Coronavirus : ચીનમાં કોરોના વાઇરસથી મૃતાંક 100 પર પહોંચ્યો, ગુજરાતના વિદ્યાર્થીઓની કેવી છે સ્થિતિ?

ચીનમાં કોરોના વાઇરસના પ્રકોપ વધતો જ જાય છે અને મૃતાંક 106 પર પહોંચ્યો છે.

ચીનનું કહેવું છે કે 27 જાન્યુઆરી સુધીમાં 4515 લોકોમાં આ વાઇરસ ફેલાયેલો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ આંકડો 26 તારીખે 2835નો હતો.

વાઇરસનું એપી સેન્ટર બનેલા વુહાન શહેરમાં સજ્જડ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

ચીનના ખૂબે પ્રાંતમાં કોરોના વાઇરસને લીધે અત્યાર સુધીમાં 100 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે.

આખા ચીનમાં કોરોના વાઇરસને કારણે કુલ 106 લોકોનાં મૃત્યુ થયાં છે. 4515 લોકો અસરગ્રસ્ત છે.

મૃત્યુ પામનારા મોટા ભાગના લોકો મોટી ઉંમરના છે.

અગાઉ સોમવારે ચીનના સ્ટેટ મીડિયાએ કહ્યું હતું કે 300 લોકો ગંભીર રીતે બીમાર છે.

આ ઉપરાંત તેમજ 5794 લોકોને આ વાઇરસનો ચેપ લાગ્યો હોય તેવી શક્યતા છે અને 30 હજારથી વધુ લોકોને નિરીક્ષણમાં રાખવામાં આવ્યા છે.

અગાઉ સૌથી અસરગ્રસ્ત વુહાન શહેર પછી હુઆનગાંગ શહેરમાં પણ લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.

ચીનના આ વાઇરસને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ તાકીદની બેઠક બોલાવી હતી. જોકે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આને આંતરરાષ્ટ્રિય ઇમરજન્સી જાહેર કરવાથી હાલ ઇન્કાર કર્યો છે.

ચીન કેવાં પગલાં લઈ રહ્યું છે?

ઉલ્લેખનીય છે કે ચીનમાં કરોડો લોકો લુનાર ન્યૂયરની તૈયારી કરી રહ્યા હતા ત્યારે આ વાઇરસને લીધે જનજીવન પ્રભાવિત થયું છે.

ચીનમાં 10થી વધારે શહેરોમાં પ્રવાસ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે અને ફ્લાઇટ, બસ, રેલ સહિતની જાહેર પરિવહન સેવાઓ રદ કરવામાં આવી છે.

બિજિંગ અને હૉંગકૉંગે ભીડ ભેગી થાય એવા તમામ મોટા કાર્યક્રમો રદ કરી દીધા છે.

ચીનમાં લુનાર ન્યૂયરની રજાઓ લંબાવી દેવામાં આવી છે.

બિજિંગે ખૂબે પ્રાંતની તમામ પરિવહન સેવાઓ બંધ કરી છે અને રાજધાની શાંઘાઈમાં પણ ચેપગ્રસ્ત ખૂબે વિસ્તારમાંથી લોકોના આવવા પર 14 દિવસનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ચીનમાં ખૂબે પ્રાંતમાં જ 100 લોકોનાં મૃત્યુ થયાં છે અને 2714 કેસ જોવા મળ્યા છે.

અનેક શહેરોમાં જાહેર પરિવહનની સેવાઓ બંધ કરવા ઉપરાંત શાંઘાઈ અને હૉંગકૉંગમાં ડિઝનીલૅન્ડ એટ્રેક્શન પાર્ક બંધ કરી દેવામાં આવ્યા છે.

ભારતીયોની શું છે પરિસ્થિતિ?

ચીન ઉપરાંત અમેરિકા, થાઇલૅન્ડ, ઑસ્ટ્રેલિયાસ સિંગાપોર, તાઇવાન, મલેશિયા, દક્ષિણ કોરિયા, જાપાન, ફ્રાંસ, વિયેતનામ, નેપાળ, કૅનેડા, કમ્બોડિયા, શ્રીલંકા, જર્મનીમાં પણ ઘાતક વાઇરસના કેસ જોવા મળ્યા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કહેવા મુજબ ચીનની બહાર કુલ 47 કેસો જોવા મળ્યા છે, પરંતુ મૃત્યુની એક પણ ઘટના બની નથી.

આ દરમિયાન 100 જેટલા ગુજરાતના વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયેલા છે અને તેમને વતન પરત લાવવા માટે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વિદેશમંત્રી એસ. જયશંકર સાથે વાતચીત કરી છે.

વુહાન શહેરમાં અનેક વિદ્યાર્થીઓ ફસાયેલા છે. ગુજરાતના એક વિદ્યાર્થી સમીર બાવળિયાએ વુહાનથી બીબીસી સાથે વાતચીત કરી.

એમણે કહ્યું કે, "હું અહીં બે વર્ષથી છું. હું એમબીબીએસના બીજા વર્ષમાં છું. અમે 25-40 ભારતીય છોકરાઓ અહીં છીએ. હું વુહાનના શયાનિંગમાં અંદર છું. અહીં વાઇરસનું પ્રમાણ ઓછું હતું પણ છેલ્લા 4-5 દિવસથી કેસ બહુ વધી ગયા છે અને મૃત્યુ પણ વધતા જાય છે."

"સરકારે આખું વુહાન શહેર લૉક કરી દીધું છે. ચીનના ન્યૂયરમાં પણ એક પણ વ્યક્તિ ન હતી. અમે 7થી 8 દિવસથી બહાર નથી નીકળ્યા. જમવાની વસ્તુઓ રાખી લીધી હતી પણ એ પૂરી થઈ જવા આવી છે."

"અમે દિવસમાં 3-4 વાર દૂતાવાસનો સંપર્ક કરીએ છીએ. તપાસ કરીએ છીએ. 3 દિવસ અગાઉ અમારી પાસપૉર્ટની વિગતો આપેલી છે પણ હજી ઉકેલ નથી આવ્યો. મારા ચીની મિત્રો કહે છે હાલત બહુ ગંભીર છે."

"અમને અહીં બહુ બીક લાગે છે અને અમારે ઘરે જવું છે."

ચીનના વાઇરસને પગલે ભારત સરકાર દ્વારા ઍરપૉર્ટ પર સઘન સુરક્ષા તપાસના આદેશ આપવામાં આવેલા છે.

ભારતમાં 4 કેસ શંકાસ્પદ ગણાવવામાં આવ્યા હતા. જોકે, તમામનો રિપોર્ટ નૅગેટિવ હોવાનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું છે.

ભારત સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો (પીઆઈબી)એ જણાવ્યા મુજબ હજી સુધી કોઈ કેસ જોવા મળ્યો નથી.

અખબારી યાદી કહે છે કે આ વાઇરસને લઈને કૅબિનેટ સેક્રેટરીની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલય, વિદેશ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન, શ્રમ મંત્રાલય અને એનડીઆરએફના ઉચ્ચ અધિકારીઓ સામેલ હતા.

બેઠકમાં કહેવાયું કે રવિવાર સુધી 137 ફ્લાઇટના 29707 મુસાફરોની તપાસ કરાઈ હતી, જેમાંથી 12 મુસાફરોના નમૂના એનઆઈવી પૂણે તપાસ માટે મોકલી દેવાયા છે. તેમાં કોઈ સંક્રમણ મળ્યું નથી.

દિલ્હીની એઇમ્સ અને આરએમએલ હૉસ્પિટલમાં વિશેષ એકાંત વોર્ડ બનાવાયો છે. રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં 3 વ્યક્તિને વાઇરસના શંકાસ્પદ કેસ તરીકે અલગ વૉર્ડમાં રાખવામાં આવી છે.

સંક્રમણની આશંકાએ મુંબઈમાં વધુ એક વ્યક્તિની નિરીક્ષણમાં રાખવામાં આવી છે. અગાઉ ત્રણ વ્યક્તિઓની હૉસ્પિટલમાં ભરતી કરાઈ હતી.

આ દરમિયાન ચીન સ્થિત ભારતીય દૂતાવાસે 3 હેલ્પલાઇન અને ઇમેલ દ્વારા ભારતીય સંપર્ક કરી શકે છે તેની માહિતી આપી છે.

કોરોના વાઇરસનાં લક્ષણોશું છે?

હાલ જે ચીનમાં ફેલાયો છે તે વાઇરસની કોઈ રસી કે દવા નથી.

ચીનમાં દરદીઓ પાસેથી મેળવાયેલા સૅમ્પલની પ્રયોગશાળામાં તપાસ કરવામાં આવી અને તે પછી ચીનના અધિકારીઓએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કહ્યું કે આ કોરોના વાઇરસ છે.

કોરોના વાઇરસ અનેક પ્રકારના હોય છે, પરંતુ એ પૈકી 6 વાઇરસનો જ લોકોને ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. હવે આ નવા વાઇરસની ઓળખ થયા પછી એ સંખ્યા સાત થઈ ગઈ છે.

નવા વાઇરસના જિનેટિક કોડના વિશ્લેષણથી એ ખ્યાલ આવ્યો છે કે આ માણસોને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવતા અન્ય કોરોના વાઇરસની તુલનામાં સાર્સની નજીક છે.

સાર્સ નામના કોરોના વાઇરસને ઘણો ખતરનાક માનવામાં આવે છે. 2002માં ચીનમાં 8098 લોકો સાર્સની ઝપેટમાં આવી ગયા હતા, જેમાંથી 774 લોકોનાં મૃત્યુ થયાં હતા.

કોરોના વાઇરસનાં લક્ષણોમાં માથું દુખવું, નાક વહેવું, ખાંસી, ગળું ખરાબ થવું, તાવ આવવો, બેચેની અને થાક લાગવો, છીંક આવવી કે અસ્થમા વકરવો, ન્યુમોનિયા અને ફેફસાંમાં સોજો વગેરે છે.

ક્યાંથી આવ્યો છે આ વાઇરસ?

આ એકદમ નવા પ્રકારનો વાઇરસ છે.

આ એક જીવોની પ્રજાતિમાંથી બીજા જીવોની પ્રજાતિમાં આવે છે અને પછી માણસને સંક્રમિત કરે છે. ચેપ લાગવાની ખબર પણ પડતી નથી.

નૉટિંઘમ યુનિવર્સિટીના વાઇરોલૉજિસ્ટ પ્રોફેસર જોનાથન બૉલનું કહેવું છે કે આ એકદમ નવા જ પ્રકારનો કોરોના વાઇરસ છે. તે પશુઓમાંથી માણસો સુધી પહોંચ્યો હોય એવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે સાર્સ પણ બિલાડીની પ્રજાતિના એક જીવમાંથી માણસો સુધી પહોંચ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો