તેઓ જણાવે છે કે કેતન ઇનામદાર સાથે પ્રદેશાધ્યક્ષ જિતુ વાઘાણી તાત્કાલિક ધોરણે બેઠક કરશે અને તેમને મૂંઝવતા તમામ પ્રશ્નોનો નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાશે.

તેઓ ભાજપમાં કોઈ પણ પ્રકારના વિદ્રોહની શક્યતાને નકારતાં જણાવે છે કે, "પક્ષમાં કોઈ પણ પ્રકારનો વિદ્રોહ નથી, ધારાસભ્યના સમર્થનમાં પડેલાં રાજીનામાં માત્ર સંગઠનની એકતા સૂચવે છે."

"ધારાસભ્ય સાથે અન્ય હોદ્દેદારોને પણ મનાવી લેવામાં આવશે."

"સાંજ પડતાં સુધી ઘીના ઠામમાં ઘી પડી જશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો