You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબહેન શાહીનબાગના પ્રદર્શનમાં સામેલ થયાં? - ફૅક્ટ ચેક
નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના વિરોધમાં દિલ્હીના શાહીનબાગમાં એક મહિના કરતાં વધારે સમયથી પ્રદર્શન ચાલી રહ્યું છે.
શાહીનબાગનું પ્રદર્શન એટલા માટે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે આ પ્રદર્શનમાં મોટા ભાગે મહિલાઓ ભાગ લઈ રહી છે.
આ તમામ બનાવો વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબહેનની તસવીર વાઇરલ થઈ રહી છે.
એવો દાવો કરાઈ રહ્યો છે કે તેઓ શાહીનબાગ ખાતે CAAનો વિરોધ કરવા માટે પહોંચ્યાં ત્યારની આ તસવીર છે.
ફેસબુક પર પણ આ તસવીર અનેક વખત શૅર કરવામાં આવી, લોકો તેને શૅર કરવાની સાથે કંઈક આવું લખી રહ્યા છે - "વડા પ્રધાન મોદીનાં પત્ની શાહીનબાગના વિરોધપ્રદર્શનમાં સામેલ થયાં."
તેમજ ઘણા યુઝર આ તસવીરને શૅર કરવાની સાથે લખી રહ્યા છે : "મોદીજીનાં પત્ની જશોદાબહેન પણ આજે પૈસા મેળવવા માટે શાહીનબાગ પહોંચી ગયાં."
શાહીનબાગમાં ચાલી રહેલા પ્રદર્શનને લઈને થોડા દિવસ પહેલા દાવો કરાયો હતો કે તેમાં સામેલ થવા માટે પૈસા અપાઈ રહ્યા છે.
ભાજપના આઈટી સેલના રાષ્ટ્રીય પ્રમુખ અમિત માલવીયએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરીને દાવો કર્યો હતો, "શાહીનબાગમાં થઈ રહેલાં ધરણાં પૂર્વાયોજિત છે... આ બધું કૉંગ્રેસનો ખેલ છે..."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તસવીરની અસલિયત
બીબીસીએ આ ફોટો અંગે તપાસ કરી, તપાસમાં જશોદબહેન CAA વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનમાં ભાગ લેવા માટે શાહીનબાગ પહોંચ્યા હોવાનો દાવો ખોટો પુરવાર થયો.
બીબીસીની તપાસમાં માલૂમ પડ્યું કે આ તસવીર વર્ષ 2016ની છે. એ સમયે તેઓ મુંબઈમાં એક સ્થાનિક ચેરિટી સંસ્થા દ્વારા આયોજિત અનશનના સ્થળે પહોંચ્યાં હતાં.
'ધ હિંદુ' અખબારમાં આ તસવીર વર્ષ 2016માં પ્રકાશિત થઈ હતી.
રિપોર્ટ અનુસાર આ તસવીર એ સમયની જ્યારે જશોદાબહેન વરસાદ દરમિયાન ઝૂપડાં ન તોડવાની માગનું સમર્થન કરવા માટે એક સ્થાનિક ચૅરિટી સંસ્થા સાથે ધરણાંમાં સામેલ થયાં હતાં.
આ રિપોર્ટ અનુસાર તેઓ પોતાના નાના ભાઈ અશોક મોદી સાથે સ્થાનિક ચૅરિટી સંસ્થા સાથે એક દિવસના ઉપવાસ પર બેસવા ગયાં હતાં.
તેમજ અન્ય એક વેબસાઇટમાં પણ આ તસવીર પ્રકાશિત કરાઈ હતી, જેમાં નરેન્દ્ર મોદીના મુંબઈપ્રવાસ પહેલાં જશોદબહેન એક એનજીઓ સાથે એક દિવસીય ઉપવાસમાં સામેલ થવા ગયાં હતાં.
એ વખતે નરેન્દ્ર મોદી 'મેક ઇન ઇન્ડિયા વીક' માટે મુંબઈની મુલાકાતે આવવાના હતા.
તેમજ 'ધ વીક'ની વેબસાઇટ પર પ્રકાશિત થયેલ રિપોર્ટમાં લખાયું છે કે જશોદાબહેન આ દરમિયાન થોડા કલાકો માટે પ્રતીકાત્મક ઉપવાસ પર બેઠાં હતાં. તેમજ કોઈ પણ જાતના વધારાના દેખાડા વગર તેઓ ત્યાંથી જતાં રહ્યાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો